આળસ એક એવો સદગુણ છે જેને આપણે ત્યાં સદીઓથી દુર્ગુણ ચિતરવામાં આવ્યો છે. આ એ લોકોનું ષડયંત્ર છે જેને ઈશ્વરે આળસ નામના સદગુણની ભેટ નથી આપી. આળસુ વ્યક્તિનું શરીર કાયમ સુખમાં રહે છે કારણ કે તે લાંબી ઊંઘ ખેંચે છે. એને ક્યારેય વહેલા ઉઠી જવાની કે ક્યાંય પણ સમયસર કે સમયથી વહેલા પહોંચી જવાની બિલકુલ ઉતાવળ નથી હોતી. આળસુ માણસ એ સત્ય બરાબર સમજી ચુક્યો હોય છે કે આપણા મોડા પહોંચવાથી કે ક્યાંય ન પહોંચવાથી કોઈ દુનિયા અટકી જવાની નથી.
વહેલા ઉઠવું અને ચાલવા નીકળવું એ બંન્ને એવા દુર્ગુણો છે જેનું સદીઓથી સદગુણ તરીકે ચિત્રણ થતુ આવ્યું છે. મને એ ક્યારેય નથી સમજાતુ કે આપણે ત્યાં વર્ષોથી આ વહેલા ઉઠવાનું આટલુ મહિમામંડન કેમ કરવામાં આવ્યુ છે? આઈ મિન, જો તમે છાપાવાળા કે દૂધવાળા ન હોવ તો વહેલા ઉઠીને તમારે કઈ લંકા લૂંટી લેવાની હોય છે? જીમવાળા પણ હવે તો બપોર સુધી ખુલ્લા રાખે છે, એટલે કસરત-ફસરતની વાત તો કોઈ કરતા જ નહીં. હા, વહેલી સવારે ચાલવાના બહાને ચાલવા નીકળનારીઓની ‘ચાલ-ચલગત’ ચેક કરવાની ટેવવાળાઓની વાત અલગ છે.
બાકી, ‘સૂતેલા સિંહના મોંમાં હરણા સામેથી જઈને પડતા નથી.’ જેવા સુભાષિતો આળસના વિરોધમાં થયેલી ‘સોચી-સમજી સાઝિશ’ છે. લા’ ભ’ઈ હરણને તો કંઈ આપઘાત કરવો છે તો સિંહના મોંમાં જઈને પડે? હરણ છે કે ન્યૂટનનું સફરજન, તે સિંહના મોંમાં કે માથે પડે? આઈ મિન, એને આપઘાત પણ કરવો હોય તો કૂંવામાં પડે ને? એન્ડ સૂતેલો સિંહ એટલે વોટ નોન્સેન્સ? સિંહ કંઈ ચોવીસ કલાક જાગતો તો ન જ રહે ને? એને ભુખ લાગશે ત્યારે થશે ઊભો ને કરશે શિકાર, ત્યાં સુધી બાપડો ભલે ને સૂતો. આપણા બાપનું શું જાય છે?
કહે છે કે, ટ્રેન અને બસ બ્લાસ્ટમાં એ આળસુ લોકો જ બચી જાય છે, જેઓ મોડાં ઉઠીને અને બસ કે ટ્રેન ચુકી જાય છે! આળસુ નર સદા સુખી.
આળસ એ બાદશાહી છે. આળસ એ અલ્લડ ફકીરી છે. આળસ એ શોખ છે. ખુબ મોંઘો શોખ, જે જેવા તેવાને પોષાતો નથી. કહે છે કે, આળસ એટલી ધીમી ચાલે છે કે ગરીબી તેને સહેલાઈથી પકડી પાડે છે. એટલે ગરીબોને કે ઈવન મનના ગરીબોને પણ ‘સૂર્યવંશી’ થવું પોષાય નહીં.
નિરવ શાંતિમાં ત્રણ ત્રણ ઘરમાં સંભળાય એમ વર્ષોથી ગંધાયેલુ ભોખરું સાફ થતુ હોય એ રીતે ‘ગરરરરર્ક….ગરરરરર્ક…’અવાજે ઉલ ઉતારવા સિવાય વહેલા ઉઠનારાઓ બીજી કઈ ધાડ મારી લે છે? ‘વહેલા ઉઠે વીર’ એ બધુ નર્યુ તૂત છે સાચી કહેવત છે કે, ‘સૂતા જેવું સુખ નહીં ને જાગ્યા જેવું દુ:ખ નહીં.’
આ લેખમાં વ્હાલી આળસ વિશે હજૂ ઘણુ ઘણુ લખી શકાય એમ છે પણ આળસ આવે છે!
ફ્રિ હિટ :
ચાલવાથી તબિયત બનતી હશે એ વાત સાચી પણ ક્યારેય કોઈ ટપાલીએ ટ્રક ડ્રાઈવરને ટીપી નાખ્યો હોય એવું સાંભળ્યુ નથી. – (બી.એન. દસ્તુરની કોઈ કિતાબમાં વાંચેલુ. એમનું ક્વોટ છે કે શેખ સાઅદીનું એ યાદ નથી)
~ તુષાર દવે
( આર્ટીકલ લખાયા તારીખ ૧૨-૦૯-૨૦૧૮ )
વેબસાઈટ (davetushar.com)
Leave a Reply