બળથી બાળક તને જો વંદે તો બાળમજૂરી ના ગણાય પ્રભુ?
લોગઇનઃ
હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ,
તો તને આવીને મળાય પ્રભુ.
તેંય મસ્તી તો બહુ કરેલી નહીં?
કેમ મારાથી ના કરાય પ્રભુ?
આ શું ટપટપથી રોજ નહાવાનું?
પહેલા વરસાદમાં નવાય પ્રભુ.
આખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં દૂધમાં રમાય પ્રભુ?
મમ્મી પપ્પા તો રોજ ઝગડે છે
તારાથી એને ના વઢાય પ્રભુ?
રોજ રમીએ અમે જે મેદાને
કેમ મંદિર નવું ચણાય પ્રભુ?
બળથી બાળક તને જો વંદે તો
બાળમજૂરી ના ગણાય પ્રભુ?
– પ્રણવ પંડ્યા
————————–
પ્રણવ પંડ્યાના એક ગઝલગુચ્છમાં જુદાં-જુદાં પાત્રો પ્રભુપંચાયતમાં રજૂ થાય છે અને પોતાની વાત કરે છે. આ પાત્રકાવ્યો જોઈ નિરંજન ભગતે લખેલાં પાત્રો યાદ આવ્યા વિના ન રહે. તેમણે કવિ, ફેરિયો, આંધળો, ભીખારી, વેશ્યા જેવાં પાત્રો પર સુંદર કાવ્યો રચ્યાં છે. તો પ્રણવ પંડ્યાએ બાળક, સ્ત્રી અને કવિને પ્રભુપંચાયતમાં રજૂ કર્યાં છે.
આ કાવ્યમાં પ્રભુપંચાયતમાં બાળક પોતાની વાત રજૂ કરી રહ્યું છે. બાળકને સૌથી વધારે ન ગમતી પ્રવૃત્તિ હોય તો એ કદાચ હોમવર્ક છે. અને વળી આ પ્રવૃત્તિ તેણે ફરજિયાત કરવી પડે છે. તેથી કદાચ બાળક પ્રભુને કહે છે, જો પ્રભુ મારું હોમવર્ક વહેલું પૂરું થાય તો જ તને આવીને મળી શકું, નહીંતર શક્ય નથી. બાળકને ય બાપડાને થાય કે ભગવાને બાળપણમાં બહુ મસ્તી કરેલી. ચોરીને દહીં ખાધેલું, ગેડીદડે રમેલા, નદીમાં તરવા જતાં, અમારો શું વાંક? અમે રમતો ના રમી શકીએ? પણ ભણતર અને માણસની ઠાવકી સજ્જનતા બાળક પાસેથી આ બધું છીનવી લે છે.
બાળકને ડોલ ભરીને નાહવા બેસાડો અને ખુલ્લા વરસાદમાં મોકલો. તેની મસ્તી અને મોજનો તફાવત આપોઆપ દેખાઈ આવશે. આપણે તો, “રહેવા દે, વરસાદમાં ન જવાય, શર્દી થઈ જાય, કપડાં પલળે, કીચડવાળાં થવાય…” આવું કહીને બાળકને ઘરની બહાર નથી નીકળતા દેતા. આમાં ને આમાં બાપડાનું જીવન કોરું રહી જાય છે. ક્યારેક તો સાવ સૂકુંભઠ પણ થઈ જાય છે. પણ કવિ તેને વરસાદમાં મોકલવા માગે છે. એટલે જ તો પ્રભુને કહેવડાવે છે કે પહેલાં વરસાદમાં નવાય પ્રભુ! સકારણ કે અકારણ મસ્તી તો બાળકની ખરી ઓળખ છે. એકબાજુ આપણે બાળકને કૃષ્ણની મટકી ફોડવાનો પ્રસંગ કહીએ છીએ, બીજી બાજુ બાળકથી દૂધ ઢોળાઈ જાય તો તેને મેથીપાક આપીએ છીએ. આપણે બેધારા વ્યક્તિત્વમાં જીવીએ છીએ. બાળકને પણ મૂંઝવણ થાય છે કે ભગવાનની એ વારતા સાચી કે માબાપ કે છે એ સાચું? શું અમારે દહી દૂધમાં ન રમાય? તો પછી એવી વાર્તા કેમ સંભળાવે છે? બાળકને પ્રશ્નો તો થવાના જ. પ્રશ્નો વિનાનું બાળપણ ચિમળાયેલાં પાંદડા જેવું હોય છે. બહુ વિકસી નથી શકતું.
