ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરવી હોય તો બચ્ચાં જણવાનું ઓછું કરો
——————————–
રિસાઇકલ થયેલો માલ વાપરવો, પેટ્રોલને બદલે હાઇબ્રિડ કાર વાપરવી, એલઇડી બલ્બ ફિટ કરાવવા – આ બધા થૂંકના સાંધા છે. ગ્લોબલ વોર્મિંગનો અસલી વિલન આ છે – માનવવસ્તી. સાંભળવામાં બહુ આકરું લાગે છે, પણ સચ્ચાઈ આ જ છે: પૃથ્વી પર જન્મતો પ્રત્યેક નવો મનુષ્ય કાર્બન ડાયોક્સાઇડનો ખૂબ મોટો સ્રોત છે.
——————————-
વાત-વિચાર # એડિટ પેજ # ગુજરાત સમાચાર
——————————-
અમે તો છેને પર્યાવરણમાં બહુ માનીએ એટલે છેને અમે પેટ્રોલથી ચાલતી કાર કાઢીને હાઇબ્રિડ કાર લેવાનું વિચારીએ છીએ. પછી તો અમે કાર જ કાઢી નાખવાના છીએ. અમે છેને ઘરમાંથી બધા જૂના બલ્બ અને ટયુબલાઇટ કાઢી નાખી છે ને એની જગ્યાએ ઓછી વિજળી બાળે એવા નવીન પ્રકારના બલ્બ ફિટ કરાવ્યા છે. પ્લેન પુષ્કળ પ્રદૂષણ પેદા કરે છે એટલે અમે છેને બને ત્યાં સુધી ફ્લાઇટને બદલે ટ્રેનમાં પ્રવાસ કરવાનો આગ્રહ રાખીએ છીએ. અમે છેને મોટે ભાગે રિસાઇકલ થયેલી આઇટમો જ વાપરીએ છીએ. અમે તો રહ્યા પર્યાવરણપ્રેમી, એટલે અમે છેને-
બસ! બહુ થયો પર્યાવરણપ્રેમ. આવાં ઝીણાં ઝીણાં કૃત્યો કરતાં રહીને આપણને કૃત્રિમ સંતોષ અને સાચો ઘમંડ થાય છે કે ભઈ, હું તો એક બહુ જાગ્રત નાગરિક છું, મને પર્યાવરણની પરવા છે એટલે મારા થકી ઓછામાં ઓછો કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય તે માટે સતત પ્રયત્નશીલ રહું છં. આવું વિચારતી વખતે આપણને ખબર હોતી નથી કે પર્યાવરણ બચાવવાના નામે કરવામાં આવતી આ બધી ચેષ્ટાઓ થૂંકના સાંધા જેવી છે. તમને શું લાગે છે, આ ચેષ્ટાઓ દ્વારા તમે કેટલું ઓછું કાર્બન ડાયોક્સાઇડ પેદા કરો છો? જોઈએ.
તમે પરંપરાગત બલ્બ અને ટયુબલાઇટની જગ્યાએ એલઈડી લાઇટનો ઉપયોગ કરીને એક વર્ષમાં ફક્ત ૦.૧ ટન કાર્બન ડાયોક્સાઇડ બચાવો છો. રિસાઇકલ માલનો ઉપયોગ કરીને ૦.૨૧ ટન, પેટ્રોલ કારને બદલે હાઇબ્રિડ કાર વાપરીને ૦.૫૨ ટન, કાર સદંતર વાપરવાનું બંધ કરીને ૧.૧૫ ટન, શાકાહાર અપનાવીને ૦.૮૨ ટન અને ટ્રાન્સએટલાન્ટિક ફ્લાઇટની એક રાઉન્ડ-ટ્રિપ ન કરીને ૧.૬ ટન કાર્બન ડાયોક્સાઇડ પ્રતિ વર્ષ ઓછું પેદા કરો છો. આને બદલે જો તમે એક બાળક ઓછું પેદા કર્યું હોત તો પ્રતિ વર્ષ અધધધ ૫૮.૬ ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જિત થતો અટકાવી શક્યા હોત!
