જ્યોર્જ ક્લૂનીને તમે જોયો હશે, વાળથી ઘરડો થઈ ગયેલો જ્યોર્જ કોઈ દિવસ શરીરેથી ઘરડો નથી થયો. તેના શરીરમાં કળચલીઓ બેન્ડ વળવાનું નામ નથી લેતી. તદ્દન આવુ એક ભારતીયના કિસ્સામાં છે. અને તે પણ ચૈન્નઈમાં. નામ અજીત કુમાર. કામ સુપરસ્ટાર. જેની રિલીઝ થયેલી ફિલ્મ વિવેગમે બે દિવસમાં 60 કરોડની કમાણી કરી નાખી. તમિલનાડુમાં તો વ્યક્તિ પૂજાનું મહત્વ છે, પરંતુ જ્યાં રજનીકાંતનો સિક્કો રોબોટની ધુંઆધાર કમાણી પછી અટક્યો (ભલે કાબાલીમાં પ્લેનમાં બેસી લોકો તમિલનાડુ ટુ બેંગ્લોર ફિલ્મ જોવા માટે જતા) ત્યાં અજીત કુમારનો તેની તમામ ફિલ્મમાં 10 કરોડ વધતો જાય છે. એટલે કે સરેરાશ 50 ટકાથી વધારે લોકો કાં તો તેની ફિલ્મ બે વાર જોઈ રહ્યા છે, અને કાં તો અજીત કુમારના ફેન્સ દિન પ્રતિદિન સાઊથના સિમાડાઓ વટાવી બીજા પ્રદેશોમાં પણ વધી ગયા છે. રિશી કપૂર કરતા ત્રીજા ભાગની ફિલ્મો એટલે કે 50 ફિલ્મો કરનારો અજીત કુમાર દેખાવે પણ એવો છે. સાઊથમાં તો આમપણ ઘોળીયા ઓછા, મને કોઈવાર વિચાર આવે કે, હું તમિલ કે ઈવન તેલુગુ શીખી જાઊં તો આરામથી ત્યાં એક ફિલ્મ મળી જાય !
દેખાવે કદાવર લાગતો અજીત ડેશિંગ, હેન્ડસમ અને તમિલ યુવતીઓ રીતસરની તેને વળગી પડવાના રોજ ફુલકાજળી કે મોરાકતના વ્રત કરતી હશે. અજીતે પોતાની કરિયર તમિલનાડુમાં બનાવી પણ તે મૂળ તો હૈદરાબાદનો છે. માતા કલકત્તી અને પિતા હૈદરાબાદિયન. ત્રણ ભાઈઓમાં મિડલ એવા અજીતે પોતાની કરિયરની શરૂઆત નહતી કરી, ત્યાં જ તે સમાજ સેવાના કામ કરવા લાગેલો એટલે કે અજીત કુમારની ચૈન્નઈમાં સફળતાનો આ પહેલો રાઝ છે. નંબર 2 અત્યારે મોટાભાગના મુંબઈના રહેવાસીઓ જ્યારથી બાહુબલી જેવી તેલુગુ કે રજનીકાંતની તમિલ જેવી રિજનલ ફિલ્મો જોઈ છે, ત્યારથી સાઊથ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું વિચારે છે. બોલિવુડમાં આમપણ ચાન્સ નથી લાગતો એટલે સાઊથમાં આપણા હટ્ટાકટ્ટા યુવાધનો જમ્પ મારે તો તેમનું ચાલ્યા કરે. પરંતુ એક પ્રોબ્લેમ છે. કોઈને ભારે ભરખમ એવી તમિલ લેંગ્વેજ નથી આવડતી. તેલુગુ પણ નથી આવડતી. અજીતની સફળતાનું રહસ્ય નંબર બે મહેનત કરો. અજીત જ્યારે બાળક હતો ત્યારે તેને તમિલ લેંગ્વેજ બિલ્કુલ આવડતી નહતી. જ્યારે આ ઈન્ડસ્ટ્રી જોઈન કરવાનું વિચાર્યું ત્યારે તેણે તમિલમાં મહારત હાંસલ કરી. જ્યારે પોતાની સ્કૂલેથી છૂટતો ત્યારે થીએટરોમાં લાગેલા એમ. જી. રામચંદ્રન, અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાના પોસ્ટરો જોતો. મનમાં તેમના જેવું બનવાની ઈચ્છા જાગતી. એક સપનું આંખમાં ઘેરાવા લાગતું. પોતાના ટીનએજમાં હતો ત્યારે બે યંગસ્ટર્સે તેને તમિલ ઈન્ડસ્ટ્રીનો દિવાનો બનાવ્યો. અને આ બે નટીનું નામ હતું કમલ હસન અને રજનીકાંત.
