ચૂંટણીનો મહાસંગ્રામઃ ચોખ્ખા ઉમેદવારોએ હારવા માટે તૈયાર રહેવું!
—————————
ડો. આંબેડકર જેવા વિદ્વાન માણસ ભારતની સર્વપ્રથમ લોકસભાની ચૂંટણીમાં સાત ચોપડી પાસ ઉમેદવાર સામે હારી ગયા હતા. સારો અને નિષ્ઠાવાન ઉમેદવાર જીતે જ એવી કોઈ ગેરંટી ક્યારેય હોતી નથી. લોકશાહી પદ્ધતિની આ કમબખ્તી છે
—————————
વાત-વિચાર- એડિટ પેજ – ગુજરાત સમાચાર
—————————
લોકસભાની ચૂંટણી શરૂ થઈ ચૂકી છે. સ્વચ્છ અને બાહોશ ઉમેદવારોથી લઈને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા કલંકિત ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હોય એ કંઈ નવી વાત નથી. સારો કેન્ડિડેટ હારે ને નઠારો જીતી જાય એમાંય કંઈ નવું નથી. માત્ર ભારતમાં નહીં, દુનિયાભરના દેશોની ચૂંટણીઓમાં વત્તેઓછે અંશે આ સ્થિતિ પેદા થતી હોય છે. આનાં અનેક ઉદાહરણો છે. અત્યારે ફકત બે જ જોઈશું. પહેલું દષ્ટાંત છે, ભારતીય બંધારણના રચયિતા ડો. ભીમરાવ રામજી આંબેડકરનું.
દલિત મહાર જ્ઞાાતિમાં જન્મેલા ડો. આંબેડકર દરિદ્ર માબાપનું ૧૪મા નંબરનું સંતાન. સમજણા થયા ત્યારથી તીવ્ર આભડછેટનો ભોગ બનતા રહ્યા. સતત અપમાન થયા કરે. નિશાળમાં શિક્ષક એને બ્લેકબોર્ડને અડવા ન દે. એનું લેસન ન તપાસે. કોઈ તેને રમાડે નહીં. સંસ્કૃત ભણવાની તીવ્ર ઈચ્છા, પણ ‘શૂદ્રોથી સંસ્કૃત ન ભણી શકાય’ એમ કહીને માસ્તર ના પાડી દે. વિદેશમાં ભણવું આજે પણ લકઝરી ગણાય છે, પણ આંબેડકરે આવી કપરી પરિસ્થિતિમાંય પોતાના બુદ્ધિબળે અમેરિકાની કોલંબિયા યુનિવર્સીટીમાં આજથી એકસો દસ વર્ષ પહેલાં એડમિશન લીધું હતું. પછી ઈંગ્લેન્ડ અને થોડા સમય માટે જર્મનીમાં પણ ભણ્યા. ભયાનક અશ્પૃશ્યતા વચ્ચે ઉછરેલો ગરીબ ઘરનો છાકરો એ જમાનામાં પ્રતિતિ યુનિવસટીઓમાંથી એમ.એ., પીએચ.ડી, ડી.સી.એસ. જેવી ઊંચી ડિગ્રીઓ મેળવી શકે તે અકલ્પ્ય બાબત હતી.
ભારત આઝાદ થયો પછી ડો. આંબેડકર જેવા બિન-કોંગ્રેસીને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું તેની પાછળ ગાંધીજીનું સૂચન કામ કરી ગયું હતું. સર્વપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આંબેડકર કરતાં બહેતર કાયદાપ્રધાન મળ્યો ન હોત. જોકે નેહરુ-આંબેડકરનો સથવારો લાંબો ન ચાલ્યો. વિખવાદનાં ઘણાં કારણોમાંનું એક હિન્દુ કોડ બિલ હતું, જે તૈયાર કરવાની જવાબદારી આંબેડકરને સોંપવામાં આવી હતી. હિન્દુ ધર્મનાં તમામ શાો, પુરાણો, સ્મૃતિઓ વગેરેનો અભ્યાસ કરીને, ધર્મને સહેજ પર હાનિ ન પહોંચે તે રીતે તેમણે હિન્દુ સ્ત્રીને પુરુષ સમાન અધિકાર આપતું હિન્દુ કોડ બિલ તૈયાર કર્યુ. રુઢિવાદી હિન્દુઓ ખફા થઈ ગયા. ડો. આંબેડકરને તેમણે હિન્દુ વિરોધી ગણ્યા અને બિલનો જબરો વિરોધ કર્યો. આ કદાચ અપેક્ષિત હતું. નેહરુજી મૂળ તો હિન્દુ કોડ બિલના સમર્થક હતા, પણ ખરેખરો અમલ કરવાનો સમય આવ્યો ત્યારે એમનો વિચાર ફરી ગયો. નેહરુની આ નીતિથી નારાજ થઈને આંબેડકરે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું. સ્વતંત્ર ભારતમાં દલિતોની જે રીતે ઉપેક્ષા થતી હતી તે પણ ડો. આંબેડકરને ખટકતું હતું.
