ઘણી જગ્યાએ માણસે પોતે વેક્સિન બનવાની જરૂર છે!
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી મારી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
એક વેક્સિન મારે પણ શોધવી છે….
બોરિયત-રોજિંદી ઘટમાળમાં ફસાઈ ગયેલાઓને બહાર કાઢે એવી…
કૂકરની ત્રીજી સીટીએ રસોડામાં દોડી જતી સ્ત્રીઓને થોડી પળો માટે ગણતરીઓ ભૂલાવી દે એવી…
પિસ્તાળીસમાં વર્ષે માથા પર બેસી રહેલી સફેદીને મેઘધનુષી રંગે રંગી નાંખે એવી…
ભૂલી જવા જેવી પણ યાદ રહી ગયેલી ઘટનાઓને યાદદાશ્તમાંથી બાકાત કરી આપે એવી…
કિસ્મતે હિસ્સામાં નહીં મૂકી આપેલી પળો-ઘટનાઓ અને વ્યક્તિઓને મનનાં દરવાજેથી ‘ગેટ આઉટ’ કહી શકે એવી….
‘એ’ પાસે હોય ત્યારે સમયને અટકાવી દે અને ‘એ’ પાસે ન હોય ત્યારે સમયને દોડાવી દે એવી….
દીકરીની પિંક હેરબેન્ડનાં ખોટ્ટા પતંગિયાને સાચ્ચું કરી આપે એવી….
ઘરડાં થતા જતા મા-બાપની આંખોમાંથી પ્રતીક્ષાને બાદ કરી આપે એવી…
એક વેક્સિન મારે પણ શોધવી છે
સ્વીકારની પરવા કર્યા વિના
ચહેરા પર પહેરી રાખેલા, પહેરવા પડેલા તમામ માસ્ક ઉતારી આપે
એવી!
– એષા દાદાવાળા
————————–
કદાચ વિશ્વ હવે બે ભાગમાં વહેંચાઈ જશે. એક કોરોના પહેલાંનું અને બીજું કોરોના પછીનું. ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ કે સ્વાસ્થ્યની ચર્ચાઓ પણ આ રીતે થવા લાગશે કે, કોરોના પહેલાં આમ હતું, અત્યારે તેમ છે. આપણે ત્યાં નાકને આબરૂનું પ્રતીક ગણવામાં આવે છે, એ આબરૂને સતત માસ્ક નીચે ઢાંકી રાખવી પડશે તેવી કોઈને કલ્પનાય નહીં હોય. વિશ્વ આખું રસીની રસાકસીમાં પડ્યું છે, ત્યારે ઘણી એવી સૂક્ષ્મ છતાં તીવ્ર મહામારીઓ છે, જેની રસી આપણી પાસે છે જ નહીં. કવયિત્રી એષા દાદાવાળા આવી રસી શોધવાની ઝંખના ધરાવે છે.
કવિતા પોતે એક રીતે વેક્સિનનું કામ તો કરે છે. તે માણસની સંવેદને ઝંઝોળે છે, તેના પથરાળ હૃદયને સંવેદનાનો સ્પર્શ કરાવે છે. એષા દાદાવાળાની આ કવિતા પણ આપણામાં રહેલી માનવીય ભાવનાઓને વધારે માનવીય બનાવે તેવી વેક્સિન શોધવાની વાત કરે છે.
આધુનિક થઈને આપણે શું પામ્યા કંટાળા અને બોરિયત સિવાય? મોટાભાગના પ્રોબ્લેમ્સ આપણે જાતે ઊભા કરેલા હોય છે. એક સુવિધા આવે તેની સાથે બીજી અનેક દુવિધા પણ બિલ્લીપગે પધારતી હોય છે. સ્વાદિષ્ટ ખાવાની લાલસાએ આપણને અનેક રોગોની ભેટ આપી, શારીરિક શ્રમને જાકારો આપીને અપનાવેલા આરામદાયક અને બેઠાડું જીવને આપણને ઇમ્યૂનિટીરહિત ઊર્જાની બક્ષીસ આપી. છતાં દરેક માણસને સતત કામ છે, સાવ નવરો રહેલો માણસ પણ નવરાશનું કામ પૂરજોશમાં કરી રહ્યો છે, તેની પાસે સમય જ નથી. આવો માણસ કંટાળાની ફેક્ટરી જેવો હોય છે. આવા માણસના બચાવ માટે પણ વેક્સિન હોવી જોઈએ. રસોડામાં ગેસ પર ચડેલી તપેલીની સાથે કાયમ ઉકળતી અને ઉચાટમાં રહેતી સ્ત્રીને આરામ આપી શકે તેવી રસી ક્યારે શોધાશે?