તેમની પોપ્યુલારીટી જોઈને તેની આંખો અંજાઈ જતી. બાપ રે… આ લોકોની ફિલ્મો રિલીઝ થાય ત્યારે લોકો રિતસરના પાગલ થઈ જાય છે. અને ક્યાંક તેની અંદર સુપરસ્ટાર બનવાનું બીજ રોપાઈ ગયું. અજીત નાનો હતો ત્યારે તેને બાઈક રેસર બનવું હતું. 18 વર્ષની ઊંમરે પહોંચ્યો ત્યારે તેણે પોતાના સપનાને પૂરા કરવા માટે નોકરી કરવાની શરૂઆત કરી. એક પછી એક નોકરી છૂટતી ગઈ. કોઈ પ્રેસ કે ટીવીની એડમાં પણ દેખાયો. રેસનું સપનું પૂરૂ કરવા અજીતે પોતાના મિત્રો પાસેથી ઊધારના રૂપિયા લીધા. હવે અત્યારે ભારતમાં રેસનું એટલું ચલણ નથી તો ત્યારે કેટલું હોય ? એક અકસ્માતના કારણે ચૈન્નઈમાં રેસ પર બેન લાગી ગયો અને અજીતના સપનાને ગ્રહણ. અજીતે ત્યારપછી કોઈ દિવસ રેસિંગ ન કરી, પણ તમે વિવેગમ જોશો અથવા તો અજીતની બીજી કોઈ ફિલ્મો, જ્યારે તે બાઈક પર બેસીને આવતો હોય ત્યારે પ્રોફેશનલ રેસર લાગે. અને ફેન્સને આ વાતની ખબર હોવાથી ઊભા થઈને નોટો ઊડાવે. આમ નહીં તો આમ અજીત સફળ તો થયો.
થોડા સમય પછી તેને મોડલીંગ અને ટીવીની એડવર્ટાઈઝમેન્ટમાં મોકલી દેવામાં આવ્યો. તેની પાસે બે વિકલ્પ હતા રેસિંગનો અને બીજો ફિલ્મનો. બંન્ને તેના સપના હતા, પણ રેસિંગ તેના દિલમાં હતી, જેમાં પૈસો નહતો. અને ફિલ્મમાં અઢળક કમાણી હતી. છેલ્લે તો દુનિયાના કોઈપણ માણસની ભાગદોડ પાછળનું કારણ પૈસો જ હોવાનો ! અજીતે ફિલ્મ એટલે કે પૈસા પર પસંદગી ઊતારી. તેની આ મોડલીંગ ફોડલીંગ જોઈને 1990ની ફિલ્મ ‘એન વીડુ એન કનવર’માં તેને એક સ્ટુડન્ટનો રોલ મળ્યો. નાનો એવો હતો રેતઘડીની જેમ અજીતનો રોલ પણ ફિલ્મમાં પૂરો થઈ ગયો. ત્યાં અજીતને એક તેલુગુ ડિરેક્ટર જોઈ ગયા અને તેમણે પોતાના લક્ષ્મી પ્રોડક્શનથી તેને કાસ્ટ કરવાનું નક્કી કર્યું. પણ વિધાતાને કંઈક ઓર મંજૂર હતું. તે તો અજીતને તમિલ સુપરસ્ટાર બનાવવા માગતા હતા તેલુગુ નહીં. શૂટિંગ શરૂ થવાનું હતું ત્યાં ડિરેક્ટરનું અકાળે અવસાન થયું. આખરે 21 વર્ષની ઊંમરે 1992ની ફિલ્મ ‘પ્રેમપુસ્તકમ’થી તેણે ડેબ્યુ કર્યું.
