ધરતી પર સૂતાં સૂતાં આકાશના તારા પકડવા
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
આખુંયે બ્રહ્માંડ બિચારાની સાથે તેથી ઝગડે છે
સૂતા-સૂતા ધરતી પર એ મુઠ્ઠીમાં તારા પકડે છે
છોકરીઓ કોલેજ જવાનો માર્ગ બદલતી’તી જેને જોઈ
એની દિકરી નીકળે છે કોલેજ જવા, કેવો ફફડે છે
– ભાવેશ ભટ્ટ
————————–
ધરતી પર સૂતાસૂતા એક માણસ આકાશના તારા પકડવાના પ્રયત્નો કરે, અને તેના આ પ્રયત્નોથી ગિન્નાઈને આકાશ માથાકૂટ કરે, આખું બ્રહ્માંડ ઝગડા પર ઊતરી આવે એવું થાય ખરું? અમુક વાચકોને ઉપરની પંક્તિઓ વાંચીને એવો પ્રશ્ન પણ થઈ શકે કે ધરતી પર સૂતા સૂતા આકાશના તારા કઈ રીતે પકડી શકાય? શાંતિથી વિચારશો તો તમે આ રીતે તારા પકડ્યાની ઘણી ક્ષણો આંખ સામે દેખાશે. તળિયે રહેલો માણસ ટોચ સુધી પહોંચવાનું સપનું સેવે ત્યારે એ સપનાને સફળ બનાવવાના પ્રયત્નો એ તારા પકડવાની કોશિશો નહીં તો બીજું શું છે? આવું થાય ત્યારે શિખર પર બેઠેલા માણસો મોં ત્રાંસુ કરીને પહેલા તો જોઈ રહે છે, પણ લાગે કે આનો હાથ તો ખરેખર તારાઓ સુધી પહોંચવા લાગ્યો છે, ત્યારે તે વિઘ્નદાવ શરૂ કરે છે, તારાઓને તેની જગ્યાએથી હટાવી દે છે. રસ્તામાં અડચણના આખલાઓ દોડાવે છે, જેથી પેલો સ્વપ્ન સેવતો માણસ ઘવાય. ધીમે ધીમે આકાશની સાથે આખુંય બ્રહ્માંડ તેની વિરુદ્ધમાં આવી જાય છે. અસ્તિત્વની આંટીઘૂંટીમાં પડેલા માણસનો વાંક એટલો જ હોય છે કે તે ધરતીનો હતો, અને આકાશના તારા પકડવાની કોશિશ કરી. તળનો હતો અને શિખર પર પહોંચવાનાં સપનાં સેવ્યા. છેલ્લી હરોળમાં નંદવાતો હતો ને પ્રથમ હરોળની ખુરશીમાં બેસવા ગયો. તારા પકડવા મથતા આવા સેંકડો માણસોના હાથ આજે પણ કપાય છે! આપણે માત્ર એટલું વિચારવું કે એ કપાવામાં ક્યાંય આપણને નિમિત્ત ન બનીએ. આપણું જીવન આપણા સંજોગો, પરિસ્થિતિ અને પાત્રતા પર નિર્ભર હોય છે. આપણે લીધેલા નિર્ણય આપણું જીવન ઘડે છે. કદાચ નિર્ણયોના ઘડતરથી થયેલા જીવનને જ આપણે ભાગ્ય કે નસીબ કહીએ છીએ.
દરેક માતા-પિતા માટે સંતાન પ્રેમના પારસમણિ સમાન હોય છે. શરીફને પોતાનાં બાળકો પર વધારે પ્રેમ હોય ને ગુંડાને નફરત હોય એવું ન હોય. જેટલો એક ભીખારી પોતાના બાળકને પ્રેમ કરતો હોય, એટલો જ અમીર પણ ચાહતો હોય. રાતદિવસ બંદૂકની ધાંયધાંય કર્યા કરતો માણસ, કે વિના કારણે લોકોને ભડાકે દેતો શખ્શ પણ એવું નથી ઇચ્છતો કે તેનાં બાળકો પિસ્તોલની ઝપટમાં આવે. નાળચું તેમના લમણે મૂકાય. લોહીની નદીઓ વહેવરાવનાર માણસના બાળકને જરાક અમથું લોહી નીકળે તો પોતે ઊંચો નીચો થઈ જતો હોય છે. ગમે તેવો માલેતુજાર કે જાડી ચામડીનો માણસ હોય, જેના નામથી આખો મલક ધ્રૂજતો હોય એવો માણસ પણ દીકરી વળાવ્યા પછી ધ્રૂસકે ચડતો હોય છે. પોતાની સુંદર દીકરીને જોઈને એક શરીફ બાપ ચિંતા કરે કે મારી દીકરી ક્યાંક નંદવાઈ ન જાય. ઘણા સંજોગોમાં દીકરીની સાથોસાથ ઘરમાંથી માબાપની ચિંતા પણ નીકળતી હોય છે, રાત્રે જરાક વાર ઘેર પહોંચવામાં મોડું થાય, તો માતાપિતાનો જીવ તાળવે ચોંટી જતો હોય છે. યુવાવયે છોકરીઓના રસ્તા આંતરતો માણસ પોતે એક સુંદર દીકરીનો બાપ થાય, અને દીકરીને રાત્રે એકલા બહાર નીકળવાનું બને ત્યારે કેવો ફફડાટ અનુભવતો હોય છે એ તો એ બાપ પોતે જ જાણે! એ સમયે બાપે યુવાવયે કરેલી છેડતી આંખ સામે આવી જતી હશે, કદાચ મનોમન એ માટે ઈશ્વરની માફી પણ માગી લેતો હશે. એમ ઇચ્છતો હશે કે મારી ભૂલોની સજા ક્યારેય પણ મારા સંતાનને ન આપતો પ્રભુ! એક સમયે જેને જોઈને યુવતીઓ કૉલેજ જવાનો રસ્તો બદલી નાખતી હતી, એ જ માણસની દીકરી મોટી થઈને કૉલેજ જવા તૈયાર થઈ ગઈ છે, ત્યારે બાપને ચિંતા સતાવે છે.
આપણે બીજા સાથે જે અન્યાય કરતા હોઈએ છીએ, વહેલા મોડા એ જ અન્યાયના ભોગ આપણે પણ થવું પડતું હોય છે, આપણે પણ સમયના કઠેડામાં ઊભા રહીને જવાબો આપવાના થાય છે. ભાવેશ ભટ્ટે ઉપરના શેરમાં આ વાત બહુ સરસ રીતે કરી છે. તેમની ગઝલમાં આજની તાજગી છે. સમાજમાં પ્રવર્તી રહેલી કાળાશને એ પોતાની ગઝલમાં પરોવીને આપણી સામે એ રીતે રજૂ કરી છે કે ઘણી વાર વાચક પોતે આંચકો ખાઈ જાય છે! પોતાની સુંદર અને રૂપાળી દીકરીના દેહ પર ભોંકાતી જગતની અણીદાર નજરોને લઈને પિતાના મનમાં થતો વલોપાત ભાવેશ ભટ્ટે નીચેના શેરમાં અદ્બુત રીતે દર્શાવ્યો છે.
————————–
લોગઆઉટઃ
મારી દીકરીનો વાન બદલી નાખ,
કાં જગતનું ઇમાન બદલી નાખ.
– ભાવેશ ભટ્ટ
Leave a Reply