વર્ષોથી ચાલ્યા આવતા કોમવાદ, જાતિવાદ, ધર્મવાદ, કર્મવાદ, ઊંચનીચ, રંગભેદ જેવા અનેક વાઈરસોથી આપણે ભર્યા ભર્યા છીએ. આ બધા વાઇરસ પણ કોરોનાની જેમ માનવસર્જિત જ છે. તેને મગજમાંથી સદંતર કાઢી નાખતી વેક્સિન શોધાય તોય જગતના ઘણા રોગ આપોઆપ દૂર થઈ જાય. આ વાઇરસનું એન્ટિવાયરસ પણ આપણી અંદર છે જ, માત્ર એને એક્ટિવ કરવાની જરૂર છે. સમજણની એક સ્વિચ દબાવવાની છે. આપણે માણસને માનવ તરીકે જોવાને બદલે કાયદા, નિયમો, રિવાજો, ડિગ્રી, ઉપાધિ, જાતિ, જ્ઞાતિ, પદ, પ્રતિષ્ઠા વગેરેથી જોઈએ છીએ. આપણી જોવાની આવી રીતને પણ દૃષ્ટિનો કોઈ રોગ ન ગણી શકાય?
ઘણું ભૂલી જવા જેવું યાદ રાખવાની અને યાદ રાખવા જેવું ભૂલી જવાની ટેવ કેટલાને છે? જે શક્ય જ નથી અને મળવાનું જ નથી, તેની પાછળ આંધળુંકિયા કરીને દોડવાની આદત કોને છે? પોતાની પાસે પૂરતું હોવા છતાં પણ વધારે ને વધારે મેળવવાની ઝંખના કોનામાં છે? પોતાના ભાગનું ન હોય છતાં પડાવી લેવાની વૃત્તિ કોણ ધરાવે છે? સુંદર સ્ત્રીને જોતાને સાથે ભોગવવાની લાલસા ધરાવતો માણસ વિકૃત નથી તો શું છે? આ રોગો પણ કોરોના જેટલા જ ખતરનાક છે. કેટકેટલી વૃત્તિઓ આપણી અંદર મહારોગની જેમ ઊછરી રહી છે, તેની તરફ આપણું ધ્યાન પણ નથી. તેને કોઈ માસ્કથી ઢાંકી પણ નથી શકાતી. શું વૃત્તિને વાળી શકાય એવી રસી શોધી શકાય? કદાચ એવું ન થઈ શકે, તેની માટે આપણે પોતે વેક્સિન બનવાની જરૂર છે.
નિરાશાથી ભીની થયેલી આંખને ઉત્સાહથી ભરે તે વ્યક્તિ વેક્સિન બરોબર છે. કોઈના શોકમાં ડૂબેલા મનને આનંદથી છલકાવી દે વ્યક્તિ વેક્સિન છે. જેની હોજરીમાં ભૂખના લીધે અગનજ્વાળાઓ ઊઠતી હોય તેના પેટમાં અન્નનો ઓડકાર અપાવનાર વ્યક્તિ પણ વેક્સિન છે. ફૂટપાથે સૂતેલા બાળકના હાથમાં અચાનક કોઈ રમકડું મૂકી દે તો તે વ્યક્તિ પણ વેક્સિન છે. લાકડીને ટેકે ઊભેલા ડગુમગુ વૃદ્ધ માણસને રસ્તો ઓળંગવામાં મદદ કરતો માણસ પોતે એક વેક્સિનથી કમ નથી. આવી ઘણી નાની-નાની ઘટનાઓમાં આપણે પોતે વેક્સિન બનવાની જરૂર છે. એવી વેક્સિન બનો, જેની જરાકે આડઅસર ન થાય. મદદ લેનાર વ્યક્તિ લાચારી કે હીણપત ન અનુભવે.
————————–
લોગઆઉટ
એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.
– મરીઝ
Leave a Reply