નામ શૂન્ય અને મૂલ્ય આંક્યું ન અંકાય તેવું…
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
પતવાર ને સલામ, સિતારાને રામરામ,
મજધારે જઈ રહ્યો છું, કિનારાને રામરામ.
ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં,
નૌકાને તારનાર ઈજારાને રામરામ.
દિલને દઝાડતો રહ્યો; ભડકી શક્યો નહીં,
નિર્માલ્ય એવા પ્રેમ-તિખારાને રામરામ.
મારો જનાજો છે હવે મારી જ ખાંધ પર,
મૃત્યુ પછીના સર્વ સહારાને રામરામ.
દીધો છે સાદ ‘શૂન્ય’ ગહનતાઓએ મને,
કાંઠે ટહેલવાના ધખારાને રામરામ.
– ‘શૂન્ય’ પાલનપુરી
————————–
એક વખત ડિસાના ગેસ્ટહાઉસમાં નવાબે અલીખાન ઉસ્માનખાન બલોચ નામના એક માણસને કહ્યું કે, હજુ સુધી પાલનપુરનું નામ રોશન કરે એવી કોઈ વ્યક્તિ નથી થઈ. આ વાત અલીખાનને લાગી આવી. તેમણે ‘અઝલ પાલનપુરી’ના નામે ગઝલો લખવાની શરૂઆત કરી. તેમની ગઝલની આ સફર ચાલતી રહી અને ઉર્દૂમાં તેમનો રંગ ‘રૂમાની’ થયો. એક દિવસ ગુજરાતી ભાષાના મોભાદાર શાયર ઘાયલ સાથે જૂનાગઢમાં તેમની મુલાકાત થઈ. અલીખાન બલોચ ઉર્ફ અઝલ પાલનપુરીની ઉર્દૂ ગઝલો સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા. ઘાયલસાહેબે આ ઉર્દૂશાયરે લખેલી ગુજરાતી ડાયરી જોઈ અને તેમને કહ્યું કે ગુજરાતી આટલું સારું છે તો ગુજરાતીમાં જ લખોને. અને અલીખાને ગુજરાતીમાં ભાષાના ફળિયે પોતાની કૂંપણ મૂકી. ઘાયલસાહેબે તેમને ‘શૂન્ય’ તખલ્લુસ આપ્યું અને તેઓ ‘શૂન્ય પાલનપુરી’ તરીકે ઓળખાયા.
પાલનપુર ગુજરાતી ગઝલનું મક્કા ગણાય છે. જેમ પટોળા પાટણના, તેમ ગઝલો પાલનપુરની એવું પણ ઘણા લોકો માનતા. કેટકેટલા શાયરો આપ્યા આ શહેરે. શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, ઓજસ પાલનપુરી, મુસાફિર પાલનપુરી, અમર પાલનપુરી, અગમ પાલનપુરી, આતિશ પાલનપુરી, કમલ પાલનપુરી, પંથી પાલનપુરી અને આવા બીજા અનેક શાયરો. ગુજરાતી ગઝલમાં પાલનપુરી કવિઓનું પ્રદાન અવગણીને આગળ વધી શકાય તેમ નથી. ગઝલને પાલનપુરી રંગ ચડાવનાર એક અદ્ભુત શાયર જનાબ શૂન્ય પાલનપુરીનો આજે જન્મ દિવસ છે. 19 ડિસેમ્બર 1922ના રોજ અમદાવાદના લીલાપુરમાં જન્મેલા આ કવિએ ગુજરાતી ગઝલની સંખ્યામાં પોતાનું મીંડું અર્થાત્ ‘શૂન્ય’ ઉમેરીને તેનું મૂલ્ય અનેકગણું વધાર્યું છે. એમાં કોઈ બેમત નથી. નામ ભલે શૂન્ય હોય, પણ તેમનું મૂલ્ય આંક્યું ન અંકાય તેવું છે.
તેમની ગઝલ અને રજૂઆતમાં રહેલી ખુમારી તેમના જીવનમાં પણ હતી. આમ પણ મા શારદાનાં સંતાનોને ખુમારી અને ખુદ્દારી વારસામાં મળતી હોય છે.
