ઝાડ કુહાડી લાયક હો તો માણસ શેને લાયક?
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી મારી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા,
એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.
પાનખરે જે પંખીઓએ ઝાડને હિંમત આપી’તી,
એ પંખીની હામ ખૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.
ડાળ તૂટી ને કેટકેટલાં પંખીઓનાં ઘર તૂટી ગયાં,
કોકે શી મિરાત લૂંટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.
ઝાડ કુહાડી લાયક હો તો માણસ શેને લાયક?
તરણાઓમાં વાત ફૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા
– મૂકેશ જોષી
————————–
આજે વિશ્વ વનદિવસ. 21 માર્ચ 1972થી આ દિવસ વિશ્વભરમાં ઉજવાય છે. જેમાં વૃક્ષઉછેર અને વનસંરક્ષણ અભિયાન દ્વારા લોકજાગૃતિના અનેક કાર્યક્રમો થાય છે. જંગલોનો કચ્ચરઘાણ વાળ્યા પછી માણસ સમજવા લાગ્યો છે કે વનસંપત્તિ પૃથ્વીનાં ફેફસાં સમાન છે. જગદીશચંદ્રે બોઝે વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા સાબિત કર્યું હતું કે વૃક્ષમાં જીવ હોય છે. માણનું ખૂન થાય ત્યારે તેને મોટી હત્યા ગણવામાં આવે છે, એક વૃક્ષ છડેચોક કપાઈ જાય અને કોઈનું રૂંવાડું પણ ફરકતું નથી. માણસ પર થાય એ અત્યાચાર અને અન્ય જીવ પર થાય તે સદાચાર? વાહ રે વાહ માણસાઈ! વૃક્ષની નરવાઈ અને ગરવાઈનાં ગીતો ગાઈને કવિઓ કલાકારોની કલમ અને ગળા ઘસાઈ ગયા, પણ સાંભળીને-તાળી પાડીને લોકો વાત ભૂલી જાય છે. મૂકેશ જોષીએ ખૂબ સંવેદનશીલ રીતે વૃક્ષની ખબર કાઢવાની વાત કરી છે. અને આમ પણ વિશ્વ વિનદિવસે વૃક્ષની ખબર કાઢવાની વાત નહીં કરીએ તો ક્યારે કરીશું?
દલપત પઢિયારે પણ પોતાની સોસાયટીમાંથી ઝાડ કપાતા ઊભી થયેલી સંવેદના પર ખૂબ સુંદર કવિતા રચી છે. માણસ બીમારી પડે તેની ખબર કાઢવા સૌ કોઈ દોડી દોડીને જાય છે, ઘવાયેલા ઝાડ વિશે કોઈ કંઈ ક્યાં પૂછે છે. પણ કવિ લાગણીશીલ જીવ છે. વૃક્ષની ડાળી તૂટતી જોઈ તેનું હૈયું ઘવાઈ ઊઠે છે. તે બોલી ઊઠે છે ચાલ ઝાડની ખબર કાઢવા. પાણી વિના ટળવળતા માણસને જોઈને આપણમાં દયાનું ઝરણું ફૂટે છે. આ રીતે વૃક્ષ સૂકતાં જોઈને ક્યારેય તમને કશું થાય છે? આવા સૂકાતા કે કુહાડીગ્રસ્ત થતા ઝાડને જોઈને માણસને કશું નહીં થતું હોય, પણ પંખીને ચોક્કસ થતું હશે. એ બાપડું ઝાડને આશ્વાસન આપતું હશે કે ભાઈ, ધીરજ રાખ, આ ડાળી કપાશે તો નવી શાખા આવશે. ચિંતા ન કર. પણ જેવી કુહાડી થડ તરફ વળે કે પંખીની હામ પણ ખૂટી જાય. ઝાડ એ તો એનું ઘર છે. આશ્રયસ્થાન છે. ઝાડ તો એનો જિગરી યાર છે. એક સ્વજનને ગુમાવવો સહેલો નથી એ માણસથી વધારે સારી રીતે કોણ સમજી શકે? આપણે તો સ્વજન ગુમાવ્યાનું દુઃખ વિધિવિધાનોમાં પરોવાઈને વિસરી જઈશું. આ અબોલ જીવો કઈ રીતે આ દુઃખ ભલશે? પંખીઓના આવાં ઘર તોડીને અમુક લોકોને ન જાણે શું આનંદ મળતો હશે?
માણસ શિકારનો શોખીન છે, એ પ્રાણીઓનો શિકાર કરે છે, ઝાડ કાપવામાં આનંદ અનુભવે છે. એ ઝાડને કુહાડીલાયક ગણે છે. અહીં કવિ ખૂબ ધારદાર પ્રશ્ન કરે છે, જો ઝાડ કુહાડીલાયક હોય તો માણસ શેને લાયક? આ એક પંક્તિથી કોઈ પણ સંવેદનશીલ માનવનું હૈયું ધ્રૂજી ઊઠે. હાથમાં લીધેલી કુહાડી નીચે મૂકી દે. તેનામાં રહેલી માનવીય સંવેદના દરિયાનાં મોજાની જેમ ઘૂઘવવા માંડે. પણ આવું ભાગ્યે જ થાય છે. માણસની સંવેદના ઝાડની બરડ ચામડી કરતાં પણ વધારે બરછટ છે. તેની પર આવી ઘટનાઓની કશી જ અસર થતી નથી. તેથી જ તો મૂકેશ જોષી જેવા કવિઓએ લખવું પડે છે કે ચાલ ઝાડની ખબર કાઢવા!
જો કોઈ માણસ વૃક્ષ કાપતા પહેલાં એટલું વિચારે કે હું એક જીવને કાપી રહ્યા છો – ખૂન કરી રહ્યો છું, તો કદાચ તેના હાથ સહેજ અટકે. કુહાડીધારી હાથ આજીવન છાંયડો, ફળ, ફૂલ, લાકડાં, ઔષધિ જેવી અનેક ચીજવસ્તુઓ આપનાર વૃક્ષમાં માતાપિતા, મિત્ર-સ્વજન કે પુત્ર-પુત્રીનાં દર્શન કરે તો કદાચ તે હાથ વૃક્ષ તરફ જતા અટકે.
————————–
લોગઆઉટ
ઝાડ તને મારા સોગંદ સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન?
વરસોથી એક જ જગાએ ઊભા રહીને કંટાળો આવતો નથી? તારો એક્કેય ભાઈબંધ એની પાસે તને પ્રેમથી બોલાવતો નથી? સાવ માણસ જેવો આ સંબંધ!
આકરા ઉનાળે ખૂબ શોષ પડે ત્યારે સૂરજ પર ગુસ્સો આવે? વહેતી હવાને ખભે માથું મૂકીને હૈયું ઠાલવવાનું ફાવે? તારાં આંસુનું કેટલું વજન ?
ઝાડ, તને છાંયે બેઠેલો એક માણસ ગમે કે છાંયે બેઠેલી એક ગાય? સાંજ પડ્યે પંખી જો પાછું ન આવે તો પાંદડાંમાં ડૂમો ભરાય? છોડ્યું ના છૂટે વળગણ.
સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન? ઝાડ તને મારા સોગંદ!
– હિતેન આનંદપરા
Leave a Reply