મફતનો માલ સરવાળે બહુ મોંઘો પડે છે… પૂછો વેનેઝુએલાને!
—————————————-
‘ફ્રી… ફ્રી… ફ્રી….’ સરકારી સ્કિમો અને wealth redistributionની મજા માણી ચૂકેલા વેનેઝુએલાના લોકોએ પછી અઢાર-અઢાર કલાક સુધી લાઇનોમાં ઊભા રહેવું પડતું. ભાત અને લોટનો ભાવ દેશની મિનિમમ સેલરી કરતાં બાવીસ ગણો વધુ હતો. કહે છે કે વેનેઝુએલાની જનતા એક તબક્કે ટોઇલેટ પેપર તરીકે ચલણી નોટોનો ઉપયોગ કરતી હતી! આ વેનેઝુએલાનું સોશિયલિઝમ અને કમ્યુનિઝમ હતું!
————————————
વાત-વિચાર # એડિટ પેજ # ગુજરાત સમાચાર
————————————
સામ પિત્રોડાએ થોડા દિવસો પહેલાં અમેરિકા બેઠાં બેઠાં ‘રિડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ’ (સંપત્તિનું પુનઃ વિતરણ) નામનો ગુબ્બારો છોડયો હતો ને તે સાથે ચૂંટણીની ભરપૂર ગરમી અનુભવી રહેલા ભારતમાં હો-હો ને દેકારો મચી ગયો હતો. તે વખતે ચાલેલી ચર્ચાઓમાં વેનેઝુએલા દેશનો ઉલ્લેખ વચ્ચે વચ્ચે થયા કરતો હતો એનું કારણ શું હતું? એ જ કે વેનેઝુએલાએ મફત સરકારી યોજનાઓ તેમજ રિડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થની મજા અને સજા બન્નેનો સ્વાદ ચાખ્યો છે. શી રીતે? આ પ્રશ્નનો ઉત્તર વિસ્તારપૂર્વક મેળવવા જેવો છે.
વેનેઝુએલાએ એક એવો દેશ છે, જેણે જબરદસ્ત ચડતી અને ભયાનક પડતી બન્ને જોયાં છે. વેનેઝુએલાની ચડતી કળાની શરૃઆત સોએક વર્ષ પહેલાં થઈ હતી. ૧૯૨૨માં વેનેઝુએલાને ખબર પડી કે દેશના પશ્ચિમ તરફની ભૂમિમાં તેલનો વિરાટ ભંડાર ધરબાયેલો છે. રોજના એક લાખ બેરલ તેલ સીંચી કાઢો તોય ખૂટયું ના ખૂટે એટલો વિરાટ આ ભંડાર હતો. ૧૯૨૮ સુધીમાં વેનેઝુએલા પેટ્રોલિયમની નિકાસ કરતો દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો દેશ બની ગયો. ઓઇલ ઇન્ડસ્ટ્રી વિકસી તે પહેલાંય વેનેઝુએલાના કૃષિ ક્ષેત્રમાં ખાસ કશી ભલીવાર નહોતી. એમાંય પેટ્રોલિયમનો પૈસો આવતો થયો એટલે લોકો ગામડાં છોડી છોડીને શહેરોમાં વસવા લાગ્યા.
૧૯૫૮માં વેનેઝુએલામાં સરમુખત્યારશાહી ખતમ થઈ અને લોકશાહીની સ્થાપના થઈ. અર્થતંત્ર ક્રમશઃ મજબૂત થતું ગયું. પર કેપિટા જીડીપી વધતી ગઈ. આ બધી ધામધૂમ કુદરત તરફથી મળેલા તેલરૃપી સંસાધનના જોરે થઈ રહી હતી. વેનેઝુએલા એટલી હદે તેલમય બની ગયું હતું કે તેણે અન્ય સેક્ટરોને મજબૂત બનાવવાની તસ્દી લીધી જ નહીં. ૧૯૮૦માં તેલના ભાવ ગગડી ગયા પડયા ત્યારે દેશને પહેલો ફટકો પડયો. ૩૩ બિલિયન ડોલર જેટલું દેવું થઈ ગયું. ઇન્ટરનેશનલ મોનેટરી ફન્ડે આર્થિક મદદ કરી ત્યારે મામલો થાળે પડયો. અલબત્ત, જરૃરિયાતની ચીજવસ્તુઓના ભાવ બેહદ વધી ગયા હતા એટલે જનતાએ અકળાઈને રસ્તા પર ઉતરવું પડયું હતું ને કરફ્યુ વગેરેનો સામનો કરવો પડયો હતો. ખેર.
