અભિનય કરવો એ સર્વ કળાઓમાની સૌથી મોટી કળા માનવામાં આવે છે. ભારત દેશમાં આવી 64 કળાઓ છે. જેમાં આ વાંચનારા મોટાભાગના લેખન કળા સાથે સંકળાયેલા હશે. પણ લેખનને કળા ન કહી શકાય. તેમાં માણસને જરુર હોય છે કલમની, કિતાબની. જરુરિયાત પડે તે કળા કેવી રીતે ? માણસ પોતાના શરીરથી સામેના લોકોને આકર્ષિત કરી મનોરંજન ઉત્પન્ન કરે તેને કળા કહેવાય.
કથક, ભરતનાટ્યમ, કુચુપુડ્ડી આ બધી કળા છે. આ જે કરી શકે તેનામાં રિયલ ટેલેન્ટ હોય છે. કારણ કે સંગીતના તાલબદ્ધ સથવારે નાચવું એ ઓછા લોકો કરી શકે છે. તમે કોઇ દિવસ ગામે ગામ કથક કરનારાઓ જોયા છે ? તેમાં પણ અભિનય કરવો એ તો સર્વ કળાઓની જનની કહેવાય.
મારા પ્રિય કલાકાર અલ-પચીનોનું ક્વોટેશન ટાંકુ તો, “The actor becomes an emotional athlete. The process is painful – my personal life suffers.”
સાચા અર્થમાં માણસ એક કલાકાર તરીકે જ જન્મતો હોય છે. તેનો જન્મ જ જીવનમાં બનતી તમામ ઘટનાઓને કળા દ્વારા રજૂ કરવા થયો છે. ઉદાહરણ આપું તો, પરિચિત વ્યક્તિ જ્યારે પૂછે કે, ‘હમણાં શું ચાલે કહો જોઇએ ?’
ત્યારે આપણે કહેવાના, ‘મજામાં.’ જોકે ત્યારે જ આપણે મજામાં નથી હોતા. ચહેરા પર સરળ સ્મિત લાવી દઇ, દુખને દબાવી મારે ટેશળો છે, આવું બોલવું તે પણ અભિનય છે. પણ તેને કેમેરા સામે કરવું હોય તો પુરૂષ જેને જન્મજાત કલાકાર તરીકે ઓળખવામાં આવે તે પણ પાછો હટી જાય.
પત્રકારત્વ ભવનના ત્રીજા સેમેસ્ટરમાં અમને કેતન સાહેબ દ્વારા ડોક્યુમેન્ટ્રીના પાઠ ભણાવવામાં આવતા. મુખ્ય કામ તેમનું ડિરેક્શન અને સિનેમેટોગ્રાફીનું. આમ કહો કે સિનેમેટોગ્રાફીમાં તેમણે માસ્ટરી મેળવેલી. ત્રીજા સેમેસ્ટરમાં ભણ્યું તે બરાબર હતું. ફિલ્મો વિશે તો ભણવું જ જોઇએ, પણ અભિનય કરવો પડે ત્યારે ?
ચોથા સેમેસ્ટરમાં અભિનય કરવો પડ્યો. આમ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં અમારા સિનિયરો દ્વારા બનાવવામાં આવેલી ડૉક્યુમેન્ટ્રી જોઇ મને હસવું આવતું હતું. આ લોકોએ શું બનાવ્યું છે ?
પણ પછી અમારો વારો આવ્યો ત્યારે હાજા ગગડી ગયા. ક્લાસમાં અમે 18 વિદ્યાર્થીઓ હતા. તેમાં અભિનય કરી શકનાર મિત્ર અમરદિપ સિંહ જાડેજા અડધે રસ્તે જ નિવૃતિ ધારણ કરી ચૂક્યા હતા. ક્લાસમાં હવે અભિનય કરી શકે તે સમકક્ષ માત્ર એક જ વિદ્યાર્થી હતો અને તેનું નામ અશોક સરીયા. પણ ફિલ્મ કંઇ એક વ્યક્તિથી થોડી ચાલે ?