મુંબઈમાં એક હીરાના વેપારી એમની ગઝલોના ખૂબ ચાહક થઈ ગયેલા. એ વખતે શૂન્યસાહેબ કુર્લામાં રહેતા હતા. વેપારી તેમની ગઝલો પાછળ એટલા પાગલ કે એક દિવસ પૈસા ભરેલી આખી બેગ લઈને શૂન્ય સાહેબને ભેટ આપવા આવી પહોંચ્યા. પણ શૂન્યસાહેબે પૈસાને નકાર્યા અને તે ગઝલચાહકના પ્રેમને આવકાર્યો. આનાથી તે ચાહક વધારે પ્રભાવિત થયા અને શૂન્યસાહેબને તેમના ખર્ચે યુરોપપ્રવાસે જવા મનાવ્યા.
શૂન્યસાહેબના હૃદયની નેકી અને પવિત્રતા તેમના વ્યવહારમાં પણ છલકાતી. 1987માં જ્યારે શૂન્યસાહેબને બીજો એટેક આવ્યો ત્યારે તેમને ત્રણ દિવસ હૉસ્પિટલમાં રાખવા પડ્યા હતા. ત્યાંથી રજા મળી કે તરત જ તેમણે પોતાના દીકરા તનસીમને કહ્યું કે, મુંબઈ જ્યાં હું રહેતો હતો ત્યાં પ્રેસ ક્લબમાં મારું 37.50 રૂપિયાનું બિલ બાકી છે. વહેલી તકે ચૂકવી આવ. દીકરાએ કહ્યું, શું ઉતાવળ છે, તમારી તબિયત સારી થાય પછી જઈ આવીશ. તો તરત શૂન્યસાહેબે કહ્યું, ‘હું કોઈ પણ પ્રકારની ઉધારીના ભાર સાથે જગતમાંથી જવા નથી માગતો.’ આ તેમની નેકી હતી. અને કદાચ આ નેકી જ તેમને ગઝલોમાં વધારે રમમાણ થવામાં મદદરૂપ થતી.
અહીં લોગઇનમાં ટાંકવામાં આવેલી ગઝલમાં પણ શૂન્યસાહેબની ખુમારી અનુભવાશે. આપણે ત્યાં મળતી કે વિદાય લેતી વખતે ‘રામરામ’ બોલવામાં આવે છે. આ જ શબ્દને રદીફ તરીકે લઈને શૂન્યસાહેબે પોતાના કૌવતથી ગઝલને જીવંત બનાવી દીધી છે. કિનારાને રામરામ કહીને મઝધારમાં જતા આ શાયરને તેમની અંદરની ગહનતાએ તેમને સાદ દીધો હતો, એટલે જ કદાચ કાંઠે ટહેલવાના તુચ્છ ધખારાને તેઓ અલવિદા કે રામરામ કહી શકતા હતા.
‘પરિચય છે મંદિરમાં દેવનો મારો…’ કે ‘અમે તો કવિ કાળને નાથનારા’ કે ‘આવ્યો છે જમાનો ફૂલોનો’ જેવી અનેક રચનાઓમાં તેમના ભાવ, સ્વભાવ અને જીવનની ખુમારી છલકાતી જોઈ શકાય છે. આ મુક્તક જુઓઃ મોતની તાકાત શી મારી શકે? જિંદગી તારો ઈશારો જોઈએ; જેટલે ઊંચે જવું હો માનવી, તેટલા ઉન્નત વિચારો જોઈએ.’ વિચારોમાં રહેલું ઉન્નપણું કઈ રીતે વ્યક્ત કરવું તેનો કસબ તે બહુ સારી રીતે જાણતા હતા. એટલા માટે જ તે ‘શૂન્ય’ હોવા છતાં સવાયા બની રહ્યા. તેમના શબ્દનો વૈભવ ગુજરાતી ગઝલનો આગવો મુકામ છે. તેમણે કરેલો ઉમર ખય્યામનો અનુવાદ તો કાબિલેદાદ છે. અગાઉ આપણે અહીં આ કોલમમાં તેના વિશે વાત કરી ચૂક્યા છીએ. પોતાના સર્જન, વિસર્જન, અવશેષ, સ્મારક અને સ્મૃતિ થકી ગઝલનો આગવો વૈભવ ઊભો કરનાર આ શાયરને તેમના જન્મદિને દિલથી સલામ.
————————–
લોગઆઉટઃ
શ્વાસના પોકળ તકાદા છે, તને માલમ નથી,
નાઉમેદીના બળાપા છે, તને માલમ નથી;
જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
મોતના આ ધમપછાડા છે, તને માલમ નથી.
– શૂન્ય પાલનપુરી
Leave a Reply