વિચારો આખરે અજીત કુમારને તેની તેલુગુ ફિલ્મ પ્રેમ પુસ્તકમના અભિનયના કારણે તમિલ ફિલ્મ અમરાવથી મળે છે. નવોસવો ડિરેક્ટર સેલ્વા આ ફિલ્મને ડિરેક્ટર કરે છે, પણ આ ફિલ્મમાં અજીતનો અવાજ નથી. આ ફિલ્મમાં અજીતની જગ્યાએ જે માણસ અવાજ આપે છે, તે તમિલ સુપરસ્ટાર વિક્રમ. (અપરિચિતનો હિરો) વિક્રમ પણ ત્યારે નવોસવો પણ તેનો અવાજ માશા અલ્લાહ જ્યારે ઘરમશીન ચાલુ કર્યું હોય. અજીતને ક્યાંક આ વાતથી લાગી આવ્યું. તેણે પોતાના અવાજને ઘડ્યો, કસ્યો અને અત્યારે વિવેગમ જુઓ તો થીએટરમાં જ્યારે અજીતના પેટમાંથી ડાઈલોગ બોલતી વખતે હથોડો પડતો હોય તેવો અવાજ સંભળાય. આ છે અજીતની સફળતા નંબર 3.
અમરાવથીમાં તેણે કામ કર્યું, પણ સેલ્વાએ તેની પાસે એ હદે સ્ટંટ કરાવ્યા કે બીચારો અજીત કુમાર ત્રણ ત્રણ સર્જરીથી પીડાવા લાગ્યો. આ સર્જરી એવી મેજર હતી કે એક વર્ષ સુધી તે બીજુ કંઈ ન કરી શક્યો. ઊપરથી માત્ર ‘રાધિકા’ અને ‘પાસમલરંગાઈ’ જેવી ફિલ્મમાં તેણે નાના એવા સાઈડ રોલ કર્યા. એટલે અજીતની 50 ફિલ્મોમાંથી અડધા રોલ તો સાઈડ હિરોના છે.
1995માં તેણે કમબેક કર્યું. આ વખતે વિજયની ફિલ્મ ‘રાજવીન પરવૈય’માં તેણે ગેસ્ટ અપિરિયન્સ કર્યો. પણ સંજોગાઅવશાત સુપરસ્ટાર વિજયને જેટલી તાળીઓ મળી તેના કરતા ગેસ્ટ અપિરિયન્સ કરનાર અજીતને મળી ગઈ. લોકો હવે અજીતને વધાવવા લાગ્યા હતા. અને આખરે આટલા ધમપછાડા બાદ અજીતે પોતાની પ્રથમ સુપરહિટ તમિલ ફિલ્મ ‘અસાઈ’માં કામ કર્યું. આ રોલ જો રિયલ સિંઘમવાળા સુર્યાએ છોડ્યો નહોત તો અજીત કુમારનું ઈન્ડસ્ટ્રીમાં નામોનિશાન નહોત. ફિલ્મ હિટ જવાનું મોટું કારણ તેના પ્રોડ્યુસ મણીરત્નમ હતા.
‘કાલ્લુરી વસાઈ’માં તેણે પુજા ભટ્ટ સાથે કામ કર્યું, જે તેનું પહેલું બોલિવુડ ફેસઓફ હતું. નેશનલ એર્વોડ વિનીંગ ફિલ્મ કધલ કોટ્ટાઈમાં તેની ફિલ્મ સાથે તેના કામની પ્રશંસા કરવામાં આવી. આ ફિલ્મમાં એક હિરોઈન હતી જેનું નામ હિરા રાજગોપાલા જે અજીતની બાદમાં ગર્લફ્રેન્ડ બની. ફિલ્મની સ્ટોરી સાંભળો, બે વ્યક્તિ એકબીજાને પ્રેમ કરે છે, અને છેલ્લે સુઘી મળી નથી શકતા. યાદ આવ્યું બોલિવુડનું કોપીકેટ કનેક્શન પહેલી પહેલી બાર મહોબ્બત કી હૈ….