સાંભળવા-વાંચવામાં બહુ આકરી લાગે એવી આ વાત છે. સંતાન પેદા કરવું કે ન કરવું યા તો કેટલાં સંતાન પેદા કરવાં તે માણસમાત્રની અંગત પસંદગી છે. કબૂલ. ગમે કે ન ગમે, પણ સાથે સાથે એ વાત પણ કબૂલવી પડે કે કાર્બન ડાયોક્સાઈડ પેદા કરતો એક મોટો સ્રોત માણસ પોતે છે. ધરતી પર અવતરતો પ્રત્યેક માણસ આખા જીવન દરમિયાન દર વર્ષે સરેરાશ ૫૮.૬ ટન કાર્બન ડાયોક્સાઇડ પેદા કરી નાખે છે… અને આજે પૃથ્વીની વસતી આઠ અબજને આંબી ગઈ છે. આ આંકડો વધતો જ જાય છે. માનવવસતી અને ક્લાઇમેટ ચેન્જ વચ્ચે સીધો સંબંધ છે. જે દંપતીઓ બેને બદલે એક જ બાળક પેદાં કરે છે તેઓ પ્રર્યાવરણ પર મોટો ઉપકાર કરે છે. અમુક દંપતીઓ ભોગવિલાસ માટે કે જવાબદારી ન ઉઠાવવા માટે કે બીજા કોઈ પણ કારણસર એક પણ સંતાન પેદાં કરતાં નથી. તેમને ખબર નથી કે સ્વેચ્છાએ ચાઇલ્ડલેસ રહીને એમણે પર્યાવરણ પર કેટલો મોટો અહેસાન કર્યો છે.
ગ્લોબલ વોર્મિંગ આજના સમયની સૌથી ભીષણ સમસ્યા છે અને તેના વિશે સૌથી ઓછી ચર્ચા થાય છે. માણસજાત સહિત સમગ્ર સજીવસૃષ્ટિના અસ્તિત્ત્વ પર ભયાનક ખતરો પેદા થઈ ચૂક્યો છે, પણ કોણ જાણે કેમ, આપણને આ વાતની ગંભીરતા સમજાતી જ નથી. ગ્લોબલ વોર્મિંગ રિઅલ ઇશ્યુ છે, પણ આપણે તેને બદલે બીજા તદ્દન ફાલતુ ઈશ્યુઝમાં અટવાયા કરીએ છીએ.
ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીનું વધતું જતું તાપમાન. ગ્લોબલ વોમગની વાત આવે ત્યારે પેરિસ એગ્રીમેન્ટનો ઉલ્લેખ જરૂર થાય છે. ૨૦૧૫માં પેરિસ એગ્રીમેન્ટ હેઠળ દુનિયાભરના ૧૬૦ દેશો એક વાતે સહમત થયા હતા કે ગ્લોબલ વોર્મિંગનું લેવલ ૧.૫ ડિગ્રી સેલ્સિયસથી વધવું ન જોઈએ. આપણે સતત સાંભળ્યા કરીએ છીએ કે જો પૃથ્વીનું તાપમાન દોઢ ડિગ્રી વધી જશે તો ખૂબ ખાનાખરાબી થશેને પ્રકૃતિનો ભયંકર પ્રકોપ વેઠવો પડશે. આ ‘દોઢ ડિગ્રી ગ્લોબલ વોર્મિંગ’ એટલે એક્ઝેક્ટલી શું? દુનિયાના જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી ઋતુઓમાં અલગ અલગ તાપમાન નોંધાતું રહે છે. મહત્તમ તાપમાન કેલિફોર્નિયા (અમેરિકા)ની ફર્નેસ વેલીમાં નોંધાયું છે (૫૬.૭ ડિગ્રી સેલ્સિયસ), જ્યારે ઇસ્ટર્ન એન્ટાર્કટિક પ્લેટો પર દુનિયાનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે (માઇનસ ૯૪ ડિગ્રી સેલ્સિયસ). વિદેશની ક્યાં વાત કરવી, આપણા લદ્દાખમાં જ શિયાળામાં ઠંડી માઇનસ ૪૨ ડિગ્રી સુધી જતી રહે છે, જ્યારે ગરમીથી ધખધખતા રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પારો ૫૦ ડિગ્રી સુધી પહોંચી જાય છે. તાપમાનની આટલી મોટી રેન્જ હોય ત્યારે ગ્લોબલ વોર્મિંગની દોઢ ડિગ્રીનો વધારો કેવી રીતે, ક્યાંથી ગણવો?
