ટેરવાં બેભાન થાતાં જાય છે, તોય આ લેશન ક્યાં પૂરું થાય છે.
લોગઇનઃ
ટેરવાં બેભાન થાતાં જાય છે,
તોય આ લેશન ક્યાં પૂરું થાય છે.
ઓટલાને છે રજેરજની ખબર,
રખડું ટોળી રોજ ક્યાં ક્યાં જાય છે.
કાચબો અંતે વિજયશ્રીને વર્યો,
તોય આ સસલાંઓ ક્યાં શરમાય છે.
સ્કૂલમાંથી બાળકો જ્યારે છૂટે,
ચોક, ફળિયું ને ગલી હરખાય છે.
ત્યાં જ મા ભણવા મને બેસાડજે,
સ્મિતથી જ્યાં કાળજી લેવાય છે.
ધૂળથી ખિસ્સાં ભરેલાં હો ભલે,
ભૂલકાં કાયમ ધની દેખાય છે.
હીંચકે ‘રાકેશ’ તું બેઠો ભલે,
બાળકોની જેમ ક્યાં ઝૂલાય છે.
– રાકેશ હાંસલિયા
———————
ગુજરાતી ભાષામાં પુષ્કળ માત્રમાં ગઝલો લખાય છે ત્યારે આવી ધ્યાન ખેંચે એવી ગઝલ વાંચવામાં આવે ત્યારે આપોઆપ હૃદય એ બાજુ ઢળી જાય. સરળ ભાષામાં લખાયેલી આ ગઝલ કોઈને પણ વાંચતાવેંત ગમી જાય તેવી છે. બાળકને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ ગઝલ પણ એટલી જ બાળસહજ અને નિખાલસ છે. અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા ગુજરાતી વિદ્યાર્થીઓને જે હદે લેશન આપવામાં આવે છે તે જોતાં ઉપરની ગઝલનો પ્રથમ શેર જરા પણ અતિશયોક્તિયુક્ત નથી લાગતો. પાંચ-છ વરસનું બાળક જેની ઉંમર રમવા-કૂદવાની છે તે લખણપટ્ટીમાં એટલો બધો સમય આપે છે કે છેવટે રમવાનો તેની પાસે સમય જ રહેતો નથી. અડધોપોણો દિવસ સ્કૂલમાં જતો રહે, બાકીનો દિવસ સ્કૂલમાંથી સોંપાયેલું હોમવર્ક કરવામાં જતો રહે. થોડોઘણો સમય હોય તો એમાં ટ્યૂશનનો ટાઇમ ગોઠવાયો હોય, બાપડું બાળક રમે તો રમે ક્યારે? માતાપિતાની પણ ઘણી ઇચ્છા હોય કે બાળક આ બધું મેલીને શાંતિથી રમે, કૂદે, તોફાનો કરે… પણ શાળાનું કામ ન કરાવે તો માબાપને અન્ય બાળકોની સરખામણીમાં પોતાનું બાળક પાછળ રહી જતું લાગે. સિસ્ટમ જ એવી થઈ ગઈ છે કે તેમાં બાળકોનાં ટેરવાં બેભાન થયાં વિના છૂટકો નથી.
ઓટલાને રજેરજેની ખબર છે કે રખડું ટોળકી ક્યાં જાય છે. ઓટલો અર્થાત ઘરના મોભી. રખડું ટોળી એટલે બાળકો, તેમને એમ કે આપણે ક્યાં જઈએ શું કરીએ, વડીલોને શું ખબર પડવાની, પણ તેમને એ નથી ખબર કે ઓટલે બેસતા આ વડીલો પણ એક સમયે બાળકો હતા. તમે જે આજે કરી રહ્યાં છો તે તેઓ વર્ષો પહેલાં કરી ચૂક્યા છે.
