21 દિવસ નહીં, 1 વર્ષ!
દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 1 January 202, બુધવાર
ટેક ઓફ
ખુદને આપેલાં નાનાં નાનાં વચનોને પાળી બતાવવાથી પેદા થતી આંતરિક તાકાત ગજબની હોય છે.
* * * * *
આજથી નવું વર્ષ થઈ રહ્યું છે એટલે એવા પૂરેપૂરા ચાન્સ છે કે તમે નવા વર્ષનો કોઈક સંકલ્પ કર્યો હશે. આજથી હું રોજ સવારે છ વાગે ઉઠી જઈશ કે આજથી હું રોજ જિમ જઈને એક્સરસાઇઝ કરીશ કે આજથી હું રોજ એક કલાક ચાલવા જઈશ કે આજથી હું સિગારેટ પીવાનું યા જન્ક ફૂડ ખાવાનું સાવ બંધ કરી દઈશ કે એવું કશુંક. સારી વાત છે. સારા સંકલ્પો કરવા જોઈએ. કમબખ્તી એ છે કે આવા સંકલ્પો તમે અગાઉ કેટલીય વાર કરી ચૂક્યા છો ને તોડી ચૂક્યા છો. જાન્યુઆરી મહિનો હજુ પૂરો પણ ન થયો હોય તે પહેલાં મોટા ઉપાડે લીધેલા આ પ્રકારના સંકલ્પોના ફૂરચેફૂરચા ઉડી જતા હોય છે.
આવું કેમ થાય છે? કેમ નવી આદત પડતી નથી? કેમ જૂની આદતની ચુંગાલમાંથી છૂટાતું નથી? આપણામાંથી કેટલાયની ફરિયાદ હોય છે કે મેં તો મારું રૂટિન પૂરા 21 દિવસ સુધી નિષ્ઠાપૂર્વક ફૉલો કર્યું હતું તોય મને ટેવ ન જ પડી. આ 21 દિવસનું ડિંડવાણું સમજવા જેવું છે. એક પ્રચલિત માન્યતા છે કે જો તમે કોઈ એક્ટિવિટી તમે એક પણ બ્રેક લીધા વિના રોજ કરશો તો 21 દિવસમાં તેની આદત પડી જશે. તમારે બસ ત્રણ અઠવાડિયાં સાચવી લેવાનાં છે.
ખોટું. હળાહળ ખોટું. 21 દિવસ સુધી સરસ રીતે નવું રુટિન ફોલો કર્યા પછી પણ ત્રીસમા દિવસે કે પંચાવનમા દિવસે કે ગમે ત્યારે ગાડી પાછી અટકી શકે છે. તમે ફરી પાછા હતા એવા ને એવા થઈ શકો છો. સવાલ એ છે કે આ 21 દિવસની થિયરી આવી ક્યાંથી? જવાબ છે, ડૉ. મેક્સવેલ માલ્ટ્ઝ નામના પ્લાસ્ટિક સર્જને 1960માં લખેલા ‘સાયકોસાયબરનેટિક્સ’ નામના પુસ્તકમાંથી. ડૉ. મેક્સવેલ પ્લાસ્ટિક સર્જનમાંથી પછી સાયકોલોજિસ્ટ બની ગયેલા. એમણે પોતાના પુસ્તકમાં આવું કશુંક લખ્યું છેઃ
‘આપણા મનમાં ઊભા થયેલા કોઈ ચિત્રમાં ફેરફાર આણવા માટે ઓછામાં ઓછા 21 દિવસ જેટલો સમય જોઈતો હોય છે. કોઈ પેશન્ટ પોતાના ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી કરાવે તો નવા ચહેરાથી ટેવાતા એને એવરેજ 21 દિવસ જેટલો સમય લાગે છે. માણસનો હાથ કે પગ કાપવો પડ્યો હોય તો પણ એને એવું જ ફીલ થયા કરતું હોય છે કે મારું અંગ યથાવત છે. અંગની ગેરહાજરીથી ટેવાતાં એને 21 દિવસ જેટલો સમય લાગી જાય છે. આપણે નવા મકાનમાં રહેવા જઈએ ત્યારે ત્યાં ‘ઘર’ જેવી લાગણી આપણને ત્રણેક અઠવાડિયા રહ્યા પછી જ જાગતી હોય છે. આ પ્રકારની બીજી ઘણી બાબતોમાં જોવા મળ્યું છે કે જૂની મેન્ટલ ઇમેજને ભૂંસીને નવી મેન્ટલ ઊભી કરવામાં ઓછામાં ઓછા 21 દિવસ જેટલો સમય લાગી જ જાય છે.’