વેલ, આ દોઢ ડિગ્રી એટલે પ્રિ-ઇન્ડસ્ટ્રિઅલ લેવલ કરતાં દોઢ ડિગ્રી સેલ્સિયસ વધારે, એમ. પ્રિ-ઇન્ડસ્ટ્રિઅલ લેવલ એટલે ઇસવી સન ૧૮૫૦થી ૧૯૦૦ દરમિયાન પૃથ્વી પરનું સરેરાશ તાપમાન. આ એ સમયગાળો છે, જ્યારે માટા પાયે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ હજુ શરૂ નહોતી. ઔદ્યોગિક ગતિવિધિઓ શરૂ થઈ તે પછી જ કોલસો, તેલ અને ગેસ જેવા ફોસિલ ફ્યુલના દહનથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ઉમેરાવાની શરૂઆત થઈ હતીને! ક્લાયમેન્ટ ચેન્જ કુદરતી ફેરફારોને કારણે પણ થાય છે, પણ આ વખતે તો આ પાપ ‘ઉદ્યોગવીર’ માણસજાતે કર્યું છે. તેથી વૈજ્ઞાાનિકો અને પોલિસીમેકરો નક્કી કર્યું કે ઔદ્યોગિક વિકાસના નામે માણસે પ્રકૃતિનો ધનોતપનોત કાઢવાની શરૂઆત કરી તે પહેલાં પૃથ્વી પર જે એવરેજ ટેમ્પરેચર હતું તેને પાયારૂપ માપદંડ યા તો રેફરન્સ તરીકે ગણો અને તકેદારી રાખો કે આ પ્રિ-ઇન્ડસ્ટ્રિઅલ લેવલ કરતાં પૃથ્વીનું સરેરાશ તાપમાન દોઢ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી ન જાય. હવે, આ પ્રિ-ઇન્ડસ્ટ્રિઅલ લેવલ (૧૮૫૦-૧૯૦૦ પહેલાંના સમયગાળાનું સરેરાશ તાપમાન) એક્ઝેક્ટલી કેટલી ડિગ્રી સેલ્સિયસ હતું તેના જવાબમાં એક કરતાં વધારે આંકડા મળે છે – ક્યાંક ૧૩.૮ ડિગ્રી, ક્યાંક ૧૪ ડિગ્રી, ક્યાંક ૧૪.૮૮ ડિગ્રી તો ક્યાંક ૧૫ ડિગ્રી સેલ્સિયસ. આપણે હાલ પૂરતું ૧૫ ડિગ્રી સેલ્સિસયને પ્રિ-ઇન્ડસ્ટ્રિઅલ લેવલ તરીકે સ્વીકારીએ તો એનો અર્થ એ થયો કે પૃથ્વીનું સરેરાશ તાપમાન ૧૬.૫ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધવું ન જોઈએ, જો માણસજાતે અને સમગ્ર સજીવસૃષ્ટિએ ટકી રહેવું હોય તો.
