ક્યાંક પણ જો આંખથી છાંટો ખરે તો દે ખબર
લોગઇનઃ
ઝાડ પરથી પાંદ જો લીલું ખરે તો દે ખબર,
પાનખર સમ કોઈ આવી છેતરે તો દે ખબર.
શ્વાસની છે આવ-જા? તો વાત આખી છે અલગ;
સાવ અમથું જો હવા કૈં ખોતરે તો દે ખબર.
આજ પણ એ ઉંબરે આવી અને પાછાં ફર્યાં;
જો ફરી વેળા સ્મરણ પાછાં ફરે તો દે ખબર.
એ પછી જળની હકીકત આવશે સામે તરત;
ક્યાંક પણ જો આંખથી છાંટો ખરે તો દે ખબર.
આમ તો એ વાતને માની જશે; છે ખાતરી,
તે છતાં પણ જો ચરણ રકઝક કરે તો દે ખબર.
– જિતેન્દ્ર પ્રજાપતિ
———————
‘દે ખબર’ એ રદીફ આપણું તરત ધ્યાન ખેંચે છે. ગઝલ લખવામાં રદીફ-કાફિયા કવિની પરીક્ષા કરતા હોય છે. આ ગઝલમાં કવિએ રદીફ-કાફિયાને સારી રીતે નિભાવ્યા છે. જિતેન્દ્ર પ્રજાપતિ નવા કવિઓમાં ધ્યાન ખેંચનારું નામ છે. આ ગઝલ વાંચતા આપોઆપ તમને તેની કલમનો પરિચય થશે.
ઝાડ પરથી કોઈ લીલું પાન ખરે તો ખબર આપ એમ કવિ કહે છે, પણ અહીં માત્ર લીલા પાનની વાત નથી. વાત બીજી કંઈક છે. કવિને સીધી જ વાત કરવી હોય તો એ કવિતા શું કામ લખે, બીજું કંઈક ન લખે? પણ તેને કવિતા નિપજાવવી છે, એટલે તે કહે છે કે ઝાડથી પાન ખરે તો મને ખબર મોકલાવ. પાન ખરે એમાં કવિને શું લેવાદેવા? પણ આ તો જીવનની ઘટનાઓની વાત છે, જીવનના સંવેદનની વાત છે. જ્યારે જીવનમાં કોઈ એવી ઘટના ઘટે, લીલું પાન એટલે કોઈ સુખ ઓછું થાય, ક્યાંક દુઃખ લાગી આવે અથવા કંઈ પણ નકારાત્મક વાત બને તો તરત મને જાણ કર. વળી તરત જ આ ઘટનાને બેવડાવે છે કવિ. કહે છે પાનખર જેવું કંઈક જીવનમાં આવે તો મને સમાચાર મોકલાવ. કવિ એમ નથી કહેતા કે આવું થાય ત્યારે હું તને મદદ કહીશ, હું તારી સાથે જ છું. એ માત્ર એમ જ કહે છે, ખબર મોકલ. આટલી વાતમાં કવિ સામેની વ્યક્તિની સાથે તેની હામરૂપ બની જ જાય છે. હું સાથે છું એવી કહેવાની જરૂર રહેતી નથી.
હવા નાસિકા વાટે આપણા શરીરમાં પ્રવેશે ત્યારે શ્વાસ બને છે. હવા જ્યારે શ્વાસ બને ત્યારે તેનું રૂપાંતરણ જીવનમાં થાય છે. જેમ સામાન્ય પવન ફૂલક્યારીમાંથી પસાર થઈને મહેકમાં ફેરવાય છે. તેમ હવા શ્વાસ બને ત્યારે કોઈકનું જીવન બની જાય છે. માટે જો આવા શ્વાસની આવજા હોય તો અલગ વાત છે. પણ જે હવા શ્વાસ ન બની શકતી શકતી હોય, આપણી અંદર કશુંક ખોતર્યા કરતી હોય, પરેશાન કર્યા કરતી હોય તો એ જુદી વાત છે. કવિ અહીં નિસાસાની વાત તો નહીં કરી રહ્યા હોય? આખું કાવ્ય એક રીતે જોઈએ તો કવિ પોતાના પ્રિય પાત્ર સાથે સંવાદ કરી રહ્યા હોય તે રીતે લખાયું છે.
પછીના શેરમાં કહે છે કે આજ પણ એ ઊંબરે આવીને પાછા ફર્યાં. ‘આજ પણ’ એવો શબ્દ વાપર્યો છે, એનો અર્થ થાય અગાઉ પણ, અથવા તો દરરોજ ઊંબરા સુધી આવીને એ પાછા ફર્યા છે. આ ‘એ’ કોણ? કદાચ કવિનું પ્રિય પાત્ર જ તો! પણ પછીની પંક્તિમાં વાત બદલાય છે. કવિ કહે છે સ્મરણ પાછાં ફરે છે. વ્યક્તિ તો પાછા ફરે, સમજાય એવી વાત છે. અહીં તો સ્મરણ પોતે પાછાં ફરે છે. એવું શું થયું કે યાદો પણ પાછી ફરવા માંડી?
આંસુ આંખની પોલ ખોલી દે છે. એટલે માટે જ એના સંદર્ભમાં કવિ કહે છે કે જો આંખથી એક છાંટો પણ ખરશે તો જળની બધી હકીકત બહાર આવશે. આંસુને જાણ્યા પછી આપણી પાણીની વ્યાખ્યા બદલાઈ જતી હોય છે. આંસુને અનુભવ્યા પછી તો વ્યાખ્યા આત્મસાત થતી હોય છે. મજાની વાત એ છે કે આ વ્યાખ્યા દરેકની અલગ હોય છે. એક વ્યક્તિએ અનુભવેલાં આંસુ બીજી વ્યક્તિને બીજી રીતે અનુભવાય છે. પણ આંખથી છાંટો ખરે એટલે વ્યક્તિમાં રહેલા જળની હકીકત આપોઆપ બહાર આવે છે તેમાં કોઈ બેમત નથી.
ઘણી વાર આપણી વાત આપણા પગ માનતા નથી હોતા. મન ઘણું તત્પર હોય છે ક્યાંક જવા માટે, પણ પગ નનૈયો ભણી દે છે. આવી દ્વિદ્ધામાં ક્યારેક મીઠાશ પણ હોય છે, ક્યારેક કડવાશ પણ!
જિતેન્દ્ર પ્રજાપતિની કલમમાં ગઝલની સૂઝ સારી છે. તેમની જ એક અન્ય ગઝલથ લોગઆઉટ કરીએ.
———————
લોગઆઉટ
હવાની ઊતર-ચડ થતી જાય છે,
જીવનમાં સતત તડ થતી જાય છે.
વિચારું હવે શું હું તારા વિશે?
સમજ પણ હવે જડ થતી જાય છે.
વધે છે દિવસરાત સો-સો ગણી,
હયાતી કબીરવડ થતી જાય છે.
જખમ! જિંદગીમાં પધારો હવે,
તમારી જ સગવડ થતી જાય છે.
સમયના તરુ પર વસી પાનખર,
ક્ષણો સાવ ઉજ્જડ થતી જાય છે.
~ જિતેન્દ્ર પ્રજાપતિ
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ”માંથી, અંતરનેટની કવિતા, – અનિલ ચાવડા
Leave a Reply