ભારતનાં સર્વપ્રથમ મહિલા સાંસદ, જે દેશનાં સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પણ બની શક્યાં હોત…
—————
મોરારજી દેસાઈની ઈચ્છા હતી કે રાષ્ટ્રપતિ પદ પર દક્ષિણ ભારતીય વ્યક્તિ હોવી જોઈએ. એમણે નૃત્યાંગના રૃક્મણિદેવી અરુંડેલનું નામ મૂક્યું જે સૌએ એક અવાજે વધાવી લીધું, પણ રૃક્મણિદેવી કહેઃ હું પ્રેસિડન્ટ બનીશ તો મારી નૃત્યપ્રવૃત્તિનું શું થશે?
——————-
વાતવિચાર – એડિટ પેજ – ગુજરાત સમાચાર
——————-
હજુ થોડા દિવસ પહેલાં ફેબ્રુઆરી મહિનો પૂરો થયો. આ વખતે ફેબ્રુઆરીમાં ૨૯ દિવસ હતા. દર ચાર વર્ષે આવતી ૨૯ ફેબ્રુઆરી તારીખ સાથે સંબંધ ધરાવતાં બે મહાનુભાવોનું સ્મરણ થાય છે. એક છે, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ. બીજાં છે, વિખ્યાત નૃત્યાંગના અને પ્રાણીપ્રેમી પદ્મભૂષણ રુક્મણિદેવી અરુંડેલ. મોરારજીભાઈની જન્મતારીખ ૨૯-૨-૧૮૯૬, જ્યારે રુક્મણિદેવીની જન્મતારીખ ૨૯-૨-૧૯૦૪. મજાની વાત છે કે આ બન્ને એકબીજાના પરિચયમાં હતાં.
ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી તે અરસામાં મોરારજી દેસાઈની અટકાયત કરીને એમને હરિયાણામાં કશેક રાખવામાં આવ્યા હતા. અટકાયત દરમિયાન એમની દિનચર્યા કેવી હતી તે વિશે મોરારજીભાઈએ પોતાની આત્મકથામાં મોજ પડે એવું વર્ણન કર્યું છે. એમના જ શબ્દોમાં વાંચોઃ
‘૩.૦૦ – વહેલી સવારે ઊઠતી વેળાએ ટૂંકી પ્રાર્થના, પ્રાતઃ ક્રિયાઓ – કુદરતી હાજતો, એકાંતરે હજામત ને સ્નાન.
૪.૧૫ – પૂજા, મારી પેટીમાં મારી પૂજાની સામગ્રી હું જોડે લઈ ગયો હતો. પુષ્પો વિના હું મારી પૂજા કરતો. પૂજા દરમિયાન હું ગીતાપાઠ કરતો.
૫.૦૦ – એક કલાક પદ્માસન.
૬.૦૦ – એક કલાક ફરવા જતો ને ચાલતાં ચાલતાં ગીતાપાઠ કરતો. (શરૃઆતના ત્રણ કે ચાર સપ્તાહ તો મેં ખંડમાં જ આંટા મારવાનું રાખેલું.)
૭.૦૦ – દૂધ.
૭.૩૦ – કાંતણ, વાચન. કાંતણ દરરોજ હું અચૂકપણે ૧૦૦૦ મીટર કાંતતો. કેટલાક દિવસો ૨૦૦૦ મીટર ને અટકાયત વખતે તો એમ મહિના સુધી દરરોજ ૩૦૦૦ મીટર છ કલાક કાંતતો હતો.
૧૦.૩૦ – સવારનું ભોજનઃ ગાયનું દૂધ, કેરી, સફરજન ને ચીકુ જેવાં ફળો. ક્યારેક લાંબો સમય ચાલે એવાં ફળો પદ્મા લાવતાં અને જાળવી રાખવાને રેફ્રિજરેટર ત્યાં હતું. ભોજન પછી એક કલાક સુધી આરામ. સૂવાનું નહીં પણ માત્ર લાંબા થઈ પડી રહેવાનું રાખતો.
