ભારત વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે ત્યારે શું ભારતના ગરીબોની સ્થિતિ ચમત્કારિક રીતે સુધરી જશે? એમનાં ઘરનાં નળિયાં સોનાનાં થઈ જશે? ઇંગ્લેન્ડ-ફ્રાન્સ-ઇટલીની માફક શું ઇન્ડિયા પણ ઝગમગ ઝગમગ, ગ્લેમરસ દેશ બની જશે? જવાબ છેઃ ના.
———————————
વાત-વિચાર – એડિટ પેજ – ગુજરાત સમાચાર
———————————
ભારત આજે ૩.૭૩ ટ્રિલિયન ડોલરના જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ – નોમિનલ) સાથે દુનિયાનું પાંચમા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે તે એક તથ્ય છે. આ કંઈ કેન્દ્ર સરકારે પોતાની પીઠ થાબડવા માટે જાતે ઘોષિત કરી દીધેલો આંકડો નથી. આ ઇન્ટનેશનલ મોનિટરી ફન્ડ (આએમએફ) જેવી સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ઘોષિત કરેલો ક્રમ છે. દુનિયામાં આપણાથી મોટાં કેવળ ચાર જ અર્થતંત્રો છે – અમેરિકા (૨૬.૯૫ ટ્રિલિયન), ચીન (૧૭.૭૦ ટ્રિલિયન), જર્મની (૪.૪૩ ટ્રિલિયન) અને જપાન (૪.૨૩ ટ્રિલિયન). ભારતની ખ્વાહિશ હવે જર્મની અને જપાનને પાછળ રાખી દઈને દુનિયાની થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનવાનું છે. આપણે ઈંગ્લેન્ડ (૩.૩૩ ટ્રિલિયન), ફ્રાન્સ (૩.૦૫ ટ્રિલિયન), ઇટલી (૨.૧૯ ટ્રિલિયન). બ્રાઝિલ (૨.૧૩ ટ્રિલિયન) અને કેનેડા (૨.૦૧ ટ્રિલિયન)ને ટોપ-ટેન લિસ્ટમાં અનુક્રમ છથી દસ નંબરના ક્રમ પર પાછળ છોડી જ દીધા છે.
સહેજે સવાલ થાયઃ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઇટલી તો પૈસાવાળા, મોડર્ન, સુધરેલા અને ડેવલપ્ડ દેશો છે. ભારત તો હજુ ડેવલપિંગ (વિકાસશીલ) કંટ્રી છે, આપણે ત્યાં હજુ પુષ્કળ ગરીબી અને ભૂખમરો છે, આપણી પ્રજાનો એક બહુ મોટો વર્ગ અભણ છે, આપણે ત્યાં બેરોજગારી, નબળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સમસ્યાઓ પાર નથી, તોય આપણે ઇંગ્લેન્ડ-ફ્રાન્સ-ઇટલી-કેનેડાથી આગળ નીકળી ગયા છીએ એવું કેવી રીતે કહેવાય? આ સવાલને બીજી રીતે આમ પૂછી શકાયઃ માની લીધું કે આપણે દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી ઇકોનોમી છીએ, પણ તેનાથી દેશની નિમ્ન મધ્યમવર્ગીય અને ગરીબ જનતાને શો ફર્ક પડી ગયો? એમનું જીવન તો હજુ પહેલાં જેવું જ હાડમારીભર્યું છે!
હજુય બે ડગલાં આગળ વધીને સવાલો પૂછીએ તો, ધારો કે આપણે થોડાં વર્ષોમાં વિશ્વની થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બની જઈએ તો પણ શું? ત્યારે શું ભારતના ગરીબોની સ્થિતિ ચમત્કારિક રીતે સુધરી જશે? એમનાં ઘરનાં નળિયાં સોનાનાં થઈ જશે? શું ત્યારે ઇન્ડિયા પણ ઇંગ્લેન્ડ-ફ્રાન્સ-ઇટલીની માફક ઝગમગ ઝગમગ, ગ્લેમરસ દેશ બની જશે?
આ બધા સવાલના જવાબ છેઃ ના. ભારત વિશ્વની ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે ત્યારે પણ આપણે ત્યાં ગરીબો તો હશે જ, રસ્તે ભીખ માગતા ભીખારીઓ પણ હશે ને તે વખતેય ભૂખથી, કુપોષણથી મરનારાઓના આંકડા આપણને ચોંકાવતા હશે. તરત મનમાં વિચાર આવે કે જો આ બધું આમનું આમ રહેવાનું હોય, ગરીબોના જીવન પર કંઈ ફરક પડવાનો ન હોય તો ભારત ગમે એટલા ટ્રિલિયન ડોલરનું તોતિંગ અર્થતંત્ર બને કે જીડીપીની રેસમાં તે ગમે તેટલું આગળ વધે તેનો મતલબ શો છે?
બિલકુલ વેલિડ અને વેધક સવાલ છે આ.
