પંખી પાછું પીંજરામાં ભરાઈ ગયું!
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
પિંજરાનું બારણું ખોલીને
પંખીને કહેવામાં આવ્યું,
‘હવે તું મુક્ત છે.’
પંખીએ બહાર નીકળીને
માણસ સામે જોયું-
અને
પાછું પિંજરામાં ભરાઈ ગયું.
— હર્ષદ ત્રિવેદી
————————–
દરેક માણસ પાસે પોતપોતાનું પાંજરું છે, જેમાં તે પોતાના અસ્તિત્વના પંખીને પૂરી રાખે છે. એ પોતે જ પોતાને પીંજરાની ટ્રેનિંગ આપે છે અને પૂરી ટ્રેનિંગ મળી જાય પછી પીંજરું ખોલે છે. પછી પીંજરું ખૂલ્લું હોવા છતાં પણ અસ્તિત્વનું પંખી ઊડી શકતું નથી.
સરકસના હાથીની કહાણી જાણવા જેવી હોય છે. આપણને પ્રશ્ન થાય કે આટલો મોટો હાથી એક નાનકડા લાકડાના ખીલા સાથે બંધાઈને કઈ રીતે રહેતો હશે? એ ધારે તો પળમાં એને તોડીને જઈ શકે. પણ તે નથી જતો. હાથી તેના બંધનથી ટેવાઈ ગયો હોય છે. કારણ કે તેને આ બંધનની ટ્રેનિંગ બાળપણથી અપાય છે. તે જ્યારે સાવ નાનું મદનિયું હોય ત્યારે તેને પકડીને એક મજબૂત ખીલા સાથે બાંધી દેવામાં આવે છે. તે છૂટવા માટે ખૂબ હવાતિયાં મારે છે, જીવ ઉપર આવી જાય છે, પણ તે નથી છૂટી શકતું. રોજરોજના હાવા હવાતિયાંથી થાકી-હારીને આખરે તે ખીલો સ્વીકારી લે છે. તે મદનિયું અલમસ્ત મહાકાય હાથી થયા પછી પણ પેલા ખીલા વિશેની તેની ગ્રંથિ એટલી મજબૂત થઈ ગઈ હોય છે કે તે ખીલો તોડવાનો પ્રયત્ન જ નથી કરતો. લાકડા કે લોઢાના ખીલા કરતા મનમાં ખોડાતા ખીલા ઘણા મજબૂત હોય છે.
આપણે પણ કોઈ અલૌકિક સરકસના હાથીઓ છીએ. પોતપોતાના પૂર્વગ્રહના ખીલે બંધાઈને બેઠાં છીએ. આપણે એવું માની બેઠા છીએ કે આ ખીલો મારાથી ક્યારેય નહીં છૂટે, તેથી આપણે તેનાથી છૂટવા પ્રયત્ન પણ નથી કરતા. આપણે ખીલાને જ આપણું સરનામું માની લીધું છે. પૂર્વગ્રહના પોલા ભોંયરામાં કેદ થવાનું આપણને એટલું મીઠું લાગે છે કે આશાના આકાશમાં ઊડતા ભય લાગે છે.
હર્ષદ ત્રિવેદીએ એક નાનકડી કવિતામાં બહુ મોટી વાત કરી છે. આ વાત માત્ર પાંજરામાં પૂરાયેલા પંખીની નહીં, મારી, તમારી ને બધાની છે. જરા ઊંડાણથી વિચારો તો ખરા, તમે પણ કોઈ ને કોઈ પૂર્વાગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહના પાંજરામાં કેદ છો કે નહીં? બીજા સાચા હોવા છતાં પણ પોતે જ સાચા હોવાનો ભ્રમ થાય છે કે નહીં? તમે જ તમને મુક્ત કરવા મથો છો, ઉડાડવા મથો છો, પણ પછી તમે તમારાથી જ ડરીને પાછા તમારા ધારેલા કે અણધારેલા પીંજરામાં કેદ થઈ જાવ છો. તમે જ તમારું પીંજરું છો, તમે જ તમારી મુક્તિ છો, તમે જ તમારો ભય છો અને તમે જ તમારું આકાશ છો. તમે ચાહો તો ચોક્કસ ઊડી શકો, પણ અમુક માન્યતાઓના દોરાથી તમે તમારી પાંખો સીવી લીધી છે. એ દોરાના ટાંકા તોડવામાં તમને ખૂબ પીડા થાય છે, તમે મુક્ત નથી થઈ શકતા. પીડા સહન નથી થતી. પણ એક વાર પ્રયત્ન કરો પછી આકાશ ક્યાંય આઘું નથી.
આ વાત આંતરિક મનોસ્થિતિની છે એટલી જ બાહ્યજગતને પણ લાગુ પડે છે. એક માણસ બીજા પ્રત્યે કેટલો દુર્જન હોઈ શકે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. પગ કાપીને રસ્તા આપવા, પાંખ કાપીને આકાશ આપવું કે આંખો ફોડીને સુંદર દૃશ્યો આપવા જેવી ઘટનાઓ ઘણી બધી બનતી હોય છે. આવી સ્થિતિમાં પગ અને રસ્તાઓ, પાંખો અને આકાશ કે આંખો અને સુંદર દૃશ્યો તો માત્ર પ્રતીકો હોય છે. મૂળ વાત તો વ્યથાની હોય છે. હર્ષદ ત્રિવેદીની આ નાનકડી કવિતામાં મોટી વ્યથા છે. તેમાં માણસ અને પંખીની વાત છે, જીવ અને જગતની વાત છે, બંધન અને મુક્તિની વાત છે, ભય અને ભયાનકતાની વાત છે અને બીજું ઘણું જડી જાય તેમ છે.
હર્ષદ ત્રિવેદીની આ અદ્ભુત કવિતા વિશે વિચારતા સહજપણે અશોક વાજપેયીની એક અદ્ભુત કવિતા યાદ આવી જાય.
————————–
લોગઆઉટઃ
તેઓ એક પીંજરું લાવશે
અદૃશ્ય
પણ તેને છોડીને પછીથી
ઊડી નહીં શકાય.
તેઓ વચન આપશે આકાશનું
તેઓ ઉલ્લેખ કરશે તેની
અસીમ ભૂરાશનો
પણ તેઓ લાવશે પીંજરું.
પછી તેઓ હળવેથી સમજાવશે
કે આકાશમાં જતાં પહેલાં
પીંજરાનો અભ્યાસ જરૂરી છે.
પછી તેઓ કહેશે કે આકાશમાં ખૂબ જોખમ છે
કે ક્યાંય નથી આકાશ
કે આકાશ પણ અંતે તો પીંજરું છે.
પછી તેઓ પીંજરામાં
તમને છોડીને
આકાશમાં
અદૃશ્ય થઈ જશે.
— અશોક વાજપેયી
Leave a Reply