‘આ દુનિયા ખૂબ જ સુંદર બની જાય, પણ જો લોકો તમને એકલાં છોડી દે તો…’
ચાર્લી ચેપ્લિનનું આ ગહન ક્વોટ દિલ મેં તો આતા હૈ લેકિન સમજમેં નહીં આતા જેવું છે.અને અસલ જિંદગીમાં એની આશા રાખવી વ્યર્થ છે. લોકો આપણને આપણા હાલ પર છોડવાનાં નથી અને આપણે પણ છૂટવા માંગતા નથી.
આપણા સંબંધો ભલે લાગણીનાં પાયા પર બંધાયેલા હોય, પણ એની ઇમારત પૈસા અને પ્રભુત્વનાં મજબૂત જોરે જ ટકી રહે છે.
લોહીનાં સંબંધો હોય કે લાગણીનાં, મોટાભાગનાં લોકોને એમાં મીઠાશ ત્યારે જ લાગે છે જ્યાં સુધી એમનું પ્રભુત્વ આપણા પર છવાયેલું રહે. એ પડછાયો જરાક આઘોપાછો થાય એટલે તરત જ અહંકાર તૂટવાની ભ્રામક માન્યતાઓ એમના અર્ધવિકસીત કે ખલનાયકી દિમાગમાં ઘર કરી જાય છે.
કહેવાતા સારા માણસો પણ એમાંથી બાકાત નથી રહી શકતા. કારણ કે એ માણસની જન્મજાત સાયકોલોજી છે,પ્રભુત્વ જમાવવું. લોહીનાં સંબંધોમાં અને વિજાતીય સંબંધોમાં તો એવી લાગણીઓ ચરમસીમાએ પહોંચી જાય છે.
તમે ભૂખે મરતાં હો તો અનાજની ગુણ ને તેલના ડબ્બા આપવામાં દાનવીરોને આનંદ આવી જાય,પણ રીક્ષા લેવાં કે દુકાન-ગલ્લો કરવા પૈસા માંગો તો મોટા મોટા દિલદારો હાથ ઊંચા કરી દે! કારણ એટલું જ કે એમાં તમે સ્વતંત્ર થઈ જાઓ ને બે કદમ આગળ વધી જાઓ તો એમની ઉચ્ચ ભાવનાઓ ને વિશાળ હૃદયો કોની સામે પેશ કરવા!
બક્ષીબાબુએ લખેલું કે લોહીના સંબંધો નાનપણમાં જ હોય છે, મોટા થયા પછી દિલના સંબધો જ ટકી રહે છે. દોસ્ત હોય,પ્રેમી હોય કે ખુદનાં સ્વજનો, એમનાં મનમાં રચાયેલા માન્યતાઓનાં ચિત્રોની બહાર તમે તમારું આગવું ચિત્ર દોરવા કોશિશ કરો એટલે ઈગો પર હિમાલય પડ્યો હોય એવાં રિએક્શન આવે.
મેરેજ-બિઝનેસ જેવી અંગત બાબતોમાં પણ એમની દખલગીરી તમારા પ્રત્યેની લાગણી કરતાં ખુદની પ્રતિષ્ઠા,અહંકાર, અપેક્ષાઓ જળવાય રહે એટલે માટે જ થતી હોય છે.
જગત એટલું વ્યસ્ત છે કે આપણી પર્સનલ લાઈફ વિશે વિચારવામાં પણ કોઈને રસ નથી રહ્યો,પણ સ્વજનો-સ્નેહીઓ આમાં અપવાદ છે.એમાં પાછી આપણી જિંદગી માટેની એમની ચિંતા કરતા,ખુદની અવગણના કે અવહેલના થઈ હોવાની ભાવના વધારે પ્રબળ હોય છે.
અગાઉ કંઇક અલગ ચીલોપકડીને ચાલનારને નાતબહાર મુકવાનો રિવાજ હતો,હવે ધ્યાનબહાર મૂકવાનો અથવા ધ્યાનબહાર મુકયાનો ડોળ કરવાનો રિવાજ છે.
હોતા હૈ, ચલતા હૈ…જગતમાં બધાંને પ્રિય બનીને જીવવાનો એક જ રસ્તો છે. પગમાં પડી રહો.જગતનાં દાસ થઈને રહો,પડ્યો બોલ ઝીલવા ને થુંકેલું ચાટવા તત્પર રહો.
બાકી બીજો રસ્તો એ છે કે ખુદની મસ્તીમાં ચાલતા રહો.થોડુંક ભોગવવાંની તૈયારી રાખીને પણ આપણો રસ્તો ચૂપચાપ પકડીને ધીમાં પગલે ચાલ્યા કરવું. અગવડ પડશે,પણ આનંદ આવશે…
‘નિર્બળ નથી સિંહ છું,આજે ખબર પડી,
લોકો ચડ્યા છે માંચડે,મારા શિકારમાં.’
-મરીઝ
– ભગીરથ જોગીયા | ૨૨ જુલાઈ ૨૦૧૯
Leave a Reply