૧૯૯૮માં હ્યુગો ચાવેઝની એન્ટ્રી થઈ અને વેનેઝુએલા રાજકીય ઇતિહાસમાં મહત્ત્વનો વળાંક આવ્યો. આ તેજતર્રાર લોકપ્રિય નેતા અગાઉ વેનેઝુએલાની મિલિટરીમાં છ વર્ષ લેફ્ટનન્ટ કર્નલ રહી ચૂક્યા હતા. ડાબેરી વિચારધારા ધરાવતા આ પ્રેસિડન્ટની નીતિ સ્પષ્ટ હતીઃ હું દેશમાં આર્થિક અસમાનતા નહીં રહેવા દઉં. હું વેલ્થ રિડિસ્ટ્રીબ્યુશન એટલે કે સંપત્તિનું પુનઃ વિતરણ કરીશ અને વેનેઝુએલામાંથી ગરીબી દૂર કરીને ઝંપીશ! પોતાનો દોઢેક દાયદાના શાસનકાળ દરમિયાન હ્યુગોએ ભણતર, હેલ્થ, ખોરાક, હાઉસિંગ, પેન્શન વગેરેને લગતી સરકારી સ્કીમોમાં ‘ફ્રી…ફ્રી…ફ્રી…’નો વરસાદ વરસાવી દીધો. પેટ્રોલિયમમાંથી જે પૈસો આવતો હતો તે આ લોકકલ્યાણની યોજનાઓમાં ઠાલવવા માંડયો. આને કારણે ત્રણ કરોડની વસતી ધરાવતા આ દેશમાંથી ગરીબી અને સામાજિક અસમાનતા ઠીક ઠીક પ્રમાણમાં ઓછાં થયાં, પણ અર્થતંત્રની તેલ પરની પરવશતા અનેકગણી વધી ગઈ! હ્યુગોએ લેન્ડ રિડિસ્ટ્રીબ્યુશનનો કાયદો પણ અમલમાં મૂક્યો હતો, જેને કારણે ઘણા ખેડૂતોને મફતમાં જમીન મળી ગઈ હતી. આવો શાસક કોને વહાલો ન લાગે?
્અર્થશાસ્ત્રમાં ‘ડચ ડિસીઝ’ નામનો એક શબ્દપ્રયોગ છે. વેનેઝુએલા પ્રકારના દેશો જ્યારે પોતાની આવક માટે પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધન પર વધારે પડતો અને પ્રમાણભાન ભૂલીને મદાર રાખતા થઈ જાય ત્યારે એને ડચ ડિસીઝ લાગુ પડયો છે એમ કહેવાય. વેનેઝુએલા તો આ રોગથી ભયંકર ગ્રસિત થઈ ચૂક્યું હતું. ૨૦૧૩માં હ્યુગો ચાવેઝનું નિધન થયું ત્યાં સુધી તો બધું બરાબર ચાલ્યું, પણ ૨૦૧૪માં પાછો તેલનો ભાવ ગગડયો. એક બેરલ દીઠ ૧૦૦ ડોલરનો ભાવ ૨૦૧૬નું વર્ષ શરૃ થયું ત્યાં સુધીમાં ઘટીને બેરલ દીઠ ૩૦ ડોલર થઈ ગયો…. અને પછી જે વેનેઝુએલાની હાલત થઈ છે! આને અર્થતંત્રની અવદશા નહીં, અર્થતંત્રનું મુક્ત પતન જ કહેવું જોઈએ.
