મારો ય એક જમાનો હતો કોણ માનશે?
લોગઇનઃ
મોહતાજ ના કશાનો હતો કોણ માનશે?
મારો ય એક જમાનો હતો કોણ માનશે?
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?
તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે?
માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો કોણ માનશે?
હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો કોણ માનશે?
‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો કોણ માનશે?
– રૂસ્વા મઝલુમી
————————–
રૂસવા મઝલુમી એટલે પાજોદના દરબાર. પુખ્ત ઉમ્મરે પહોંચ્યા બાદ પાજોદમાં શાયરી, સંગીત, વોલીબોલ, ઘોડેસ્વારી અને શિકારમાં મસ્ત રહ્યા. ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ કાઠિયાવાડના નવાબો પાકિસ્તાનમાં જોડાવાનાં સપનાં સેવતા હતા ત્યારે રૂસવા સાહેબે ભારત સંઘમાં જોડાવાની પહેલ કરી. ઘણાની નારાજગી વહોરીને પણ તેમણે આ હિંમત બતાવી. દરબારપણું ગયા બાદ માંગરોળ, સુરત, મુંબઈ જેવી ઘણી જગ્યાઓએ રહ્યા અને ઘણો સંઘર્ષો કર્યો, ઘણી નોકરીઓ પણ કરી. પણ શાયરી સાથે મહોબ્બત ટકાવી રાખી. પાજોદમાં ગુર્જરી ગઝલશાળાની આધારશિલા સ્થાપી એમાંથી પ્રગટેલા બે રત્નો એટલે ‘શૂન્ય’ પાલનપુરી અને અમૃત ‘ઘાયલ’. રાજાની ગાદી છોડીને નોકરી કરનાર રૂસવા સાહેબ હકપૂર્વક કહી શકે કે, ‘મારો ય એક જમાનો હતો કોણ માનશે?’
દરબારપણું ત્યજીને નોકરી સ્વીકારવી એ ખૂબ હિંમત માગી લે તેવું કામ છે. આજના રાજકારણીઓ ખુરશી માટે શું નથી કરતા? જેની છાતીમાં કવિહૃદય ધબકતું હોય તેના હૃદયમાં આવો મોહ ક્યાંથી હોય? રૂસવા સાહેબે એટલે જ કદાચ લખ્યું હશે, ‘અભાગી લાશ રખડે જેમ જંગલમાં કફન માટે, વતનમાં એમ ભટકું છું શરણ માટે, જતન માટે.’
‘કોણ માનશે?’ રદીફથી લખાયેલી રૂસવા સાહેબની આ ખૂબ જાણીતી અને લોકપ્રિય ગઝલ છે. ગઝલનો દરેક શેર સ્વયંસ્પષ્ટ છે, તેમાં ખુમારી પણ છે અને પીડા પણ છલકાય છે. જોકે “કોણ માનશે?” રદીફ ઉપર અનેક શાયરોએ ગઝલો લખી છે. રૂસવાના જ પરમ મિત્ર શૂન્ય પાલનપુરીએ લખ્યું, ‘દુઃખમાં જીવનની ખાણ હતી કોણ માનશે? ધીરજ રતનની ખાણ હતી કોણ માનશે?’ વ્રજ માતરીએ પણ લખ્યું, ‘દુઃખ એય સુખ સમાન હતું કોણ માનશે? મૃગજળમાં જળનું સ્થાન હતું કોણ માનશે?’ મરીઝ પણ આ રદીફથી દૂર નથી રહી શક્યા, લખ્યું, ‘તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે? જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે?’ રતિલાલ અનિલે પણ આ જ રદીફ પર હાથ અજમાવ્યો, ‘કંટકની સાથે પ્યાર હતો કોણ માનશે? એમાંયે કાંઈ સાર હતો કોણ માનશે?’ મહમ્મદઅલી વફાએ તો આ જ રદીફ પર બે ગઝલો લખી, 1. ‘તારા નગરની જાણ હતી કોણ માંનશે? લજ્જાની વચ્ચે આણ હતી કોણ માંનશે?’ 2. ‘આશાનો એ મિનાર હતો કોણ માનશે? ને એ જ ડૂબાડનાર હતો કોણ માનશે?’ વિરલ દેસાઈ નામના યુવાકવિએ તો ત્યાં સુધી શોધી કાઢ્યું છે કે આ રદીફ પર અઢારેક જેટલી ગઝલો લખાઈ છે. પ્રશ્ન થાય કે એક જ રદીફ પર આટલી બધી ગઝલો શા માટે? બહુ વિચાર્યા પછી સમજાયું કે તેનો રદીફ જ એટલો આકર્ષક છે – કોણ માનશે?
રજવાડું ભલે છોડ્યું, પણ રૂસવા સાહેબે શબ્દોની દુનિયામાં પોતાનું એક આગવું રજવાડું રચી લીધું હતું. કેમકે તે મન અને ધન વચ્ચેનો ફર્ક બહુ સારી રીતે જાણતા હતા, એટલે જ તો લખ્યું હતું,
જીવનસિદ્ધિનો કેવળ સાર સાધનમાં નથી હોતો,
ફકીરી કે અમીરી ફેર વર્તનમાં નથી હોતો;
સદા રહેશે અમારો આ નવાબી ઠાઠ ઓ ‘રૂસ્વા’ ,
ખરો વૈભવ તો મનમાં હોય છે, ધનમાં નથી હોતો.
ધનના વૈભવને ઠોકર મારી મનના વૈભવને અપનાવનાર આ શાયરને સલામ. ઝિંદાદિલીથી જીવનાર આ શાયરનું મિજાજીપણું અને ખુમારી તેમના શબ્દોમાં બખૂબી રજૂ થાય છે.
————————–
લોગ આઉટઃ
પરાયાના ચરણ ચાંપી અનુસરવું નથી ગમતું,
તણખલાનો સહારો લઈ મને તરવું નથી ગમતું.
જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું એટલું બસ છે,
ફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું.
અચળ ધ્રુવસમ ખડી આકાશ જેવી મારી દુનિયામાં
નજીવા કો’ સિતારા સમ મને ખરવું નથી ગમતું.
હુંફાળી હુંફ આપું છું થથરતી આશને હરદમ,
સૂરજ સમ ઊગી ઊગીને પછી ઢળવું નથી ગમતું.
ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.
સતત ચાલી રહેલા કાફલાનો, મીર છું ‘રૂસ્વા’,
વિસામાને ગણી મંઝિલ, મને ઠરવું નથી ગમતું.
– રૂસ્વા મઝલુમી
————————–
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ”માંથી, અંતરનેટની કવિતા, – અનિલ ચાવડા
Leave a Reply