જવાબદારી ન લેવાની કળા
———————————–
દુનિયામાં સૌથી વધારે પ્રદૂષણ પેદા કરીને પર્યાવરણનો ખુડદો બોલાવી દેતી ટોપ ટેન કંપનીઓ કઈ છે? ક્લાયમેટ ચેન્જની ગંભીરતા કે સત્યતા વિશે કન્ફ્યુઝન ફેલાયેલું રહે છે તેનું માટું કારણ એ છે કે આ કન્ફ્યુઝન ઇરાદાપૂર્વક, પાક્કી ગણતરી સાથે જગતની સૌથી મોટી ઓઇલ અને ગેસ કંપનીઓ દ્વારા પેદા કરવામાં આવ્યું છે.
———————————
વાત વિચાર – એડિટ પેજ – ગુજરાત સમાચાર
———————————
શું ક્લાયમેટ ચેન્જ એક ડિંડવાણું છે? અમુક લોકો ગ્લોબલ વોર્મિંગ – ગ્લોબલ વોર્મિંગના નામે છાજિયાં લેતા રહે છે એ બધા શું નાટક કરે છે? શું પર્યાવરણવાદીઓ અનિવાર્યપણે અતિ ઝેરીલા, અતિ દુષ્ટ શેતાનો છે? શું માનવજાતનો વિકાસ રોકવા માટે પર્યાવરણના નામે મોટાં ષડયંત્રો થઈ રહ્યાં છે?
એક મિનિટ. જે રીતે ઉનાળો પ્રતિવર્ષ વધુ ને વધુ દોઝખભર્યો બની રહ્યો છે, જે રીતે ઋતુઓની સેળભેળ થઈ ગઈ છે, જે રીતે દુનિયાભરમાં અણધારી કુદરતી આપત્તિઓ સર્જાઈ રહી છે તે જોયા-અનુભવ્યા પછીય તમારા મનમાં આવા પ્રશ્નો થઈ રહ્યા છે? જો આનો જવાબ હા હોય તો સમજી લો કે ક્લાયમેટ ચેન્જ એ માણસજાત સામે વર્તમાન સમયમાં ઊભી થયેલી સૌથી મોટી, સૌથી ભયાનક, આવનારી પેઢીઓના અસ્તિત્ત્વ સામે પ્રશ્નાર્થચિહ્ન મૂકી દે એટલી વિરાટ સમસ્યા છે, જેની ગંભીરતા આપણને હજુ બરાબર સમજાઈ નથી. કાં તો આપણે સમજવા માગતા નથી. જે બધાનું થશે એ આપણું થશે એમ વિચારીને આપણે મોબાઇલમાં પાછા રીલ્સ જોવા માંડીએ છીએ.
ક્લાયમેટ ચેન્જની ગંભીરતા કે સત્યતા વિશે કન્ફ્યુઝન ફેલાયેલું રહે છે તેનું માટું કારણ એ છે કે આ કન્ફ્યુઝન ઇરાદાપૂર્વક, પાક્કી ગણતરી સાથે જગતની સૌથી મોટી ઓઇલ અને ગેસ કંપનીઓ દ્વારા પેદા કરવામાં આવ્યું છે, જે મીડિયા થકી જનતા સુધી પહોંચ્યું છે. ક્લાયમેટ ચેન્જ પાછળનો સૌથી મોટો વિલન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. ઓગણીસમી સદીના પ્રારંભમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૃઆત થઈ, જાતજાતનાં યંત્રો અને ચીજવસ્તુઓ બનવા લાગ્યાં, માણસજાત પાસે સુખસુવિધા માટેનાં સાધનો વધવા લાગ્યાં તે સાથે સાથે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉમેરણ થવા લાગ્યું. જંગલો કપાવાં અને કોલસો તથા તેલ જેવા અશ્મિભૂત ઈંધણ (ફોસિલ ફ્યુઅલ) માટે જમીનમાં ઊંડે સુધી ખોદકામ થવું – આ છે કાર્બન ડાયોક્સાઇડ પેદા થવાનાં બે મોટાં કારણો.
કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, વરાળ, ઓઝોન, ક્લોરોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન વગેરે ગ્રીનહાઉસ વાયુઓ છે. આગળ વધતાં પહેલાં ગ્રીનહાઉસ ગેસ એટલે શું એ સાવ સાદી ભાષામાં સમજી લઈએ. અત્યારે ભલે ધોમધખતો તડકો રહ્યો પણ આપણે શિયાળાનું ઉદાહરણ લઈએ. ઠંડી લાગે ત્યારે આપણે ધાબળો ઓઢીએ છીએ, ખરું? ધાબળાની હૂંફ આપણને ગમે છે, પણ ધારો કે તમને એક ઉપર એક એમ દસ-બાર ધાબળા ઓઢાડી દેવામાં આવે તો શું થાય? તો તમે શિયાળામાં પણ ગરમી લાગશે, તમે ગૂંગળાવા લાગશો. ગ્રીનહાઉસ ગેસને પૃથ્વીએ ઓઢેલો એક ધાબળો સમજી લો. પૃથ્વી ફરતે ધાબળો વીંટળાયેલો હોય સૂર્યની ગરમી અંદર જ રહે. ગ્રીનહાઉસ ગેસ આ રીતે ઉપયોગી વસ્તુ છે. પૃથ્વીની સપાટી પરથી પ્રમાણસર ગ્રીનહાઉસ ગેસ પેદા થવો જરૃરી છે, પણ જો પ્રમાણભાન ન જળવાય અને વધારે પડતા ગ્રીનહાઉસ ગેસ પેદા થવા લાગે તો પૃથ્વીને એકને બદલે દસ ધાબળા ઓઢી લીધા હોય તેવો ઘાટ થાય. અત્યારે આપણી પૃથ્વીની આ જ હાલત થઈ છે. એને જ ગ્લોબલ વોમિંગ કહે છે. માણસજાતે વિકાસના નામે એટલા બધો ગ્રીનહાઉસ પેદા કરી નાખ્યો છે કે ન પૂછો વાત… ને આ દુષ્કૃત્ય હજુ ચાલુ જ છે.
દુનિયાના કયા દેશો સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું પ્રદૂષણ પેદા કરે છે? ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઇઈએ) અનુસાર સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ચીનમાં થાય છે – ૧૦.૪ બિલિયન મેટ્રિક ટન. દુનિયાના કુલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનના આ ૩૨ ટકા થયા! બીજા નંબર પર અમેરિકા છે, ત્રીજો નંબર આપણો ભારતનો છે, ચોથા અને પાંચમા નંબર પર અનુક્રમે રશિયા અને જપાન છે. આ આંકડા જે-તે દેશના કુલ ઉત્સર્જનના છે.
દુનિયામાં સૌથી વધારે કાર્બનનું ઉત્સર્જન કરતી ટોપ ટેન કંપનીઓ કઈ છે તે જાણી લોઃ ૧. સાઉદી અરામકો (સાઉદી એરબિયા), ૨.શેવરોન (અમેરિકા), ૩. એક્સોનમોબિલ (અમેરિકા), ૪. બ્રિટિશ પેટ્રોલિયમ (ઇંગ્લેન્ડ), ૫. રોયલ ડર સેલ (નેધરલેન્ડ્સ), ૬. ચાઇના નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશન (ચીન), ૭. ચાઇના સ્ટેટ કન્સ્ટ્રક્શન એન્જિનીયરિંગ (ચીન), ૮. ગેઝપરોમ (રશિયા), ૯. કોલ ઇન્ડિયા (ભારત) અને ૧૦. ગ્લેનકોર (સ્વિટ્ઝરલેન્ડ).
દુનિયામાં કાર્બનનું જેટલું ઉત્સર્જન થાય છે એના ૧૨ ટકા જેટલો ટોચની ચાર કંપનીઓ પેદા કરી નાખે છે. અમુક અહેવાલમાં આ આંકડો ૨૫ ટકા જેટલો તોતિંગ છે. અન્ય એક અભ્યાસ મુજબ, દુનિયાનું ૭૦ ટકા જેટલું કાર્બન ઉત્સર્જન દુનિયાની ફક્ત ૧૦૦ કંપનીઓ દ્વારા થાય છે! જબરદસ્ત કાર્બન ડાયોક્સાઇડ પેદા કરીને પર્યાવરણનો ખુડદો બોલાવી દેનાર સાઉદી એરેબિયા, અમેરિકા, રશિયા અને ચીનની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીઓ – અનુક્રમે આઉદી અરામકો, એક્સોન મોબિલ, ગઝપરોમ અને ઇરાન નેશનલ ઇરાનિયન ઓઇલ કંપની – અતિ લોંઠકી ને અતિ શ્રીમંત છે. આ ચાર કંપનીઓની એક વર્ષની કુલ કમાણી કેટલી છે, જાણો છો? ૧૦૩૭ બિલિયન ડોલર એટલે કે એટલે કે ૮૬,૩૭૬ અબજ રૃપિયા, ફક્ત! યાદ રહે, આ ચાર કંપનીઓની આ એક વર્ષની કુલ આવક છે. ટર્નઓવર નહીં, પણ ચોખ્ખી કમાણી!
