એક વોટ કી કીમત તુમ કયા જાનો, બાબુ?
————————————
માત્ર એક વોટના પાપે આખી સરકાર પડી ભાંગી હોય એવું આપણે અટલ બિહારી બાજયાઈના શાસનકાળમાં જોયું છે. આજે ગમે એટલી ગરમી પડે, તમારે મતદાન કરવા ઘરમાંથી બહાર નીકળવાનું છે એટલે નીકળવાનું છે, બસ!
——————————-
વાત – વિચાર # એડિટ પેજ # ગુજરાત સમાચાર
——————————-
૧૯૯૮માં ભાજપના અટલ બિહારી બાજયાઈ વડાપ્રધાન બન્યા હતા તે સમયગાળો યાદ કરો. કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી, એટલે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના વડપણવાળી મિશ્ર સરકાર બની હતી, પણ ૧૩ જ મહિનામાં ખેલ થઈ ગયો. ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્રા કડગમ (એઆઇએડીએમકે)નાં સર્વેસર્વા જયલલિતા સામે અપ્રમાણસર સંપત્તિ ધરાવવાના મામલે કાનૂની કેસનો ચાલી રહ્યો હતો. જયલલિતાએ વાજપેયી સામે માગણી કરીઃ મારી વિરુદ્ધ આ જે કેસ ચાલી રહ્યો છે તેના પર બ્રેક મારી દો. વાજયેપી કહેઃ એ નહીં બને. જયલલિતાની પાર્ટીએ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. ૧૭ એપ્રિલ ૧૯૯૯ના રોજ ૫૪૩ સભ્યોવાળી લોકસભામાં વિશ્વાસનો મત લેવામાં આવ્યો. પરિણામ? વાજપેયીની સરકાર પડી ભાંગી. શા માટે? વાજપેયી સરકારને એક મત ઓછો મળ્યો એટલે. ફ્કત એક મત!
અહીં તો ખેર, મતદારો ચંૂટાયેલા સાંસદો હતા. બાકી જુદા જુદા સ્તરની ચૂંટણીઓમાં મૂઠ્ઠીભર મતને કારણે, ક્યારેક તો ફક્ત એક અને માત્ર એક મતને કારણે આખી વાર્તા બદલાઈ જતી હોય છે, એમપી કે એમએલએની ખુરસી સહેજ માટે ચૂકાઈ જતી હોય છે. આવી સ્થિતિમાં બરાબર સમજાય કે લોકશાહીમાં એકેએક મતનું કેટલું મહત્ત્વ છે. એવરી વોટ કાઉન્ટ્સ!
આપણે અત્યારે ચૂંટણી પ્રક્રિયાની વચ્ચોવચ્ચ છીએ. પહેલાં બે તબક્કામાં મતદાન પ્રમાણમાં ઓછું હતું, જે ઇચ્છનીય સ્થિતિ નહોતી. આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, જેમાં ગુજરાતે પણ ઝુકાવ્યું છે. મતદાન કરવામાં જરાય આળસ જરાય કરવાની નથી. એક કે મુઠ્ઠીભર વોટનું કેટલું મહત્ત્વ છે તે દર્શાવતાં કેટલાંક ઉદાહરણો જોઈએ.
રાજસ્થાનના કોંગ્રેસના નેતા સી.પી. જોશી ૨૦૦૮માં નાથદ્વારા વિધાનસભાની બેઠક પરથી લડી રહ્યા હતા. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી હતા, ભાજપના કલ્યાણસિંહ ચૌહાણ. થોડા દિવસો પછી પરિણામ જાહેર થયું. સી.પી. જોશીને ૬૨,૨૧૫ મત મળ્યા, જ્યારે કલ્યાણસિંહ ચૌહાણને ૬૨,૨૧૬. જોશીજીનો ફક્ત એક મતે પરાજય થયો! તેઓ રાજસ્થાન કોંગ્રેસના પ્રેસિડન્ટ હતા, અગાઉ ત્રણ વખત જીતી ચૂક્યા હતા. અરે, મુખ્યમંત્રી પદ માટે તેમનું નામ બોલાતું હતું. જરા વિચાર કરો, જે ચૂંટણીમાં સી.પી. જોશી એક મત માટે તેઓ હાર્યા તેમાં એમનાં પત્ની, માતા અને ડ્રાઇવર મતદાન કરવા ગયાં નહોતાં!
વાત અહીં અટકતી નથી. સી.પી. જોશી મામલો કોર્ટમાં ઘસડી ગયા. એમનો આક્ષેપ હતો કે કલ્યાણસિંહ ચૌહાણનાં પત્નીને બબ્બે પોલિંગ બૂથ પરથી મતદાન કર્યું હતું!રાજસ્થાન હાઇ કોર્ટે જોશીજીની તરફેણમાં ચૂકાદો આપ્યો. કલ્યાણસિંહ સુપ્રીમ કોર્ટમાં ગયા ને અહીં સી.પી. જોશી પાછા હારી ગયા.