અમિતાભ બચ્ચનને ત્યારે પ્રોડ્યુસર બનવાનો ચટકો લાગેલો. તેમણે વિજય અને અજીત કુમારને લઈ ઊલ્લસુમ નામની ફિલ્મ પ્રોડ્યુસ કરી. અને અજીત કુમારે 1997માં એક રિજનલ ફિલ્મ માટે 20 લાખ માગ્યા અને તેને મળી પણ ગયા. આ ફિલ્મ ધમાકેદાર રહી એટલે અમિતાભના પૈસા ડુબ્યા નહીં. પરિણામે અમિતાભને દેવામાંથી ઊગારનાર અજીત કુમાર પણ હતો. (ફિલ્મ રસિયા ઓએ પોતાના આગામી પુસ્તકમાં આ નોટ કરવું)
વાલી ફિલ્મ માટે અજીતને પહેલો ફિલ્મફેર એર્વોડ મળ્યો. અને આ ફિલ્મને ઈન્સ્ટન્ટ ક્લાસિકની શ્રેણીમાં મુકવામાં આવી. અમરકલામ ફિલ્મની હિરોઈન શાલીની સાથે તેને પ્રેમ થયો ત્યાં સુધી તેનું હિરા સાથે બ્રેકઅપ થઈ ગયેલું. વધુ રંગ ન બતાવતા તેણે શાલીની સાથે પ્રેમપૂર્વક લગ્ન કરી લીધા.
રાજીવ મેનનની ‘કાન્ડુકોનડેઈ કાન્ડુકોનડેઈન’માં મમ્મુટી એશ્વર્યા અને તબ્બુ સાથે નજર આવ્યો. અને લગાતાર 6 સફળ ફિલ્મો આપ્યા બાદ તેની પ્રસિદ્ધી વધતી ગઈ. ત્યાં સુધી કે ગજની અને હોલીડે જેવી ફિલ્મના ડિરેક્ટરે સફળતાની પહેલી પાપા-પગલી પણ અજીત કુમાર સાથે જ કરેલી. અજીતે મુરૂગોદાસની ફિલ્મ ધીનામાં કામ કરેલું. અને મુરૂગોદાસ ડિરેક્ટર તરીકે જમાવી બેઠા.
અજીતની કરિયર તો પછી લંબાઈ. હિટ આપવાનું તે ઘરમશીન છે, તેવુ તેણે 2017ની ફિલ્મ વિવેગમ સુધી સ્થાપિત કરી દીધુ છે. હવે તેના મૂળીયા કોઈ ઊખાડી શકે તેમ નથી. મુંબઈમાં વિવેક ઓબરોયે પોતાના ઈન્ટરવ્યુમાં કહેલું, ‘હું તમિલ ફિલ્મ વિવેગમથી ડેબ્યુ કરી રહ્યો છું, જ્યાં સુપરસ્ટાર અજીત કુમાર છે.’ અજીત કુમારને બોલિવુડની નથી પડી, પણ હા, બોલિવુડને ક્યાંક અજીત કુમારની જરૂર હોય તો તમિલનાડુ બાજુ ધકકો ખાઈ આવે છે. 2004માં નેસ્કેફેએ તેને બ્રાંડ એમ્બેસેડર બનાવેલો. આ તેની પોપ્યુલારીટની ઝલક છે. ક્યારેક રેસિંગ માણવી હોય તો માણી લે છે. જૂ~ મયુર ખાવડુના સપનાઓને યાદ કરી લે છે, આજે પણ…
તેની આ ફિલ્મનું નામ વિવેગમ છે, જેનો અર્થ થાય વિવેક. જે તેનામાં છે, અકાળે વાળ સફેદ થઈ જતા લોકોનો તે માર્ગદર્શક છે. સાઊથમાં તો વાળ સફેદ દેખાય તો લોકો હાશકારો અનુભવે હાશ. હવે હું અજીત કુમાર બન્યો !!! પણ અજીત ભારતનો જ્યોર્જ ક્લૂની નથી, તે અજીત છે.
~ મયુર ખાવડુ
Leave a Reply