બીજી એક જગ્યાએ ડૉ, મેક્સવેલે એવું પણ લખ્યું છે કે, ‘આપણી સેલ્ફ-ઇમેજ અને આપણી આદતો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. તમે એકને બદલશો એટલે બીજી આપોઆપ બદલશે.’
પત્યું. લોકોએ એક વત્તા એક અગિયાર કરી નાખ્યું. 21 દિવસની જે થિયરી પ્લાસ્ટિક સર્જરી માટે મૂકાઈ હતી તેને આદતના સંદર્ભમાં ફિટ કરી નાખી. સત્ય એ છે કે 21 દિવસમાં ટેવ પડતી નથી. પછી તો ઘણાં સંશોધનો અને અખતરા દ્વારા આ સચ્ચાઈની પુષ્ટિ પણ કરવામાં આવી છે. જેમ કે, યુનિવર્સિટી કૉલેજ ઑફ લંડન (યુસીએલ)ના સંશોધકોનું તારણ છે કે ટેવ કેટલા દિવસમાં પડે છે એના જવાબમાં કોઈ મેજિક ફિગર નથી. નવી આદત બંધાતા અઢાર દિવસથી માંડીને 245 દિવસ (આશરે આઠ મહિના) કે તેના કરતાંય વધારે વખત લાગી શકે છે. એ તો જેવી આદત. જેવી માણસની પ્રકૃતિ. અમુક માણસો કુદરતી રીતે જ શિસ્તબદ્ધ અને ચીવટવાળા હોય છે. તેમને નવી આદત પાડતાં વાર નહીં લાગે. મોટા ભાગના લોકોનું મન અતિ ચંચળ અને પ્રમાદી હોય છે. તેઓ નવી આદર્ત ફૉર્મ કરવામાં વધારે સમય લેશે.
આદત અથવા રુટિનનના સંદર્ભમાં મહાત્રિયા રાએ કહેલી એક સરસ વાત યાદ આવે છે. મહાત્રિયા રા એક સ્પિરિચ્યુઅલ લીડર યા તો વક્તા છે. એમનું મૂળ નામ ટી.ટી. રંગરાજન છે. ચેન્નાઈમાં રહેતા આ મહાશય જીવનનાં જુદાં જુદાં પાસાં વિશે ભરપૂર વૈચારિક સ્પષ્ટતા સાથે અસરકારક વકતવ્યો આપે છે. તેમણે પુસ્તકો લખ્યાં છે ને તેઓ ‘ઇન્ફિનિટીઝમ’ નામનું માસિક પણ બહાર પાડે છે. યુટ્યુબ પર એમના ઘણા અંગ્રેજી વિડીયો અવેલેબલ છે. સંકલ્પના રૂપમાં ખુદને અપાતા વચન અને સેલ્ફ-બિલીફ વચ્ચેનો સંબંધ તેમણે સરસ રીતે ઊપસાવ્યો છે.
રોજ સવારે નિશ્ચિત સમયે ઉઠી જવાનો સંકલ્પ બહુ જ કૉમન છે. આપણે સવારે છ વાગે ઉઠી જવાના નિર્ણય સાથે એલાર્મ સેટ કરીએ, પણ બીજા દિવસે સવારે ઘંટડી વાગે ત્યારે ફટાક કરતી તેને બંધ કરીને પાછા રજાઈ માથા પર ખેંચીને સૂઈ જતા હોઈએ એવું અવારનવાર બનતું હોય છે. આમ તો આ સામાન્ય ઘટના છે, પણ મહાત્રિયા રા કહે છે કે મામૂલી જણાતી આ ઘટનાની સાઇકોલોજિકલ અસર કેટલી ઊંડી પડે છે તે આપણે જાણતા નથી. આપણે જ્યારે એલાર્મ બંધ કરીને પાછા સૂઈ જઈએ છીએ ત્યારે આપણો માંહ્લલો આ વાતની પાક્કી નોંધ લે છે. માંહ્યલો કહે છે કે ભલા માણસ, સવારે કેટલા વાગે ઉઠવું એ તેં ખુદ નક્કી કર્યું હતું, છતાંય આટલું નાનકડું કામ જો તારાથી થઈ શકતું ન હોય તો જીવનમાં મોટાં કામો તું કેવી રીતે કરી શકીશ? મહાન સિધ્ધિઓ તું કેવી રીતે હાંસલ કરી શકીશ?