૨૭ સપ્ટેમ્બર ૧૯૫૧ના રોજ ડો. આંબેડકરે વિદાય થઈ રહેલા કાયદાપ્રધાન તરીકેની પોતાની લાંબી અને આકરી રેઝિગ્નેશન સ્પીચમાં ચોખ્ખો સવાલ કર્યો હતો, ‘ શું ભારતમાં કેવળ મુસ્લિમોને જ પ્રોટેક્શનની જરૂર છે? દલિતોને અને ભારતીય ખ્રિસ્તીઓને પ્રોટેકશનની જરૂર નથી? નેહરુજી કેમ તેમના પ્રત્યે કશી દરકાર દેખાડતા નથી?’
આઝાદ થઈ ગયેલા ડો. આંબેડકરે પછી ૧૯૫૨માં ભારતની સર્વપ્રથમ લોકસભાની ચૂંટણીમાં શિડયુલ કાસ્ટ ફેડરેશન તરફથી મુંબઈમાં ઉમેદવારી કરી. એ વખતે આચાર્ય કૃપલાણી જેવા કેટલાક સમાજવાદીઓ પણ ચુંટણી લડી રહ્યા હતા. કોંગ્રેસે તેમની સામે ઉમેદવાર ઊભા ન રાખ્યા, પણ ડો. આંબેડકર સામે નારાયણરાવ સદોબા કજરોલકરને ખડા કરી દીધા. આંબેડકરને હરાવવા કોંગ્રેસે દલિતોમાં પેટા જ્ઞાાતિવાદ વકરાવ્યો હોવાનું પણ કહેવાય છે. જેમના માટે આંબેડકરે લોહી-પાણી એક કર્યા હતા એ દલિતોએ જ એમને ખૂલીને મત ન આપ્યા. પરિણામે આંબેડકર ૧૪,૨૭૪ મતથી ચુંટણી હારી ગયા.
૧૯૫૪માં ભાંડારાની પેટાચૂંટણીમાં ડો. આંબેડકરે ફરી ઉમેદવારી કરી. કોંગ્રેસે આ વખતે ભાઉરાઉ બોરકરને પોતાના ઉમેદવાર બનાવીને તેમને જીતાડવા ખૂબ મહેનત કરી. ડો. આંબેડકર ફરી હાર્યા. કોંગ્રેસ કદાચ પૂરવાર કરવા માગતી હતી કે ભાઉરાવ જેવો સાત ચોપડી પાસ માણસ પણ આંબેડકરને હરાવી શકે છે!
‘આપણા સમાજસુધારકો’ પુસ્તકમાં લેખક જિતેન્દ્ર પટેલ ટિપ્પણી કરે છે, ‘પોતાને દલિતોના મસીહા તરીકે ઓળખાવતા આજના કોંગ્રેસીઓ તેમના આ (આંબેડકરને ધરાર હરાવવાના) કૃત્ય પર પડદો પાડે છે. જનસંઘે ડો. આંબેડકર સામે ઉમેદવાર ઊભો નહોતો રાખ્યો, એટલું જ નહીં, દત્તોપંત ઠેંગડી જેવા સંઘના પ્રચારકે તેમના માટે ચૂંટણી પ્રચારનું કાર્ય કરેલું. ડો. આંબેડકર ભાંડારાની પેટાચૂંટણી પણ હારી ગયા, કારણ કે ત્યારે જનસંઘ અને અન્ય પક્ષોનો પ્રભાવ ખૂબ ઓછો હતો.’
