પગથી ચાલે તે પ્રવાસ, હૃદયથી ચાલે તે યાત્રા
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇન
ચાલ ફરીએ!
આવે ક્યાં કંઈ લઈ જવા?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો
નિતનવા કંઈ તાલ કરીએ.
એકલા રહેવું પડી?
આ સૃષ્ટિ છે ના સાંકડી
એમાં મળી જો બે ઘડી,
ગાવા વિષે, ચ્હાવા વિશે તો
આજની ના કાલ કરીએ!
ચાલ ફરીએ!
— નિરંજન ભગત
————————–
દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ ફરવાની મજા માણી રહ્યા હશે. કાકાસાહેબે કહ્યું હતું, “પગથી ચાલે તે પ્રવાસ, હૃદયથી ચાલે તે યાત્રા અને સમૂહમાં ચાલે તે સમાજ.” નિરંજન ભગતની એક અન્ય કવિતા છે, “હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક્કે કામ તમારું કે મારું કરવા આવ્યો છું” પ્રવાસમાં કોઈ ઉદ્દેશ્ય હોય તે જરૂરી નથી. રાજેન્દ્ર શાહે તો ‘નિરુદ્દેશે’ સંસારભ્રમણની વાત કરી. ‘નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ, પાંશુમલિન વેશે.’ ઉદ્દેશ્ય ક્યારેક જિંદગીભર આદેશ કર્યા કરે છે કે તારે આમ કરવાનું છે. એવી કોઈ ચોકસાઈમાં શું કામ બંધાવું? જે રસ્તો જ્યાં લઈ જાય ત્યાં જાવું, પ્રેમનું એકાદ ગીત ગાવું. પ્રવાસમાં શ્વાસ ઘૂંટવો. અવનવા રસ્તે મહાલવું, નવા નવા માણસોને મળવું, તેમની સાથે ભળવું, મજાકમસ્તી કરવી, અને આ રીતે સ્મરણની થેલીને વધારે ઠાંસીને ભરવી, જેથી સમય આવ્યે તેને ખોલી શકીએ. વર્ષો પછી આવી ક્ષણોને યાદ કરીને આપણે આપણા સમયમાં સુખની થોડી પળો ઉમેરતા હોઈએ છીએ.
‘યાદ છે તળાવમાં પેલાને ધક્કો મારી દીધો હતો. હા, એને તરતાય નહોતું આવડતું, માંડમાંડ બહાર કાઢ્યો’તો’. ‘હા, હા, પછી પેલાની આંગળી કારના દરવાજામાં કચરાઈ ગઈ હતી ખબર છેને?’ ‘પેલો કેવો લપસી પડ્યો હતો!’ ‘બાપ રે, આપણી બેગ ચોરાઈ ગઈ પછી કેવી હાલત થઈ’તી? પૈસા નહીં, આઈડેન્ટી કાર્ડ નહીં, કેટલા બધા હેરાન થયા હતા…’ ‘તને તો પેલી વાંકડિયા વાળવાળી ગમી ગઈ’તી હોં!’ ‘પછી ખબર છેને પાણી પીતા પીતા હસવું આવ્યું અને મોંમાંથી પાણીનો ફુવારો પેલા કાકા ઉપર ઊડ્યો તો, કેવા ખીજાયા’તા એ નહીં?’ ‘વગર ટિકિટે તું પેલી રાઇડમાં ગયો તો અને પછી પકડાઈ ગયો’તો ત્યારે કેવી જોવા જેવી થઈ’તી!’ ‘જ્યારે જ્યારે હોટલમાં ખાવા જઈએ ત્યારે બિલ આપવાનું થાય એ જ વખતે પેલો ક્યાંક ગૂમ થઈ જતો હતો ખબર છેને?’ ‘ઓનલાઇન બુક કરાવીને પછી વોટરપાર્કમાં સમયસર પહોંચી નતા શક્યા ત્યારે પૈસા પાછા લેવા કેવો ઝઘડો થયો’તો!’ ‘ભૂલી ગયો? મંદરમાં દર્શન કરીને આવ્યા તો બૂટ ગાયબ, પછી આખો દિવસ ઉઘાડા પગે ફરવું પડ્યું’તું. માતાજીએ વગર બાધાએ બાધા રખાવી દીધી હતી!’ ‘ડુંગર ઉપર ચડતા ચડતા તરસ લાગી’તી અને ક્યાંય પાણી નતું મળતું, કેવી હાલત થઈ’તી!’ ‘પેલી આંટીનું છોકરું થોડી વાર માટે તેડ્યું અને એ તારી ઉપર પેશાબ કરી ગયું’તું, આખો દિવસ એ જ કપડાં સાથે બધે ફર્યો’તો, બાળમૂત્રની મીઠી સુગંધ સાથે, હાહાહાહ…’ ‘મોબાઇલ પાણીમાં પડી ગયો પછી તારું મોઢું કેવું થઈ ગયું’તું, અરીસામાં જોયું હોત તો ખબર પડત!’ આવી અનેક વાતો સ્મરણપોથીમાં અંકાઈ જતી હોય છે. આ જ વાતો ક્યારેક મિત્રો સાથે ક્યાંક બેઠા હોઈએ ત્યારે સુવર્ણમુદ્રા જેવી થઈ જતી હોય છે.