દુનિયા જાણે છે કે તમે હોશિયાર છો. કોઈને તમારી ક્ષમતા કે પ્રતિભા પર શંકા નથી, પણ તમારી ભીતર કોઈક બેઠું છે જે સંપૂર્ણપણે કન્વિન્સ્ડ નથી. એ જાણે છે કે આવતું આખું વર્ષ સવારે છ વાગે ઉઠી જવાનો સંકલ્પ તમે બે જ અઠવાડિયામાં કે બે મહિનામાં કે ચાર મહિનામાં જ તોડી નાખ્યો હતો. સંકલ્પ ભલે ગમે તેટલો નાનો હોય, પણ તે તૂટે છે ત્યારે આપણી આંતરિક બિલીફ-સિસ્ટમ હલબલી જાય છે. આપણો માંહ્યલો અણિયાળો સવાલ કરે છે કે તું ફક્ત એક વર્ષ માટે તારી જાતને આપેલું કમિટમેન્ટ પાળી શકતો નથી તો આખી જિંદગી મહાનતાના સ્તરે શી રીતે જીવી શકવાનો છો?
જ્યારે જ્યારે આપણે ખુદને આપેલો સંકલ્પ તોડીએ છીએ ત્યારે ત્યારે દર વખતે આપણી સેલ્ફ-બિલીફ પર ઘા પડે છે. અભાનપણે કે સભાનપણે આપણે પોતાની નજરમાંથી નીચે ઊતરી જઈએ છીએ. જીવનની સૌથી માટી કરૂણતા આ જ છે – પોતાની નજરમાંથી ઉતરી જવું. જીવનનું સૌથી મોટું સુખ પણ આ જ છે – પોતાની નજરમાં ઉપર ઉઠવું.
મહાત્રિયા રા કહે છે કે તમે સવારે છ વાગે ઉઠવાનો નિર્ણય કર્યો હોય ને તમે ખરેખર છ વાગે ઉઠી જાઓ તો તેને નાનીસૂની ઘટના ન સમજતા. તમે જ્યારે ખુદને આપેલું વચન પાળો છો ત્યારે દર વખતે તમારા માંહ્યલાનો તમારી જાત પરનો ભરોસો દઢ થાય છે. તમારો માંહ્યલો ક્રમશઃ માનતો થાય છે કે આ માણસ વચનનો પાક્કો છે. એ જે કરવા ધારે છે તે કરી શકે છે. કોઈ ડિગ્રી, બહારની કોઈ ચીજ તમને આટલી સેલ્ફ-બિલીફ નહીં આપે. ખુદને આપેલાં નાનાં નાનાં વચનોને પાળી બતાવવાથી પેદા થતી આંતરિક તાકાત ગજબની હોય છે. આતંરિક વ્યક્તિત્ત્વમાં આ રીતે ધીમે ધીમે ઉમેરાયેલી તાકાત એક તબક્કે એટલી નક્કર થઈ જાય છે કે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય અથવા તમારા પર અવિશ્વાસ કરતી હોય ત્યારે તમારો માંહ્યલો તમારી પડખે વજ્રની જેમ ઊભો રહી જશે. જો તમે કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરવાનું ખુદને વચન આપ્યું હશે તો તે પણ તમે કરી જ શકશો એવી ગજબની આંતરિક શ્રદ્ધા અને તાકાત તમારામાં પેદા થઈ ગઈ હશે.
ખરેખર, સેલ્ફ-બિલીફ કરતાં મોટી કોઈ ચીજ નથી. આજે નવા વર્ષે કોઈ પણ સંકલ્પ કરતાં પહેલાં પોતાની જાતને કહીએ કે હું મારી સેલ્ફ-બિલીફ પર પ્રહારો થાય એવું તો નહીં જ કરું. 21 દિવસમાં ટેવ પડતી નથી એટલે હું 2020ના આખા વર્ષ માટે નવી આદત પાડીશ. કંઈ પણ થાય, પણ હવે પછીના 365 દિવસ દરમિયાન હું એક પણ દિવસનો ખાડો નહીં પાડું. એકસાથે બે-ત્રણ સંકલ્પો લેવાની જરૂર નથી. એક જ સંકલ્પ લઈએ અને એને કોઈ પણ ભોગે એક આખા વર્ષ સુધી પાળી બતાવીએ.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2019 )
Leave a Reply