યુનાઇટેડ નેશન્સે તો કહી દીધું છેઃ ક્લાયમેટ ચેન્જ પર અંકુશ લગાવવા માટે આપણા હાથમાં હવે ફક્ત બે જ વર્ષ બચ્યાં છે. જો આ બે વર્ષમાં જબરદસ્ત પગલાં નહીં લેવાય તો પછી લાખ કોશિશ કરીશું તોય પરિસ્થિતિ અંકુશમાં આવવાની નથી. ઓલરેડી અબજો કમાઈને બેઠેલી ટોચની ઓઇલ કંપનીઓ વધારે કમાવાની લાહ્યમાં આ ચેતવણીઓને અને વૈજ્ઞાાનિક આગાહીઓને ઘોળીને પી જાય છે. પૈસાના જોરે તેઓ આ ત્રણ જૂથને પોતાની મુઠ્ઠીમાં રાખવાની કોશિશ કરે છેઃ શૈક્ષણિક સમુદાય (એકેડેમિયા), મીડિયા અને રાજકારણીઓ. આ કંપનીઓ કરોડો રૃપિયાનું ફંડ આપીને બનાવટી રિસર્ચ કરાવશે, એકેડેમિક પત્રિકાઓમાં પેપર્સ છપાવશે અને એવું પ્રતિપાદિત કરાવશે કે ક્લાયમેટ ચેન્જની સમસ્યા કંઈ એટલી બધી ગંભીર નથી. આ કંપનીઓ સરકારોને અને રાજકારણીઓને ચિક્કાર ડોનેશન આપશે. આમ કરવા પાછળનો આશય એવો હોય કે સરકાર એવી પોલિસી બનાવે કે જેથી તેમનાં હિતો જળવાઈ રહે. પર્યાવરણનું જે થવાનંુ હોય તે થાય! ત્રીજું અંગ છે, મીડિયા. આ કંપનીઓનું એડવર્ટાઇઝિંગ બજેટ તોતિંગ હોય છે. તેઓ જોરદાર પીઆર કેમ્પેઇન કરશે, મીડિયા દ્વારા પોતાને અનુકૂળ હોય તેવું નરેટિવ ચલાવશે, મીડિયા અને પત્રકારોને રાજી રાખીને તેમનું રિપોર્ટીંગ પ્રભાવિત કરશે.
આ સંદર્ભમાં અમેરિકાની એક્સોન મોબિલ કંપનીનો કિસ્સો જાણવા જેવો છે. ક્લાયમેટ ચેન્જ બાબતે જે નવાં નવાં સંશોધના બહાર પડી રહ્યાં છે તે બધાં ખોટાં છે, વાતાવરણમાં થઈ રહેલા પલટાથી ડરવાની જરૃર નથી એવા મતલબનો દુષ્પ્રચાર આ કંપનીએ એક દાયકા કરતાં વધારે સમય માટે ચલાવ્યો હતો. આખરે ૨૦૧૬માં ભોપાળું બહાર પડયું. અમેરિકાની હાઉસ ઓવરસાઇટ કમિટી ડેમોક્રેટ્સ દ્વારા ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીના ૪૭૦૦ જેટલા ઇન્ટર્નલ ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યા અને એક વિશદ રિપોર્ટ પણ પેશ કર્યો, જેનું ટાઇટલ હતું, ‘ડિનાયલ, ડિસઇન્ફર્મેશન એન્ડ ડબલસ્પીકઃ બિગ ઓઇલ્સ ઇવોલ્વિંગ એફર્ટ્સ ટુ અવોઈડ અકાઉન્ટિબિલિટી ફોર ક્લાયમેટ ચેન્જ’.