ભૂતકાળમાં વેઠેલાં દુઃખ વર્તમાનમાં હંમેશાં આનંદ આપતાં હોય છે. તેને યાદ કરીને માણસ સંતોષ અનુભવે છે અને કહે છે કે ભૂતકાળમાં અમે કેટકેટલો સંઘર્ષ કરેલો, તેમાંથી કઈ રીતે બહાર આવેલા, દુઃખોનો પાર નહોતો, તોય અમે મહેનત કરીને આગળ આવ્યા. આ વાત માણસને ગર્વ અને આનંદ આપે છે. પ્રવાસમાં જતી વખતે પડેલી મુશ્કેલી પણ જીવનની અમુલ્ય ક્ષણો બની જતી હોય છે.
નિરંજન ભગત ફરવાનું આહ્વાન કરે છે. નવા રસ્તે, નવા પ્રવાસીની સાથે, નિતનવા તાલની મજા માણવાનું કહે છે. એકલા પડી રહેવા કરતા આ વિશાળ સૃષ્ટિ છે, તેનો આનંદ માણીએ. દુનિયામાં અવનવાં સ્થળોની ભરમાર છે. એટલું બધું છે કે એ જોવા માટે એક જિંદગી ઓછી પડે. બે ઘડી આનંદની મળે, ગમતું ગીત ગાવા મળે, કોઈને ચાહવા મળે તો જિંદગીનો પ્રવાસ સાર્થક. આવા સારા કામમાં – ધરમના કામમાં ઢીલ શું કરવાની? જિંદગી પોતે એક પ્રવાસ છે. એક હૃદયથી બીજા હૃદય સુધી પહોંચવું એ પણ પ્રવાસનો એક પ્રકાર છે. જન્મ નામના દ્વારથી આપણે આવીએ છીએ અને મૃત્યુ ભણી જીવનભર પ્રવાસ કરતા રહીએ છીએ. વચ્ચેના ગાળામાં જેટલું માણીએ, જેટલું એન્જોય કરીએ એ જ ખરી જિંદગી. જવાહર બક્ષીએ તો અંદરના પ્રવાસને આધ્યાત્મની અનોખી ઊંચાઈએ રજૂ કર્યો છે,
દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.
જિંદગીમાં અનેક રઝળપાટો છે, આ રઝળપાટને પ્રવાસમાં ફેરવવાનો છે. ભ્રમણ એ સમગ્ર બ્રહ્માંડનો મૂળ ભાવ છે. ગેલેક્સી પોતે ઘૂમી રહી છે. સૂર્યની આસપાસ બધા ગ્રહો ગોળગોળ ભ્રમણ કરી રહ્યા છે. પૃથ્વી પોતાની ધરી પર ફરી રહી છે. સમય પણ અટક્યા વિના યુગોથી આગળ ધપી રહ્યો છે. આપણી ઉંમર પણ વધતી જ રહે છે. શ્વાચ્છોશ્વાસ પણ નિરંતર દેહનો પ્રવાસ કરે છે, જ્યારે એ પ્રવાસ અટકશે, જીવન પૂરું થઈ જશે. ગતિ એ સૃષ્ટિનો નિયમ છે. જો જીવવું હોય તો જીવ, જગત અને બ્રહ્માંડની સકળ ગતિના તાલ સાથે તાલ મિલાવતા રહેવું પડશે. ગતિહીન બનીને એક સ્થાને બેસી રહેવામાં જિંદગીને અન્યાય કરવા જેવું છે!
————————–
લોગઆઉટ
મંજિલ અનહદ દૂર પ્રવાસી,
છે ધુમ્મસનાં પૂર પ્રવાસી.
હામ ધરી લે હૈયે હો જી,
શાને તું મજબૂર પ્રવાસી !
સમજી લે કલરવની બોલી,
વન મળશે ઘેઘૂર પ્રવાસી.
તમસ ભલેને કરતું લટકા,
આતમનાં છે નૂર પ્રવાસી.
થાજે ના બેધ્યાન કદી પણ,
હો ભીતરના સૂર પ્રવાસી.
– આબિદ ભટ્ટ
Leave a Reply