ગુજરાતી સાહિત્યનાં જૂઈપુષ્પો
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી મારી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
સ્ત્રી દેવી છે સ્ત્રી માતા છે સ્ત્રી દુહિતા છે
સ્ત્રી ભગિની છે સ્ત્રી પ્રેયસી છે સ્ત્રી પત્ની
છે સ્ત્રી ત્યાગમૂર્તિ છે સ્ત્રી અબળા છે
સ્ત્રી સબળા છે સ્ત્રી શક્તિ છે સ્ત્રી નારાયણી
છે સ્ત્રી નરકની ખાણ છે સ્ત્રી પ્રેરણામૂર્તિ છે
સ્ત્રી રહસ્યમયી છે સ્ત્રી દયાળુ
માયાળુ પ્રેમાળ છે સ્ત્રી સહનશીલ છે
સ્ત્રી લાગણીપ્રધાન છે સ્ત્રી ડાકણ છે
સ્ત્રી ચુડેલ છે સ્ત્રી પૂતના છે સ્ત્રી
કુબ્જા છે સ્ત્રી મંથરા છે સ્ત્રી સીતા
ને સાવિત્રી છે સ્ત્રી…
સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે
સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે.
– જયા મહેતા
————————–
જયા મહેતાની આ કવિતા સ્ત્રી વિશે ઘણું કહી જાય છે. સ્ત્રીને આપણે સ્ત્રી સિવાય બધું જ બનાવી દીધી છે. તેને મનુષ્ય રહેવા દીધી નથી. મહિલાઉત્થાનની વાતો આવે એટલે તરત પુરુષની વાત પણ આવે. અને સીધી સરખામણી થવા લાગે. પુરુષે સ્ત્રીને કેટલો અન્યાય કર્યો છે તેની ચર્ચાના વાયરા ફૂંકાવા લાગે. વિશ્વપ્રસિદ્ધ નવલકથાકાર શિડની સેલ્ડને, મહિલાના મુખે શોભે એવી વાત, એક વાર રમૂજમાં કહેલી, “આ પુરુષો પણ ખરા છે, લગ્ન પહેલાં તેઓ પ્રેમ કરવાના સોગંધ ખાશે અને લગ્ન પછી સોગંધ ખાવા પૂરતો પણ પ્રેમ નહીં કરે.”
આજની મહિલા માત્ર કાગળ પર કલમ નથી ચલાવતી. તે વિમાન અને વહાણ પણ ચલાવે છે. આવતી કાલે મહિલા દિન છે ત્યારે ગુજરાતી સાહિત્યમાં કાગળ પર કલમ ચલાવનાર કેટલીક કવયિત્રીઓ વિશે મહિલા દિન નિમિત્તે વાત કરવા જેવી છે. આમ તો ગુજરાતી કવયિત્રીઓમાં છેક મીરાંબાઈથી લઈને આજની યુવા કવયિત્રી સુધીનાં નામો ગણી શકીએ. પરિવાર, પ્રસંગો, નોકરી અને અન્ય અનેક જવાબદારી સાથે કવિતા પોતાના હૃદયમાં જીવંત રાખતી અનેક કવયિત્રીઓ આજે પ્રવૃત્ત છે. આ તમામ કવયિત્રીઓ જૂઈના પુષ્પની માફક પોતાની મહેક પ્રસરાવી રહી છે. આવી કવયિત્રીઓની વાત મહિલાદિને નહીં કરીએ તો ક્યારે કરીશું? અત્યારે ગુજરાતી કાવ્યસર્જનમાં ઉષા ઉપાધ્યાય, પારુલ ખખ્ખર, રક્ષા શુક્લ, પૂર્વી બ્રહ્મભટ્ટ, જિજ્ઞા મહેતા, જિજ્ઞા ત્રિવેદી, નેહા પુરોહિત, હર્ષવી પટેલ, રિન્કુ રાઠોડ, મેગી અસનાની કવિ રાવલ, લક્ષ્મી ડોબરિયા, એષા દાદાવાલા, છાયા ત્રિવેદી, આરતી જોષી, લતા હિરાણી, ગોપાલી બૂચ, ભાર્ગવી પંડ્યા જેવી અનેક કવયિત્રીઓ પ્રવૃત્ત છે. વળી પન્ના નાયક, મધુમતી મહેતા, મનીષા જોષી, જયશ્રી મર્ચન્ટ, નંદિતા ઠાકોર જેવી કવયિત્રીનો વિદેશની ભૂમિ પર રહીને ગુજરાતી ભાષાનો શબ્દ જીવતો રાખવા મથી રહી છે. આટઆટલી મહિલાઓ કાવ્યસર્જન ક્ષેત્રે પ્રવૃત્ત હોય ત્યારે સહજપણે શ્રદ્ધા જાગે.