૧.૦૦ – એક કલાક પદ્માસન ને ગાયત્રી મંત્રનો જપ.
૨.૩૦ – વાંચન અને કાંતણ. મારી વિનંતીને માન આપીને ફરજ પરના અધિકારી મારા માટે રામચરિતમાનસ લઈ આવ્યા હતા.
૫.૦૦ – ત્રીસ-ચાળીસ મિનિટ સુધી સાંજે ફરવા જવાનું.
૬.૦૦ – સાંજનું ભોજન, દૂધ અને ફળ.
૬.૪૫ – પ્રાર્થના અને એક કલાક સુધી પદ્માસન.
૯.૦૦ – ઊંઘી જતા પહેલાં ટૂંકી પ્રાર્થના અને શયન.’
નિવૃત્ત માણસ પર જો આથક-સામાજિક જવાબદારીઓ ખાસ ન હોય તો એની દૈનંદિની તેમજ ખાનપાન કેવાં હોઈ શકે એની ટિપ્સ મોરારજીભાઈના આ શેડયુલ પરથી મળી શકે છે! (હા, રેંટિયો કાંતવાની પ્રવૃત્તિ હવે અપ્રસ્તુત ગણવી!) મોરારજી દેસાઈના જીવનની ફિલોસોફી સાદી હતી – ‘ટેક લાઇફ એઝ ઇટ કમ્સ.’ લાંબા લાંબા પ્લાનિંગ કર્યા વગર જિંદગી જે રીતે ઊઘડતી જાય તે રીતે જીવતા જવાનું. રૃક્મણિદેવી અરુંડેલે પણ સભાનપણે કે અભાવપણે આ જ જીવનમંત્ર અપનાવ્યો હતો.
રુક્મણિદેવી એટલે વિખ્યાત નૃત્યાંગના, કલાગુરૃ અને જીવદયાવાદી. જૂના જમાનામાં ભરતનાટયમ દેવદાસીઓનું નૃત્ય કહેવાતું. રુક્મણિદેવીએ ભરતનાટયમ જેવા ઉત્તમ ભારતીય શાસ્ત્રીય નૃત્યને મંદિરની બહાર કાઢ્યું, તેમાં સુધારાવધારા કર્યા અને તેને ભરપૂર આદર ને ગરિમા અપાવ્યા. ભારતનાં સર્વપ્રથમ મહિલા સાંસદ હોવાનું બહુમાન પણ રુક્મણિદેવીને જ મળ્યું છે. ૧૯૫૨માં તેઓ રાજ્યસભામાં નિયુક્ત થયાં હતાં. ૧૯૫૬માં તેઓ પુનઃ રાજ્યસભાનાં સદસ્ય બન્યાં.
રૃક્મણિદેવીનું જીવનમાં કન્વેન્શનલ યા તો બીબાંઢાળ કહી શકાય એવું કશું જ નહોતું. એમના પિતા નીલકંઠ શાસ્ત્રી બ્રિટીશ રાજમાં જાહેર બાંધકામ ખાતાના એન્જિનીયર હોવા ઉપરાંત સંસ્કૃત ભાષાના પંડિત પણ હતા. એમની માતા શેષમણિ મહાન સંગીતકાર ત્યાગરાજના ગામનાં વતની. ઘરમાં કાયમ કલાકારોની આવનજાવન સતત રહે એટલે રૃક્મણિદેવી અને એમના સાતેય ભાંડુડાને સંગીત-કળાનો માહોલ નાનપણથી જ મળ્યો હતો. નીલકંઠ શાસ્ત્રી સુધારાવાદી વિચારો ધરાવતી સંસ્થા થિયોસોફિકલ સોસાયટીના સક્રિય સભ્ય પણ ખરા. આ પૃથ્વી પરના તમામ માણસો એકસમાન છે અને સર્વ જ્ઞાાનનું મૂળ ઈશ્વરજ્ઞાાન (આત્મજ્ઞાાન) છે – થિયોસોફિકલ સોસાયટીના આ બે પાયાના સિદ્ધાંતો. આ સંસ્થાનું મુખ્ય મથક ચેન્નાઈમાં આવેલા અદ્યારમાં હતું. નીલકંઠ શાસ્ત્રી નિવૃત્તિ બાદ અદ્યારમાં જ સ્થાયી થયેલા. એમના ઘરે થિયોસોફિકલ સોસાયટીના કાર્યકરોનો ખાસ્સો આવરોજાવરો રહે. રૃક્મણિદેવી સાથે ડો. જ્યોર્જ અરુંંડેલ નામના બ્રિટીશ થિયોસોફિસ્ટની મુલાકાત આ જ રીતે થઈ. જ્યોર્જ અરુંડેલ થિયોસોફિકલ સોસાયટીનાં સ્થાપક ડૉ. ઍની બેસન્ટના નિકટના સાથી. કોણે વિચાર્યું હશે કે રૃક્મણિ નામની તરૃણી અને એમના કરતાં ૨૬ વર્ષ મોટા જ્યોર્જ અરુંંડેલ એકબીજાના પ્રેમમાં પડીને પરણી જશે?
