ખૂબ મુશ્કેલ, આકરૂ, અઘરૂ… ભારત નહીં પણ દુનિયાભરમાં માત્ર ગાંધી ઉપર જ્યાં 50 કરતા વધારે પુસ્તકો લખાતા હોય, ત્યાં વર્ષે આપણે વાંચેલા અને ગમતા પુસ્તકોની લિસ્ટ કાઢવી એ મગજના તંતુઓ ખેંચાય જાય તેવુ કામ છે.
આ લિસ્ટમાં પ્રથમ તો અંગ્રેજીના થોથાઓને દૂર રાખવાનું બળજબરી પૂર્વકનું યત્ન કરવાનું હતું. આમ છતા હારુકી મુરાકામી અને ન્યૂઝિલેન્ડની લેખિકા આમ બે વિદેશી લેખકોનો સમાવેશ કર્યો છે.
દર્શકની નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી, સરસ્વતીચંદ્ર, પ્રિયજન, ધ્રૂવ ભટ્ટના પ્રકૃતિ પ્રેમ સહિતની કૃતિઓને દિલથી માણી છે. પણ આ ચોપડીઓ વારંવાર નથી વાંચી. મોટાભાગના ગુજરાતીઓએ તે વાંચી લીધી હશે.
સરસ્વીતચંદ્રને એકવાર વાંચ્યા પછી તેના પંડિતયુગી નામો ધરાવતા પાત્રોને યાદ રાખવા તે વિરાણી ફેમીલીમાં કેટલા સભ્યો છે તેના જેવુ અઘરૂ કામ છે. આમ તો પેંગ્વિન ક્લાસિકનો પણ સમાવેશ થઇ શકતો હતો, પણ તે પાછુ ગુજરાતીમાં નથી છાપતું. એટલે આપણા પ્રિય હાસ્યરસને અહીં વધારે પડતું સ્થાન છે. વાર્તાસંગ્રહોમાં જયંત ખત્રી કે પછી હિન્દીમાં પ્રેમચંદનું માનસરોવર, અમૃતલાલ નાગરનો વાર્તાસંગ્રહ હમ ફિદાહે લખનઉ કે એક દિલ હજાર અફસાને કે તેમની નવલકથા બહોત નાચ્યો ગોપાલ પણ આ લિસ્ટમાં મુકી શકાત. પણ પછી વિચાર્યું કે આવું બધું ક્યાં બીજાને બતાવવું. ગુજરાતી પ્રેમીઓ માટે તો ગુજરાતી જ બરાબર છે.
ફિલ્મો વિશેની લિસ્ટ બહાર પાડ્યા બાદ અહીં બુક સ્વરૂપે હેરી પોટરને મુકવાનું મન થતું હતું, પણ તે રહેવા દીધું. ચંદ્રકાંત બક્ષીને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલું, ‘નવા લેખકોમાં કોની કૃતિ સારી છે…?’
બક્ષી સાહેબે કહ્યું, ‘કોઇની નહીં.’
‘તો તમારા પ્રિય નવા લેખકો…?’
‘એ જ જવાબ રહેશે કોઇ નહીં…?’
અહીં નવા લેખકો તો કોઇ નથી, પણ જે ઠીકઠાક લિસ્ટ છે. તે વાંચી મઝા આવશે. મોટાભાગના મોર્ડન એજ રાઇટર છે. એકાદને મુકતા ગાંધી અનુગાંધીની ફિલીગ આવશે. પણ ફિલ્મ અને ચોપડીઓ પછી નવું કોઇ ગતકડુ ન આવે તો સારુ. ક્યોં કી કભી કભી લગતા હૈ કી અપુન હી ભગવાન હૈ.
10) અરધી સદીની વાંચનયાત્રા
આ ત્રીજી વાર લખાઈ રહ્યું છે. પણ અરધી સદીની વાંચનયાત્રાના ગુણગાના ગાવામાંથી આપણે નવરા નથી રહી શકતા. મહેન્દ્ર મેઘાણીને જે ગમ્યું તે નહીં, પણ તેમને ગમ્યું અને લોકોને પણ આ વિષયમાં રુચિ પડશે તેવું રુચિકર સાહિત્ય. કોઇ પણ પાનું ખોલવામાં આવે એટલે સીધો આર્ટિકલ, કાવ્ય, વાર્તા, લઘુકથા આંખ સામે આવે. મહેન્દ્રભાઇ વિશે તો એવું કહેવામાં આવતું કે, એમનું મન થાય તો હાઇકુમાં પણ બે પાંચ શબ્દો ઓછા કરી નાખે. ચુસ્ત, શાર્પ એડિટીંગ કોને કહેવાય તે ગુજરાતી સાહિત્યના આ “સારા” એવા એડિટર પાસેથી શીખ્યા જેવું છે. કોઇ પ્રતિષ્ઠિત અને મોભો ધરાવતી મેગેઝિનમાં કોઇનું લખાણ છપાયેલું હોય ત્યારે તે સારું હોવાનું, પણ તેનું કટીંગ કર્યા પછી જે બચે તે કટીંગ સવારની ચા બરાબર લાગે. અને તે ચા એટલે મહેન્દ્રભાઇ મેઘાણી.
