ભારતમાતાના પેટમાં કૌભાંડરૂપી ગાંઠ છે!
લોગઇનઃ
કર્ણાવતી ક્લબના ચાર રસ્તા પર
ભારતમાતા પોક મૂકીને રોતી હતી
એને જોઈ લાગ્યું એ મારી જ રાહ જોતી હતી
ભારતમાતાને મેં પૂછ્યું કે, શું થયું?
ભારતમાતાએ કહ્યું કે દીકરા પેટમાં બહુ દુઃખે છે
ભારતમાતાને મેં ખભે નાખી
ને સામે સેલ્બી હૉસ્પિટલમાં રાખી
એક્સપર્ટ ડૉક્ટરે તપાસ કરી કહ્યું કે-
ભારતમાતાના પેટમાં દુઃખાવાનું કારણ
એક નહીં પણ આઠ આઠ છે
ભારતમાતાના પેટમાં
ટુજી, સીડબલ્યુજી, સ્પેક્ટ્રમ, કોલગેટ , બોફોર્સ, ફોડર, સત્યમ્ અને દામાદજીની ગાંઠ છે
– રમેશ ચૌહાણ
————————–
શરૂઆત કરીએ એક પ્રસંગથી. હિટલર એક વખત પોતાની સાથે સંસદમાં એક મરઘાને લઇને આવ્યો અને બધાની સામે તેનું એકએક પીછું ખેંચવા લાગ્યો. મરઘો પોતાને થતા દર્દથી બૂમો પાડવા લાગ્યો પણ એકએક કરીને હિટલરે મરઘાનાં બધાં પીછાં તોડી નાખ્યાં અને મરઘાને તેણે જમીન પર ફેંકી દીધો. પછી ખિસ્સામાંથી થોડા દાણા કાઢીને મરઘા તરફ ફેંકી દીધા. હિટલર ધીમેધીમે ચાલવા લાગ્યો, તો મરઘો પણ દાણા ખાતો-ખાતો હિટલરની પાછળ પાછળ ચાલવા લાગ્યો. હિટલર દાણા ફેકતો ગયો અને મરઘો દાણા ખાતો-ખાતો તેની પાછળ ચાલતો રહ્યો. છેવટે તે મરઘો હિટલરના પગમાં આવીને ઊભો રહ્યો. હિટલરે સ્પિકરની તરફ જોયું અને બોલ્યો; ‘લોકશાહી દેશોના લોકો આ મરઘા જેવા હોય છે, તેમના નેતા, લોકોનું પ્રથમ બધું જ લૂંટીને તેમને અસહાય-અપંગ કરી દે છે અને પછી તેમને થોડો ખોરાક આપીને તેમના ‘ભગવાન’ બની જાય છે.’ અને ભારતમાં અત્યારે ભગવાન ચૂંટવાની મોસમ છે. આવા માહોલમાં હિટલરનો આ પ્રસંગ ખૂબ સચોટ છે.
આપણા નેતાઓ એક રીતે આ જ તો કરે છે! કોઈ પણ સરકાર ચૂંટાય, બિચારી પ્રજાના પીંછા ખેંચી લે છે અને નાની-નાની યોજનાના લલચાવનારા દાણા તેની તરફ ફેંક્યા કરે છે. પ્રજા બાપડી પેલા મરઘાની જેમ એ દાણા પાછળ દોડ્યા કરે છે. દોડ્યા વિના છૂટકો પણ નથી હોતો. આપણે ભારતને માતા તરીકે સંબોધીએ છીએ, પણ વિવિધ કૌભાંડો આચરીને આપણે એ માતાના પેટમાં ગાંઠ કરી નાખી છે. ચૂંટણી પણ એક પ્રકારના કૌભાંડ જેવી જ છે. ચૂંટણીમાં જેટલા રૂપિયાનું પાણી કરવામાં આવે છે, તેટલા રૂપિયા જો ભારતની ગરીબી તથા ભારતની સમસ્યા દૂર કરવામાં વાપરવામાં આવે તો વોટની ભીખ માગવાના દિવસો જ ન આવે. પ્રજા આપોઆપ એ નેતાને ચૂંટી કાઢે. આજના સમયે કોઈ પણ દૂધે ધોયેલા નથી. દરેક માણસ પોતના ગજા પ્રમાણેનું કૌભાંડ કે ભ્રષ્ટ્રાચાર કરતો હોય છે. તમે આચરેલું કૌભાંડ તમારા વ્યક્તિત્વમાં પડેલી ગાંઠ છે. આ ગાંઠ સીધી આંખે કે ડૉક્ટરી તપાસે નથી દેખાતી. તેની માટે કવિની આંખ જોઈએ. કવિની આંખ આવી ગાંઠ સારી રીતે જોઈ શકે છે.
