મરીઝઃ બિંદુની મધ્યમાં રહીને અનંત સુધી વિસ્તરેલો શાયર
લોગઇનઃ
મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ
———————-
ગઈ કાલે, એટલે કે તારીખ 20મી ઓક્ટોબરે મરીઝની પૂણ્યતિથિ હતી. ગુજરાતના ગાલીબે આ દિવસે જગતમાંથી વિદાય લીધેલી. સૂરતના પઠાણવાડામાં જન્મેલા આ શાયરે તળનું જીવન જીવીને ટોચનું કામ કર્યું છે. ગુજરાતી ગઝલના આકાશમાં તે આજે સૂર્ય સમાન ઝળહળી રહ્યા છે. કવિતાની બારીકાઈ, ગઝલનો મિજાજ અને જીવાતા જીવનની શાશ્વત વાતો તેમની ગઝલોમાં ઠાંસીઠાંસીને ભરી છે. લોકપ્રિયતા અને સત્વસીલ કવિતા બંને તેમના સર્જનમાં સંપીને રહે છે. ‘આગમન’ અને ‘નકશા’ નામના બે જ સંગ્રહો આપીને ગુજરાતી ગઝલના શિખર પર સ્થાન મેળવનાર આ શાયર ખરા અર્થમાં ઓલિયો હતો. તેમનું મૂળ નામ અબ્બાસ અબ્દુલઅલી વાસી, પણ તે ગઝલમાં ‘મરીઝ’ તરીકે સ્થાયી થયા. નામ મરીઝ રાખ્યું, પણ ગઝલો ખૂબ સ્વસ્થ અને તંદુરસ્ત લખી.
તેમના જીવનના અનેક પ્રસંગો લોકોમાં જાણીતા છે. એક વખત એક કાર્યક્રમમાં મરીઝ સાહેબ ગઝલો રજૂ કરતા હતા અને લોકોએ હુરિયો બોલાવ્યો. એક તો તેમની બોલી સૂરતી ટોનવાળી, રજૂઆત નબળી, વળી મદિરાપાન પણ કરેલું હોય. ખૂબ સારી કવિતા હોવા છતાં લોકોએ તેમને નીચે બેસાડી દીધા. તરત જનાબ જલન માતરી ઊભા થયા અને એક પછી એક ઉત્તમ શેર વાંચવા લાગ્યા. લોકો તો ખીલી ઊઠ્યા. એકએક શેર પર ઊછળી ઊછળીને દાદ આપવા લાગ્યા. બરોબર માહોલ જામ્યો એટલે જલન સાહેબ બોલ્યા કે આ તમે જે શેરો પર ઓળઘોળ થઈને દાદ આપી રહ્યા છો, તે મારા નહીં, પણ જેમને તમે બેસાડી દીધા એ શાયર જનાબ મરીઝ સાહેબના છે. તેમને તમે સાંભળો. પછી મરીઝ સાહેબને ફરીથી ઊભા કરવામાં આવ્યા અને લોકોએ મન ભરીને તેમને માણ્યા.
પોતે શબ બનીને પડ્યા હોય અને આખું ઘર તેમની પાછળ જાગે એ ઘટનાને અય્યાશી ગણાવનાર આ શાયરને મોત વેળાની આવું વિલાસીપણું માફક નથી આવતું. વળી આ એ શાયર હતો કે જેણે ઉપર જઈને ભગવાનને પણ કહી દીધું કે તું મને દુનિયામાં મોકલીને બહુ પસ્તો હતો, પણ લે, હવે મૃત્યુનું બહાનું કરીને હું તારી પાસે પાછો આવી ગયો. જે પણ નાનીમોટી ખુશી આવી તે છેલ્લી છે, હવે પછી ક્યારેય કોઈ સુખ આવવાનું જ નથી, એવી તીવ્રતાથી સુખને માણી લેવાની ઝંખના ધરાવનાર આ શાયર જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી ગયેલો હતો. તેમણે કહેલો શેર આજે બિલકુલ સાચો પુરવાર થઈ રહ્યો છે. તેમણે લખ્યું હતું, “આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન, બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.” આજે તેમની ગઝલો નવી પેઢીને જીવન આપી રહી છે. અનેક શાયરો માટે તે પ્રેરણાનો સ્ત્રોત છે. મરીઝસાહેબ વિશે સુરેશ દલાલે બિલકુલ યોગ્ય કહ્યું છે, “મરીઝ એ ગુજરાતી ગઝલનું મક્કા છે, જ્યાં દરેક નવા શાયરે માથું ટેકવીને આગળ વધવાનું છે.”
મૃત્યુ શાશ્વત છે. દરેકના જીવનમાં મૃત્યુ નામની ઘટના ઘટે જ છે. મરણ પછી શું છે? સ્વર્ગ કે નર્ક છે કે નહીં કોને ખબર? મરણ પછી કંઈ છે પણ ખરું? કોઈને ખબર નથી, તો જેના વિશે કશી ખબર જ નથી તેની ચિંતા શું કરવી? મરીઝ આમ પણ આવી ચિંતાના ચકરાવે ન ચડનારો શાયર હતો. એટલા માટે જ તો કદાચ એ જિંદગીમાં આમતેમ રહ્યો. આખી જિંદગી ફાંકામસ્તીમાં જીવેલા આ શાયરે જિંદગી ભલે અસ્તવ્યસ્ત વીતાવી, પણ શાયરીમાં સુવ્યવસ્થિત કરી છે, તેમાં કોઈ બેમત નથી. આ તો બિંદુની મધ્યમાં રહીને અનંત સુધી વિસ્તરેલો શાયર છે. આવો શાયર ક્યારેય મરતો નથી. મરીઝ આજે પણ ક્યાં મર્યા છે? એ દરેક કવિતાપ્રેમીના હૃદયમાં જીવે છે અને અનંતકાળ સુધી જીવતા રહેશે. તેમની પુણ્યતિથિએ તેમના મૃત્યુ વિશેના થોડાક પસંદીદા શેરથી અંજલિ પાઠવીએ.
———————-
લોગઆઉટ
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
*
દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
*
મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
*
જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
*
મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં મરીઝ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
*
હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ”માંથી, અંતરનેટની કવિતા,
– અનિલ ચાવડા
Leave a Reply