ઘણા માણસો પેલી કહેવત ‘મિયાં પડ્યા તોય તંગડી ઊંચી’ જેવા હોય છે. કાચબા અને સસલાના સંદર્ભવાળો શેર પણ કદાચ આવું જ કંઈક કહેવા માગતો હોય તો શી નવાઈ. કાચબો શાંત છતાં મક્કમ ગતિએ મુકામે પહોંચી ગયો, સસલું તેજ ગતિએ દોડી શકે છે, છતાં પોતાની જ ભૂલને લીધે રહી ગયું. પણ હારવા પછી પણ લેશમાત્ર શરમ તેનામાં ક્યાં છે.
આખો દિવસ ઉદાસ પડ્યા રહેતા ચોક, ફળિયું, શેરી, ગલી બાળકોના આગમનથી ભરાઈ જાય છે. તેમને પણ કદાચ તેમના આગમનની જ પ્રતીક્ષા રહેતી હશે. બાળકોની ધમાલમસ્તીથી આ બધું જીવંત થઈ જાય છે.
દરેક બાળક પણ એવું ઇચ્છતું હોય છે કે જ્યાં આનંદની તેની કાળજી લેવાય તેવી જગ્યાએ ભણવા મળે. પણ તેની એ ઉંમર નથી હોતી કે તે આપણને આ સમજાવી શકે. જોકે બાળકોના ભણતરનો મુદ્દો એટલો વિકરાળ છે કે કોઈ પણ એક નાનકડા શેરમાં તેને ક્યારેય સમાવી શકાય તેમ નથી.
કાલીદાસના અભિજ્ઞાન શાકુંતલમાં એક સુંદર શ્લોક છે, તેનો અર્થ કંઈક આવો થાય છે કે જે માબાપનાં વસ્ત્રો બાળક ધૂળમાં રમ્યા હોય તેનાથી રજોટાયેલાં ન હોય તેમનું જીવન વ્યર્થ છે. બાળકોના ખિસ્સામાં ધૂળ ભલે ભરી હોય, પણ તેમની એ ધૂળ પણ મૂલ્યવાન સંપત્તિ જેવી હોય છે. બાળપણમાં ધૂળમાં રમવાની મજા જ કંઈક ઓર છે. મોટા થઈને ધૂળમાં રમવા જઈએ તો ગામ ગાંડા ગણે. મોટા થઈને બાળક જેવું કંઈ પણ કામ કરવા જાવ તો તેમાં બાળક જેવી સહજતા આવતી નથી જ. કવિ રાકેશ હાંસલિયા આ વાત બહુ સારી રીતે જાણે છે. એટલે જ તે પોતાની જાતને કહે છે, રાકેશ! તું હીંચકે ભલે બેઠો, પણ પેલું બાળસહજ ઝૂલવાનું હવે રહ્યું નથી. રાકેશ હાંસલિયાની કલમમાં બળકટતા છે એ તેમની ઉપરની ગઝલ વાંચ્યા પછી આપોઆપ ખ્યાલ આવે. ગુજરાતીમાં પુષ્કળ માત્રામાં ગઝલો લખાય છે ત્યારે આવા બળુકા શાયર તરત ધ્યાન ખેંચે. અને આ શાયર તો મંજાયેલા છે. તેમની મંજાયેલી કલમે લખાયેલી અન્ય એક ગઝલથી લોગઆઉટ કરીએ.
———————
લોગઆઉટ
એક હૉસ્પિટલ અહીં સામે જ છે,
ઝૂંપડી તો પણ હજુ ખાંસે જ છે.
માંગવા જેવું તું ક્યાં માંગે જ છે,
આપવા જેવું તો એ આપે જ છે.
આમ તો બદલી ગયો છે પારધિ,
તો ય મનમાં જાળ તો નાખે જ છે.
બાળકો, ઝરણાં, પતંગિયાં, પહાડ,
કેટલા ઈશ્વર નજર સામે જ છે.
આભ પાસેથી હવે શું માંગવું ?
મા મને કાયમ દુઆ આપે જ છે.
~ રાકેશ હાંસલિયા
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ”માંથી, અંતરનેટની કવિતા, – અનિલ ચાવડા
Leave a Reply