હ્યુગો પોતાના ઉત્તરાધિકારી નિકોલસ મેડુરોને બળતું ઘર કૃષ્ણાર્પણ કરીને જિસસ પાસે સિધાવી ગયા. નિકોલસે હ્યુગોની ‘ફ્રી… ફ્રી… ફ્રી….’વાળી ડાબેરી નીતિઓ ચાલુ રાખી, પણ પેટ્રોલિયમની આવક ઘટી ગઈ હતી. આવી સ્થિતિમાં જરૃરી ફદિયાં ક્યાંથી કાઢવા? વેનેઝુએલાની સરકારે આડેધડ નોટો છાપવા માંડી. દેશમાં જે કંઈ થોડીઘણી ખેતી અને ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન હતું તે ઘટી ગયું હતું, પણ ડિમાન્ડ તો એની એ હતી. સરકારે ઔર કરન્સી છાપી. પરિણામ? ફૂગાવો. ભયાનક ફૂગાવો! ૨૦૧૬માં વેનેઝુએલામાં ૨૭૪ ટકા ફૂગાવો હતો, ૨o૧૭માં ૮૬૩ ટકા, ૨૦૧૮માં ૮૦ હજાર ટકા અને ૨૦૧૯માં? એક લાખ ટકા ફૂગાવો! એક સમયે દક્ષિણ અમેરિકાના સૌથી ઝડપે વિકસતા અર્થતંત્ર તરીકે જેની ગણના થતી હતી એવા વેનેઝુએલામાં લોકોને ખાવાના સાંસા પડવા લાગ્યા. હોસ્પિટલોમાં સાદી દવા કે એન્ટિબાયોટિક સુધ્ધાંના ધાંધિયા થવા લાગ્યા. સાદા રાશન માટે લોકોએ અઢાર-અઢાર કલાક સુધી લાઇનોમાં ઊભા રહેવું પડતું. ભાત અને લોટનો ભાવ દેશની મિનિમમ સેલરી કરતાં બાવીસ ગણો વધુ હતો. કહે છે કે વેનેઝુએલાની જનતા એક તબક્કે ટોઇલેટ પેપર તરીકે ચલણી નોટોનો ઉપયોગ કરતી હતી, કેમ કે તે સસ્તું પડતું હતું! આ વેનેઝુએલાનું સોશિયલિઝમ અને કમ્યુનિઝમ હતું!
વક્રતા જુઓ. હ્યુગો ચાવેઝે જનતાને વહાલા થવા માટે જાતજાતની લોકકલ્યાણની મફત યોજનાઓ શરૃ કરી હતી ને એમાં દેશનું ભંડોળ ફૂંકી માર્યું હતું, પણ આ જ જનતાને હવે એક ટંક ભોજન સુધ્ધાં મળતું નહોતું. દેશ હાઇપર-ઇન્ફ્લેશનના ફંદામાં ફસાઈ ગયો હતો. ગરીબ વર્ગની હાલત દેખીતી રીતે જ સૌથી વધારે દયનીય થઈ ગઈ હતી. દેશની હાલતથી ત્રાસીને અસંખ્ય લોકો કાયદેસર રીતે કે ગેરકાયદે આજુબાજુના દેશોમાં હિજરત કરી ગયા.
દરમિયાન નિકોલસ મેડુરોની રાજકીય પટ્ટાબાજી ચાલતી રહી. એમણે વિરોધી સૂરોને દબાવી દેવા સેન્સરશિપ લાદી, ચૂંટણી પ્રક્રિયામાં ગોબાચારી કરી. ૨૦૧૮માં ચૂંટણીમાં એ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ તો આવ્યા, પણ અમેરિકા સહિત લગભગ સાઠ દેશોએ સ્પષ્ટ સંભળાવી દીધંુ કે નિકોલસ મેડુરાને વેનઝુએલાના રાજકીય વડા તરીકે અમે સ્વીકારતા જ નથી, અમે તો વિરોધ પક્ષના નેતા ક્વાન ગાઇદોને હાલપૂરતા વેનેઝુએલાના વડા ગણીશું.