બીજા દિવસે કેતન ભાઇ આવ્યા અને તેમણે વિષય પસંદ કરવાનું કહ્યું. વિષય મેસેજથી ભરપૂર હોવો જોઇએ આ પહેલી શરત હતી. થયું એવું કે અશોક સરીયાએ એક વિષય સૂચવ્યો, ‘મયૂર અને હું છોકરીઓની છેડતી કરીએ અને છોકરીઓ અમને ઢીબી નાખે, મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ !’
આખો ક્લાસ હસવા લાગ્યો. કારણ કે યુનિવર્સિટીની મોટાભાગની છોકરીઓ આ કામ કરવા માટે તત્પર જ હોત. પણ પછી પુરૂષ જાત પર દયા ખાઇ આ વિષયને કેન્સલ કરવામાં આવ્યો.
બીજા વિષય તરીકે પસંદગી કરવામાં આવી આત્મહત્યાની. થોડી વાતચીત પછી આત્મહત્યાના વિષય પર મહોર મારી દેવાઇ, પણ આત્મહત્યા કરે કોણ ? આ માટે ઉંમરમાં મોટા એવા હંસાબેને આત્મહત્યા કરવી તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો, પણ હંસા બહેને ના પાડી દીધી. માણસને પોતાનો જીવ કેટલો પ્રિય હોય શકે તે તમને અહીં ખબર પડશે.
ક્લાસમાંથી કોઇ આત્મહત્યા કરવા તૈયાર નહોતું. આખરે મોના જગોત જે સમીર જગોતના પત્ની થાય તેમણે સામેથી કહી દીધું કે ‘હું મરવા તૈયાર છું.’ પ્રથમ વાર ભાવી મરણ પર લોકો તાળીઓ પાડી રહ્યા હતા.
પછી વારો આવ્યો છોકરાઓમાંથી આત્મહત્યા કરવાનો. એ સમયે અમારા મિત્ર ભવ્ય રાવલની દાઢી વધી ગયેલી હોવાથી એ આત્મહત્યા કરશે, તો પડદા પર ચિત્ર પ્રભાવિત દેખાશે તેવું મારું માનવું હતું, પણ હું કંઇ બોલું ન બોલું ત્યાં તો અશોક સરીયાએ કહી દીધું, ‘સાહેબ મયૂર આત્મહત્યા કરશે અને હું રીક્ષાવાળો બનીશ.’
આ સમયે મારા માથે પાવડો જીકાયો હોય તેવી પારાવાર વેદના થઇ અને હું ચહેરાને ડાબી બાજુ જમણી બાજુ મરોડવાને બદલે ઉપર નીચે કરી બેઠો. મારી પણ હા થઇ ગઇ. પ્રેશરમાં તો શું શું થઇ જતુ હોય છે.
હોસ્ટેલે પહોંચ્યા પછી મને અભિનય નથી આવડતો આવું અશોકને કહ્યું, પણ અશોકે મને મનાવ્યો કે, ‘અભિનય તો તારા ખૂનમાં છે, બાકી તારી ટેલેન્ટને નિખારવાનું કામ કેતન સાહેબ કરી નાખશે.’ અશોકના આ સંવાદ બાદ મને ખબર પડી કે મારા ખાનદાનમાં કોઇએ અભિનય કર્યો જ નથી.
હવે અભિનય માટે આજી ડેમ જોઇતો હતો, ત્યાં સુધી જવું ન પડે આ માટે અમે યુનિવર્સિટીની પાછળની બાજુને આજી ડેમમાં કન્વર્ટ કરી નાખ્યો. જોકે ત્યારે આજીમાં પણ પાણી નહોતું અને આ વિસ્તારમાં પણ પાણી નહોતું. બોલો જ્યાં પાણી નહોતું ત્યાં મારે આત્મહત્યા કરવાની હતી, પણ સિનેમેટોગ્રાફીનો છઠ્ઠો “C” ચીટીંગ છે.
