‘ધિસ ઇઝ કોંગ્રેસ રેડિયો… કાલિંગ ફ્રોમ સમવેર ઇન ઇન્ડિયા’
——————————
વાત-વિચાર – એડિટ પેજ – ગુજરાત સમાચાર
——————————
ક્યારેક નબળા કલાકારવાળી નબળી ફિલ્મનું એકાદું તીર લક્ષ્યસ્થાન પર લાગી જતું હોય છે. જેમ કે, તાજેતરમાં ઓટીટી પર એક ફિલ્મ રિલીઝ થઈ (Ae Watan Mere Watan – Amazon Prime Video), જે ખાસ્સી કાચી છે, પણ જેના જીવન પર તે આધારિત છે તે વ્યક્તિ ખૂબ શક્તિશાળી છે. આ વ્યક્તિ એટલે સ્વાતંત્ર્યસેનાની ઉષા મહેતા. ગુલામ ભારતમાં એમણે જે હિંમત દેખાડી હતી તે આપણને આજેય પ્રેરણા આપે છે. બે દિવસ પછી, ૨૫ માર્ચે, ઉષા મહેતાની ૧૦૪મી જન્મજયંતી છે.
ઉષા મહેતા એ હસ્તી છે, જેમણે ગાંધીજીના ‘કરો યા મરો’ સૂત્રને સાદ્યંત અપનાવી લીધું હતું. બ્રિટીશરોએ અખબારોનું ગળું સખ્તાઈથી પકડી રાખ્યું હતું તેવા સમયે ઉષા મહેતાએ ખાનગીમાં એક રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું. જે સમાચારો છાપામાં છપાઈ શકતા નહોતા તે પોતાના રેડિયો પરથી પ્રસારિત કરીને દેશમાં આઝાદીની માંગની જે જ્વાળા ફેલાઈ હતી તેમાં પેટ્રોલ રેડવાનું કામ કર્યું હતું. આ બહાદૂરીભર્યું કામ કરતી વખતે ઉષા મહેતાની ઉંમર કેટલી હતી? ફક્ત બાવીસ વર્ષ!
ઉષા મહેતાના આ જુસ્સાના બીજ તો બાળપણમાં જ રોપાઈ ગયાં હતાં. સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામમાં એમનો જન્મ. આ ગામે ગાંધીજીએ એક વાર શિબિર ગોઠવી હતી ત્યારે ઉષા મહેતાએ એમાં હોંશે હોંશે ભાગ લીધો હતો. તે વખતે એમની ઉંમર હતી પાંચ વર્ષ. આટલી કાચી ઉંમરે પણ તેઓ ચર્ચા સાંભળે, પોતાના નાનકડા હાથેથી ટચુકડો રેટિંયો કાંતે. એમના પિતા હરિપ્રસાદ મહેતા ડ્રિસ્ટ્રિક્ટ-લેવલ જજ હતા. ૧૯૩૦માં તેઓ નિવૃત્ત થયા પછી મહેતા પરિવાર મુંબઈ સ્થાયી થયો. એ જ વર્ષે, ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ, ગાંધીજીએ ઐતિહાસિક દાંડીકૂચનો પ્રારંભ કર્યો. મુંબઈમાં ઉષા નામની આ દસ વર્ષની બાળકી અંગ્રેજોનો વિરોધ કરવા રસ્તાઓ પર ફરીને લોકોને નમકના નાનાં નાનાં પડીકાં અને ચોપાનિયાં વહેંચતી ને ઊંચા અવાજે ‘સાયમન ગો બેક’ના નારા લગાવતી. ઉષા મહેતાએ જિંદગીમાં કરેલો આ પહેલો સૂત્રોચ્ચાર.
દેશમાં સવિનય કાનૂનભંગનું આંદોલન ક્રમશઃ તીવ્ર બનતું જતું હતું. દેશની હવામાં જ જાણે ઇલેક્ટ્રિક કરંટ દોડતો હતો. ધરણા પ્રદર્શનના હિસ્સો બનવું, વિદેશી સામાનનો બહિષ્કાર કરીને તેની હોળી પ્રગટાવવી – આ બધી પ્રવૃત્તિઓમાં ઉષા મહેતા ઉત્સાહભેર ભાગ લે. ૧૯૪૨ની ૮ ઓગસ્ટની મોડી રાતે મહાત્મા ગાંધીએ મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાનમાં – કે જે હવે ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે ઓળખાય છે – તેમાં ઉમટેલી વિરાટ જનમેદનીને સંબોધીને કહ્યંુઃ હું તમને નાનકડો મંત્ર આપું છું. એને તમારા હૃદયમાં જડી લેજો. શ્વાસ ચાલતા રહે ત્યાં સુધી આ મંત્રને જીવતા રહેજો… અને આ મંત્ર છે, ‘ડુ ઓર ડાઈ… કરો યા મરો’!
