ડીગ્રોથઃ આપણું ભવિષ્ય વિકાસ, અ-વિકાસ અને પ્રતિવિકાસ વચ્ચે ઝોલાં ખાવાનું છે
——————–
આર્થિક વિકાસ એટલે આમ તો સતત નફો કરતાં જવું, એકધારા પૈસા બનાવતા જવું. ડીગ્રોથ થિયરી કહે છે કે એક મિનિટ, આર્થિક વિકાસ માટે કુદરતી સંસાધનો જોઈએ, જે સીમિત છે. તમે મર્યાદિત સંસાધનો વડે અનંત કે નોન-સ્ટોપ આથક વિકાસ કેવી રીતે કરશો? તે શક્ય જ નથી.
—————————–
વાત-વિચાર – એડિટ પેજ – ગુજરાત સમાચાર
—————————–
ગ્રોથ એટલે કે વિકાસ એટલે શું એ તો આપણે જાણીએ છીએ, પણ Degrowth (ડીગ્રોથ)ને શું કહીશું? વિકાસનો વિરોધી શબ્દ હજુ સુધી ગુજરાતી ભાષામાં ઉતર્યો નથી. કયો શબ્દ વાપરીશું ડીગ્રોથ માટે આપણી ભાષામાં? અ-વિકાસ? પ્રતિવિકાસ? સહેજે વિચાર આવે કે ભલા માણસ, માંડ માંડ આપણા દેશની ગાડી વિકાસના પાટે ચડી છે ત્યાં આવી ડીગ્રોથ જેવી મોકાણની વાતો શું કામ કરવાની? ડીગ્રોથની વાત કરવી પડે એમ છે, કેમ કે દુનિયાભરમાં આ વિચારધારા ધીમે ધીમે ગંભીરતા પકડી રહી છે. ખાસ કરીને માણસજાતે દુનિયાના જે બૂરા હાલ કર્યા છે તે જોતાં વહેલા મોડા ડીગ્રોથ વિશે મંથન કર્યા વગર આપણને ચાલે તેમ નથી.
ડીગ્રોથ એટલે એવી સંકલ્પના જે આર્થિક વિકાસના પરંપરાગત ખયાલોને પડકારે છે. ડીગ્રોથ એટલે ઇરાદાપૂર્વક ઓછું ઉત્પાદન કરવું, કન્ઝમ્પશન એટલે કે આપણે જે સંસાધનો અને વસ્તુઓ વાપરીએ છીએ – ખર્ચીએ છીએ એમાં ઘટાડો કરવો, કે જેથી પૃથ્વી પર કુદરતી સંપત્તિના આડેધડ વિનાશની જે ગતિ છે તે ઓછી થાય.
કુદરતી સંપત્તિ યા સંસાધનો એટલે વૃક્ષો-વનસ્પતિ-જંગલો, જમીનમાં દટાયેલાં ખનીજ તત્ત્વો-તેલ- નેચરલ ગેસ-કોલસો, માટી, પાણી, પક્ષી-પ્રાણીઓ, માછલીઓ તથા અન્ય સમુદ્રી જીવો, શુદ્ધ હવા અને ઇવન સૂર્યપ્રકાશ. આર્થિક વિકાસનું અંતિમ લક્ષ્ય સ્પષ્ટ છેઃ સતત નફો કરતાં જવું, એકધારા પૈસા બનાવતા જવું. ડીગ્રોથ થિયરી કહે છે કે એક મિનિટ, તમે નોન-સ્ટોપ આર્થિક વિકાસ શી રીતે કરશો? આર્થિક વિકાસ માટે કુદરતી સંસાધનો જોઈએ, જે સીમિત છે. તમે મર્યાદિત સંસાધનો સાથે અનંત કે અમર્યાદિત આથક વિકાસ કરી શકો તે શક્ય જ નથી.
