એનિમલ અને આલ્ફા મેલ : માણસ પશુતા અને ચેતનાની વચ્ચે ક્યાંક ઊભો છે
——————————-
‘આલ્ફા મેલ’ શબ્દપ્રયોગ સંભવતઃ પુરુષની એક એવી સ્ટીરિયો-ટિપિકલ ઇમેજનું સમર્થન કરી નાખે છે, જે જડભરત છે, જે હિંસક અને ટોક્સિક હોઈ શકે છે, જે માલિકીભાવ ધરાવે છે, જે સ્ત્રીને માત્ર બચ્ચાં જણતા શરીર તરીકે જુએ છે, જેને સ્ત્રી-પુરુષ સમાનતા કઈ ચિડીયાનું નામ છે એની ખબર નથી!
——————————-
વાત-વિચાર – ગુજરાત સમાચાર – Edit page
——————————-
ભાગ્યે જ એવું બનતું હોય છે કે કોઈ મેઇનસ્ટ્રીમ ફિલ્મ એટલી હદે ચર્ચા, થિયરીઓ અને તર્ક-પ્રતિતર્કનો વિસ્ફોટ કરી દે કે તે અખબારોનાં કલરફુલ ગ્લેમર પેજીસ પરથી ગતિ કરીને ગંભીર સામગ્રી પીરસતાં પાનાં પર સ્થાન લઇ લે. ‘એનિમલ’ આ પ્રકારની ફિલ્મ છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા લિખિત-દિગ્દશત અને ડિરેક્ટ કરેલી ને રણબીર કપૂર અભિનિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી અથવા તો સમગ્રપણે આ ફિલ્મ કેવી છે ને કેવી નહીં તે જુદો વિષય છે. મહત્ત્વનું એ છે કે ‘એનિમલે’ ઓડિયન્સમાં વિચારોના તખણા પ્રગટાવી દેવાનું કામ કર્યું છે.
‘એનિમલ’નો નાયક એક ભયંકર આક્રમક પુરુષ છે, પોતાના પરિવારની રક્ષા માટે તે તબાહી મચાવી શકે છે અને ખુદ ખુવાર થઈ શકે છે, એ સ્ત્રીને સૌથી પહેલાં એક એવી માદા તરીકે જુએ છે, જેના નિતંબ પુષ્ટ છે અને જે સ્વસ્થ સંતાનો જણી શકવાની ક્ષમતા ધરાવે છે… અને નાયક ખુદને એક ‘આલ્ફા મેલ’ તરીકે ઓળખાવે છે. ‘આલ્ફા મેલ’ શબ્દપ્રયોગ અવારનવાર થતો રહે છે. સામાન્યપણે ‘આલ્ફા મેલ’ એટલે એટલો એવો પુરુષ જે નેતૃત્વના ભરપૂર ગુણો ધરાવે છે, જે અહંકારી છે, જેનો સ્વભાવ આધિપત્ય જમાવવાનો છે, જે આત્મવિશ્વાસથી ફાટ ફાટ થાય છે, જે ક્યારેય અવઢવમાં હોતો નથી અને સમાજ જેને ખૂબ સફળ માણસ તરીકે જુએ છે. આ દૃષ્ટિએ નરેન્દ્ર મોદી આજના ભારતના અલ્ટિમેટ આલ્ફા મેલ છે! મૂકેશ અંબાણી, વિરાટ કોહલી અને શાહરૂખ ખાન જેવા સેલિબ્રિટી પણ આલ્ફા મેલ છે, તો દાઉદ ઇબ્રાહિમ જેવા ગેંગસ્ટરમાં પણ આલ્ફા મેલનાં લક્ષણો છે! આલ્ફા મેલ કદાચ ‘ગુડ બોય’ કરતાં ‘બેડ બોય’ સાથે વધારે નિકટતા ધરાવે છે. આલ્ફા મેલ હોવાની સ્થિતિને નૈતિકતા અને સત્યતા સાથે શો સંબંધ હોય છે?
‘આલ્ફા મેલ’ શબ્દનો પ્રયોગ સૌથી પહેલાં પ્રાણીઓની, ખાસ કરીને વરુ (વુલ્ફ, ભેડિયા)ની વર્તણૂકના અભ્યાસ દરમિયાન થયો હતો. વરુઓમાં આલ્ફા મેલ એ છે, જે આખા ઝુંડનું નેતૃત્વ કરે છે અને પ્રજોત્પત્તિ અંગેના નિર્ણયો લે છે. માત્ર વરુ નહીં, લગભગ તમામ પ્રકારનાં જાનવરોનાં ઝુંડમાં જે આલ્ફા મેલ છે તે ખૂબ આક્રમક અને ટેરિટોરિઅલ હોવાનો. ટેરિટોરીઅલ હોવું એટલે પ્રદેશવાદી હોવું! ભારતના નક્શામાં જેટલા પ્રદેશ દેખાય છે તે આપણી ટેરિટરી છે, તેના પર આપણી માલિકી છે. આપણી ટેરિટરીમાં ઘુસણખોરી કરવા માગતો કોઈ પણ દેશ આપણો દુશ્મન છે. શેરીમાં રખડતાં કૂતરાં પણ પોતાનાં મૂત્ર વડે પોતાની ટેરિટરી અંકિત કરી નાખે છે. પ્રાણીઓના ઝુંડમાં રહેલો આલ્ફા મેલ ‘રિસોર્સ કંટ્રોલ’ કરવાનું કામ પણ કરે છે.