બીજા જ દિવસે ગાંધીજી સહિત કોંગ્રેસના કેટલાય નેતાઓની ધરપકડ થઈ ગઈ… પણ ‘ભારત છોડો’ આંદોલનનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. ગાંધીજીનું ‘કરો યા મરો’વાળું ઐતિહાસિક પ્રવચન ઉષા મહેતાએ પણ સાંભળ્યું હતું. ૨૨ વર્ષનાં ઉષા અને તેમના સાથીઓ -વિઠ્ઠલભાઈ ઝવેરી અને હિંમતભાઈ ઝવેરી – તરત હરકતમાં આવી ગયાં. તેમણે નક્કી કરી લીધુઃ આપણે એક અન્ડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન બનાવીશું અને ગાંધીજીના સંદેશને આખા દેશમાં ફેલાવી દઈશું! ઉષા મહેતા તે વખતે મુંબઈની વિલ્સન કોલેજમાં પોલિટિકલ સાયન્સનાં વિદ્યાથની હતાં. તેમણે વાંચ્યું હતું કે ભૂતકાળમાં દુનિયાભરમાં આ પ્રકારના રાજકીય સંગ્રામોમાં રેડિયો અત્યંત શક્તિશાળી માધ્યમ પૂરવાર થયું છે. ખાનગી રેડિયો સ્ટેશન બનાવવાની ને ઓપરેટ કરવાની ભૂગર્ભ પ્રવૃત્તિનું નેતૃત્વ ઉષા મહેતાએ સંભાળી લીધું. કશેકથી તૂટયુંફૂટયું ટ્રાન્સમીટર લાવવામાં આવ્યું ને આ ગુપ્ત રેડિયો સ્ટેશન શરૂ કરી દેવામાં આવ્યું. તેને નામ આપવામાં આપ્યું – કોંગ્રેસ રેડિયો. ગાંધીજીની ધરપકડ થઈ તેના પાંચ જ દિવસ પછી, ૧૪ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ, કોંગ્રેસ રેડિયો સ્ટેશન લાઈવ થઈ ગયું. ઉષા મહેતાએ માઇક્રોફોન પર બોલવાની શરૂઆત કરીઃ
‘ધિસ ઇઝ કોંગ્રેસ રેડિયો કાલિંગ ઓન ૪૨.૩૪ મીટર્સ ફ્રોમ સમવેર ઇન ઇન્ડિયા…’
આ ‘સમવેર ઇન ઇન્ડિયા’ એટલે મુંબઈ જ. અંગ્રેજ સરકારની નજરથી બચીને આ ભૂગર્ભ પ્રવૃત્તિ કરવાની હતી એટલે શહેરનું નામ તો કેવી રીતે બોલાય. શરૂઆતમાં દિવસમાં એક જ વખત પ્રસારણ થતું હતું, પણ પછી તરત બે વખત પ્રસારણ શરૂ કરી દેવામાં આવ્યું – એક વાર સવારે ને એક વાર સાંજે. હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષામાં ટેલિકાસ્ટ થતું. સ્વાતંત્ર્ય ચળવળની દેશભરમાં બનતી ઘટનાઓના સમાચાર, દેશભક્તિપૂર્ણ ભાષણો, જનતાને કરવામાં અપીલ આ બધું જ આ રેડિયો પરથી પ્રસારિત થતું. ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે જમશેદપુરમાં ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપનીના મજૂરોની ૧૩ દિવસીય હડતાળ, અશ્તી અને ચિમુર નામના ગામોમાં કોંગી નેતાઓની ધરપકડના વિરોધમાં પોલીસે ગોળીબાર કર્યો તો તેની પ્રતિક્રિયા રૂપે ફાટી નીકળેલાં રમખાણો, ચિત્તાગોંગમાં બ્રિટીશ આર્મરી પર જપાનની એર સ્ટ્રાઇક… આ અને આવા કેટલાય ‘બ્રેકિંગ ન્યુઝ’ ઉષા મહેતાએ પોતાના રેડિયો પર દેશને આપેલા. અખબારો પાસે આઝાદી નહોતી, પણ કોંગ્રેસ રેડિયો પર ઉષા મહેતા બિન્ધાસ્તપણે ગોરી સરકારને અકળાવી મૂકે તેવા ન્યુઝ પ્રસારિત કરતાં.
ઓલ ઇન્ડિયા રેડિયોને એક્ટિવિસ્ટો અને સ્વાતંત્ર્યસેનાનીઓ એન્ટિ-ઇન્ડિયા રેડિયો કહેતા. ‘ભારત છોડો’ હવે માત્ર આંદોલન નહોતું રહ્યું, તેણે હવે ક્રાંતિનું સ્વરૂપ પકડી લીધું હતું. કોંગ્રેસ રેડિયો પરથી લોકોને પાનો ચડાવતાં ભાષણો-સંદેશાઓ સતત પ્રસારિત થતા રહ્યા ને પ્રજાનો હોંસલો બુલંદ થતો ગયો. એક દિવસ ઉષા મહેતાને કોંગ્રેસ સોશ્યલિસ્ટ પાર્ટીના સ્થાપક રામ મનોહર લોહિયાનો પત્ર મળ્યો. એમણે લખ્યું હતું, ‘ઉષા, હું તમને વ્યક્તિગત રીતે તો ઓળખતો નથી, પણ ગાંધીજીએ પેટાવેલી મશાલને સળગતી રાખવા માટે તમે જે હિંમત દાખવી છે અને ઉત્સાહ બતાવ્યો છે તેની હું ખૂબ કદર કરું છું.’