તો શું આ પેરિસ એગ્રીમેન્ટ પછી દુનિયાભરના દેશોએ ડાહ્યાડમરા થઈને પ્રદૂષણ પેદા કરતી પ્રવૃત્તિઓ પર બ્રેક મારી દીધી? ના રે ના. હોતું હશે? વર્લ્ડ બેન્કનો રિપોર્ટમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે જો માનવજાત સુધરશે નહીં અને ગ્લોબલ વોર્મિંગ આ જ ગતિથી વધતું જશે તો આ સદીની અંત સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે. ક્યાં દોઢ ડિગ્રીની લાલ બત્તી ને ક્યાં ચાર ડિગ્રી! આનું પરિણામ શું આવશે તેની કલ્પના કરવી અઘરી નથી. ગરમ પ્રદેશ અતિ ગરમ બનશે, ઠંડા પ્રદેશ અતિ ઠંડા થશે, આત્યંતિક હીટ-વેવ્ઝ પેદા થશે, વંટોળ-ચક્રવાત-તોફાનો તીવ્રતર બનતા જશે. શાકભાજી-વનસ્પતિનો સફાયો, પશુ-પક્ષીઓ-જીવ-જંતુઓની આખેઆખી પ્રજાતિઓનો સફાયો, દરિયાની સપાટી ઉપર આવવાથી દરિયાકાંઠે વસતા ગામો-શહેરોનો સફાયો ને તેને લીધે ગણ્યા ગણાય નહીં એટલા લોકોનો સફાયો…
જુદા જુદા આઠ અભ્યાસોનું તારણ એવું છે કે જો ગ્લોબલ વોર્મિંગ ૩ ડિગ્રી જેટલું વધશે, તો ભારતની પચાસ ટકા ખેતીલાયક જમીને ભીષણ દુકાળનો સામનો કરવો પડશે. આ દુકાળ એક-એક વર્ષ સુધી ખેંચાઈ શકે છે. જો ગ્લોબલ વોમગ ૧.૫ ડિગ્રી વધશે તો દુકાળનો ખતરો ઘટીને ૨૧ ટકા ખેતીલાયક જમીન સુધી સીમિત રહેશે. વૈજ્ઞાાનિકો-રિસર્ચરોએ આપણને સ્પષ્ટપણે કહી દીધું છે: જો ગ્લોબલ વોર્મિંગની વિનાશકતાથી બચવું હોય તો ૨૦૫૦ની સાલ સુધીમાં વ્યક્તિદીઠ કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન ૨ ટનપ્રતિ વર્ષ કરતાં વધવું ન જોઈએ. આજની તારીખે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં માણસ દીઠ પ્રતિ વર્ષ ૧૬ ટન કાર્બન ડાયોક્સાઈડ પેદા કરી નાખે છે.
ઋતુચક્રમાં સ્પષ્ટ વિભાજન જેવું હવે કશું રહ્યું નથી તે આપણે છેલ્લાં કેટલાંક વર્ષોથી અનુભવીએ છીએ. ગમે તે ઋતુ ગમે ત્યારે ત્રાટકે છે. પૂર આવ્યા કરે છે, ગરમી વધી જાય છે, માવઠાં થાય છે, ઇવન ગરમ શહેરોમાં બરફના કરા પડે છે. આને કારણે ખેતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય કંઈકેટલીય બાબતો પર માઠી અસર પડે છે. ક્લાયમેટ ચેન્જના પાપે ૨૦૨૨માં ભારતના કેપિટલ વેલ્થ એટલે કે કુલ આથક સંપત્તિમાં ૭.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એક અભ્યાસ કહે છે કે ભારતે છેલ્લાં ૩૦ વર્ષમાં ક્લાયમેટ ચેન્જને કારણે ૩૫૫૫ બિલિયન ડોલર એટલે કે અધધધ બે લાખ ૯૬ હજાર અબજ રૂપિયાનું નુક્સાન થયું છે. બે લાખ ૯૬ હજાર અબજ રૂપિયા કોને કહેવાય! ક્લાયમેટ ચેન્જ દુનિયાભરના જીડીપીને જોરદાર ફટકો મારે છે.
સો વાતની એક વાત. લોકસભાની ચૂંટણી, ભાજપ-કોંગ્રેસ, ઇલેક્ટોરલ બોન્ડ, કેજરીવાલ, હિન્દુ-મુસ્લિમ આ બધું ઠીક છે, આ બધા આવતા-જતા મુદ્દા છે. અસલી સવાલ છે, ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વી પર માણસ-પશુપંખી ટકી શકશે કે કેમ. આ વાસ્તવિક સમસ્યા પ્રત્યે ગંભીર બનીએ.
– શિશિર રામાવત
#climatechange #globalwarming #vaatvichar #gujaratsamachar
Leave a Reply