પ્રાણીઓ માટે વપરાતો આલ્ફા મેલ શબ્દ માણસજાતિ માટે સીધેસીધો, એ જ અર્થમાં વાપરી શકાતો નથી. આલ્ફા મેલ શબ્દપ્રયોગ ક્યારેક વિવાદ જન્માવી દે છે, કેમ કે આજના સામાજિક સંદર્ભમાં આલ્ફા મેલ શબ્દપ્રયોગ સંભવતઃ પુરુષની એક એવી સ્ટીરિયો-ટિપિકલ ઇમેજનું સમર્થન કરી નાખે છે, જે જડભરત છે, જે હિંસક અને ટોક્સિક હોઈ શકે છે, જે માલિકીભાવ ધરાવે છે, જે સ્ત્રીને માત્ર બચ્ચાં જણતા શરીર તરીકે જુએ છે, જેને સ્ત્રી-પુરુષ સમાનતા કઈ ચિડીયાનું નામ છે એની ખબર નથી અને જેની ડિક્શનરીમાં સંવેદનશીલતા અને સહાનુભૂતિ જેવા શબ્દો ક્યારેક સદંતર ગાયબ હોય છે. અલબત્ત, આલ્ફા મેનની એક સ્વીકાર્ય અને ‘હાર્મલેસ’ વ્યાખ્યા એ છે કે, ‘આલ્ફા મેન’ એટલે લીડરશિપ ક્વોલિટી ધરાવતો એવો પુરુષ જે સફળ, કોન્ફિડન્ટ, જબરો અને જિદ્દી છે.
‘એનિમલ’ ફિલ્મનું કેન્દ્ર બાપ-બેટાનો સંબંધ નથી, અતિ હિંસા એ આ ફિલ્મની પ્રમુખ હાઇલાઇટ નથી. આ ફિલ્મ આટલી બધી ચર્ચાઈ રહી છે તેનું કારણ એ છે કે તે ઓડિયન્સમાં બેઠેલા પુરુષોને સીધો સંદેશો આપે છેઃ ભૂલતા નહીં કે તમારી અંદર એક પશુ વસે છે. જો કોઈ તમારી ટેરિટરીમાં પગ મૂકશે તો આ પશુ છંછેડાઈને ત્રાહિમામ્ મચાવી શકે છે! જો કોઈ તમારા સ્વજનને નુક્સાન પહોંચાડવાની કોશિશ કરે ને તમે જંગલી પશુની જેમ એ માણસને ફાડી ખાઓ તો એ સમજી શકાય એવું છે, કેમ કે તમે એક આલ્ફા મેલ છો!
અલબત્ત, અહીં હિંસક વર્તનને વ્યાજબી ઠરાવવાનો પ્રયાસ થયો નથી. ફિલ્મનું નામ જ ‘એનિમલ’ છે, ‘મનુષ્ય’ નહીં. ફિલ્મનો નાયક જે આત્યંતિક વર્તન કરે છે તે એની પશુતાની અભિવ્યક્તિ છે, એની માનવીયતાની નહીં.
***
પૃથ્વીના પટ પર સૌથી પહેલાં પૂર્વ આફ્રિકામાં, લગભગ પચ્ચીસ લાખ વર્ષ પહેલાં, માનવજાતનું અસ્તિત્ત્વ નોંધાયું હતું. તે પછીના પાંચ લાખ વર્ષો સુધી આ આદિમાનવો આફ્રિકામાં જ રહ્યા. ત્યાર બાદ, વીસ લાખ વર્ષ પહેલાં તેઓ ફરતાંફરતાં નોર્થ અમેરિકા, યુરોપ અને એશિયા સુધી પહોંચી ગયા. આ આદિમાનવો ઉત્ક્રાંતિના એક ચોકકસ તબક્કે હોમો સેપીઅન્સ કહેવાયા. દોઢ લાખ વર્ષ પહેલાં પૂર્વ આફ્રિકામાં ઈવોલ્વ થયેલા હોમો સેપીઅન્સ લગભગ આજના મનુષ્યો જેવા જ હતા. અગ્નિની શોધ થઈ ચુકી હતી એટલે રાંધવાનું સરળ બની ગયું હતું. પોતાના પૂર્વજોની માફક તેમણે કાચેકાચો ખોરાક ચાવ-ચાવ કરવો પડતો નહોતો. પરિણામે સેપીઅન્સનાં દાંત અને જડબાં નાનાં થઈ ગયાં અને દિમાગનું કદ ખાસ્સું વધીને હાલ આપણા દિમાગની સાઈઝ જેટલું થઈ ગયું હતું.
