બે કવિએ મળીને લખેલી એક કવિતા…
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં.
પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હળસેલતીક જાગું
દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું
બારણાંની તડમાંથી પડતા અજવાસને
ટેકે ઊભી રે મારી ધારણા
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલ બે જગાવે
ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને
બાંધી લ્યે થઈને સંભારણાં
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
– રમેશ પારેખ અને અનિલ જોશી [સહિયારી રચના]
————————–
રમેશ પારેખ અને અનિલ જોશી ગુજરાતી ભાષાના બે ઊંચા સર્જકસ્તંભ છે. રમેશ પારેખ એટલે સર્જકતાથી ફાટફાટ થતા કવિ. અનિલ જોશી એટલે ગુજરાતી કવિતાનો કેસરિયાળો સાફો. આ બન્ને કવિની કેટકેટલી રચનાઓ આજે ગુજરાતી કવિતારસિકોના મોઢે છે. એક યાદ કરો ન કરતો ત્યાં તો બીજી મોંઢે આવી ચડે, બીજી બોલો ત્યાં ત્રીજી ટપકે. ત્રીજી પૂરી ન કરો ત્યાં ચોથી હાજર થાય….–રમેશ પારેખની ભાષામાં કહીએ તો ‘હાઉક’ કરીને સામે આવી ઊભી રહે. રમેશ પારેખ અને અનિલ જોશીની જોડી ન ભૂતો ભવિષ્યતિ છે એમાં કોઈ બેમત નથી. તેમની કાવ્યબાની અને રજૂઆત નોખા-અનોખા છે. તેમના કલ્પનાવિશ્વે ગુજરાતી કવિતાજગતમાં નવી ઊંચાઈ આંબી છે. બન્નેનું ગદ્ય પણ એટલું નિરાળું છે.
આજે આપણે તેમણે સાથે મળીને રચેલી એક રચના વિશે વાત કરીએ. બે હાથે એક કલમ ઊપડે ત્યારે કેટલું સુંદર પરિણામ આવી શકે તેનું જીવંત ઉદાહરણ એટલે આ આ ગીતકવિતા. કવિતાની શરૂઆતમાં જ કવિએ જે ‘મ’ વાપર્યો છે તે ધ્યાન ખેંચનારો છે. અહીં તેમણે ‘ડેલીએથી પાછા ન વળજો’ એવું પણ કરી શક્યા હોત. પણ નથી કર્યું. તેમાં તેમની ખરે કવિતાસૂજ પ્રગટે છે. કયો શબ્દ ક્યાં વાપરવો તેની સૂજ કવિમાં હોવી ખૂબ જરૂરી છે. અહીં ‘મ’નું પ્રયોજન ખરેખર કાબિલેદાદ છે. ડેલીને બારણાં આડાં દીધા હોય ત્યારે આડાં બારણા જોઈને કૃષ્ણ પાછા વળી જાય એવું બને. એટલે ગોપીભાવે કવિ કહે છે કે, “ક્હાન, આ બારણાં તો મેં અમસ્તાં આડાં કર્યાં છે. બંધ છે એમ સમજીને પાછા ન વળી જતા.” ન કરતાં ‘મ’ શબ્દના પ્રયોજનમાં વિશેષ મધુરતા છે. કાવ્યનાયિકા ઊંઘની કામળી હડસેલીને જાગી રહી છે. આમ ને આમ પરોઢ થઈ. દળણે બેઠી. ઘંડીના ફરતાં પડમાં તેને જાણે જમનાના વ્હેણની ઘૂમરીઓમાં ડૂબતી હોય તેવું લાગે છે. આ અંતરાની અંતિમ પંક્તિ ખાસ જોવા જેવી છે. ‘બારણાંની તડમાંથી પડતા અજવાસને ટેકે ઊભી રે મારી ધારણા’ બારણાની તડમાંથી અજવાળું ઘરમાં પ્રવેશતું હોય તેવું દૃશ્ય અહીં આંખ સામે આવે છે, વળી આ તિરાડમાંથી આવતા અજવાળાનો ટેકો લઈને ધારણા ઊભી છે! શું અદ્ભુત કલ્પના છે!
વહેલી પરોઢનું આ દૃશ્ય જુઓ. કૂકડાની બાંગ, મોસૂજણાની કેડીએ, સૂરજની હેલ ભરી આવે. મોંસૂજણું એટલે વહેલી સવાર કે સાંજનું એવું આછું અજવાળું જેમાં એકબીજાનું મોં ભાળી શકાય. વળી અહીં તો મોંસૂજણાની કેડી કહી છે અને સૂરજને પનિહારીની જેમ હેલમાં ભરી લાવે છે. નાયિકાને શ્યામને મળવાના અભરખા છે – કોડ છે. આ કોડનું કોડિયું ઠરવા આવ્યું છે, પણ કાગડાના બોલે એ કોડિયાને જીવંત કર્યું. કાગડો બોલે ત્યારે કોઈ આવે એવી આપણે ત્યાં માન્યતા છે. તેથી કાગડાને બોલતો સાંભલી ક્હાન આવશે એવી આશામાં પ્રતીક્ષાનો દીવો ફરી પ્રગટી ઊઠ્યો. છેલ્લે વપરાયેલો ‘વાંભ’ શબ્દ પણ અગત્યનો છે. વાંભનો અર્થ ગુજરાતી લેક્સિકનમાં આવો આપ્યો છે – વાછરડાં ઢોર વગેરેને વાળીને એકઠાં કરવા કરાતો એક પ્રકારનો અવાજ. પરોઢે ગાયુંની વાંભ ટાણે કાવ્યનાયિકાને સંભારણાં ઘેરી વળે છે. તેને આશા છે ઠાલા દીધાલાં બારણાં ખોલી ક્હાન આવશે.
રમેશ-અનિલની આ સંયુક્ત કવિતા તેમની કાવ્યમૈત્રીની છબી સમાન છે. અમરેલીની આ જોડીની જેમ જ રાજકોટની કવિબેલડી કુલદીપ કારિયા અને નરેશ સોલંકીએ પણ સુંદર પ્રયોગશીલ ગીત રચ્યું છે. તેનાથી લોગઆઉટ કરીએ.
————————–
લોગઆઉટ
એ વાતોને યાદ નથી કરવી
કોઇ કોઇ વાર કોઇ યાદ એમ આવે કે ભૂલેલી ડાળ થાય તાજી
પાંદડાંને ખરતા જોઇ ફફડેલા ટહુકાઓ વૃક્ષોને બેઠા છે બાઝી
હવે ખિસ્સામાં આગ નથી ભરવી
પોપડીઓ થઈને કંઈ દિવાલો ખરતી ને મારામાં ખરતીતી રાત
મારે વસંત શું ને મારે શું પાનખર હું તો છું ટેબલની જાત
આ ખાલી હથેળી શું ધરવી
લાદી પર ઢોળાયેલ પાણીને જોઇ થયું ઘરને પણ આવે છે આંસુ
ઘરને પણ ઝેરીલો ડંખ નથી વાગ્યોને લાવ જરા સરખું તપાસું
એ જ વેળા એકલતા ધરવી
એ વાતોને યાદ નથી ખરવી
– નરેશ સોલંકી અને કુલદીપ કારિયા (સંયુક્ત ગીત)
Leave a Reply