આ કુદરતી સંસાધનો આપણને સર્જનહાર તરફથી મફતમાં મળેલી સંપત્તિ છે. તકલીફ એ જ છે કે એક સૂર્યપ્રકાશને બાદ કરતાં બાકીનાં તમામ સંસાધનો ધડાધડ વપરાઈ રહ્યાં છે, ભયજનક રીતે ખાલી થઈ રહ્યાં છે. તેનાં પરિણામો આપણે ઓલરેડી ભોગવી રહ્યા છીએ. ગ્લોબલ વોમગ એ માનવજાતે વિકાસના નામે કુદરતનું જે રીતે ધનોતપનોત કાઢી નાખ્યું છે એનું જ તો પાપ છે. ડીગ્રોથ થિયરીના સમર્થનકર્તાઓ કહે છે કે આજે જ્યારે માત્ર માનવજાત નહીં, આખેઆખી પૃથ્વી મહાવિનાશ તરફ આગળ વધી રહી છે ત્યારે બચી જવાનો, ટકી જવાનો એક જ ઉપાય છે… અને તે છે ડીગ્રોથ.
ડીગ્રોથ વિચારધારામાં નફાખોરી જેવી મૂડીવાદી માનસિકતાનો વિરોધ છે. ડીગ્રોથ વિચારધારાના સમર્થકો કહે છે કે તમે કુદરતના ભોગે રાત-દિવસ માત્ર પ્રોફિટ-પ્રોફિટના રાસડા લેતા રહેશો તે નહીં ચાલે. સમાજમાં ધનિકો વધારે ધનિક થઈ રહ્યા છે, ગરીબો વધારે ગરીબ બની રહ્યા છે, અને આ આથક અસમાનતાની તમને કશી પડી જ ન હોય તે પણ નહીં ચાલે. ડીગ્રોથ વિચારધારામાં અતિ ભૌતિકવાદ અને બેફામ ઉપભોક્તાવાદનો વિરોધ છે. અહીં સમૂહજીવન, સરળ જીવન અને સસ્ટેનિબિલિટી (ટકાઉપણા) પર ભાર મૂકાય છે. આપણે ‘વિકાસ’ને બેન્ક બેલેન્સ, ધનસંપત્તિ અને સુખ-સુવિધાના પ્રકાશમાં જોઈએ છીએ. ડીગ્રોથવાળાઓ કહે છે કે ના, એમ નહીં. સૌથી પહેલાં તો ‘વિકાસ’ શબ્દને ધનસંપત્તિ અને સુવિધાઓ સાથે જોડવાનું બંધ કરો. તમે કરોડપતિ થઈ જાઓ યા તો તમારા ગામમાં પચાસ માળ ઊંચી ઈમારતોનું ઝુંડ ઊભું થઈ જાય એટલે તમે ‘વિકાસ’ જ કર્યો છે એમ માની લેવું જરૃરી નથી. જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)નો આંકડો વધતો જાય એ કંઈ એ દેશની પ્રગતિનો માપદંડ નથી.
શક્ય છે કે આ સાંભળતાં જ આપણે કાળઝાળ થઈ જઈએ. શું કીધું? ભારતની જીડીપીનો આંકડો સતત મોટો થઈ રહ્યો છે, આજે ભારત વિશ્વનું પાંચમા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે, ને થોડાં વરસોમાં ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જવાનું છે ને તમે કહો છો કે આ વિકાસ નથી? વિકાસ અટકાવી દેવાની વાત સાંભળીએ એટલે આપણી પહેલી પ્રતિક્રિયા વિરોધની હોવાની. આપણે કહીશું કે અરે સાહેબ, દેશ આથક પ્રગતિ નહીં કરે તો ઉદ્યોગધંધાનું શું થશે? તમે ઉદ્યોગધંધા બંધ કે ઓછા કરવા લાગશો તો લોકો કમાશે શું? બેકારી ભયંકર વધી જશે એનું શું? દેશ આથક વિકાસ કરે તો જ સરકાર પાસે સ્કૂલો-હોસ્પિટલો-રસ્તાઓ બાંધવાનું ભંડોળ આવેને? અત્યારે મેડિકલ સાયન્સ જે રીતે વિકાસ પામ્યું છે, જે રીતે નાની બીમારીઓથી માંડીને કેન્સર સુધી ગંભીર બીમારીઓની સારવાર શક્ય બની છે, જાતજાતની વેક્સિન બને છે – આ બધું આથક વિકાસને કારણે તો શક્ય બન્યું છે. માણસોનું સરેરાશ આયુષ્ય વધ્યું, આપણે ગરીબીમાંથી બહાર આવ્યા, વીજળી અને જુદાં જુદાં ઉપકરણોની શોધને થવાને કારણે આપણું જીવન આસાન બન્યું – આ બધાના મૂળમાં શું છે? આથક વિકાસ જ વળી. પર્યાવરણનો ઇલાજ કરવા માટે વિકાસને અટકાવવાને બદલે ટેકનોલોજીને કેમ કામે લગાડતા નથી?