અર્થતંત્ર એક અત્યંત જટિલ વિષય છે. ગરીબીની જેમ જ. એક વાત સમજી લેવી જોઈએ. જીડીપી અને ગરીબીના નિવારણ વચ્ચે સીધોસટ્ટ સંબંધ નથી. આજની તારીખે અમેરિકા દુનિયાનો સૌથી ધનિક અને શક્તિશાળી દેશ છે. તો શું અમેરિકામાં ગરીબ, બેકાર, બેઘર લોકો નથી? ભિખારીઓ નથી? છે જ. યુએસ સેન્સસ બ્યુરોનો ૨૦૨૨નો આંકડો કહે છે કે, અમેરિકાની ૧૧.૫ ટકા પ્રજા, એટલે કે આશરે ૩ કરોડ ૭૯ લાખ લોકો ગરીબીમાં સબડે છે. આ ઓફિશિયલ પોવર્ટી રેટ છે. બીજો એક માનાંક છે, સપ્લિમેન્ટ પોવર્ટી મેઝર (એસપીએમ), કે જેમાં ભૌગોલિકતા અને કોસ્ટ-ઓફ-લિવિંગ જેવાં પરિબળો પણ ધ્યાનમાં લેવામાં આવે છેે. તે અનુસાર તો અમેરિકાની ૧૨.૪ ટકા પ્રજા ગરીબીમાં સબડી રહી છે. દુનિયામાં સૌથી વધુ જીડીપી ધરાવતા ટોપ-ટેન દેશોમાં કેટલા ટકા લોકો ગરીબી રેખાની નીચે જીવે છે તે આંકડા વર્લ્ડ બેન્કે જાહેર કર્યા છેઃ
અમેરિકા (હમણાં નોંધ્યું તેમ, ૧૧.૫ ટકા), ચીન (૬.૧ ટકા), જર્મની (૧૫.૩ ટકા), જપાન (૧૪.૭ ટકા), ભારત (૨૧.૯ ટકા), ઇંગ્લેન્ડ (૧૪.પ ટકા), ફ્રાન્સ (૮.૫ ટકા), ઇટલી (૮.૧ ટકા), બ્રાઝિલ (૮.૪ ટકા) અને કેનેડા (૭.૫ ટકા). આમ, વિશ્વની ટોપ-ટેન ઇકોનોમી ધરાવતા દેશોમાં ગરીબી રેખા નીચે પુષ્કળ લોકો જીવે જ છે. ગરીબીના મામલામાં ભારત બાકીના નવેય દેશો કરતાં આગળ છે.
આગળ વધતાં પહેલાં એ જાણી લઈએ કે ગરીબીની વ્યાખ્યા અથવા તો માપ શું છે? યુનાઇટેડ નેશન્સ કહે છે કે જે માણસ રોજના ૧.૯ ડોલર કરતાં ઓછા પૈસામાં જીવતો હોય તો તે અતિ ગરીબ માણસ છે. આને આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા કહે છે. ગ્લોબલ સ્ટેટિસ્કિક્સ કહે છે કે, આ ગણતરી પ્રમાણે દુનિયાનો પ્રત્યેક દસમો માણસ આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા નીચે જીવે છે. દુનિયાના સૌથી ધનિક દેશોમાં વસતા ગરીબ લોકોએ પણ રોટી, કપડા, મકાન અને દવાદારૂ માટે ભરપૂર સંઘર્ષ કરવો પડે છે.
જોકે ગરીબ-ગરીબમાં પણ ફર્ક હોય છે. ભારતનો ગરીબ અને અમેરિકાનો ગરીબ – આ બન્નેનું જીવનધોરણ જુદું હોવાનું. પ્રત્યેક દેશ પોતપોતાની રીતે ગરીબી રેખા ડિફાઇન કરે છે. જેમ કે, ડેન્માર્કમાં પ્રતિદિન ૩૦ ડોલર કરતાં ઓછા નાણામાં જીવનબસર કરતો માણસ ગરીબ ગણાય છે. ક્યાં આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા મુજબ રોજના એક-બે ડોલર ને ક્યાં રોજના ૩૦ ડોલર. આપણે ભારતની વાત કરીએ. ભારતમાંય પાછા ગામડા અને શહેરો માટે ગરીબી રેખાના જુદા જુદા આંકડા છે. ગામડામાં વસતો ભારતીય માણસ વ્યક્તિગત રીતે મહિનામાં ૧,૦૫૯ રૂપિયા (એટલે કે રોજના ૩૫ રૂપિયા) કે તેથી ઓછી કમાણી કરતો હોય તો તે ઓફિશિયલી ગરીબ છે. ભારતમાં જો માણસ શહેરમાં રહેતો હોય અને એ વ્યક્તિગત રીતે મહિને ૧,૨૮૬ રૂપિયા (એટલે કે રોજના ૪૩ રૂપિયા) જ કમાતો હોય તો તે કાયદેસર રીતે ગરીબ છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભારતના કોઈ શહેરી પરિવારમાં એક કમાનારો હોય ને ચાર ખાનારા હોય ને કમાતા માણસની માસિક આવક ૫,૧૧૪ રૂપિયા કરતાં ઓછી હોય તો તે અતિ ગરીબ ફેમિલી છે. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા કરતાંય ભારતની સ્થાનિક ગરીબી રેખા વધારે ઘણી વધારે રંક છે. ડોલરની ભાષામાં વાત કરીએ તો, ગરીબ ભારતીય બિચારો રોજનો અડધો ડોલર પણ કમાતો નથી.