આવો જ બીજો એક કિસ્સો. ૨૦૦૪માં કર્ણાટકની સાંથેરમરહલ્લી વિધાનસભાની બેઠક પર જનતા દળ (એસ)ના ઉમેદવાર એ.આર કૃષ્ણમૂર્તિએ ઝુકાવ્યું હતું, જ્યારે એમની સામે કોંગ્રેસના આર. ધુ્રવવનનારાયણ ખડા થયેલા. કૃષ્ણમૂર્તિને ૪૦,૭૫૧ મત મળ્યા, ઘુ્રવવનનારાયણને ૪૦,૭૫૨ વોટ મળ્યા. ફક્ત એક મત વધુ. આ કિસ્સામાં પણ કૃષ્ણમૂર્તિનો ડ્રાઇવર વોટ આપવા નહોતો ગયો. શા માટે? કારણ કે કૃષ્ણમૂર્તિસાહેબે એને મતદાનના દિવસે રજા નહોતી આપી! જો એમણે ડ્રાઇવરને બે-ત્રણ કલાક માટે પણ રજા આપી હોત તો કહાણી જુદી હોત!
૧૯૯૮માં ઝારખંડની રાજમહલ લોકસભાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનો ભાજપના સોમ મરાંડી સામે ફક્ત નવ મતે પરાજય થયો હતો.
૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં તમિળનાડુના કૃષ્ણગિરી મતવિસ્તારમાંથી કોંગ્રેસના નેતા આદિ શંકરની જીત જરૃર થઈ હતી, પણ ફક્ત ૨૯ મતના માર્જિનથી.
૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નીલેશ રાણેએ મહારાષ્ટ્રના રત્નાગિરી-સિંધદુર્ગ મતવિસ્તારમાંથી ઝુકાવ્યું હતું. પરિણામ ઘોષિત થઈ રહ્યું હતું ત્યારે એમના હૃદયના ધબકારા જોરદાર વધી ગયા હતા, કેમ કે જો બાવન વોટ ઓછા પડયા હોત તો એમણે પરાજયની નાલેશી અનુભવી પડી હોત.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બિહારની કરકટ મતવિસ્તારમાંથી સંજય કુમાર (જેડીયુ) ઊભા રહ્યા. તેઓ ૬૪ મતથી જીત્યા હતા.
હવે વિધાનસભા ચૂંટણીઓની વાત કરીએ. ૨૦૧૭માં ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ગૌરવ કુમાર નૌતન્વા મતવિસ્તારમાંથી ફક્ત છ મતથી જીત્યા હતા. કર્ણાટકના કોંગ્રેસી ઉમેદવાર આર. રામલિંગા રેડ્ડી બીટીએમ મતવિસ્તારમાંથી ફક્ત છ મતથી જીત્યા હતા. આ ૨૦૦૪ની વાત છે.
ઝારખંડની રાજમહલ લોકસભાની બેઠક પરથી કોંગ્રેસનો ઉમેદવાર ભાજપના સોમ મરાંડી સામે ફક્ત નવ મતથી હારી ગયા હતા.
૧૯૮૯માં આંધ્રપ્રદેશની અનાકાપલ્લી બેઠક પરથી કોંગ્રેસનો ઉમેદવારનો તેલુગુ દેસમ્ પાર્ટીના ઉમેદવાર સામે હારી ગયો હતો. કેટલા મતથી? ફક્ત નવ.
૨૦૨૩માં કોંગ્રેસે છત્તીસગઢની કાંકેર વિધાનસભાની બેઠક ભાજપ સામે ૧૬ મતથી ગુમાવી હતી.
૨૦૦૭માં જામજોધપુર વિધાનસભાની બેઠક પરથી ભાજપના ચીમનભાઈ સાપરિયાનો કોંગ્રેસના બ્રિજરાજસિંહ જાડેજા સામે ૧૭ વોટથી પરાજય થયો હતો.
૧૯૯૬માં વડોદરા લોકસભાની બેઠક પરથી ભાજપના જિતેન્દ્ર સુખડિયાની હાર માટે ૧૭ મતની કમી કારણભૂત બની હતી. એમની સામે કોંગ્રેસના સત્યજિત ગાયકવાડની જીત થઈ હતી.
મધ્યપ્રદેશના ૨૦૦૮ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પારસ જૈન ઉજ્જૈન નોર્થ મતવિસ્તારમાંથી જીત્યા ખરા, પણ ફક્ત પચ્ચીસ વોટથી.