દેખીતી રીતે જ નારાયણરાવ કજરોલકર અને ભાઉરાવ બોરકર બન્ને કરતાં ડો. આંબેડકર અનેકગણા લાયક ઉમેદવાર હતા, છતાં તેઓ પરાજિત થયા. બીજું ઉદાહરણ ડો. વસંત પરીખનું છે. ડો. વસંત પરીખ (૧૯૨૯-૨૦૦૭) આંખોના ડોકટર હતા. દોઢ વર્ષની ઉંમરે અનાથ થઈ ગયા પછી કાકા-કાકી પાસે પહેલા. મુંબઈ અને પછી વડનગરમાં ઉછર્યા. ખૂબ સંઘર્ષ કર્યો. આંખના ડોકટર બન્યા. એમના દવાખાનાની બહાર પાટિયું લગાડવામાં આવ્યું હતંુઃ ‘કોઈ માણસ પૈસાના અભાવે અહીંથી સારવાર લીધા વગર પાછો ન જાય’! પોતાનાં બહેનની સ્મૃતિમાં એમણે એક ટી.બી. હોસ્પિટલ પણ શરૂ કરી હતી. ડો. પરીખનો માનવીય અભિગમ વડનગરની આસપાસના વિસ્તારમાં જાણીતો બન્યો હતો. તેમની લોકચાહના જોઈને મિત્રોએ સલાહ આપીઃ ડોકટર થઈને તમે ફકત દર્દીઓની જ સેવા કરી શકો છો. તમારે આખા સમાજની સેવા કરવા જાહેર જીવનમાં પ્રવેશવું જોઈએ.
ડો. વસંત પરીખના ગળે વાત ઉતરી. ૧૯૬૭માં વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પોતાના ખેરાલુ મતવિસ્તારમાં અપક્ષ ઊભા રહ્યા. પ્રચાર માટે ફકત છ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો. આ રકમ પણ મિત્રો-શુભેચ્છકો પાસેથી ઉઘરાવી હતી. તેઓ જીતી ગયા. વિધાનસભામાં પોતાના વિસ્તારના પ્રશ્નોની તેમણે સરસ રજૂઆત કરી. ધરોઈ ડેમ ડો. પરીખની કલ્પના હતી. તેને સાકર કરવા માટે ડો. પરીખે ગાંધીનગરથી ૧૬૮ કિલોમીટરની પદયાત્રા કરી હતી. ઈન્દિરા ગાંધી પાસે મજબૂત રજૂઆત કરીને ડેમ માટે મંજૂરી મેળવી. આજે ધરોઈ ડેમને લીધે ઊંઝા અને આસપાસના વિસ્તારના ખેડૂતોને પાણી મળે છે તેની પાછળ ડો. પરીખની મહેનત છે.
મજા જુઓ. પહેલાં ડોકટર તરીકે અને પછી ધારાસભ્ય તરીકે માનવ કલ્યાણના આટલાં બધાં કામ કર્યા હોવા છતાં ડો. વસંત પરીખ ૧૯૭૨ તેમજ ૧૯૯૫ની વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા. કારણ? પટેલવાદ. ગુજરાતનું રાજકરણ જ્ઞાાતિવાદથી ખરડાઈ ચૂક્યું હતું. જે લોકોની દિવસ-રાત સેવા કરી હતી તે જ લોકોએ ેડો. પરીખને મત ન આપ્યા. પરાજય થયો, પણ ડો. પરીખનું સેવાકાર્ય અવિરત ચાલતું રહ્યું. ૭૮ વર્ષની પાકી ઉંમરે તેઓ નવ-નવ કલાક ઊભા રહીને દર્દીઓનું નિદાન અને ચિકિત્સા કરતા. ડો. વસંત પરીખ જેવો કર્મઠ માણસ ચૂંટણી જીતીને લોકોનું અનેકગણું વધારે ભલું કરી શકે તે સમજી શકાય છે.
સારો અને નિષ્ઠાવાન ઉમેદવાર જીતે જ એવી કોઈ ગેરંટી નથી. આજે પણ નહીં. લોકશાહી પદ્ધતિની આ કમબખ્તી છે.
– શિશિર રામાવત
#elections2024 #drambedkar #vatvichar #GujaratiSamachar
Leave a Reply