આ પ્રશ્નો બિલકુલ વ્યાજબી છે. આના જવાબમાં ડીગ્રોથ વિચારધારા ધરાવનારાઓ કહે છેઃ આર્થિક વિકાસ સાવ બંધ કરવાની વાત જ નથી. આથક વિકાસની સાથે સાથે પર્યાવરણને બચાવવા માટેના જે લક્ષ્યાંક નક્કી કર્યા છે તેને હાંસલ કરવાના છે. જેમ કે, ડીગ્રોથ સ્ટ્રેટેજીનું એક મહત્ત્વનું પાસું છે, ૨૦૫૦ની સાલ સુધીમાં કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જન બ્રેક મારી દેવી. મુદ્દે, કુદરતી સંસાધનો અત્યંત સમજીવિચારીને વાપરવાની આ વાત છે.
એ હકીકત છે કે આ ‘ડિગ્રોથ’ શબ્દ જ આપણને દીઠો ગમે એવો નથી. તે અળખામણો લાગે છે, એમાંથી નેગેટિવિટી અને ડાબેરી માનસિકતાની વાસ આવે છે. ડીગ્રોથ શબ્દને આપણે ‘કુદરતના સંવર્ધન’ સાથે નહીં, પણ ગરીબી અને દુખ સાથે જોડી દઈએ છીએ. વાસ્તવમાં આ શબ્દનું ફ્રેન્ચ મૂળ છે – લા ડીક્રોસોંસ (la décroissance). ગાંડીતૂર થયેલી નદી વિનાશ વેર્યા પછી શાંત થાય અને પુનઃ પોતાની મૂળ શાંત ગતિએ વહેવાનું શરૃ કરે તેને ફ્રેન્ચમાં ‘લા ડીક્રોસોંસ’ કહે છે. ડીગ્રોથ શબ્દ સૌથી પહેલી વાર ૧૯૭૨માં આન્દ્રે ગોર્ઝ નામના એક ઓસ્ટ્રિયન-ફ્રેન્ચ વિચારકે વહેતો કર્યો હતો. ૧૯૭૨માં જ ક્લબ ઓફ રોમ દ્વારા ‘ધ લિમિટ્સ ટુ ગ્રોથ’ નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જેમાં ‘ડીક્રોસોંસ’ શબ્દ કેટલીય વાર વપરાયો હતો.
૨૦૦૦ના દાયકામાં આ વિચારધારાએ લોકોનું ઠીક ઠીક ધ્યાન ખેંચવા માંડયું. આ વિચારધારામાં સેરજ લુટોશ નામના ફ્રેન્ચ અર્થશાીનું નામ આગળ પડતું છે. એમણે ભારપૂર્વક એ વાત વહેતી કરી કે વિકાસનું અત્યારનું જે માળખું છે તે લાંબો સમય ટકી શકે એમ છે જ નહીં. ફ્રાન્સના લ્યોન શહેરમાં તો પછી રીતસર ઇન્સ્ટિટયુટ ફોર ઇકોનોમિક એન્ડ સોશિયલ સ્ટડીઝ ઓન સસ્ટેનેબલ ડીગ્રોથ નામની આખેઆખી સંસ્થા સ્થાપવામાં આવી હતી. ૨૦૦૮માં પેરિસમાં પહેલી વાર ઇન્ટરનેશનલ ડીક્રોસોંસ કોન્ફરન્સ યોજાઈ ત્યારે ફ્રેન્ચ ન સમજતા લોકો માટે સર્વપ્રથમ વખત ‘ડીક્રોસોંસ’ની જગ્યાએ અંગ્રેજીમાં ‘ડીગ્રોથ’ શબ્દ વાપરવામાં આવ્યો. મીડિયા, એકેડેમિક પેપરો લખતા લેખકોએ આ શબ્દ ઊંચકી લીધો ને બસ, ત્યારથી આ શબ્દ દુનિયાભરમાં પ્રચલિત થવા માંડયો.