વેનેઝુએલા હંમેશા ભ્રષ્ટાચારથી લથપથતું રહ્યું છે. આ દેશને શાસકો પણ અણધડ મળ્યા. જ્યારે પેટ્રોલિયમની ભરપૂર આવક હતી ત્યારે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સિસ્ટમ્સ વિકસાવી લેવી જોઈતી હતી, અન્ય ક્ષેત્રોને તગડાં બનાવી નાખવાં જોઈતા હતાં, વ્યવસ્થિતપણે ઇકોનોમિકલ ડાયવર્સિફિકેશન કરી નાખવું જોઈતું હતું. સાઉદી એરેબિયા અને નોર્વે પોતાનાં કુદરતી સંસાધનોમાંથી થતી આવકને મેનેજ કરવા માટે બુદ્ધિપૂર્વક સોવરીન વેલ્થ ફન્ડ્સ (એસડબલ્યુએફ)માં રોકાણ કરે છે. આ ફન્ડ્સ હાલ નવ ટ્રિલિયન જેટલા મૂલ્યની એસેટ્સને મેનેજ કરે છે. એનેલિસ્ટો કહે છે કે આવતા વર્ષના અંત સુધીમાં આ આંકડો વધીને ૧૩ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે.
સદભાગ્યે ૨૦૨૧ પછી વેનેઝુએલાની સ્થિતિ ધીમે ધીમે સુધરવાની શરૃ થઈ. જોકે આજેય ત્યાં ફૂગાવાનો દર લગભગ ૨૦૦ ટકા તો છે જ. અમેરિકાએ લગભગ બે દાયકાથી વેનેઝુએલાની ઓઇલ એક્સપોર્ટ્સ પર પ્રતિબંધ લાદ્યા હતા, તે હવે થોડા હળવા કર્યા છે. વેેનેઝુએલાની અડધોઅડધ પ્રજાને આજેય પૂરતું ખાવાનું અને દવાદારૃ મળતાં નથી. તેણે સતત સરકારી સહાય પર આશ્રિત રહેવું પડે છે.
વેનેઝુએલા અને ભારતની કંઈ સીધી સરખામણી ન થાય. બન્ને દેશોનાં રાજકીય, સામાજિક અને પ્રાકૃતિક પાસાં સાવ જુદાં છે. વેનેઝુએલાના પતનનાં ઘણાં કારણો છે, પણ તોય આપણે એક વાત આ દેશના ઉદાહરણમાંથી શીખવા જેવી છેઃ મફત જેવું કશું હોતું નથી. અત્યારે ચૂંટણીના માહોલમાં સવાયા ડાબેરી બની ગયેલા આપણા અમુક નેતા ગરીબોના બેન્ક ખાતામાં ખટાખટ-ખટાખટ પૈસા જમા કરાવી દેવાનાં બણગાં ફૂંકે છે, પણ આ અબજો રૃપિયા આવશે ક્યાંથી? અતિ ભ્રષ્ટાચાર, અણધડ નીતિઓ ઉપરાતં કથિત વેલ્થ અને લેન્ડ રિડિસ્ટ્રીબ્યુશનનાં માઠાં પરિણામો વેનેઝુએલા ભોગવી ચૂક્યું છે. મફત રેવડીની કિંમત વહેલામોડી ચૂકવવી જ પડે છે. આપણે નહીં ચૂકવીએ તો આપણાં સંતાનોએ ચૂકવશે.
– શિશિર રામાવત
#vatvichar #venezuela #GujaratiSamachar
Leave a Reply