ચિમ્પાન્ઝી આપણા એટલે કે માનવજાતના સૌથી નજીકના સગા થાય તે આપણે જાણીએ છીએ. ગોરિલા અને ઉરાંગઉટાંગ આપણા રિલેટીવ ખરા, પણ સહેજ દૃૂરના. ફકત છ લાખ વર્ષ પહેલાં એક બંદરિયાએ બે દીકરીઓ જણી હતી, જેમાંથી બે ફાંટા પડયા. એક ફાંટો આગળ જઈને ચિમ્પાન્ઝી બન્યો અને બીજો ફાંટો આગળ જઈને માણસ બન્યો. આનો અર્થ એ કે છ લાખ વર્ષ પહેલાં આપણી ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડમધર અને ચિમ્પાન્ઝીની ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડમધર એક જ માની કૂખમાંથી જન્મેલી સગી બહેનો હતી! ઇઝરાયલી લેખક યુવલ હરારીએ પોતાના અદભુત પુસ્તક ‘સેપિઅન્સ’માં માનવજાતનો આખો ઇતિહાસ રસપ્રદ થ્રિલરની જેમ આલેખ્યો છે.
***
આદિમાનવમાંથી માનવ બનવામાં, પશુને બદલે માણસની જેમ જીવતાં શીખવામાં આપણે લાખો વર્ષ ખર્ચી નાખ્યાં છે. માણસની બુદ્ધિની સાથે સાથે સંસ્કૃતિઓ વિકસી, ક્રમશઃ ધર્મ અને વિજ્ઞાાને પ્રવેશ કર્યો, માણસ ભણીગણીને સુસંસ્કૃત બનતો ગયો. છતાંય આપણી પાશવિક વૃત્તિઓ નિર્મૂળ ન થઈ, કેમ કે માનવજાતનું અસ્તિત્ત્વને ટકી રહે તે માટે આ પ્રાચીન વૃત્તિઓનું હોવું આવશ્યક છે. આ પ્રકૃતિ છે, જે માણસના ડીએનએમાં પેઢી-દર-પેઢી વહેતી આવે છે. અલબત્ત, સભ્ય માણસે પોતાની વૃત્તિઓ પર લગામ દેતાં, તેની સાથે કામ પાર પાડતાં શીખી લીધું છે.
જ્ઞાાની મનુષ્યો કહે છે કે ધર્મ મુખ્યતઃ વિદ્રોહ જ છે – પ્રકૃતિગત પશુતાની વિરુદ્ધ. અસલી ધર્મ અથવા અધ્યાત્મ આપણને શું શીખવે છે? એ જ કે, જે મનુષ્યને પોતાની પશુતા પર લગામ મૂકતાં આવડી ગયું છે તે દેવત્વ તરફ ઉપર ઉઠી રહ્યો છે, જ્યારે એ માણસ અસુર સમાન છે, જે હજુય પશુ બનીને બેઠો છે. ‘માણસે પોતાનો જન્મ સાર્થક કરવો જોઈએ’ અથવા તો ‘જન્મારો સાર્થક થઈ ગયો’ – આપણે અવારનવાર આ શબ્દપ્રયોગ વાંચતા-સાંભળતા રહીએ છીએ. જન્મ સાર્થક થવો એટલે એક્ઝેક્ટલી શું? અધ્યાત્મ આનો સ્પષ્ટ ઉત્તર આપે છેઃ પોતાની પશુતાને શક્ય એટલા પાછળ મૂકતા જઈને પોતાની ચેતનાને મહત્તમ ઊંચાઈ સુધી લઈ જવી – આને જ જન્મ સાર્થક કરવો કહે છે. આ જ પુણ્ય છે! …અને પોતાની પશુતાનો ઇલાજ ન કરવો એ જ પાપ છે. પાપ-પુણ્યની આ વ્યાખ્યાને ગાંઠે બાંધી લેવા જેવી છે.
જ્ઞાાની પુરૂષોએ કહ્યું છે કે, આપણું એક મુખ્ય જીવનકર્મ એ જોવાનું છે કે, મારી ચેતના, મારી પશુતા કરતાં કેટલી દૂર છે? ચેતનાને ‘માપવાનો’ આ જ માપદંડ છે – પશુતાનું અતિક્રમણ. ચેતનાની ઊંચાઈને પ્રદર્શિત કરતા રહીને ‘હું મનુષ્ય છું, પશુ નહીં’ તે સતત, પ્રતિપળ સાબિત કરતાં રહેવું પડે છે. સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મનો નાયક આ માપદંડ પર સતત નિષ્ફળ જાય છે. તેથી જ તે ‘એનિમલ’ કહેવાયો છે.
– Shishir Ramavat
Leave a Reply