9) વિનોદની નજરે
વિનોદ ભટ્ટ જેટલા પરિવાર સાથે નહીં રહ્યા હોય તેટલા બીજા લોકો અને મિત્રો સાથે રહ્યા હશે, તેવું આ ચરિત્રો વાંચીને લાગે. જો તેમના વિશે જાણવાની વધારે આશા જાગે તો વિનોદ અચૂક કોઇને ત્યાં જઇ ખાખાખોળા કરતા હશે.
વિનોદની નજરેમાં પણ આવુ જ છે. એક એક માણસના જીવનમાંથી હાસ્યરસ ટપકે. જોકે વિનોદ વિનોદની નજરે પછી આવું ઘણી વખત કરી ચૂક્યા હતા. પ્રભૂને ગમ્યું તે ખરૂં, તમે યાદ આવ્યા અને બીજા છુટા છવાયા તેમના પુસ્તકોમાં પણ વિનોદ ભટ્ટે જીવતા માણસોના ચરિત્રો કર્યા. ચરિત્ર માટે જીવતા શબ્દ એટલે વાપર્યો કે આપણે આ પુસ્તકના લોકોને ઓળખીએ છીએ.
હાસ્ય અને વેદનાનું મિશ્રણ થાય ત્યારે હાસ્ય ચરિત્રનું સર્જન થાય. વિનોદ કુમાર મેગેઝિનમાં પ્રવીણ જોશી વિશે લખવાના હતા. આ પ્રવીણ જોશીને મદીરાપાનનું સેવન કરવાની કુટેવ હતી. પ્રવીણને ખબર કે આપણા અપલખણ કુમારમાં ચમકવાના છે, એટલે તેણે વિનોદને આજીજી કરી, ‘તમે મારી દારૂ પીવાની કુટેવ પર વધારે પડતી નજર ન કરતા.’ વિનોદે મલાજો રાખ્યો અને તેનો ઉલ્લેખ ન કર્યો. પણ પ્રસ્તાવનામાં વિનોદ ભટ્ટ નોંધી ચૂક્યા છે કે, ‘મેં ન લખ્યું છતા તે પોતાની કુટેવથી છૂટાછેડા ન લઇ શક્યો.’
બચુભાઇ રાવતે વિનોદને આવા વ્યક્તિ ચિત્રો કુમારમાં કરવા માટે મનાવેલો હતો. પણ નહીં ને કોઇ બદનક્ષીનો દાવો ઠોકી દે તો, આ ડર વિનોદને હતો. પણ વિનોદ પર બચુભાઇએ બે હાથ રાખી કહ્યું, ‘તમ તમારે કરો…ֹ’
વિનોદે પહેલું ચરિત્ર લખ્યું યશવંત શુક્લનું. બચુભાઇએ વાંચીને કહ્યું, ‘આવા પચ્ચીસેક કરીને મોકલો.’
વિનોદે જણાવ્યું, ‘તો આપણે શરૂઆત યશવંત શુક્લથી જ કરીએ. તેમને ત્યાં કોલેજમાં હું એક ટર્મ ભણેલો છું, બીજુ ગણપતિનું સ્થાપન કરવાથી સર્વ વિધ્નો દૂર થાય…’
જો આ લાંબું લખાણ કોઇએ વાંચ્યું હોય તો કહેવા માગીશ કે, હાસ્યમાં આ બુકથી શરુઆત કરશો તો વાંચવાની જે આળસનું વિઘ્ન છે તે દૂર થશે. ઉપરથી 25 લેખકોને જાણશો એટલે તેમનું સાહિત્ય વાંચવાનું પણ મન થશે કે, વિનોદે જેના પર લખ્યું છે તે કેવો લેખક છે…? આમ ધીમે ધીમે વાંચવાની ટેવ લાગી જશે. છે ને ઉત્તમ વિચાર…
8) અમે બધાં
જ્યોતિન્દ્ર દવે આપણા પ્રથમ પંક્તિના અને પ્રથમ જ હાસ્યલેખક. એ સમયે ધનસુખલાલ મહેતા સાથે મળી તેમણે આ ક્લાસિક કથાનું સર્જન કરેલું. હાસ્યમાં આપણી પાસે ભદ્રંભદ્ર નવલકથા સિવાય કોઇ સારી નવલકથા હોય તો તે અમે બધાં છે. પરંતુ તેમાં જેટલું યોગદાન જ્યોતિન્દ્રનું રહ્યું તેટલું જ યોગદાન ધનસુખલાલ મહેતાનું રહ્યું.
