આહાહાહા શી ટાઢ!
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી મારી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
આહાહાહા શી ટાઢ!
જડબામાં જકડી લે સૌને,
જાણે જમની દાઢ,
આહાહાહા શી ટાઢ!
‘વહેલા ઊઠવું કસરત કરવી,
તેલ ચોળવું’ કહેતાં
મુરબ્બીઓ ને મોજ પડે છે,
રોજ શીખામણ દેતાં
મને ગમે છે મોડે સુધી
નીંદર કરવી ગાઢ.
આહાહાહા શી ટાઢ!
– મીનપિયાસી
————————–
‘કબૂતરોનું ઘૂઘૂઘૂ…’વાળી કવિતાથી ભાગ્યે જ કોઈ કવિતાપ્રિય માણસ અજાણ હશે. આ કવિતાના કવિ છે મીનપીયાસી. પૂરું નામ દિનકરરાય કેશવલાલ વૈદ્ય. કવિ હોવા ઉપરાંત તેઓ પક્ષીવિદ્, ખગોળવિદ અને થિયોસોફિસ્ટ હતા. તેમણે ઘણી રચનાઓ આપી છે, પણ આ કબૂતરોના ઘૂઘૂઘૂવાળી રચના ખાસ્સી લોકપ્રિય બની. ઉપરની કવિતામાં તેમણે શિયાળાની ઠંડીને પોતાના શબ્દોની બંડી પહેરાવીને હૂંફાળી કરી નાખી છે. પ્રાથમિક-માધ્યમિક શાળામાં શિયાળાની સવાર વિશે નિબંધ લખવાનો આવતો. આ કવિતા વાંચીને તમને તમારી શિયાળુ સવારનો અહેસાસ થશે.
સવાર પડતા ઘણા માણસો જોજિંગ કરવા નીકળી પડે છે, ઘણા ઘરમાં બેસીને એક્સેસાઇઝ કરે છે, તો ઘણા જિમમાં પહોંચી જાય છે. આમ તો આવું બારેમાસ લોકો કરતા હોય છે, પણ શિયાળો આ બધું કરવા માટે વધારે પ્રોત્સાહક છે. શિયાળો સ્વાસ્થ્યવર્ધક ઋતુ છે. શાકભાજી અને ફળફળાદી પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. અહીં કવિ મીનપિયાસીને શિયાળાની ઠંડી કેવી લાગે છે? જમની દાઢ બરોબર! જમ એટલે યમરાજ. યમરાજ પોતાની દાઢમાં જકડી લે તો માણસની શી હાલત થાય? મીનપિયાસીને ઠંઠી એવી લાગે છે. વળી તેની શરૂઆત પણ ‘આહાહાહા શી ટાઢ’ જેવા શબ્દોથી કરી છે. તેમાં જ એક પ્રકારની ઠંડીનો અનુભવ થઈ જાય છે. બહુ ઠંડી ચડી હોય ત્યારે મોઢામાંથી આપોઆપ આહાહાહાહા નીકળી જાય છે. ટાઢને વ્યક્ત કરવા આ શબ્દો બિલકુલ યોગ્ય રીતે મૂકાયા છે. કવિ અનિલ જોષીના એક ગીતના શબ્દો છે, ‘સમી સાંજનો ઢોલ છબૂકતો સાંજ ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે’ પંક્તિમાં પણ આ જ અહેસાસ થાય છે. સમી સાંજનો ઢોલ છબૂકતો એવું વારંવાર બોલએ એટલે આપોઆપ શબ્દના નાદમાંથી જ ઢોલ ઢબૂકી ઊઠે છે. સાચો કવિ સાચા શબ્દો બહુ ચીવટથી પકડે છે.
જમની દાઢ જેવી કડકડતી ઠંડી હોય, એવા ટાણે કોઈ આરામપ્રિય વ્યક્તિને ઊઠાડીને કસરત કરવાનું કહેવામાં આવે તો કેવું મગજ જાય? વડીલો વારંવાર સલાહ આપ્યા કરે કે શિયાળામાં વહેલા ઊઠો, કસરત કરો, તેલ ચોળો. આવી શીખામણ દેતી વખતે તેમનામાં રહેલું વડીલપણું સંતોષાય છે. તેમને બુઝુર્ગ હોવાનો ભારોભાર ગર્વ થાય છે. પણ આરામપ્રિય આવી શીખામણને શેનો ગણકારે. એ તો મોજથી મોડે સુધી પથારીમાં પડ્યો ન રહે? મીનપિયાસીને પણ મોડે સુધી ગાઢ નિંદરમાં પડ્યા રહેવું ગમે છે.
શિયાળાની સવાર વિશે નિબંધ લખવાનું કહેવામાં આવે છે, તેને બદલે શિયાળાની સવારની આળસ વિશે નિબંધ લખવાનું કહેવાવું જોઈએ. મોડે સુધી પથારીમાં ઘોર્યા કરવાનો આનંદ ઘણાએ માણ્યો હશે. તેની તોલે સ્વર્ગ પણ ફિક્કું પડે. એક રીતે તો કવિએ આળસનો મહિમા જ કર્યો છે. ગાંધીજીએ કહ્યું છે કે આળસ એ જીવતા માણસની કબર છે. આ ક્ષણે કારણ વિના વંચિત કુકમાવાલાનો એક સુંદર શેર યાદ આવે છે,
ટાઢ છે, શોધી રહ્યો છું તાપણું
કોઈ તો હો, આટલામાં આપણું!
આ ટાઢ એટલે શિયાળાની નહીં, જિંદગીને વળગેલી ટાઢ. શિયાળો તો સહન પણ થાય, પણ જિંદગી થીજી જાય ત્યારે શું? ઘણા આર્થિક, માનસિ, શારીરિક કે બીજાં અનેક કારણોને લીધે સંજોગોની ભીંસમાં એવા ઠૂંઠવાઈ જતા હોય છે કે વાત જવા દો. એકલતાએ ચડાવેલી ઠંડી કોઈ મળે તો એક-લતા બનીને પાંગરે અને તેની પર સ્નેહની મીઠી કૂંપળો ફૂટી નીકળે. પણ કોઈ આપણું પોતાનું મળે તો એની હૂંફમાં જીવની ટાઢ દૂર થાય. મીનપિયાસીએ શિયાળાની ઠંડીને બખૂબી અને ટૂંકમાં રજૂ કરી છે. તમે પણ વહેલી સવારે જાગતા હશો ત્યારે થઈ જતું હશે કે આહાહાહા શી ટાઢ!
પણ ફૂટપાથ પર ઊંઘતા લોકો બિચારા કઈ રીતે રમતિયાળ શબ્દોમાં કહી શકે કે, આહાહાહા શી ટાઢ. તેમના મનમાં તો ઠંઠી પ્રત્યે ભારોભાર નફરત થતી હશે. ગાળો પણ નીકળતી હશે. તેમની પાસે ઓઢવા માટે શું હોય? રાકેશ હાંસલિયાના શેરથી લોગઆઉટ કરીએ.
————————–
લોગઆઉટ
આભની ચાદર બચી તી ઓઢવા,
ને ગજબની ટાઢ પણ પડતી રહી.
– રાકેશ હાંસલિયા
Leave a Reply