સરકારી ખાતાના ઓફિસર તરીકે અભિનય કરી રહેલ મિલન ભાઇ નાખવા મારો જીવ બચાવવાના હતા. તેમની ઉંચાઇ અને અડદીયા જેવું શરીર જોઇ મને તો ડર લાગતો હતો કારણ કે ફિલ્મ પુરી થાય ત્યારે તે મને ગળે લગાવવાનો હતો.
હોલિવુડ ફિલ્મો જોઇ મને લાગી રહ્યું હતું કે ચહેરા પર હાવભાવ વધારે ન આપવા જોઇએ, પણ અશોકે હિન્દી ફિલ્મો વધારે જોઇ હતી તેથી તે કહી શકતો હતો કે, હાવભાવ તો આવવા જોઇએ. મને ખ્યાલ હતો કે વધારે હાવભાવના કારણે એક્ટિંગ કરતા ઓવરએક્ટિંગ થઇ જશે.
પણ આજી સુધી જવા માટે અમારે રીક્ષાનો બંદોબસ્ત કરવો રહ્યો. તેમાં બેસી હું આજીએ મરવા માટે જાઉં. ડ્રાઇવર અશોક સરીયા મને રીક્ષામાં ફોન પર વાત કરતો સાંભળી લે અને તે આત્મહત્યા નિવારણવાળા લોકોને ચૂપકીદીથી મારી ભાળ આપી દે, ‘આ ભાઇ રીક્ષામાં બેસી દે દામોદર દાળમાં કરવા જાઇ છે.’ આટલી પટકથા હતી. જે માટે મેં અને અશોકે 15 પાનાની સ્ક્રિપ્ટ લખેલ.
રીક્ષા ચાલક ભલે અભિનયમાં પારંગત રહ્યા અને તમારી પાસેથી એક કિલોમીટર સુધીનું 10 રૂપિયા ભાડુ સીફત્ત પૂર્વક ઉઘરાવી લેતા હોય. સાથે કહે પણ ખરા, ‘અમારે ખાવુ શું?’ પણ આવો સબળ અને પ્રબળ અભિનય કરતા હોવા છતા તેમને ફિલ્મમાં ચાન્સ ન આપી શકાય.
એટલે યુનિવર્સિટીના પ્રાંગણમાં ઉભા રહેતા રીક્ષા ચાલકોમાંથી એક પર પસંદગી ઢોળવામાં આવી. તેને આખી વાત કરી અને તે માની ગયો, ‘રીક્ષા ભાડુ થશે, એક કલાકના 200 રૂપિયા.’
‘એલા અમારે કંઇ હોલિવુડ ફિલ્મનું શૂટિંગ નથી ઉતારવું.’
‘મને મારું ભાડુ મળવું જોઇએ ને ?’
‘તે બે કલાક શૂટિંગના તમને 400 રૂપિયા આપી દઇએ ?’
‘હા, બાકી એમ પણ હું કમાઇ શકુ છું, તમારે જરૂર હોય તો કહો હું કાલ આવું, બાકી 9891ની મારી આ માણકીના હજુ હપ્તાએ પુરા નથી થયા.’
તેની રીક્ષા સાથે અમારા ફિલ્મ યુનિટે કરાર કરી લીધો, અને તે જે શબ્દ બોલ્યો હતો તેને મેં અને અશોકે સ્ક્રિપ્ટમાં પણ નાખ્યો, ‘આ હજુ 9891ની મારી માણકીના હપ્તાએ પૂરા નથી થયા.’
આગલા દિવસે શૂટિંગ હતું. હું ઝેર તો પીધા છે જાણી જાણી ફરી વાંચી રહ્યો હતો. હોસ્ટેલના 24 નંબરના રૂમનો દરવાજો ખખડ્યો. મેં દરવાજો ખોલ્યો તો અશોક હતો. મને પૂછ્યા વિના અંદર આવી તે ખાટલા પર ગોઠવાય ગયો. મને તેની આ હરકત જોઇ આશ્ચર્ય થયું એટલે પૂછ્યું, ‘તું શું કરે છે ?’
આપણે રિહર્સલ કરીએ છીએ. માણસ જ્યારે મૂંઝાયેલો હોય ત્યારે તેને પ્રેક્ટિસની જરુર પડે, અશોક પોતાના અભિનય દ્વારા આ વાતને ચહેરા પર નહોતો આવવા દેતો.