આ બંન્ને લેખકોએ એકસાથે વિચારેલું કે સુરતને આપણે જે રીતે જોઇએ છીએ, તે સુરત આપણા માટે બદલી જાય કે આપણે મૃત્યુ પામીએ એ પહેલા કંઇક લખી નાખીએ.
બંન્ને લેખકોએ અલગ અલગ શરૂઆત કરેલી, પણ થયું એવું કે બાદમાં એક જ કૃતિ લખવાનું મન બનાવી લીધું. ધનસુખલાલ મહેતા હાસ્યનું સર્જન કરવામાં અવ્વલ હતા ત્યાં જ્યોતિન્દ્રમાં એક સાથે બે પ્રકારની ટેલેન્ટ હતી. હાસ્યથી તો આપણે પરિચિત છીએ પણ તેઓ ફિલોસોફીનો સારો ઉપયોગ કરી જાણતા. પંડિત હતા અને તેમની પંડિતાઇ એ સમયના સાક્ષરોને ક્યાંય ફંગોળી દે તે પ્રકારની હતી.
જો એ સમયે જ્યોતિન્દ્રએ માત્ર પ્રવચનો કરવાના રૂપિયા લીધા હોત, તો તે ગુજરાતી સાહિત્યના સૌથી અમીર લેખક હોત. પણ ના, સાહિત્ય પૈસાથી ચાલતું હોત તો આપણા સાહિત્યકારો થોડા ચાલેત !!
તો આસપાસના વાતાવરણને ધ્યાનમાં રાખી. સમાજનું બહોળુ નિરીક્ષણ કરી. આ બંન્ને વિનોદ-સાહિત્ય- શ્રેષ્ઠીઓએ અમે બધાંની રચના કરી. 15 કે 17માં પ્રકરણમાં આપણા નાયક વિપીનને પરણાવવાનું આ બંન્ને લેખકોએ મન બનાવી લીધું હતું. પણ નાયકને થોડો સમય વાંઢો રહેવા દઇએ તો ગુજરાતી સાહિત્ય અને વિપીનનું પણ ભલુ થશે. અને આમેય તમારી કૃતિનો નાયક તમારી વાત થોડી માનવાનો છે. તેને તો જ્યાં જવુ હોય ત્યાં જ જશે. આખરે 27 પ્રકરણ સુધી આ નવલકથા ચાલી. આજે તેની ચોથી આવૃતિ થઇ ગઇ છે. અને રસિકો આજની તારીખે પણ ભાવપૂર્વક તેનો આસ્વાદ માણે છે.
7) ભદ્રંભદ્ર
‘અંબારામ હાલ યવનોની પૃથ્વીલોકમાં બુદ્ધિભ્રષ્ટ તો નથી થઇ ગઇ ને ?’
‘ભદ્રંભદ્ર, પૃથ્વી પર વસતા યવનોને હવે કોઇ એટલે કોઇ પ્રકારનું ધર્મનું જ્ઞાન મેળવવામાં રસ રહ્યો નથી. તેઓ માત્ર મુખપત્રિકામાં સમયનો વ્યય કરે છે. આખો દિવસ તેમાં પડ્યા રહે છે. આપણો ધર્મ ભ્રષ્ટ થઇ રહ્યો છે. સામાજીક માધ્યમના આધારે લોકોના જીવનને ધર્મની સાંકળથી છૂટો પાડવાનું આ કાર્ય માર્ક ઝુકરબર્ગે કર્યું છે.’