લગ્ન થયાં ત્યારે રૃક્મણિદેવી ૧૬ વર્ષનાં અને જ્યોર્જ અરુંડેલ ૪૨ના. વરરાજા એક તો વિધર્મી ને પાછા ઉંમરમાં આટલા મોટા. સમાજમાં હો-હા થઈ જવી સ્વાભાવિક હતી. પણ રૃક્મણિદેવી માટે આ સંબંધ ઉત્તમ સાબિત થયો. લગ્ન પછી તેઓ પતિ સાથે દેશવિદેશમાં ખૂબ ફર્યાં, થિયોસોફિકલ સોસાયટીના કેટલાય કાર્યકર્તાઓને મળ્યાં. અરૃંધતીદેવીના જીવનમાં હજુય શાસ્ત્રીય નૃત્યનો વિધિવત્ પ્રવેશ થયો નહોતો. તે માટે નિમિત્ત બન્યાં ઍના પાવલોવા નામનાં ખૂબ જાણીતાં રશિયન બેલે ડાન્સર. ૧૯૨૮માં મુંબઈમાં તેમનો શો હતો. મિસ્ટર એન્ડ મિસિસ અરુંડેલ તે જોવા ગયાં હતાં. ત્યાર બાદ પતિ-પત્ની દરિયાઈ જહાજમાં બેસીને ઓસ્ટ્રેલિયા જવાં નીકળ્યાં ત્યારે એમને ખબર પડી કે ઍના પાવલોવા પણ આ જ શિપમાં પ્રવાસ કરી રહ્યાં છે. દેવી અને ઍના વચ્ચે દોસ્તી થઈ. પ્રવાસ દરમિયાન જ રૃક્મણિદેવી બેલે ડાન્સનાં કેટલાંક સ્ટેપ્સ પણ શીખ્યાં. વાતવાતમાં ઍનાએ જ એમને કહ્યુંઃ રૃક્મણિ, તારા ભારત દેશમાં તો કેટલા સરસ-સરસ ક્લાસિકલ ડાન્સ ફોર્મ્સ છે, તું તેમાં રસ કેમ લેતી નથી? અરૃંધતીદેવીએ રસ લેવાનું શરૃ કર્યું. તેમને ધીમે ધીમે ઘણી વાતો સમજાતી ગઈ.
