લઈ હાથમાં ગુલાલ તું તૈયાર છે હવે!
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી મારી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
લઈ હાથમાં ગુલાલ તું તૈયાર છે હવે!
મારો હતો એ આપણો તહેવાર છે હવે.
હોળીનું ફંડ લાવશે એના ઘરેથી કોણ?
આ વાત પર યુવાઓમાં તકરાર છે હવે.
બાકી હતો જે રંગ, ઉમેરી દીધો છે તેં,
મરજી મુજબ પૂરો થયો શણગાર છે હવે.
તારા બદનના સ્પર્શને પામી ગયા છે તો,
મહેકી જવાને કેસુડાં હકદાર છે હવે.
રંગો ચઢ્યા પછી અને પલળી ગયા પછી,
સંયમમાં જાત રાખવી બેકાર છે હવે.
કોને ખબર છે રંગનો કે ભાંગનો નશો?
એ પાર જે હતું બધું આ પાર છે હવે.
રંગોને જોઈ આજ ફરી વહેમ તો થયો!
મારો સમય મને જ વફાદાર છે હવે.
– ભાવિન ગોપાણી
————————–
માણસ તહેવારભૂખ્યો છે. તેને હોળી-ધૂળેટી, દિવાળી, ઉતરાયણ, નવરાત્રી જેવા તહેવારોનો આનંદ લેવો ગમે છે. તહેવાર તો બહાનું છે, મૂળ તો એને પોતાનો ઉલ્લાસ વ્યક્ત કરવો છે. ક્યારેક એ રંગથી વ્યક્ત કરે છે, ક્યારેક નૃત્યથી. ક્યારેક દીવડા પેટાવીને કે ફટાકડા ફોડીને વ્યક્ત કરે છે, તો વળી ક્યારેક આકાશમાં પતંગને ઉડાડીને. હોળી-ધૂળેટી એ રંગોનો તહેવાર છે. હોલિકાદહનની કથા આપણે સૌ જાણીએ છીએ. આપણે તો આપણામાં રહેલી અપ્રામાણિકતા નામની હોલિકાને દહન કરવાની છે. અને જો તમારી અંદર સત્ય અને પ્રામાણિકતાનો રણકો હશે તો કોઈ અનિતિ તમને બાળી નહીં શકે. તહેવારોમાંથી આ જ તો આપણે શીખવાનું છે.
ધૂળેટીનો રંગ ઉમંગ લઈને આવે છે. આ ઉમંગમાં પ્રેમ, મૈત્રી અને વહાલનો સુભગ સમન્વય છે. ભાવિન ગોપાણીએ આવા સમન્વયનો સમુચ્ચય ગઝલ રચીને રજૂ કર્યો છે. તેમની ગઝલમાં તરબોળ કરે તેવા ભાવ છે અને હૈયું ભીનું કરે તેવું પાણી પણ વહે છે. પ્રિય પાત્રને રંગવા માટે હાથમાં ગુલાલ લઈને નીકળીએ ત્યારે એ તહેવાર એકલાનો નથી રહેતો, બેવડાઈ જાય છે. એમાંય ગમતી વ્યક્તિ દ્વારા થતા રંગછાંટણા તહેવારને તહેવાર બનાવે છે. પ્રિયકાન્ત મણિયારે પ્રણયના રંગછાટણાને ગીતના લયમાં સરસ રીતે વહાવ્યા છે,
છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુનાજલમાં રંગ ગુલાબી વાટી.
આ છેલછબીલો કોણ? તો એનો જવાબ ‘શ્યામલ જમુનાજલ’ શબ્દમાં છે. સીધો નિર્દેષ કૃષ્ણ તરફ દેખાયા છે. શ્યામલ જમુનાજલમાં ગુલાબી રંગ વાટીને કાનુડાએ મારી પર રંગ છાંડ્યા ! આ રીતે કૃષ્ણ-રાધાના રંગોત્સવની વાત કરતી વખતે દરેક વ્યક્તિ એમાં પોતાને જ પ્રેમમાં રંગભીની થતી અનુભવે છે.
આપણે ત્યાં તો હોળીમાં વિવિધ ફાળા ઉઘરાવવામાં આવે છે. એમાં ય જો શેરીમાં ગમતા પાત્રના ઘરેથી ફાળો ઉઘરાવવા જવાનું નસીબ મળે તો ભયોભયો… આવા પ્રસંગે મિત્રોમાં રીતસર તકરાર થાય કે પેલા ઘરે તો હું જ જઈશ! ફાળો-બાળો તો ઠીક, એને તો ગમતી વ્યક્તિના હૈયામાં પ્રેમનો માળો બાંધવો છે. અને આવા વહાલના માળા બાંધવાના અવસર આપણને તહેવારો પૂરા પાડે છે. એમાંય સામેના પાત્રનો રંગ મળી જાય – સામેનું પાત્ર પણ આપણને ભીંજવવા માટે તલસતું હોય તો સમજી જવું કે આપણા પ્રણયનો શણગાર પૂરો થયો. પ્રેમથી મોટો શણગાર કયો હોઈ શકે? એના રંગ અને સુગંધ આગળ તો કેસૂડા અને ગુલાબ પણ ફિક્સા પડે. કેસૂડાની મહેક કરતાં પ્રિય પાત્રની મહેક વધારે અસરકારક હોય છે. એના લીધે જ તો કેસૂડા વદારે સુગંધદાર અને રંગભર્યા લાગતા હોય છે. એકવાર જો આ પ્રણયના કેસૂડાનો રંગ હૈયાને લાગી ગયો તો એ જીવનભર જતો નથી. પછી તો કવિ રાજેન્દ્ર શુક્લએ કહ્યું છે તેમ, ‘અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી, ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી.’ પ્રત્યેક શ્વાસ જાણે વસંતોત્સવ થઈ જાય. એ તરફનો રંગ આ તરફ ઊડે અને આ તરફનો તરફ, ત્યારે સમજી જવું કે માત્ર ભાંગમાં નહીં, રંગમાં પણ નશો હોય છે. આપણું હૈયું જ્યારે એનો ખરો રંગ પામે ત્યારે સમજી જવું કે જિંદગી બ્લેક એન્ડ વાઇટ નથી રહી. એમાં ફોરમતા ફાગણનો રંગ ઉમેરાયો છે.
સુરેશ દલાલે હૈયામાં ફાગણના ફોરમતા ફાલની વાત કરતું સુંદર ગીત રચ્યું છે, તેનાથી લોગઆઉટ કરીએ.
————————–
લોગઆઉટ
આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે…
તારા તે કાળજાને કેસુડે લાલ લાલ
ઝુલે મારા અંતરની ડાળ
રોમ આ રંગાય મારુ તારી તે આંખના
ઉડતા અણસાર ને ગુલાલ
રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે…
મીઠેરી મુરલીના સુર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ
રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે…
– સુરેશ દલાલ
Leave a Reply