બાકી જીડીપીને તદ્દન અવગણવાનું કોઈ દેશને પોસાય જ નહીં. હા, કેટલાક ધનિક દેશોએ, ખાસ કરીને ફ્રાન્સ અને નેધરલેન્ડ્સ જેવા યુરોપના સમૃદ્ધ દેશોએ જીડીપી ઉપરાંત અન્ય કેટલાંક માપદંડોને પણ ધ્યાનમાં લેવાનું શરૃ કર્યું છે ખરું કે જેને કારણે દેશની પ્રજાની આથક સ્થિતિ વત્તા સામાજિક સુખાકારીનું એક સમગ્ર ચિત્ર મળી શકે. જેમ કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (એચડીઆઈ), બેટર લાઇફ ઇન્ડેક્સ (બીએલઆઈ) અને જેન્યુઇન પ્રોગ્રેસ ઇન્ડિકેટર (જીપીઆઈ). સ્લોવેનિયા નામના દેશે પોતાની પોલિસીમાં ઇકોલોજિકલ ઇન્ડીકેટર્સ (પર્યાવરણ સંબંધિત સૂચકાંક) પણ મૂક્યા છે.
યુનિર્વસિટી ઓફ મેલબોર્નના પ્રોફેસર સેમ એલેક્ઝાન્ડર કહે છે, ‘પણ તમને કોણ કહે છે કે તમે પાછા ગુફાઓમાં રહેવા જતા રહો અને મીણબત્તી-દીવડાથી કામ ચલાવો? આ તો ધનિક દેશોની પ્રજાએ પોતાની લાઇફસ્ટાઈલ બદલવી પડશે, એમના ખાનપાનની આદતો સુધારવી પડશે, માંસાહાર બંધ કરવો પડશે, ટ્રાવેલિંગ ઓછું કરવું પડશે અને મહેલ જેવા આવાસોને બદલે નાનાં મકાનોમાં જીવતાં શીખવું પડશે.’
અમેરિકા-યુરોપે દાયકાઓ- સદીઓ સુધી બેફામ જલસા કર્યા અને જ્યારે કુદરતે પોતાનું રૌદ્ર સ્વરૃપ દેખાડવાનું શરૃ કર્યું ત્યારે તેઓ ભારત અને ચીન જેવા દેશોને સૂફિયાણી સલાહ આપે કે જોજો હં, આથક વિકાસ કરીને વધારે કાર્બન પેદા ન કરતા, એનાથી ગ્લોબલ વોમગ થાય છે… તો શું પ્રગતિના રસ્તે હરણફાળ ભરી રહેલા ભારત-ચીન જેવા દેશો આ વાત સાંભળશે? ન જ સાંભળે.
બાકી વિકાસ નક્કી કરતા માપદંડોને મેકઓવરની જરૃર પડવાની છે એ તો નક્કી. વહેલામોડા દુનિયાભરના તમામ દેશોએ એકલા જીડીપીને બદલે આથક વિકાસ વત્તા પ્રજાનું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય વત્તા કુદરતી સંપત્તિનું સંવર્ધન – આ ત્રણેયને સમાન પ્રાધાન્ય આપતો નવો શબ્દપ્રયોગ અથવા તો સૂચકાંક પેદા કરવો પડશે એ તો નક્કી.
– શિશિર રામાવત
#degrowth #vaatvichar #GujaratiSamachar
Leave a Reply