દુઃખ – આપણો સર્વશ્રેષ્ઠ શિક્ષક!
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી મારી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
એક માઈલ હું સુખ સાથે ચાલ્યો;
આખે રસ્તે એણે બોલ્યે રાખ્યું,
ન કાંઈ શીખવાનું બન્યુ
એ બધુ ય સાંભળીને.
એક માઈલ હું દુ:ખ સાથે ચાલ્યો
ને એણે એકે ય શબ્દ મને કહ્યો નહીં;
પણ આહ, કેટકેટલું શીખ્યો હું
દુ:ખની સાથે ચાલતા!
– રોબર્ટ બ્રાઉનિંગ (અનુવાદ: ધવલ શાહ)
————————–
ધવલ શાહે રોબર્ટ બ્રાઉનિંગની એક સુંદર કવિતાનો અનુવાદ કર્યો છે. 1812માં લંડનમાં જન્મી 1889માં વેનિસ-ઇટલીમાં અંતિમ શ્વાસ લેનાર આ કવિએ કવિતા ક્ષેત્રે બહોળું કામ કર્યું છે. વિશ્વની અનેક ભાષામાં તેમની કવિતાઓ અનુવાદિત થઈ છે. ધવલ શાહે તેમની આ નાની, પણ રાઈના દાણા જેવી કવિતાને ગુજરાતીમાં અવતારીને રોબર્ટ બ્રાઉનિંગની કલમનો ગુજરાતી કવિતારસિકોને પરિચય કરાવ્યો છે. તેમાં સુખ અને દુઃખથી સાથે રહ્યા પછીનાં પરિણામની વાત કરવામાં આવી છે. માણસ વધારે કોની સાથે રહીને શીખી શકે, સુખ સાથે રહીને કે દુઃખ સાથે? જવાબ સ્પષ્ટ છે. માણસ સુખમાં રહીને જેટલું નથી શીખતો, તેના કરતાં અનેકગણું તે દુઃખ સાથે રહીને શીખે છે. દુઃખી અવસ્થા માણસ માટે શિક્ષકનું કામ કરે છે. આપણે ત્યાં કહેવાયું છે કે, અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે, તેમાંય દુઃખદ અનુભવ તો સર્વશ્રેષ્ઠ શિક્ષક છે!
સૌમ્ય જોશીએ એક કવિતામાં સુખ અને દુઃખની વ્યાખ્યા બહુ સટિક રીતે કરી છે. તેમણે કહ્યું, “સુખનું કદ ઠીંગણું, પાતળો બાંધો, રંગ ઘઉવર્ણો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ઘોડિયેથી જ માંદલું અને રીસાવાની તાસીર.” આટલાં વર્ણન પરથી તમે સુખને કલ્પી શકો. હવે દુઃખ વિશે જુઓ, “દુઃખના બાવડાં તગડાં, કદ ઊંચું, હાથ લાંબા, બુદ્ધિ ઘણી, બોલવાનું ઓછું પણ ડરવાનું નામ નહીં, ગમે ત્યાં ઘૂસવાની હિંમત, બધે ઘર જેવું.” સુખ ઘોડિયેથી જ માંદલું હોય છે અર્થાત આવતાની સાથે જ આપણે સુખને સુખી રાખવાના પ્રયત્નો કરવા પડતા હોય છે. જ્યારે દુઃખ તો ભીંત ફાડીને ઊગી નીકળતા પીપળા જેવું, ગમે ત્યાંથી ફૂટી નીકળે. તેને તો બધે જ ઘર જેવું હોય છે. આ બંને જનમજનમના જિગરી છે. એકબીજા વિના કોઈને ચાલે નહીં. પણ આપણને માત્ર એક જ જોઈએ છે – સુખ! દુઃખની સાથે જરા પણ સંબંધ નથી રાખવા માગતા.
મુકેશ જોશીએ પણ એક કવિતામાં સુખ-દુઃખ નામના બે મિત્રોની કલ્પના કરી છે. આગળની સીટ મજબૂત શરીર અને ઊંચી હાઇટ ધરાવતું દુઃખ બેઠું છે. પાછળની સીટમાં નીચી હાઇટ અને સુંદર મુખ ધરાવતું સુખ બેઠું છે. સામેથી જોનાર માણસને સાઇકલ પર દુઃખ જ સવાર થયેલું દેખાય છે. પણ દુઃખને જોઈને નિરાશ થતા માણસને એ નથી દેખાતું કે તેની પાછળ બેસીને સુખ સાઇકલને પેડલ મારી રહ્યું છે!
દિવસ પછી રાત અને રાત પછી દિવસ છે તેમ સુખ અને દુઃખ બે બદલાતાં પાનાં છે. માણસ નામના ઝાડ ઉપર હરખ અને શોક, ઉદાસી અને પ્રસન્નતા, શબ્દ અને મૌન, પીડા અને આનંદ, અશ્રુ અને હર્ષ દરેક પર્ણો ફૂલેફૂલાલે છે. એનાથી જ માનવવૃક્ષ ઘેઘૂર અને લીલુંછમ લાગે છે. સુખ-દુઃખની અનુભૂતિ વિનાનો માણસ શક્ય નથી. માણસ જન્મતાની સાથે રડે છે, આ દુનિયામાં ક્યાં આવી ચડ્યો એમ વિચારીને એ રડતું હશે? જન્મનાર બાળક રડતું હોય ત્યારે પરિવારના લોકોના ચહેરા પર ઘેર એક નવજાત શિશુનો જન્મ થયાનો હરખ હોય છે! એક માટે દુઃખની ક્ષણ બીજા માટે સુખની છે! ક્યારે કયું સુખ કોના માટે દુઃખરૂપ નીવડે અને ક્યારે કયું દુઃખ કોને સુખી કરે તે કહેવાતું નથી. રઈશ મનીઆરનો એક શેર છે, “ચેતજે જીતમાં ય હાર ન હો, સુખ એ દુ:ખનો કોઈ પ્રકાર ન હો;” આપણે ત્યાં કહેવત છે, કાગડાને રમત થાય ને દેડકાના પ્રાણ જાય. કાગડો દેડકાને ચાંચ મારે એટલે તે કૂદે છે, આનાથી કાગડાને ગમ્મત થાય છે. પણ વારંવાર થતા ચાંચના પ્રહારથી દેડકો જીવ ખોઈ બેસે છે.
આપણે આખી જિંદગી સુખની પાછળ દોડવા સિવાય બીજું કરીએ છીએ શું? નાના બાળકને રમવું છે, એ રમતમાં પોતાનું સુખ જુએ છે. ઘણા કિશોરો ભણવું-ગણવું છોડીને ફરવું વ્યસનો કરવામાં પોતાનું સુખ જુએ છે. યુવાનો ઉત્તમ કારકિર્દી અને સુંદર છોકરીમાં પોતાના સુખને શોધે છે, પરણિત ગૃહસ્થ બાળકોના સારા ભવિષ્યમાં પોતાનું સુખ જુએ છે. ગૃહિણી પરિવારમાં સુખને જોવાની કોશિશ કરે છે. વૃદ્ધ વ્યક્તિ વિતાવેલા દિવસોમાં સુખને ફંફોસ્યા કરે છે. પણ આખરે સુખ મળે છે ક્યાં? આપણે જેને સુખ માનીએ છીએ એ કેવળ આપણી ઇચ્છાઓની પૂર્તિ સિવાય બીજું કશું નથી. ઇચ્છાની પૂર્તિ ન થાય તો દુઃખ, થાય તો સુખ!
————————–
લોગઆઉટ
સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે,
સુખ એ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે
– જલન માતરી
Leave a Reply