જે દેશમાં ગરીબો ઓછામાં ઓછા હોય તે જરૂરી નથી કે વિશ્વના સૌથી સમૃદ્ધ અર્થતંત્રોમાં સ્થાન પામતો હોય. ડેન્માર્કમાં સૌથી ઓછી ગરીબી છે. દુનિયામાં સૌથી ઓછી ગરીબી ધરાવતા દેશો ઉપરથી નીચેના ક્રમમાં આ રહ્યાઃ ડેન્માર્ક પછી ચેક રિપબ્લિક, ફિનલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, આઇસલેન્ડ, નેધરલેન્ડ્ઝ, આયરલેન્ડ, સ્વીડન અને લક્ઝમર્બગ. આમાંનો એક પણ દેશ ટોપ-ટેન ઇકોનોમીમાં સ્થાન પામતો નથી, તે તમે નોંધ્યું?
કોઈ પણ દેશનું સરેરાશ જીવનધોરણ કેવું છે તેનું સાચું માપ જીડીપી પરથી મળતું નથી. તેના માટે જીડીપી (પીપીપી) ધ્યાનમાં લેવો જોઈએ. જીડીપી (પીપીપી) એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ પર્ચેઝિંગ પાવર પેરિટી. દેશની જીડીપીના સંદર્ભમાં પ્રજાની ખરીદશક્તિ કેવી છે તે આ આંકડા પરથી જાણવા મળે છે. ૨૦૨૨ના સર્વે અનુસાર, વિશ્વમાં જીડીપી (પીપીપી)ના મામલામાં નંબર વન કન્ટ્રી છે, લક્ઝમબર્ગ. આમ, લક્ઝમબર્ગના પ્રજાનું સરેરાશ જીવનધોરણ આખી દુનિયામાં સૌથી ઊંચું છે. બીજો અર્થ એમ પણ કરી શકાય કે અહીં આર્થિક અસમાનતા સૌથી ઓછી છે. લક્ઝમબર્ગની જીડીપી (પીપીપી) પર કેપિટા ૧,૪૨,૨૧૪ ડોલર છે. આ લિસ્ટમાં બીજાથી દસમા નંબર પર આવતા દેશો ઊતરતા ક્રમમાં આ પ્રમાણે છેઃ સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, આઇસલેન્ડ, ડેન્માર્ક, ફિનલેન્ડ, નેધરલેન્ડ્ઝ, આયર્લેન્ડ, સ્વીડન અને ચેક રિપબ્લિક. આ દેશો અને સૌથી ઓછી ગરીબી ધરાવતા દેશો એક જ છે, ફક્ત ક્રમમાં થોડો ફેરફાર છે.
વાત પાછી જ્યાંથી શરૂ કરી હતી ત્યાં જ આવીને ઊભી રહે છે. આપણને થાય કે જે દેશોના અર્થતંત્ર સૌથી તગડા છે તેઓ પોતાના દેશમાંથી ગરીબી દૂર કેમ કરતા નથી? ઇકોનોમીનું કદ વધવાનો અર્થ શું એમ થાય કે તે દેશમાં પૈસાદાર માણસ વધારે પૈસાદાર બને ને ગરીબ માણસ વધારે ગરીબ બનેે? ઇકોનોમીનું કદ વધે એટલે તેની સાથે સાથે આર્થિક અસમાનતા વધવી જોઈએ કે ઘટવી જોઈએ? ભારત દુનિયાની ફિફ્થ લાર્જેસ્ટ ઇકોનોમીમાંથી થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બની જશે ત્યારે શું આપણે ત્યાં પણ પૈસાવાળા વધારે માલદાર બની જશે ને ગરીબોની હાલત અત્યારે છે તેના કરતાંય વધારે કફોડી થઈ જશે? અર્થતંત્ર, ગરીબી, આર્થિક સમાનતા, રાષ્ટ્રીય સ્તરે પૈસાનું વિતરણ આ બધા બહુ કોમ્પેલેક્સ વિષયો છે. તો પણ આપણે બને તેટલી સરળતાથી તેના જવાબ શોધવાની કોશિશ કરીશું. આવતા શનિવારે.
– શિશિર રામાવત
#IndianEconomy #vaatvichar #gujaratsamachar
Leave a Reply