વો કાગજ કી કશ્તી વો બારીશ કા પાની…!
ગુજરાત સમાચારમાં દર રવિવારે, રવિપૂર્તિમાં આવતી મારી કોલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ…
આમ તો હું હોઉં ચાર દીવાલે બંધ,
આમ ઉઘાડી આંખ તોયે ઝાઝેરો અંધ,
જરા ઢાળું જ્યાં પોપચાં ત્યાં શૈશવની શેરીના
વ્હેતા તે રેલામાં કાગળની હોડીનો આવે રે સાદ…
મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ…
પછી છબછબાછબ અને ધબધબાધબ,
પછી ઉઘાડી કાય ઢાંકે ફોરાં ગજ્જબ,
થપ્પથપ્પાથપ્પ નાના પગના પંજા પે રચ્યા રેતીના
કૂબાથી ‘ભોગળ તોડીને ભાગ’ આવે છે નાદ….
મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ…
હવે ઘરને આધાર રહ્યા કોરાકટ્ટાક મારા ઉઘાડું
પોપચાં કે ભીતર ને બ્હાર બધે કેવો સંવાદ…
મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ…
– ધીરુ પરીખ
————————–
વરસાદ પર એકે કવિતા ન લખી હોય તેવો કવિ ભાગ્યે જ કોઈ હશે, અને જો હોય તો સમજવું કે તેની કવિતા હજી સૂકી છે. અંદરથી સૂકાયેલા માણસને બહારનો વરસાદ પલાળી શકતો નથી. વરસાદ અને કવિનો સંબંધ તો મોર અને વાદળની ગર્જના જેવો છે. ફોનની રિંગ વાગતાની સાથે ઘરમાં રહેલું બાળક હરખાઈને ફોન આયો… ફોન આયો… એમ પોકારવા માંડે, તે જ રીતે આકાશમાં મેઘગર્જના થાય ત્યારે કુદરતના વાદળરૂપી ફોનકોલને પિછાણીને મોર પેલા મુગ્ધ બાળક જેમ મેઘ આયો… મેઘ આયો… બોલવા લાગે છે. મોરનો સંબંધ વાદળગર્જના સાથે એવો જ કવિનો વરસાદ સાથે…. એમાંય બાળકો માટે વરસાદનો આહલાદ તો કોઈ કાળે વર્ણવી શકાય એમ નથી. બાળક થઈને વરસાદમાં ઝૂમવા સામે બધાં જ સુખ તુચ્છ છે. ધીરુ પરીખે બચપણની મસ્તીને વરસાદના રંગે રંગી છે. ધોધમાર પડતો વરસાદ જોઈને ઘરડા પણ થનગડી ઊઠતા હોય તો બાળક શેનું હાથઝાલ્યું રહે. ઘરમાં બંધ રહેવા છતાં તેને તો બહારની શેરી જ સાદ દીધા કરતી હોય છે. તેનું મન તો ક્યારનું કાગળની હોડની જેમ પાણીમાં તરતું મૂકાઈ ગયું હોય છે.
વરસાદી બચપણની વાત આવે અને સુદર્શન ફાકિરની જગજિતે ગાયેલી ગઝલ યાદ ન આવે એવું બને?
યે દોલત ભી લે લો યે શોહરત ભી લે લો,
ભલે છીન લો મુઝસે મેરી જવાની.
મગર મુજ કો લૌટા દો બચપન કા સાવન,
વો કાગજ કી કશ્તી વો બારીશ કા પાની.
પૈસા-માન-મોભો બધું જ લઈ લો, પણ મને મારો બાળપણનો વરસાદ આપો. યુવાની કે વૃદ્ધાવસ્થાનો નહીં. આ નોંધવા જેવું છે. બાળક થઈને મોજમસ્તી કરવાની જે મજા પડે છે તેની સામે સ્વર્ગ ટૂંકું પડે. એટલે જ સુદર્શન ફાકિરે કહ્યું કે ભલે છીન લો મુઝ સે મેરી જવાની. લોકો તો જવાનીને ઝંખતા હોય છે, આપણે ત્યાં તો રાજા યયાતિની આખી કથા છે. યયાતિને શુક્રાચાર્યે શ્રાપ આપ્યો કે જા તું જરાગ્રસ્ત થા. યયાતિ ઘરડો થઈ ગયો. તેણે શુક્રાચાર્યની માફી માગી અને યુવાની પરત આપવા કહ્યું. શુક્રાચાર્યે કહ્યું કે જો તારો કોઈ પુત્ર તારું ઘડપણ લે તો તું ફરી યુવાન થઈ શકે. યયાતિએ પોતાના દીકરાઓને કહ્યું કે મને તમારી જવાની આપો અને મારું ઘડપણ લો. કોણ પોતાની જવાની આપવા તૈયાર થાય? છેવટે સૌથી નાનો દીકરો પુરુ રાજી થયો. એણે યુવાની આપી ઘડપણ સ્વીકાર્યું. દીકરાની યુવાની પણ ભોગવી લેવાની કથાઓ આપણે ત્યાં છે, ત્યારે કવિ સામેથી કહે છે કે મારી યુવાની લઈ લો પણ મને બાળપણનો એ વરસાદ પરત આપો.
પાણીમાં છબછબિયાં કરવાં, વરસાદી ફોરાં ઝીલવાં, કોઈ મકાનેથી પડતા દંદૂડા નીચે ઊભા રહેવું… કાગળની હોડીને તરતી મૂકી તેની પાછળ દોડવું… આ બધા સુખ પાછળ તો ત્રણે લોક કુરબાન… ધીરુ પરીખે આ કવિતામાં બાળપણના એ વરસાદી સુખને આબાદ ઝીલ્યું છે. ધીરુ પરીખે વર્ષો સુધી કવિતા સેવી છે. બુધસભાના મોભી તરીકે રહી અનેક યુવા કવિઓને દોરવણી આપી છે; અને આ દોરવણી તેમની અંદર જીવંત રહેતા ખરા કવિને પ્રતાપે છે. એવો કવિ કે જેનો જીવ વરસતા વરસાદમાં બાળક જેમ છબછબિયા કરવા માંડે, એવો કવિ કે જેનું મન કાગળની હોડીની જેમ વરસાદમાં તરતું મુકાઈ જાય.
તેમની જ એક અન્ય વરસાદી કવિતાથી લોગઆઉટ કરીએ.
————————–
લોગઆઉટઃ
ગોરંભ્યું આકાશ ઝર્યું,
અહીં ઝરમર ઝરમર ફોરાં,
ભીંજ્યાં અંગો થોડાં
ને વળી થોડાં રહ્યાં જ કોરા!
તદાપિ ભીતર ભીંજ્યું એવું
ઉચ્છવાસે ઉચ્છવાસે ફોરી
ભીની માટીની ગંધ,
નસનસમાં ઊછળ્યાં નિર્ઝર નિર્બંધ,
ભીતર ધરણી આખી લીલંલીલી,
રોમરોમમાં તૃણશ્રી ખીલી,
તરડાએલું હતું વિસ્તર્યું,
ચારે પાસ સુકાણ…
આજ અચાનક થોડા ફોરે
લોઢલોઢનું તાણ!
– ધીરુ પરીખ
Leave a Reply