ગુજરાતી મહિલા કવયિત્રીઓની વાત ચાલી રહી છે. ત્યારે એક એક વાત કરવા જેવી લાગે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના મીરાં-નરસિંહના કાળખંડને આપણે નરસિંહ-મીરાં યુગ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર બાદ અર્વાચીન યુગમાં આવીએ તો, નર્મદ-દલપત યુગ છે. સાક્ષરયુગ, ગાંધી યુગ, સુંદર-ઉમાશંકર યુગ, નિરંજન-રાજેન્દ્ર યુગ, લાઠા-સિતાંશુ યુગ એવા અનેક યુગમાં આપણે સાહિત્યને વહેંચ્યું. આવી વહેંચણી પાછળનું એક માત્ર કારણ એ હતું કે જે તે યુગના કાળખંડ મુજબ સાહિત્યને વિભાજિત કરી તેને સમજી શકાય. ત્યારે એક પ્રશ્ન થાય છે કે ગુજરાતી ભાષામાં આટઆટલી મહિલાકલમો પ્રવૃત્ત હોવા છતાં ગુજરાતી સાહિત્યમાં એક પણ યુગ મહિલાના નામે કેમ નથી? મીરાં-નરસિંહ યુગ છે, પણ સમયગાળો તો મધ્યકાલીન છે. આપણે અર્વાચીન યુગ અને આધુનિકતાની વાત કરીએ છીએ, પણ ક્યાં છે એવી મહાન મહિલા સર્જક કે જેના નામે સાહિત્યનો આખો યુગ ઓળખી શકાય? શું હજુ સુધી કોઈ એવી સક્ષમ મહિલાસર્જક નથી આવી કે જે પોતાની કલમથી ગુજરાતી સાહિત્યને ઘમરોળી નાખે, મોટો વળાંક આપે, નવા આયામો સર કરે, સાહિત્યના બાંધેલા નિયમોના ફનાફાતિયા કરીને વિશેષ સર્જન કરી બતાવે? કે પછી ગુજરાતી પ્રજા મહિલામાં રહેલા સાહિત્યસર્જનને પોષવા-પાળવામાં વામણી સાબિત થઈ છે? ખરું કારણ શું છે?
————————–
લોગઆઉટઃ
મારી અંદર એક વૃક્ષ
ફળોના ભારથી ઝૂકેલું ઊભું છે.
નવાં મહોરતાં ફૂલોના રંગથી મહેકતી,
તાજાં જન્મેલાં પંખીઓનાં બચ્ચાનાં
તીણા અવાજથી ચહેકતી,
તસુએ તસુ, તરબતર, હું એક સ્ત્રી.
કીડીઓની હાર ફરી વળે છે મારા અંગ પર,
અજગર વીંટળાય છે,અંધારું આલિંગે છે
અને મારી શાખાઓ પરથી ઝર્યા કરે છે મધ.
મોડી સાંજે,
ડાળીએ ડાળીએ ફરી વળતા અંધારા ભેગી
સરકતી આવતી ઉદાસીને
પાંદડાની છાલમાં છુપાવી લેતાં મને આવડે છે.
મને આવડી ગયું છે
પાનખરમાં પાંદડાઓને ખંખેરી નાખતાં.
સૂકાં, પીળાં પાન
તાણી જાય છે ઉદાસીને
નદીના વહેણમાં.
હું અહીંથી પડખુંયે ફરતી નથી,
પણ મને ખબર છે,
નદીપારના કોઈક સ્મશાનમાં
સૂકાં, પીળાં પાંદડાઓ ભેગી
ભડકે બળતી હશે મારી ઉદાસી.
પાંદડાં બળવાની સુગંધ
ઓળખી લે છે,
દરેક લીલુંછમ વૃક્ષ.
– મનીષા જોષી
Leave a Reply