શિયાળાની ઠંડીમાં કડકડતી કવિતાઓ…
લોગઇનઃ
“શિયાળે શીતળ વા વાય, પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ, કપાસ, કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ, ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.”
~ દલપતરામ
————————–
દલપતરામની ઘણી કવિતાઓ આપણે પાઠ્યપુસ્તકમાં અવાર-નવાર ભણી ગયા છીએ. ‘ઊંટ કહે આ સભામાં…‘ કોને યાદ નહીં હોય? કે પછી પેલી ‘સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે‘વાળી કવિતા પણ ઘણાના મનમાં તાજી હશે. ‘અંધેર નગરી ને ગંડુ રાજા’, ‘કેડેથી નમેલી ડોશી’, ‘ઋતુઓનું વર્ણન’ જેવી અનેક કવિતાઓ ઘણા વાચકોએ વાંચી હશે. વળી ‘મિથ્યાભિમાન‘ જેવું અદ્ભુત નાટક કઈ રીતે ભૂલી શકાય? જોકે દલતપતરામનું ગુજરાતીમાં સાહિત્યમાં પ્રદાન માત્ર કવિતાઓ પૂરતું મર્યાદિત નથી, ન્હાનાલ જેવો ઉત્તમ પુત્ર આપ્યો, જે ગુજરાતી સાહિત્યનો ખૂબ મોટો કવિ થયો.
ઉપરની કવિતામાં શિયાળાનું સીધું વર્ણન છે. આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે શિયાળો પૂરબહારમાં ખીલ્યો છે. ગુજરાત આખું ઠંઠીથી ઠરી રહ્યું છે ત્યારે દલપતરામની આ સીધી વાત સીધી રીતે કરવા જેવી છે. દલપતરામે તો સીધેસીધું કહી દીધું કે શિયાળામાં ઠંડો પવન વાય, પાનખર આવે, ઘઉં જેવાં ધાન્ય પેદા થાય, ગોળ, કપાસ, કઠોળ વગેરે ઊપજે. લીલાં પાન ચવાય. લોકો ઠંડીમાં શાલ, ધાબળા ઓઢે. ગરીબોનાં બાપડાનાં પગ, ગાલ ફાટે. આ પંક્તિ આગળ જરા થોભવા જેવું છે. આ કવિતા તો દોઢસોએક વરસ પહેલાંની છે, પણ આજેય ગરીબોના પગ, ગાલ ફાટે છે. ગરીબો હજી ગરીબો જ છે. ગરીબી હટાવોનાં સૂત્રો કેટલાં વામણાં છે નહીં? ભાવવધારો જે હદે વધ્યો છે એ જોતાં એવું લાગે કે સરકાર ગરીબી હટાવોનો અર્થ ‘ગરીબો હટાવો’ એવો કરી રહી લાગે છે. ખેર, ગરીબોના ભાગે તો વ્યથા સિવાય કશું નથી. દલપત રામે સીધી પણ ઊંડી વાત કરી. છેલ્લે કહ્યું કે દિવસ ટૂંકો હોય છે અને શરીરમાં સ્ફૂર્તિ રહે છે. એ સમયમાં કવિતામાં શીખામણ આપવાનું ચલણ તથા કંઈક માહિતી પણ મળે એવો ભાવ થોડો રહેતો. એ જોતા દલપતરામે આ કવિતામાં બંને પીરસ્યું છે. આબાલવૃદ્ધ બધા તેમાં રહેલી વાત સરળ રીતે સમજી શકે તેમ છે.
ઉમાશંકર જોશીએ શિયાળાની પેટાઋતુ હેમંતનો સુંદર ચિતાર આપ્યો છે :
“હેમંતમાં કોમળ સૂર્યતાપ, વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ.
ઝરે નિશાએ હિમ ભૂમિ-ખોળે, લીલાં તૃણે ઝાકળબિંદુ ડોલે.”
ઉપજાતિ છંદમાં લખાયલી આ પંક્તિઓમાં ઠંડીની ઉગ્રતા દર્શાવવા કવિ ‘વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ’ કહીને જણાવે છે કે માણસ તો શું પણ ઝાડ પણ ઠંડીથી ધ્રૂજી રહ્યાં છે. શિયાળા વિશે યૉસેફ મેકવાનની લખેલી આ કવિતા પણ બહુ સરસ છે:
“ઝાડના ડાંખળે ડાળીએ સૂર્યનાં કિરણ ચોંટી રહ્યાં;
પાસમાં ટૂંટિયું વાળીને શાંત છે પથ પડ્યો !
ચોતરફ વાયુના કાફલા બરફ-શા આભને લૈ વહે;“
ક્યાંકથી આવતો પંખીનો નાદ પણ કરો થઈ કાનમાં વાગતો.
એમ લાગે સાંજ આ ચિત્રમાં હોય જાણે મઢી.”
ઠંઠીના લીધે જાણે સૂર્યનાં કિરણો ઝાડના ડાખળે ચોંટી ગયા હોય એવું લાગે છે. રસ્તોય જાણે ટૂંટિયું વાળીને પડ્યો છે. વાયુના કાફલા જાણે બરફ થઈ ગયા છે. પંકીનો ટહુકોય વરસાદના કરાની જેમ કાનમાં વાગે છે. અને બધું જ જાણે કોઈ ચિત્રની જેમ ચોંટી ગયું હોય એમ શિયાળાના લીધે થીજી ગયું છે. વાહ યોસેફ મેકવાન!
પારુલ ખખ્ખરે શિયાળાની હીમ જેવી રાતોનું તીવ્ર વર્ણન એક કવિતામાં એટલું આહલાદક રીતે કર્યું છે કે ઉનાળામાં પણ આ કવિતા તમે વાંચો તો શિયાળાની હીમલી રાત્યુંની ઠંઠી અનુભવી શકો. તેનાથી જ લોગઆઉટ કરીએ.
————————–
લોગ આઉટઃ
હાથ પડે જ્યાં જળમાં ત્યાં તો આંગળી ખીલો થાય રે એવી હિમલી રાત્યું…
કાગળ માથે ચીતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યું…
દાંત વગાડે ડાકલી, નાચે દાઢડી, નાચે ચામડી, નાચે ક્રોડ રુંવાડા
પંડયમાં પેસી ટાઢનો ભોરિંગ ફેણ ચડાવી નાંખતો અંગેઅંગ ફૂંફાડા
આભલું હેઠે ઉતરી ઓલ્યા તાપણાના ગુણ ગાય રે એવી હિમલી રાત્યું…
કાગળ માથે ચીતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યું…
દન ઊગે ને સુરજડાડો આળસ ખાતો, બીડિયું પીતો, કાઢે ગોટેગોટ ધુંવાડા
વાયરો વેરી વેગથી આવી, બાથમાં ઝાલી, જોર દેખાડી લેતો રોજેરોજ ઉપાડા
ઠાર પીધેલા તારલા આવી આગિયા વીણી ખાય રે એવી હિમલી રાત્યું…
કાગળ માથે ચીતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યું…
હારની બીકે કોડિયું ફેંકી, દાવ ઉલાળી, ઘરભેળા થઈ જાય રે બીકણ-બાયલા દા’ડા
અંધારા ચોપાટ રમે ને એકલપંડે મોજથી જીતી જાય કરીને લાખ કબાડા
ચાંદલિયાને ઘોડિયે નાંખી ઘેનની ગોળી પાય રે એવી હિમલી રાત્યું…
કાગળ માથે ચીતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યું…
– પારુલ ખખ્ખર
Leave a Reply