આખરે મેં તેનું માન્યું અને રિહર્સલ પતાવ્યું. અશોક એક કલાક પછી રૂમમાંથી બહાર જઇ રહ્યો હતો ત્યારે મારાથી તેને પૂછાઇ ગયું, ‘સરિયા તને રીક્ષા ચલાવતા તો આવડે છે ને ?’
‘એની તું ટેન્શન લેમાં, મારા પર વિશ્વાસ રાખ, અકસ્માત નહીં થાય.’ મેં હાશકારો લીધો.
બીજા દિવસે બપોરના બાર વાગ્યે ધોમ તડકે રાજકોટની યુનિવર્સિટીમાં શૂટિંગ શરૂ થયું. કૉલેજ અને સ્કૂલોને છૂટવાનો સમય થઇ ચૂક્યો હતો. અને આટલી ભીડમાં શૂટિંગ કરવાની મને શરમ આવતી હતી. પણ ગફલુ એ થયું કે કેતનભાઇ વ્યસ્તતાના કારણે આવી ન શક્યા એટલે તેમણે તેમના આસિસ્ટંન્ટને મોકલ્યો. આસિસ્ટંન્ટનું કેમેરા વર્ક તો પાવરફુલ હતું, પણ તે અભિનયમાં કોઇ ટીપ્સ આપી ન શકે તેવું તેમના ચહેરા પરથી લાગ્યું.
‘અશોક હવે કેતનભાઇ તો નથી આવ્યા.’
‘તું ચિંતા કરમાં પુરૂષ જન્મજાત કલાકાર હોય છે, ડાયરામાં નથી સાંભળ્યું ?’
આખરે પહેલો સીન ફિલ્માવાની શરુઆત થઇ ત્યારે મારી આજુબાજુ લોકો એવી રીતે ભેગા થઇ ગયેલા હતા જ્યારે હું ગુજરાતી ફિલ્મનો સુપરસ્ટાર નરેશ કનોડિયા હોવ. જોકે અંદરખાને મને પણ મઝા આવી રહી હતી.
મેં તો કપડાં પણ ઉધારના પહેરેલા હતા. પડદા પર આમિર ખાન જેવું પરફેક્શન જોવા મળે એટલે ગરીબ દેખાઉં તેવા વસ્ત્રો ધારણ કરેલા, પણ મને ક્યાં ખબર હતી કે જે ફોનમાં હું વાત કરવાનો છું એ ફોન તો મોના જગોતનો એપલ હતો. અદ્દલ કરન જોહરના ફિલ્મ જેવી ફિલીંગ આવતી હતી.
રીક્ષામાં બેઠો, અશોકે કીક ઉઠાવી પણ ચાલુ ન થઇ. હું પાછલી સીટમાં બેસેલો હતો. અશોકે રીક્ષાવાળા ભાઇને બોલાવી પૂછ્યું, ‘પ્રથમ ગેર કેવી રીતે પડે ?’
‘અત્યારે તુ રીક્ષા શીખવા બેઠો ? અરે તું તો કહેતો હતો મને આવડે છે.’
‘આ કંઇ મારો રોજનો ધંધો થોડો છે, માણસને ભૂલાઇ જાય, માણસ માત્ર ભૂલને પાત્ર, પણ તું જો ગાડી ક્યાંય રોકાશે નહીં.’
આખરે પંદર મિનિટના વિરામ બાદ ગાડી ચાલુ થઇ અને પછી પહોંચી આજી ડેમ પર એટલે કે યુનિવર્સિટીની પાછળ.
ફિલ્મ રિયલ લાગે આ માટે પોલીસનો પણ બંદોબસ્ત કરવામાં આવેલો. સાચા પોલીસ ઓફિસરનું નામ હતું મયૂરસિંહ !! બાકી ડેનિસ ભાઇ જે પોલીસના કપડાં પહેરી રાજકોટની ગલીઓમાં રોફ જમાવતા હતા તેમનું તો શું કહેવું ? રસ્તા પર થતો ટ્રાફિક તે સંભાળતા હતા.