ઓઇલ કંપનીઓએ પર્યાવરણનો કચ્ચરઘાણ વાળી નાખવો છે, પણ જવાબદારી લેવી નથી! ૧૯૭૦ના દાયકાથી માંડીને ૧૯૯૦ના દાયકા સુધી આ ઓઇલ કંપનીઓનું એક જ કામ હતું. ક્લાયમેટ ચેન્જનાં જોખમો અંગે જે કોઈ સંશોધનો થઈ રહ્યાં છે તેના વિશે જનતામાં યેનકેન પ્રકારેણ કન્ફ્યુઝન પેદા કરી દો! લોકોને એમ જ લાગવું જોઈએ કે આ વૈજ્ઞાાનિકો અને એમના પ્રયોગો સાવ નક્કામા છે, તેઓ કારણ વગર હો-હા કરી રહ્યા છે. ૨૦૦૦ના દાયકામાં ઓઇલ કંપનીઓએ પોતાના બચાવ માટે અભિગમ બદલ્યો. તેમણે હવે આવા મતલબની થિયરીઓ વહેતી કરાવીઃ જો ક્લાયમેટ ચેન્જને રોકવું હોય તો તમારાં ઘર અને ઓફિસોમાં વિજળી ખોટી રીતે ન બાળો, તમારા વાહનોનું માઇલેજ ઠીક કરાવો! એક્સોન મોબિલ કંપની ૨૦૧૯ સુધી જે પ્રકારની જાહેરાતો આપતી તેની પાછળનો ગુપ્ત આશય એક જ રહેતોઃ લોકોનું ધ્યાન પોતાના તરફ ન જવું જોઈએ, એમનું ધ્યાન ભટકાવી દો. એમના ભેજાંમાં ચીજવસ્તુઓનું રિસાઇક્લિંગ, એનર્જીનું સેવિંગ, પ્લાસ્ટિકનો ઓછવપરાશ ને એવું બધું ભરી દો. એવું લાગવું જોઈએ કે આપણે તો માત્ર જે ડિમાન્ડ છે તેને પહોંચી વળવા સપ્લાય કરી રહ્યા છીએ. પર્યાવરણ સાચવવાની જવાબદારી લોકો પર નાખી દો! એક્સોન મોબિલ કંપની પોતાની એડ્સ, ફરમાસુ લેખો, ફરમાસુ ટીવી કાર્યક્રમો દ્વારા સતત એક જ વાત આગળ ધપાવતી રહીઃ ફોસિલ ફ્લુઅલની ડિમાન્ડ સતત વધવાની જ છે. ઓઇલ અને ગેસ સિવાય આપણો કોઈ ઉદ્ધાર નથી!
આ કંપનીઓની અસલિયત શું છે તે વિશે અમેરિકા-યુરોપના મોટાં મોટાં અખબારો અને ટીવી ચેનલો મોટે ભાગે ચૂપ રહેતાં હતા, અથવા બહુ ઓછું બોલતાં કે લખતાં હતાં, કેમ કે આ કંપનીઓ તરફથી એમને ચિક્કાર જાહેરાતો મળતી હતી. રાધર, મળે છે. એકલા ‘ધ ન્યુયોર્ક ટાઇમ્સ’ને છેલ્લાં ત્રણ જ વર્ષ દરમિયાન આ ઓઇલ કંપનીઓ તરફથી ૨૦ મિલિયન ડોલની જાહેરાતો મળી છે. આખરે દસ વર્ષ પહેલાં પ્રમાણમાં નાનાં કહેવાય તેવાં મીડિયા હાઉસોએ ક્લાયમેટ ચેન્જનાં જોખમો અને તેની પાછળ આ આ વિરાટ ઓઇલ કંપનીઓનો કેટલો મોટો હાથ છે તે વિશેના અહેવાલો આપવાનું શરૃ કર્યંુ. જેવી આ વિગતો બહાર પડવા માંડી કે આ કંપનીઓ વિરુદ્ધ ધડાધડ કાનૂની કેસ થવા માંડયા.
હવે જાગૃતિ વધી છે, પણ તોય લોકોમાં, ઇવન સરકારોની પોલિસીઓમાં ક્લાયમેટ ચેન્જ વિશે ઉદાસીનતા વર્તાય છે. આ ઉદાસીનતા જેટલી જલદી દૂર થાય એટલું આપણા હિતમાં છે.
– શિશિર રામાવત
#vaatvichar #GujaratiSamachar #globalwarming
Leave a Reply