આ સાંભળ્યું ત્યારે શિયાળો કમકમી ગયો, કે શહેરમાં પારાથી નીચે આદમી ગયો.
લોગઇનઃ
શું સ્હેજ નમતું જોખવું આખો નમી ગયો,
તારે થવું’તું સાંજ તો હું આથમી ગયો.
આ સાંભળ્યું ત્યારે શિયાળો કમકમી ગયો,
કે શહેરમાં પારાથી નીચે આદમી ગયો.
વિસ્તારમાં કરફ્યૂ હતો એના જનમ વખત,
એથી અમનનું નામ પડતાં સમસમી ગયો.
ઘટના બની ત્યારે હતો જે આસમાન પર,
થોડો સમય આગળ વધ્યો ઊભરો શમી ગયો.
ના છાપ એના આંગળાની ક્યાંય પણ મળી,
પાછળ રહીને જે રમત આખી રમી ગયો.
~ કુણાલ શાહ
————————–
કોઈ પણ સંબંધમાં જ્યારે તિરાડ પડે ત્યારે આપણને એક સલાહ ચોક્કસ મળે કે ભાઈ આપણે નમતું જોખી દેવું. જતું કરવાની ભાવના રાખો તો જ સંબંધો ટકે. પણ એવું કહેવાનું ભૂલી જવાય છે કે આવું બંને પક્ષે હોવું જોઈએ. કવિ કુણાલ શાહે આ વાતની માંડણી કરતા કહ્યું કે નમતું જોખવાની વાતમાં વાંધો નથી, એની માટે તો હું આખો નમી ગયો છું, મન-વચન-કર્મ બધું જ નમાવીને ઊભો છું. એટલું જ નહીં, સામેની વ્યક્તિને સાંજ થવું હતું તો હું પોતે આથમી ગયો, મેં મારો સમય ન જોયો, ન જોઈ વેળા, સામેની વ્યક્તિની સાંજની ઝંખના થઈ તો મેં મારો સૂર્ય ડૂબાડી દીધો. બીજાની સાંજ માટે પોતે આથમવાની તૈયારી બતાવતા આ કવિમાં વર્તમાન સમયની પીડાનું તેજ દેખાઈ આવે છે. વ્યક્તિને સમજવાની ધખના તથા સામાજિક વ્યથાની વાચા તેમની કવિતામાં ડોકિયું કર્યા વિના રહી શકતી નથી.
આ લેખ લખાઈ રહ્યો છે, ત્યારે શિયાળો તેની ચરમસીમાએ છે, હાડ ગાળી નાખે એવી ઠંડી છે. પારો સાવ નીચે ગગડી ગયો છે. આ કવિએ શિયાળાની ઠંડીને માનવીય ક્રૂરતા સાથે, તેના જડ સ્વભાવ સાથે જોડીને સરસ શેર નિપજાવ્યો છે. હમણાં નાગરિકતા બિલ મુદ્દે દેશભરમાં જે તોફાનો થયાં તે સંદર્ભમાં આ શેર ફરીફરીને વાંચવા વિચારવા જેવો છે. ઠંડીનો પારો તો સાવ નીચે ઊતરી ગયો છે, પણ માણસ તો એ પારાથી પણ ગગડી ગયો છે. આ સાંભળીને બાપડો શિયાળો થથરી ન જાય તો બીજું શું થાય?
આગળનો શેર પણ તોફાનના સંદર્ભમાં ધ્યાન ખેંચે છે. ઘણા લોકો ઘટનાઓ સંદર્ભે નામ રાખતા હોય છે. શ્હેરમાં તોફાન થતાં હોય ત્યારે કોઈનું નામ અમન રાખવામાં આવે તે કેવી વક્રતા! વ્યક્તિના નામ સાથે જોડાયેલી આવી ઘટના આજીવન કૂવા પર સુંવાળું દોરડું આંકા પાડે તેમ આંકા પાડ્યા કરતી હોય છે. નામનો અર્થ ભલે શાંતિ, સુખચેન કે આરમ થતો હોય, પણ જે સ્થિતિમાં એ પડાયું હતું, તેમાં જરા પણ અમન નહોતો. કદાચ એની ઝંખનામાં જ નામ પડાયું હોય! આમ પણ માણસને જે પાસે ન હોય એની જ તીવ્ર લાલસા રહેતી હોય છે ને!
શિયાળવાળી પેલી વાર્તા સાંભળી છે? રાત પડેને એક શિયાળ ઠંઠીથી ધ્રૂજવા લાગે અને વિચારે કે આવતી કાલે તો બખોલ ખોદી જ નાખવી છે. આવી ઠંડીમાં રહેવાતું હશે? જેમતેમ કરીને રાત કાઢી નાખે. બીજા દિવસે સવાર પડે, સૂરજ ઊગે, તડકાની હૂંફ મળતા ઠંડી જતી રહે. તરત પેલો ગઈ રાતનો સંકલ્પ પણ જતો રહે. શિકારની શોધમાં નીકળી પડે. આખો દિવસ ભટકે અને સાંજ પડે ત્યાં પાછું વિચારે કે આવતી કાલે તો બખોલ ખોદી જ નાખવી છે. આપણો ઊભરો પણ આ શિયાળની ઇચ્છા જેવો હોય છે. કાલથી તો કસરત ચાલુ કરી જ દેવી છે, આવતી પરીક્ષામાં વધારે માર્ક્સ લાવવા જ છે, ઉત્સાહમાં આવા અનેક સંકલ્પો લઈ લઈએ છીએ, પણ જેવો ઊભરો શમે કે તરત બધું હતું એવું ને એવું થઈ જાય છે. કદાચ આ જ માનવસ્વભાવ છે!
જે હથિયાર પકડે એની ફિંગરપ્રિન્ટ હથિયાર પર પર આપોઆપ આવવાની છે, પણ હથિયાર જેણે પકડાવ્યું છે, જે મુખ્ય દોરસંચાર કરી રહી છે એ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ તો ક્યાંય દેખાવાની નથી. રાજકારણથી લઈને નાનામાં નાની ઘટનાઓમાં આવા દોરીસંચારો પ્રત્યક્ષ-પરોક્ષ રીતે થતા રહેતા હોય છે. પરદા પાછળ રહીને રમત રમનારને પકડવો ખૂબ મુશ્કેલ છે. કદાચ ભાવવધારો, ભૂખમરો, ગરીબી, હુલ્લડો, કોમી તોફાનો, ઝઘડાઓ, રાજકીય ટંટા, એન્કાઉન્ટરો વગેરે ઘટનાઓ આવાં અદૃશ્ય દોરીસંચારની જ બાયપ્રોડક્ટ હોય છે.
કુણાલ શાહમાં નવી કલમનું જોર છે અને આસપાસ દેખાતા ઘણા પ્રશ્નોને પોતાની કલમમાં પરોવવાની તેમની ઝંખના દેખાઈ આવે છે. તેમના જ એક ઉમદા શેરથી લોગઆઉટ કરીએ.
————————–
લોગ આઉટઃ
ભૂખ માની ગઈ હતી ગઈ કાલ તો,
આજ એના હાથમાં હથિયાર છે.
– કુણાલ શાહ
————————–
(ગુજરાત સમાચાર, રવિપૂર્તિમાંથી, ‘અંતરનેટની કવિતા’ – અનિલ ચાવડા)
Leave a Reply