આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ!
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.
આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ.
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.
દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ.
ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે,
ખુદ કજા મારો ઘસારો જોઈને ગભરાઈ ગઈ.
વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
એ મરણના મુખ મહીં પણ જિંદગી જિવાઈ ગઈ.
મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,
આંખ સૌની એને ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ.
– ઓજસ પાલનપુરી
————————–
સમુદ્રનાં ઊંડા પાણીમાં ડૂબકી મારી છેક તળિયા સુધી જઈને મોતી કાઢે લાવનારને આપણે મરજીવો કહીએ છીએ. ‘મરજીવો’ શબ્દમાં ‘મર’ અને ‘જીવો’ બંને આવી જાય છે. મરજીવો મહાસાગરમાં ડૂબકી મારીને તળિયે જાય છે, પણ દરેક ડૂબકીમાં મોતી મળે જ તે શક્ય નથી. કવિતાકર્મ મરજીવા જેવું છે. કવિતામાં પણ મરીને જીવવાનું હોય છે. કવિ વિચારસાગરમાં ડૂબકી મારે છે, પણ એ ડૂબકી સફળ જાય જ એની કોઈ ગેરેન્ટી નથી હોતી. સેંકડો ડૂબકીઓ માર્યા પછી માંડ એકાદ વખત મરજીવાને સાચું મોતી મળે છે. કવિતાનું પણ કંઈક એવું જ હોય છે. પણ આ એક મોતી એવું ચમકદાર હોય છે કે તેના પ્રકાશમાં કવિનું નામ હરહંમેશ ચમકતું રહે છે. કવિ ઓજસ પાલનપુરી વિશે પણ એવું કહી શકાય. ઓજસ મોટાભાગના લોકો પાલનપુરીને એક જ શેરથી ઓળખે છે,
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.
કેટલી અદ્ભુત વાત! સરળ ભાષામાં કરેલી ગહન રજૂઆત… ઉત્તમ કવિતાની એ જ તો નિશાની છે. સરળતા અને ઊંડાણ! માણસની હસ્તીનું મૂલ્ય શું છે તે વાત બે જ પંક્તિમાં કરી દીધી. આ જ વાત કરવા માટે કોઈ નિબંધકાર મોટો ગ્રંથ લખે, નવલકથાકાર મહાનવલ રચી શકે. માનવનું અસ્તિત્વ કેટલું, ક્યાં સુધી? આંગળી પાણીમાં નાખો અને કાઢો ત્યાં સુધી. તમે જ્યાં આંગળી નાખી હતી ત્યાં જગા રહી છે? ત્યાં તો પૂર્વવત સ્થિતિ થઈ ગઈ છે. પાણી હતું તેમનું તેમ જ થઈ ગયું છે. આપણને એમ હોય છે કે મારા ગયા પછી પણ મારો દબદબો રહેશે. મારું સ્થાન અકબંધ રહેશે. આપણે કેટલા મૂર્ખા હોઈએ છીએ!
ઘણા લોકો આખી જિંદગી પોતાની ઓળખનો અરીસો બનાવવામાં કાઢી નાખે છે. પણ અરીસાનું અસ્તિત્વ તો પથ્થર સાથે ન અથડાય ત્યાં સુધી જ હોય છે. કાચની જિંદગી એક દિવસ મૃત્યુ નામના પથ્થર સાથે અથડાઈને ફૂટશે જ! મૃત્યુનો મેલ એક દિવસ બધાને ચડવાનો છે. ગમે તેવું નવું વાહન હોય, મોંઘામાં મોંઘો આઈફોન કેમ નથી. દિવસે દિવસે ઘસાતો જાય છે, તમે ગમે તેટલા ટફન નખાવો, સારામાં સારા કવર ચડાવો. પણ તે ઘસાયા વિના નથી રહેતો. શરીર અંતિમ સત્ય નથી, એ તો ઉંમરના અમુક પડાવ સુધી ચાલીને અટકી જશે, ઝીર્ણ થઈ જશે. મૃત્યુ દરેક પળે તમારી સાથે, તમારી આજુબાજુમાં, અરે! તમારી અંદર જ હોય છે. તમારા જન્મની સાથે જ તમારું મૃત્યુ પણ જન્મી ચૂક્યું હોય છે. હેરી પોર્ટર ફિલ્મમાં ‘દમપિશાચ’ બતાવવામાં આવ્યા છે. આ ‘દમપિશાચ’ માણસની ખુશી, સારી યાદો અને જે કંઈ આનંદ હોય તે બધો ચૂસી લે છે. મૃત્યુ આપણામાંથી દરરોજ થોડી થોડી જિંદગી ચૂસ્યા કરે છે.
આ ગઝલના બધા શેર સારા છે. પણ પ્રથમ શેર તો ઓજસ પાલનપુરીની ઓળખ બની ગયો છે. એવું નથી કે તેમણે બીજી કવિતાઓ લખી નથી. લખી છે, પણ આ શેર તેમની માટે કોહીનૂર સાબિત થયો છે. ગુજરાતી ભાષાના ચૂનંદા શેરોની યાદીમાં આ શેર શિલાલેખની જેમ કંડારાયેલો રહેશે તેમાં કોઈ બેમત નથી. આજે આ કવિનો જન્મ દિવસ છે. 25 જુલાઈ 1927માં જન્મીને 1968માં 41 વર્ષની ઉંમરે જીવનલીલા સંકેલી લીધી. અલ્પાયુમાં તેમમે ગુજરાતી કવિતામાં જે ઓજસ પાથર્યું છે, તે હરહંમેશ રહેવાનું છે. તેમની જ અન્ય ગઝલ દ્વારા તેમને અંજલિ આપીએ.
————————–
લોગઆઉટ
બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની,
ઝાકળની થોડી બુંદોથી ધોવાય ચાંદની.
પીને શરબ ઉભો’તો સપનાય ના જુઓ,
તરસ્યા રહીને જાગો તો પીવાય ચાંદની.
તું આંખ સામે હોય તો એવુંય પણ બને,
ખીલ્યો હો ચંદ્રમા ને ન દેખાય ચાંદની.
તાર સ્મરણનું તેજ મને ડંખતું રહે,
ઉપરથી પાછી એમાં ઉમેરાય ચાંદની.
‘ઓજસ’ ધરે છે કોણ આ દર્પણ ગગન ઉપર,
દિવસનું તેજ રાતે બની જાય ચાંદની.
– ઓજસ પાલનપુરી
Leave a Reply