પતિપત્નીમાં હંમેશાં નાનામોટા ઝઘડા થતા રહેતા હોય છે. ઘણા તો બાળકો સામે જ એટલા મોટેથી બરાડીને ઝઘડતા હોય કે બાળક પોતે હેબતાઈ જાય. આપણે ત્યાં કહેવાય છે, વાસણ હોય તો ખખડે! બરોબર છે, ખખડે, પણ તેનો ખકડાટ કંઈક માપમાં તો હોવો જોઈએને? આ બધું જોઈને પણ બાળક ઈશ્વરને ફરિયાદ કરે કે તું મારા મમ્મીપપ્પાને ના ઝઘડે તે માટે કેમ નથી કહેતો?
આ ગઝલના છેલ્લા બે શેર તો ખરેખર ખૂબ ઉત્તમ છે. બાળક ભગવાનને કહે છે કે ભગવાન પેલા મેદાનમાં મંદિર બની રહ્યું છે, અમે રોજ ત્યાં રમીએ છીએ. બાળકમાં ભગવાનનો અંશ જોવામાં આવે છે. અમારી રમતની જગ્યા પર તારાથી મંદિર કઈ રીતે ચણાય?
આપણે ત્યાં ઘરે આવેલા મહેમાનોને બાળક કેટલું હોંશિયાર છે એ બતાવવા, “બેટા પેલું ગીત સંભળાવ, પેલો ડાન્સ કરીને બતાવ, આમ કરીને દેખાડ, તેમ કરીને દેખાડ…” એમ માતાપિતા ઘણી વાર કહ્યાં કરતાં હોય છે. બાળકની કે મહેમાનની ઇચ્છા છે કે નહીં તે જોવાતું જ નથી. વળી ઘણાં માબાપ મંદિરમાં જાય તો બાળકને કહે, જય-જય કરો બેટા. બાળકની ઇચ્છા ન હોય તો પરાણે મારીને પણ જયજય કરાવે, જાણે ભગવાન હમણા જ પ્રસન્ન થઈ જવાના હોય! આપણે ત્યાં બાળક પાસે મજૂરી કરાવવી એ બહુ મોટો ગુનો છે. આ રીતે ઈશ્વરને પરાણે વંદન કરાવવા એ પણ એક પ્રકારની બાળમજૂરી ન કહેવાય?
પ્રણવ પંડ્યાની કલમ ચીવટ અને ચોખવટ બંને છે. તે શબ્દ જોખી-તોલીને મૂકે છે. આ વર્ષે તેમને શયદા પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે, તે તેમની કવિતાનું સુફળ છે. તેમની જ અન્ય ગઝલથી લોગઆઉટ કરીએ.
————————–
લોગઆઉટ
ભેદ આવો તો ના રખાય પ્રભુ,
આ તરફ પણ નજર નખાય પ્રભુ.
સાંભળ્યું છે કે તેં બોર ચાખ્યા’તા,
એવડા આંસુ પણ ચખાય પ્રભુ.
ચીર પૂર્યા’તા કદી તેં મારા,
પીડ મારી નહીં પૂરાય પ્રભુ?
રાત, રસ્તો, ઋતુ ને રાંધણિયું,
હર જગા મારાથી દઝાય પ્રભુ !
મારી દીકરી જુવારા વાવે છે,
ક્યાંક મારા સમી ન થાય પ્રભુ !
તો થયું શું કે હું નથી પથ્થર?
માણસાઈને ના અડાય પ્રભુ?
વેણ કર્કશ જણાશે મારા પણ,
વાંસળીથી ચૂલો ફૂંકાય પ્રભુ?
~ પ્રણવ પંડ્યા
————————–
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ”માંથી, અંતરનેટની કવિતા, – અનિલ ચાવડા
Leave a Reply