૧૯૩૩માં, રૃક્મણિદેવીએ પહેલી વાર મદ્રાસ મ્યુઝિક એકેડેમીની એક ઇવેન્ટમાં સાધિર તરીકે ઓળખાતા શાસ્ત્રીય નૃત્યપ્રકારનું પર્ફોર્મન્સ જોયું. સાધિર એ ભરતનાટયમની જ એક પ્રશાખા છે. રૃક્મણિદેવીએ નક્કી કર્યુંઃ મારે આ શીખવું છે. કોઈએ કહ્યું પણ ખરું કે અલી, શાસ્ત્રીય નૃત્ય નાનપણમાં શીખવાનું શરૃ કરી દેવું પડે. તું હવે અઠ્ઠાવીસની થઈ. તારે પાકા ઘડે કાંઠા ચડાવવા છે? પણ રૃક્મણિદેવી મક્કમ હતાં. તેઓ ભરતનાટયમ શીખ્યાં, એટલું જ નહીં, ૧૯૩૬માં એમણે ચેન્નાઈમાં ‘કળાક્ષેત્ર’ નામની પ્રાચીન ગુરૃકુળ શૈલીની નૃત્ય-સંગીતની એકેડેમી પણ સ્થાપી. હવે આ જ એમનું જીવનકર્મ હતુંઃ ભરતનાટયમ પર લાગેલા બદનામીના ડાઘા દૂર કરવા અને એને કળાજગતમાં સન્માનનીય સ્થાન અપાવવું. રૃક્મણિદેવી અને ઇ. કૃષ્ણ ઐયર નામના અન્ય એક ડાન્સ ગુરૃએ સાધિરની સાફસફાઈ શરૃ કરી. સાધિરની નૃત્યાંગનાઓ એ વખતે વધુ પડતો સાજશંૃગાર કરતી. વળી, એમની અમુક મુદ્રાઓ પણ કામુક રહેતી. રૃક્મણિદેવીએ આ સઘળું દૂર કર્યું અને ભરતનાટયમને એકદમ શાલીન સ્વરૃપ આપીને વિશ્વસ્તરે ઓળખ અપાવી. ભરતનાટયમ એટલે દેવદાસીઓનો નિમ્ન સ્તરનો ડાન્સ એવી છાપ સદંતર દૂર થઈ જવી તે કેટલી મોટી વાત છે!
રૃક્મણિદેવી પોતાની કળા પ્રત્યે કેટલાં સમર્પિત છે તે ૧૯૭૭માં આખા ભારતે જોયું. બન્યું એવું કે ૧૯૭૭માં કેન્દ્રમાં મોરારજી દેસાઈના જનતા પક્ષની સરકાર રચાઈ એના થોડા દિવસો પહેલાં જ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદનું અવસાન થયું હતું. મોરારજીભાઈની ઈચ્છા હતી કે રાષ્ટ્રપતિની ખાલી પડેલી ખુરસી પર દક્ષિણ ભારતીય વ્યક્તિને બેસાડવી જોઈએ. એમને સૌથી પહેલો વિચાર પદ્મભૂષણ રૃક્મણિદેવીનો આવ્યો. સૌએ એકઅવાજે એમનો વિચાર વધાવી લીધો. મોરારજીભાઈએ ફોન કરીને રૃક્મણિદેવીને ફોન કરીને એમની સામે પ્રસ્તાવ મૂક્યો. રૃક્મણિદેવી માટે આ આખી વાત અણધારી હતી. એમણે કહ્યુંઃ મને રાજ્યસભાનો અનુભવ છે તે વાત સાચી, પણ ભારતનાં પ્રેસિડન્ટ તરીકે મારે મારો પૂરેપૂરો સમય આ પદ માટે ફાળવી દેવો પડે. તો પછી મારી નૃત્યપ્રવૃત્તિનું શું થાય? આમ કહીને રૃક્મણિદેવીએ મોરારજીભાઈને સાદર ના પાડી દીધી! જો એમણે હા પાડી હોત તો ભારતનાં સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હોવાનું ગૌરવ પણ તેમણે પ્રાપ્ત કર્યું હોત.
રૃક્મણિદેવી રાજ્યસભાનાં સદસ્ય હતાં તે વર્ષોમાં એમણે પ્રાણીઓના કલ્યાણ અને શાકાહારના પ્રચાર માટે ખૂબ કામ કર્યું. તેમના એકધારા પ્રયત્નોને લીધે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ બન્યો. આ ઉપરાંત એમની ચેરમેનશિપ હેઠળ જ ૧૯૬૨માં એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની રચના થઈ હતી. ૨૪ ફેબુ્રઆરી ૧૯૮૬માં તેમનું નિધન થયું.
– શિશિર રામાવત
#vatvichar #gujaratsamachar #rukmanideviarundale
Leave a Reply