શબ્દોનું ધન અને અર્થનું તેજ ધરાવનાર શાયરઃ ખલીલ ધનતેજેવી
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે,
તરણું ઊખડી જાય તો કે’જે મને.
જિંદગી તારાથી હું થાક્યો નથી,
તું જો થાકી જાય તો કે’જે મને.
– ખલીલ ધનતેજવી
————————–
શબ્દોનું ધન અને અર્થનું તેજ ધરાવનાર શાયર એટલે જનાબ ખલીલ ધનતેજવી. લગભગ શયદાથી લઈને છેક આ લખનાર સુધીના અનેક શાયરો સાથે મંચ ગજવનાર આ શાયરે ગુજરાતી ગઝલનું અજવાળું અનેક અંધારી ગલીઓ સુધી પહોંચાડ્યું છે. સતત પાંસઠેક વર્ષ સુધી ગઝલના ગરમાળાને હર્યોભર્યો રાખનાર આ શાયરે ખેતી કરી, પત્રકારત્વ કર્યું, ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું, નવલકથાઓ લખી, લેખો લખ્યા, છાપામાં કોલમો પણ લખી, પરંતુ તેમનો જીવ તો કવિતાનો જ રહ્યો. ગઝલ એ તેમની મુખ્ય ઓળખ રહી. ખલીલ ધનતેજવીના નામ માત્રથી ઘણા કાર્યક્રમો શ્રોતાઓથી છલકાઈ જતા. તેમનો ઘેઘૂર અવાજ રીતસર મોહિની ઊભી કરતો. એમાંય જ્યારે તેઓ ‘તમે મને મૂકી વરસો…’ એટલું કહે તો શ્રોતાઓ તરત બોલી ઊઠે, ‘ઝાપટું આપણને નહીં ફાવે!’ અને ખરેખર, આ શાયરને ઝાપટું ન જ ફાવ્યું, જીવ્યા ત્યાં સુધી મુશળધાર રહ્યા. ચિનુ મોદી ખલીલસાહેબની રજૂઆત અને લોકપ્રિયતાને જોતા તેમને સૌથી અંતે રજૂ કરતી વખતે કહેતા, ‘ના દાખલો, ના દલીલ, હવે માત્ર ખલીલ…’ અને પછી તો રીતસર શ્રોતાઓમાં તેમની ગઝલની ભુરકી છવાઈ જતી.
તેમની ગઝલોમાં રહેલી સરળતા શ્રોતાઓના હૃદયમાં ઊતરી જતી. સાંભળનારને એવું લાગતું જાણે આ શાયર અમારી જ વાત કરી રહ્યો છે. નહીં અલંકારના વધારે ઠઠેરા, ન વિશેષણોના વધારે પડતા વાઘા. સ્વભાવ અને શાયરીમાં રહેલી ‘સાદગી’માં જ આ શાયરના જીવનનો ‘સારાંશ’ આવી જાય છે. તેમણે કવિતારસિકોને ગઝલના ‘સરોવર’ની ‘સોગાત’ ધરી. તો ‘સૂર્યમૂખી’ સૂરજ સાથે ‘સગપણ’ બાંધે એવું ગઝલ સાથે સગપણ બાંધીને આગવાં ‘સોપાન’ પણ સર કર્યાં. ખલીલ ઈસ્માઇલ મકરાણી નામ ધરાવનાર આ શાયરે પોતાના ગામ ‘ધનતેજ’ પરથી ‘ધનતેજવી’ અપનાવીને ખરેખર ધન અને તેજ સાર્થક કર્યા. જાણીતા વિવેચક શકીલ કાદરીએ તેમના વિશે કહેલું, “ગઝલ આજે આટલી લોકપ્રિય કક્ષાએ પહોંચી છે, તેમાં ખલીલ ધનતેજવીનો બહુ મોટો ફાળો છે.”
