બ્રહ્માંડ જાણે કે રજ થઇ ગયું છે!
લોગઇનઃ
અતિશય બધુંયે સહજ થઇ ગયું છે;
એ બ્રહ્માંડ જાણે કે રજ થઇ ગયું છે.
ઉનાળુ મધ્યાહ્ન માથે તપે છે,
બધું કોઇ મૂગી તરજ થઇ ગયું છે.
હું તડકાના કેન્વાસે ચીતરું છું કોયલ;
ઘણું કામ એવું, ફરજ થઇ ગયું છે.
છે દેવાના ડુંગરશાં તોંતેર વર્ષો,
કે અસ્તિત્વ મોટું કરજ થઇ ગયું છે.
‘અનિલ’, વિસ્તર્યું મૌન તડકારૂપે, આ,
મને માપવાનો જ ગજ થઇ ગયું છે.
– રતિલાલ ‘અનિલ’
————————–
સુરતી ખમીર ધરાવતા આ કવિ ‘ચાંદરણાં’ અને ‘આટાનો સૂરજ’ માટે સવિશેષ જાણીતા છે. તેમની ‘રસ્તો’ ગઝલ પણ ઘણીખરી લોકપ્રિય છે. એમાંય, ‘નથી એક માનવી સુધી બીજો માનવ હજી પ્હોંચ્યો, અનિલ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો.’ આ શેર તો એમની ઓળખ બની ગયો છે. ચાંદરણાંરૂપે તેમણે આપેલાં લઘુકાવ્યો તેમની આગવી આભા ઊભી કરે છે. માત્ર એકબે પંક્તિમાં આવું કાવ્યત્વ છલકાવવું એ ખૂબ મોટી કસોટી છે. એ કસોટીમાંથી રતિલાલ અનિલ બરોબર પાર ઊતર્યા છે.
આ ગઝલ તેમની ઓછી જાણીતી છે, પણ માતબર છે. તેની શરૂઆત તો જુઓ! સહજ થઈ જવાની વાત કરે છે, પણ શું સહજ થઈ જવાની વાત છે? અતિશય અને બધું જ! વળી એની સરખામણી કોની સાથે કરી છે, બ્રહ્માંડ સાથે… હવે તો બ્રહ્માંડ અને નાનકડો રજકણ બંને તેમને મન સરખું થઈ ગયું છે. બધું એકસમાન લાગે છે. હરીન્દ્ર દવેએ ભલે એમ કહ્યું કે એક રજકણ સરજ થવાને સમણે, પણ માણસ ક્યારેક એવી સ્થિતિમાં આવી પહોંચે છે કે તેને મન મહાકાય સૂરજ કે તુચ્છ રકજણમાં જરા પણ ફેર નથી રહેતો. રતિલાલ પણ કંઈક આવી જ સ્થિતિની વાત કરે છે.
પછીના બંને શેર તો કેનવાસ પર દોરેલાં ચિત્ર જેવાં છે. આના વિશે કશું કહેવા કરતાં તેને અનુભવવાની વધારે મજા છે. આમ પણ કવિ તો શબ્દોથી આપણી સામે એક ચિત્ર મૂકી આપે છે, એક વિચાર મૂકી આપે છે, એક દર્શન રજૂ કરે છે ભાવક સામે. ભાવક એમાંથી કેટલું પામે છે તે જે-તે ભાવક પર છે. કાળઝાળ ઊનાળાની બપોરે વ્યાપેલી નીરવ શાંતિ તરજ જેવી લાગે છે આ કવિને. તડકાને કેન્વાસે કોયલ ચિતરવાની વાત ખરેખર મનભાવન છે. પણ અહીં કવિએ તેને નિરર્થકતા રૂપે બતાવી છે. કેમકે રોજ બિંબાઢાળ જીવનમાં માણસો માત્ર ફરજ બજાવ્યે જાય છે, મશીનની જેમ જીવ્યે જાય છે. ઘણાં ગમતાં ન ગમતાં કામો કરવાં પડે છે. જિંદગી જાણે એક ફરજિયાત ફરજ બનીને રહી ગઈ છે. કૃષ્ણબિહારી નૂરનો શેર યાદ આવી ગયો, ‘જિંદગી સે બડી સજા હી નહીં, ઔર ક્યા જૂર્મ હૈ પતા હી નહીં.’
આયખું જાણે સમયની ઉધારી છે. રોજ ઉંમર વધારીએ છીએ એનો અર્થ એ કે આપણામાં વર્ષો ઉમેરાય છે, ઉધારી વધતી જાય છે. રતિલાલે તોંતેરમાં વર્ષે આ ગઝલ લખી હશે તેવું સહજપણે આ શેર પરથી સમજી શકાય છે. આપણે પણ ઉંમર વધારીને જાણે કાળનું કરજ આપણી માથે ચડાવતાં જઈએ છીએ.
અંતિમ શેરમાં કવિનું મૌન તડકાસ્વરૂપે વ્યાપે છે. આદિલ મન્સૂરીએ તો લખ્યું છે કે, સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’, જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. કવિ શબ્દો થકી જગત સુધી પહોંચે છે. તેણે ગૂંથેલી કાવ્યકડીઓ લોકહૃદયમાં જીવે છે. પણ જે શબ્દોમાં નથી ગૂંથી શકાયું એવું ઘણું હોય છે, કવિનું મૌન આવું ન લખી શકાયેલું બોલે ત્યારે આખું જગત પણ શાંતિથી સાંભળતું હોય છે. રતિલાલનું મૌન તડકો થઈને વ્યાપ્યું છે અને આ મૌન જાણે એને પોતાને જ માપવાનો એક ગજ બની ગયું છે. આપણી એકલતામાં તો આપણે પોતાનો જ ક્યાસ કાઢવાનો હોય ને? અંતરાત્માના અજવાળે મૌનનો દીવો પેટાવવામાં આવે તો ભલભલા ગજ આપોઆપ મપાઈ જાય-પમાઈ જાય. કવિ કદાચ એ તરફ તો આંગળી ચીંધવા તો નહીં માગતા હોય ને?
————————–
લોગ આઉટઃ
મારાથી દૂર હું જ મને ભાળતો હતો,
રણમાં રહીને વીરડો હું ગાળતો હતો.
આવું ઉખાણું કોઈએ શું સાંભળ્યું હશે?
મારી જ રાખથી મને અજવાળતો હતો.
પાગલપણાની વાત કંઈ એવી બની ગઈ,
હું જાગતો જ હતો ને મને ઢંઢોળતો હતો.
ખોવા સમું તો મારી કને શું બીજું હતું?
મારામાં રોજ હું જ મને ખોળતો હતો.
બળતો સૂરજ તો આખો નદીમાં પડીને ન્હાય,
કાંઠે રહીને હું તો ચરણ બોળતો હતો.
કંઈ કેટલીય વાર હું પાષણ થઇ ગયો,
ભીની ક્ષણોમાં તોય મને ઢોળતો હતો.
બરડાની ખોટ એથી નથી સાલતી ‘અનિલ’
અસ્તિત્વની પિછાન સમો સોળ તો હતો.
– રતિલાલ ‘અનિલ’
Leave a Reply