દીવાસળી, દીવો અને દિવાળી
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ
————-
લોગઇન:
જ્યાં શક્યતા દેખાય ત્યાં દીવા કરો
જ્યાં માર્ગ અવરોધાય ત્યાં દીવા કરો
મળતા નથી અવસર અનેરા હરવખત
મન સહેજ પણ મૂંઝાય ત્યાં દીવા કરો
તડકો જ આપે છે સમજ છાંયા વિષે
વાતાવરણ બદલાય ત્યાં દીવા કરો
છે લક્ષ્ય કેવળ આપણું, ઝળહળ થવું
અંધારપટ ઘેરાય ત્યાં દીવા કરો
ઈશ્વર ગણાતું સત્ય અપરંપાર છે
માણસપણું રૂંધાય ત્યાં દીવા કરો
ચાલ્યા કરો તો ઝાંઝરી રણક્યા કરે
પગલાં વિસામો ખાય ત્યાં દીવા કરો
સમજણ હશે ત્યાં અર્થ વિસ્તરશે ‘મહેશ’
પણ, ગેરસમજણ થાય ત્યાં દીવા કરો
~ ડૉ.મહેશ રાવલ
————-
દિવાળી એટલે શક્યતાના ઊંબરે દીવો પ્રગટાવવાનો ઉત્સવ! અજવાળાના માર્ગને અવરોધતા અંધારને પ્રકાશથી પાછા ઠેલવાનું ટાણું. બદલાતા વરસને સરસ બનાવવા રોશની, રંગ અને ઉમંગને ફૂલઝડી જેમ વિખેરવાનો અવસર. જૂના તમામ દર્દનું દારૂખાનું ફટાકડા જેમ ફોડીને મજા કરવાની મોસમ! દિવાળી એટલે બીજું કંઈ નહીં દી વાળવાનો સમય. ‘વાળવું‘ બે અર્થમાં; ગમતો સમય ચાલ્યો જાય તો તેને પાછો વાળવો અને ગમતી ક્ષણો પર ધૂળ ચડી જાય તો તેને વાળીઝૂડીને સાફ કરવી. ઘર જેમ મન અને હૃદયને પણ ચોખ્ખાં કરવા પડે છે. એમાં ઈર્ષાનાં જાળાં બાઝી ગયાં હોય, અહમના રજકણથી મન મેલુંદાટ થઈ ગયું હોય, સ્વાર્થની સેપટ ચડી ગઈ હોય, તો એ બધો કકળાટ કાઢવો તો પડેને! માત્ર ઘરનો કકડાટ ચારરસ્તે જઈને મૂકી આવવાથી કામ નહીં બને! માત્ર ઊંબર પર દીવો મૂકવાથી આત્મામાં પણ અજવાળું થાય એવો ચમત્કાર પણ ગોતવો પડે કે નહીં?
એની માટે તો પહેલાં પોતાના અંધારાને ઉલેચવા પડે. તો જ અન્યને રોશન કરી શકાયને? સૂરજ પોતે પ્રકાશિત ન હોત તો બીજા ગ્રહોને ક્યાંથી અજવાળું આપી શકત! વિમાનની મુસાફરીમાં પણ કહેવામાં આવે છે કે મુશ્કેલ સમયમાં સૌથી પહેલા તમે પોતાની મદદ કરો, પછી બીજાની મદદ કરો. કોઈ મહાનુભવે કહેલું જે પોતાને મદદ નથી કરતો તેને ભગવાન પણ મદદ નથી કરતો. તમે ભગવાનને ભરોસે બેસો અને ભગવાન તમારા ભરોસે! આમાં ભરોસો બાપડો અનાથ થઈ જાય.
ઘણા સળગાવવા અને પ્રગટાવવા વચ્ચેનો ભેદ નથી જાણતા. આવા લોકો માત્ર દિવાસળી-ધર્મ પાળતા હોય છે. એમનું કામ માત્ર બાકસ સાથે ઘસાઈને અગ્નિ પેદા કરવાનું હોય છે. એ અગ્નિથી ઘર બળે છે કે દીવો તેની તેમને તમા નથી. બાકસના ખોખા જેવું મન લઈને ફરતા આવા લોકો અણુબોમ્બથી ઓછા નથી હોતા. અણુબોમ્બનો પોતાનો કોઈ વાંક નથી, પણ તેને ફોડનારથી સાવધાન રહેવાની જરૂર હોય છે. દિવાસળીના ધર્મમાં રમમાણ રહેતા લોકો પણ કોક તેમને બાકસ સાથે ઘસે કે તરત સળગી ઊઠે છે. એનાથી દીવો પ્રગટે તો તો વાંધો જ નથી, પણ ક્યારેક ઘર, ગામ, શહેર કે આખેઆખો દેશ ભડકે બળી ઊઠતો હોય છે. આવી આગની જ્વાળાને સર્જકો દીવાળી કહીને રાજસત્તા કે ધર્મસત્તા પર આકરા પ્રહાર કરે છે.
કવિ મહેશ રાવલે દીવો કરવાની શક્યતા તરફ આંગળી ચીંધી છે. અથવા તો એમ કહો કે દીવો કરવા બાબતે ગઝલનો દીવો કર્યો છે. કવિ પાસે શબ્દનો દીવો જ હોયને! મનોજ ખંડેરિયાએ પણ લખ્યું હતું, ‘તું ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું‘ કવિ શબ્દના દીવાથી જગતના અંધારને નાથવા મથતો હોય છે. ક્યારેક આવો શબ્દનો એકાદ દીવટો હૃદયમાં પ્રગટી ઊઠે તો આયખું અમૃત થઈ જતું હોય છે. આવા દીવડા સમજણને પ્રગટાવતા હોય છે. દીવા હોલવાય ત્યાં અંધાર નિશ્ચિત છે. ચાલવાનું બંધ થાય ત્યાં આપોઆપ ઝાંઝરીનો રણકાર શાંત થઈ જાય છે.
જીવન પોતે જ્યોતિ બની જાય ત્યારે પ્રત્યેક દિવસ દિવાળી છે. નહીંતર ઈર્ષા અને અહમના અંગારાથી આજીવન દાઝવાનું તો છે જ! આપણું કામ માત્ર કોડિયું થવાનું છે. ઓકાદબે વેંત સુધી અજવાળું પહોંચાડી શકાય તોય જીવનની દીવાળી સાર્થક! ક્યારેક એક નાનકડું કોડિયું પણ સૂરજની ખોટ પૂરી આપતું હોય છે!
————-
લોગઆઉટ:
અસ્ત જાતા રવિ પૂછતા અવનિને :
‘સારશો કોણ કર્તવ્ય મારાં?’
સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભાં સહુ,
મોં પડયાં સર્વનાં સાવ કાળાં.
તે સમે કોડિયું એક માટી તણું
ભીડને કોક ખૂણેથી બોલ્યું :
‘મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ!
એટલું સોંપજો, તો કરીશ હું’
– રવિન્દ્રનાથ ટોગોર
(અનુવાદ : ઝવેરચંદ મેઘાણી)
Leave a Reply