એટલેસ્તો અંગ્રેજ સરકાર કોઈ પણ ભોગે આ ગુપ્ત રેડિયો સ્ટેશનનું ગળું મરડી નાખવા માગતી હતી. પોલીસના માણસો દિવસ-રાત એમને પકડવા માટે સતત મથતા રહેતા. તેથી ઉષા મહેતા અને તેમના સાથીદારોએ થોડા થોડા દિવસોએ ઉચાળા ભરીને પોતાના સરસામાન સાથે નવા ઠેકાણે જતાં રહેતાં. એક વાર જબરું થયું. જેમાં ઉષા મહેતા રેડિયોની ગતિવિધિઓ કરી રહ્યાં હતાં એ ભાડાના મકાનના એક હિસ્સામાં મકાનમાલિક પણ રહેતો હતો. એક વાર ઉષાબહેને જોયું કે મકાનમાલિકના ઓરડામાં એક વિચિત્ર પ્રકારનું ઉપકરણ પડયું છે. ઉષાબહેને પૂછ્યું – આ શું છે? જવાબ મળ્યો – આ ગેરકાયદેસર રીતે ચાલતા રેડિયો સ્ટશનોને પકડવા માટેનું યંત્ર છે. ઉષાબહેન ચુપચાપ મકાન ખાલી કરીને અન્યત્ર જતાં રહ્યાં!
ખેર, આ રીતે સરકારની નજરથી કેટલો સમય બચી શકાય? ઉષા મહેતાની ટીમમાંથી જ કોઈ ફૂટી ગયું અને પચાસ પોલીસનો કાફલો ધડધડાટ કરતો કોંગ્રેસ રેડિયોના મકાન પર પહોંચી ગયો. ત્રણ દરવાજા તોડીને પોલીસની કુમક અંદર ઘૂસી. આગોતરી ગંધ આવી ગઈ હતી એટલે ઉષા મહેતાએ મોટા ભાગના સાથીઓને ભગાડી મૂક્યા હતા. પોલીસ આવ્યા ત્યારે તેઓ નિર્ભયપણે બેઠાં રહ્યાં. એમને અને એમના બે સાથીઓની ધરપકડ કરવામાં આવી. ઉષા મહેતા પર પોલીસે ઘણો અત્યાચાર કર્યો,પણ એમણે મોઢું ન ખોલ્યું. આખરે એમને ચાર વર્ષનો જેલવાસ થયો. માર્ચ ૧૯૪૬માં તેઓ મુક્ત થયાં ત્યારે એમના ચહેરા પર ભરપૂર સંતોષ અને ગર્વ હતો. બાપુનો ‘કરો યા મરો’ મંત્ર એમણે ખરેખર જીવી બતાવ્યો હતો.
ઉષા મહેતા ભાગ્યશાળી હતાં કે એમણે ભરજુવાનીમાં દેશને આઝાદ થતો જોયો. દેશેને સ્વતંત્રતા મળી તે વાતનો તેમને અત્યંત હરખ પણ થતો ને દેશ બે ટુકડામાં વિભાજિત થઈ ગયો છે તે હકીકતથી પીડા પણ થઈ. તેઓ પાછા ભણવા લાગ્યાં. ‘ગાંધીજીની સામાજિક અને રાજકીય વિચારધારા’ વિષય પણ એમણે પીએચડી કર્યું. યુનિવર્સિટી ઓફ બોમ્બેના પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં તેઓ ઇન-ચાર્જ બન્યાં. તે પછી તેમણે વિલ્સન કોલેજમાં ૩૦ વર્ષ સુધી ભણાવ્યું. ૧૯૯૮માં તેમને પદ્મવિભૂષણ જેવા સર્વોચ્ચ નાગરિકી ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યાં.
ઉષા મહેતા અત્યંત સાદગીભર્યું અને કરકસરયુક્ત જીવન જીવ્યાં. કાર કે ટેક્સીને બદલે બસમાં જ મુસાફરી કરવાનો આગ્રહ રાખે. ક્યારેક આખો દહાડો ફ્કત ચા અને બ્રેડ ખાઈને ચલાવી લે. પરોઢિયે ચાર વાગ્યે ઉઠી જાય ને મોડી રાત સુધી કામકાજમાં વ્યસ્ત રહે. તેઓ આજીવન અપરિણીત રહ્યાં. ૧૧ ઓગસ્ટ ૨૦૦૦ના રોજ, ૮૦ વર્ષની ઉંમરે, ટૂંકી બીમારીને અંતે તેમનું નિધન થયું.
– શિશિર રામાવત
#vaatvichar #UshaMehta #gujaratsamachar
Leave a Reply