ઉપરની કવિતામાં રમેશ ચૌહાણે ભારતમાતાના પેટમાં રહેલી ગાંઠની વાત કરી છે. એ પણ એક નહીં, આઠ-આઠ ગાંઠ. આ ચૂંટણીના માહોલમાં વિવિધ પક્ષો એકબીજાનાં કૌભાંડો ગણાવવા બેઠા છે, ત્યારે આ કવિતા કેટલી પ્રાસંગિક છે! કવિએ તો સહજ પ્રસંગરૂપે વાત કરી છે કે એક દિવસ તે કર્ણાવતી ક્લબના ચાર રસ્તેથી નીકળતા હતા ને તેમણે ભારતમાતાની પોક સાંભળી. કોઈની પણ પોક સાંભળીને કવિહૈયું ભીનું થાય જ અને આ તો ભારતમાતાની પોક! કવિ દોડી ગયા મદદ કરવા. તે તો ભારતમાતાને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા. ડૉક્ટરોએ ઝીણવટપૂર્વક તપાસ કરીને નિદાન આપ્યું કે ભારતમાતાના પેટમાં તો આઠ-આઠ ગાંઠ છે. અને આ ગાંઠ કઈ? તો કવિ કહે, કૌભાંડોની! ટુજી, સીડબલ્યુજી, સ્પેક્ટ્રમ, કોલગેટ , બોફોર્સ, ફોડર, સત્યમ્ અને દામાદજી જેવાં અનેક કૌભાંડો ભારતદેશના પેટમાં ગાંઠ જેવાં થઈ ગયાં છે અને આવી ગાંઠનો કોઈ નિકાલ આવતો જ નથી. ગાંઠો વધતી જાય છે, ભારતમાતાની બીમારી દિવસે દિવસે વધી રહી છે.
જરા ધ્યાનથી જોશો તો ભારત દેશના દરેક ચાર રસ્તે અદૃશ્ય રીતે ભારતમાતા પડી છે અને કણસીને બૂમો પાડી રહી છે. તેના પેટમાં ભ્રષ્ટ્રાચાર રૂપી જે ગાંઠો થઈ છે તે દિવસે ને દિવસે મોટી થતી જાય છે. કોઈ તેનો ઇલાજ કરનાર નથી. આ ચૂંટણીરૂપી ઢંઢેરામાં માત્ર તેના ઇલાજના બણગાં ફૂંકાય છે, ચૂંટણી પતી કે તરત વાત ભુલાઈ જાય છે. આવા સમયે પ્રજાએ પોતાની સમજણને ધાર કાઢવાની જરૂર છે. કેમકે લોકશાહીનો સૌથી મોટો આધાર પ્રજાનો મત છે. તમારો મત એક હથિયારનું કામ કરી શકે છે. નાનીનાની લાલચોમાં ભરમાઈને ક્યારેય મતદાન ન કરવું જોઈએ. આવી નાની લાલચો આગળ જતા ભારતમાતાના પેટમાં એક નવી ગાંઠ ઊભી કરે શકે. વારંવાર ચૂંટણી આવે છે અને લોકહિતાર્થે કામ કરવાની વાતોના બણગાં ફુંકાય છે, પણ ખબર નથી ક્યારે એવી સરકાર આવશે કે જે ચૂંટ્યા પછી પ્રજાને અફસોસ ન થાય!
————————–
લોગઆઉટ
બુઠ્ઠી છે તો ધાર કઢાવો;
સમજણને ઠેકાણે લાવો.
સાપ વધ્યા છે સંસદમાં તો,
એક મદારી ચૂંટી લાવો.
– રમેશ ચૌહાણ
————————–
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ”માંથી
*અંતરનેટની કવિતા, – અનિલ ચાવડા*
Leave a Reply