રીક્ષા આગળ જીપ પાછળ અને રીક્ષા ઉભી રહી ગઇ. ફરી ચાલુ થઇ, ફરી બંન્ને ગાડીઓ ચાલી, ફરી રીક્ષા ઉભી રહી ગઇ. ફરી ચાલુ થઇ ત્યાં પેલા પોલીસભાઇ બોલી બેઠા, ‘આત્મહત્યા આજે જ કરવાની છે.’
મને લાગ્યું આપણે કરવા જઇ રહેલી આત્મહત્યાનું પોલીસ ઇન્વેસ્ટિગેશન કદાચ આ ભાઇ જ કરશે.
આખરે સંઘ કાશીએ પહોંચ્યો, રીક્ષામાંથી ઉતરી હું પાકિટ કાઢવા જાઉં ત્યાં તો પાછળથી પોલીસની જીપ આવી જાય અને મિલન નાખવા મને પકડી બોલી બેસે, ‘નહીં હું તને નહીં મરવા દઉં.’
આ શૉટને ઓકે કરતા ફીણા આવી ગયા. ટોટલ 25 રિટેક લેવામાં આવેલા. રિટેક એટલા માટે કે મિલનભાઇ નાખવા પોતાના કદાવર શરીરના કારણે વારંવાર લીડ હિરોને (એટલે કે મને) ઢાંકી દેતા હતા. જે વાત ડિરેક્શનની કમાન સંભાળી રહેલ મોના જગોતને વારંવાર ખૂંચી રહી હતી. એકાદ બેવાર તો તે બોલી પણ ગયેલી, ‘અરે મિલન લીડ હિરો દેખાતો નથી.’
તો કોઇવાર બોલતી, ‘અરે યાર દેવદાસના દેવ અને પારો લાગો છો.’
છેલ્લે આ શૉટ ઓકે થયો અને કામ પૂર્ણ થયું, પણ કેમેરામેનને પરસેવો છૂટી ગયો, ‘જબરો અભિનય.’ આવું તે બોલી પણ ગયા હશે.
હવે ઓરિજનલ રીક્ષવાળાને મેં રૂપિયા આપ્યા. તેણે પોતાની રીક્ષા સ્ટાર્ટ કરી અને મને અશોકની સાથે બેસાડી નીકળી પડ્યો, પણ વાત કંઇક એવી બની કે સામે કામ કરી રહેલ એક બાપ દિકરો ક્યારના કુતૂહલવશ અમને તાકી રહ્યા હતા. જતી રીક્ષાએ તેમણે મારી સામે જોયું અને હાથ ઉંચો કર્યો. હું તેમને દુખી કરવા નહોતો માગતો એટલે બદલામાં મેં પણ હાથ ઉંચો કર્યો. એમને ખુશ થતા જોઇ મેં અશોકને કહ્યું, ‘એલા આપણે સ્ટાર બની ગયા.’
‘સ્ટારની તો તું વાત કરે, આખી યુનિવર્સિટીમાં મયૂર મયૂર જ થાય છે. ઓલા આત્મહત્યા કરવાવાળા ભાઇ.’ તે હસવા લાગ્યો.
પ્રિમિયર સમયે એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં, ચાર વખત શૉર્ટ ફિલ્મ બતાવવામાં આવી. જ્યારે જ્યારે ફિલ્મ બતાવતા ત્યારે ત્યારે હું સીટમાં સાવ નમીને બેસી જતો અને મિલન બિચારો બધાના ધ્યાનમાં આવી જતો.
‘અભિનય કર્યા પછી કેવું લાગે મિલન ?’
‘શું કેવું ? જોયો મને !! હું કેટલો ખરાબ લાગું છું સ્ક્રિનમાં.’
‘તું જ નહીં હું પણ…’
(પ્રથમ કૉમેન્ટ ફિલ્મ જોવા માટે, ખૂદના જોખમે જોવી.)
~ મયૂર ખાવડુ
Leave a Reply