એક કે ઇવન નવ, સોળ કે સત્તર મત ઓછા મળવાથી હારવું પડે ત્યારે કાળજે કેવી કરવત ચાલે છે એ તો ઉમેદવારને જ ખબર પડે!
***
વાત માત્ર ભારતની નથી. જે દેશોમાં લોકશાહી ઢબે ચૂંટણીઓ થાય છે ત્યાં બધે આ પ્રકારની પરિસ્થિતિઓ ક્યારેક તો સર્જાતી જ રહે છે. હવે થોડા વિદેશી કિસ્સા જોઈએ.
ફ્રાન્સમાં ૨૦૧૭ના લેજિસ્લેટિવ ઇલેક્શનમાં સબાસ્ટિયન નેડોટ નામના ઉમેદવાર પોતાના પ્રતિસ્પર્ધી સામે ફક્ત એક વોટથી જીતી ગયા હતા. આ પ્રકારનું કટ-ટુ-કટ રિઝલ્ટ આવે એટલે દેખીતી રીતે પુનઃ મતગણનાની માંગણી થાય જ. અહીં પણ થયેલી. સબાસ્ટિયન નેડોટે મતદાનના દિવસે જરૃર પોતાના ડ્રાઇવરને રજા આપી હશે!
૨૦૦૬ના મેક્સિકન જનરલ ઇલેક્શનમાં પાર્ટી ઓફ ધ ડેમોક્રેટિક રિવોલ્યુશન (પીડીઆર) નામના પક્ષના ફર્નાન્ડિઝ નોરોના નામના ઉમેદવાર મેક્સિકો સિટીના ફિફ્થ ડિસ્ટ્રિક્ટના ઉમેદવાર હતા. એમનો વિજય ફક્ત બે મતથી થયો હતો.
ઇટલીમાં ૨૦૧૩માં જનરલ ઇલેક્શન થયું ત્યારે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર – નામે લિઆ ક્વોર્ટાપેલા – આઠ મતથી જીતી ગયેલા.
જપાનની ૨૦૧૨ની સામાન્ય ચૂંટણીમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના કેન્ટા મેત્સુનામી નામના ઉમેદવાર ઓકાયામા સેકન્ડ ડિસ્ટ્રિસ્ટ મતવિસ્તારમાંથી માંડ ૧૧ વોટથી જીતી શક્યા હતા.
ઇઝરાયેલ છેલ્લા કેટલાય મહિનાઓથી સતત ન્યુઝમાં રહે છે. ૨૦૧૫માં અહીં યોજાયેલા લેજિસ્લેટિવ ઇલેક્શનમાં યિનોન મેગલ નામના જ્યુઇશ હોમ પાર્ટીના ઉમેદવારને જો આઠ જ મત ઓછા મળ્યા હોત તો હારી ગયા હોત.
ઇંગ્લેન્ડની વાત કરીએ. ૨૦૧૭માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વોરિંગ્ટન સાઉથ મતવિસ્તારમાંથી લેબર પાર્ટીના ઉમેદવાર ફૈઝલ રશિદે ઝંપલાવ્યું હતું. એમનો વિજય થયો હતો, ગણીને ૪૮ મતોના માર્જિનથી.
કેનેડામાં ૨૦૧૧ના ફેડરલ ઇલેક્શનમાં ક્યુબેક મતવિસ્તારમાંથી ન્યુ ડેમોક્રેડિટ પાર્ટીના ફ્રેન્કોઈસ લેપોઇન્ટે નામના ઉમેદવાર ફક્ત પાંચ વોટથી જીત્યા હતા. પરિણામ જાહેર થયું પછી મામલો કોર્ટમાં ગયો હતો, નવેસરથી મતગણના થઈ હતી, જેમાં ફ્રેન્કોઈસને પાંચ વધુ મત મળતાં એમની લાજ રહી ગઈ હતી.
અપક્ષ ઉમેદવારો પણ ઘણી વાર ખાસ્સા લોકપ્રિય હોય છે અને મતદારોને આકર્ષતા હોય છે. ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૬ના ફેડરલ ઇલેક્શનમાં કેથરીન મેકગોવન નામનાં મહિલા વિક્ટોરિયાની ઇન્ડી સીટ પર અપક્ષ ઊભાં રહ્યાં હતાં. તેઓ કેવળ ૩૧ વોટથી જીતી ગયાં હતાં.
સો વાતની એક વાત. આજે ભલે ગમે એટલી ગરમી પડે, તમારે મતદાન કરવા ઘરમાંથી બહાર નીકળવાનું છે એટલે નીકળવાનું છે, બસ!
– શિશિર રામાવત
#vatvichar #Elections2024 #GujaratiSamachar
Leave a Reply