મંચ પરથી ગઝલપાઠ કરતી વખતે તેમને ક્યારેય ડાયરી, ચિઠ્ઠી કે ચબરખીની જરૂર પડી નથી. એક વાર શરૂઆત કર્યા પછી અસ્ખલિત રીતે તેમની વાણી વહ્યા કરતી અને શ્રોતાઓમાં તેમાં ભીંજાતા રહેતા. શાયરી દ્વારા તેઓ સમાજ પર કટાક્ષ કરતા, ‘વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી.’ એવું મોં પર પરખાવી દેવાની ખુમારી પણ તેમના શબ્દોમાં હતી. તો વળી, ‘ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો, આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો.’ આમ કહીને તેઓ વિરોધીઓ અને કહેવાતા સ્વજનો પર ભારોભાર કટાક્ષ પણ કરી લેતા. ગઝલ એ માત્ર શબ્દોની રમત નથી એ વાત તેઓ સારી રીતે જાણતા હતા, એટલે જ કહેતા હતા, “ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ, આ તો હૃદયની વાત છે હાંફી જવાય છે.” હૃદયની વાત તેઓ હૃદયથી કરી શકતા હતા. પ્રેમ, વિરહ, સામાજિક મૂલ્યોનું થતું પતન, સંસ્કૃતિ, સંસ્કાર અને ખુમારીની વાતો તેમની ગઝલમાં જોવા મળતી. તેમણે પોતે પણ એક શેરમાં કહ્યું છે, ‘ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી; હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું.’
ઉર્દૂમાં પણ તેમણે ઘણી ગઝલો રચી છે. જગજિતસિંઘે ગાયેલી, ‘अब मैं राशन की कतारो में नजर आता हूं, अपने खेंतों से बिछडने की सज़ा पाता हूं ।’ ગઝલ તો ખૂબ લોકપ્રિય છે.
અહીં લોગઇનમાં આપવામાં આવેલું મુક્ત જુઓ, તેમને જે કહેવું હતું છે તે સટીક અને સરળ ભાષામાં કહ્યું છે. ઝંઝાવાત આવશે તો એને વૃક્ષ નહીં વેઠી શકે, એ તૂટી જશે. પણ તરણું અકબંધ રહેશે. વૃક્ષની અક્કડતા તેને નડશે. છેલ્લી ઘડી સુધી શાયરીને જીવનાર આ શાયર જિંદગીથી કદી થાક્યો નહીં. કદાચ જિંદગી થાકી ગઈ. એટલે જ થોડા મહિનાઓ પહેલા, તારીખ 4 એપ્રિલ 2021ના રોજ આપણે તેમને ગુમાવ્યા. આવા મુઠ્ઠી ઊંચેરા શાયરનો આજે જન્મદિન છે. તારીખ 12 ડિસેમ્બર 1938ના રોજ ધનતેજ ગામે અવતરનાર આ શાયરરત્નએ ગુજરાતી ગઝલને નામ અને દામ અપાવવામાં ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો છે. શકીલ કાદરીના શબ્દોમાં ફરી કહીએ તો, “ભલે સાહિત્યિક રીતે એ વધારે મૂલ્યવાન ન લાગે, પણ સામાન્ય લોકોને સ્પર્શે એવો સમાજનો અસલી ચહેરો તેઓ ગઝલમાં સાદી રીતે રજૂ કરતા હતા.” અને એટલે જ લોકોને તેમની ગઝલો વિશેષ ગમતી હતી. આજે તેમના જન્મદિને તેમને લાખલાખ વંદન.
————————–
લોગઆઉટઃ
લે આ મારી જાત ઓઢાડું તને;
સાહેબા, શી રીતે સંતાડું તને.
કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.
હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.
કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.
ઘર સુધી આવવાની જિદ્દ ન કર,
ઘર નથી, નહિતર ના પાડું તને?
તું ખલીલ, આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને.
– ખલીલ ધનતેજવી
Leave a Reply