‘આહાહાહા કેવો મહિમા ! કેવી દુનિયા…!! મોહમયી મુંબઇમાં આપણે કરેલા પરાક્રમો કે રતિલાલ દ્વારા પુન:પ્રાગટ્ય થયા પછી સમસ્ત જગતનો કરેલો જીર્ણોદ્ધાર !! અને છેલ્લે ઉર્વીશ રચયિત અને પુન:પુન: પ્રાગટ્ય બાદ દૂર દૂર સુધી એવા કોઇ અણસારની પ્રતિતિ નથી દેખાતી અંબારામ કે, આપણે પુન:પુન: પુન :પ્રાગટ્ય કરી પૃથ્વીલોક પર ઘૂસી ગયેલા દુષણોને દૂર કરી શકીએ. આહા કેવી ઉત્તમ ! કેવી શ્રેષ્ઠ ! રંગ, ઉમંગ, દંગ, જંગ, ભંગ કરીને પણ.. પણ.. પણ… પૃથ્વીલોક પર આપણું પ્રાગટ્ય થવું ટૂંક સમયમાં નિમિત મનાઇ રહ્યું છે. જેમ શંકરની જટામાંથી નીકળતી ગંગાનું પાવન દ્રશ્ય તો મનુષ્યો માટે દર્શન દુર્લભ છે. તેવા ત્રિકાળજ્ઞાની આપણા સાધુ સંતોની ભૂમિને પૃથ્વીલોક વાસીઓએ બગાડી મુકી છે. દ્રૂષ્ટ યવનો હવે ભ્રષ્ટ બની રહ્યા છે. બ્રાહ્મણોના શીશ પર શીખાનું દુર્લભ કેન્દ્રબિંદુ જોવા નથી મળતું. જ્યાંથી જ્ઞાનની ધારા કોઇ દૂરભાષયંત્રના ટાવરની માફક વહેતી હતી. સમસ્ત બ્રાહ્મણ સમાજ અને આર્યોના ધર્મનું પાલન કરનારા પણ ઉપદ્રવી જીવ બની ચૂક્યા છે. પોતાની એક આંગળીથી જગત આખાની સમસ્ત માહિતી મેળવવી એ તેમના જીવનનું અખંડ સૌભાગ્યવતી જેવું લક્ષ્ય બની ચૂક્યું છે. કિન્તુ પરંન્તુ હાથમાં રહેલા તેમના દુરભાષીયંત્રનો છેદ હું એવી રીતે છોડાવીશ અને ઉડાવીશ જેવી રીતે કૃષ્ણએ કંસનો વધ કર્યો હતો, શિશુપાલનો શિરચ્છેદ કર્યો હતો, ધેનુકાસુરને પછાડ્યો હતો, દુર્યોધન પર પોતાની તીવ્ર બુદ્ધિશક્તિથી જય મેળવ્યો હતો. પરંતુ આપણું પ્રાગટ્ય ત્યારે જ સંભવ બની શકે જ્યારે જગતના રણી, ધણી, કણી અને શેષનાગ પર સવાર થયેલા મણી જેવા ઇશાન ભાવસાર ફરી આપણી કથાને જગત સમક્ષ લાવે.
(ભદ્રંભદ્ર મારુ પ્રિય પુસ્તક છે અને Ishan Bhavsar તેમનું પુન : પુન: પુન: પ્રાગટ્ય કરાવશે તો ગમશે.)
6) નમું તે હાસ્યબ્રહ્મને…
(વિનોદ ભટ્ટની ઉત્તમ હાસ્યરચાનાઓ) સંપાદન કરવું એ આકરુ કાર્ય છે. તેમાં પણ જો કોઇ વ્યક્તિ મબલખ લખી ગયો હોય, તો તેનું સંપાદન આંખની રેટિનાને નાનો કરી નાખે, ચશ્માના નંબર વધારી નાખે. ઉપરથી સારું લખેલું હોય તો મરી ગયા સમજો. રતિલાલ બોરિસાગરે આ કામ કરી બતાવ્યું છે. વિનોદ ભટ્ટના તમામ પુસ્તકોમાંથી શ્રેષ્ઠ નિબંધોને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. વિનોદની હાસ્ય રચનાઓની માહિતી, હાસ્યના પ્રકારો, કેવી રીતે હાસ્યનું સર્જન થાય છે આ બધું તમને જોવા મળશે રતિલાલ બોરીસાગરની પ્રસ્તાવનામાંથી. બાકી હાસ્ય રસિક ગુજરાતીઓ માટે આ મસ્ટ રીડ બુક છે.
5) કાલસર્પ
મધુરાય એબ્સર્ડના રચયિતા છે. ફૅન્ટસી-કલ્પના તેમના વાર્તાસંગ્રહમાં આવે. તેમની બાંશી નામની એક છોકરી વાર્તાસંગ્રહને આ લિસ્ટમાં સ્થાન આપવાનું વિચારેલું પણ પછી રહેવા દીધું. એબ્સર્ડની સૌથી મોટી ખાસિયત એ કે બાંશી નામના સંગ્રહમાં ખુદ બાંશી જ નથી. સાહિત્ય અને સિનેમા એવું કે દિવાલ પર બંદુક ટાંગેલી હોય તો ફુટવી જોઇએ. અહીં તો દેખાડી જ નથી. 151 પાનાનો વાર્તાસંગ્રહ. 26 વાર્તાઓ સાથે રાધેશ્યામ શર્માની પ્રસ્તાવના. અત્યાર સુધી ક્યાંય ન વાંચેલા કે જોયેલા ટાઇટલો જેમ કે લલ્લિનક્કાક્કા. કેવું લાગ્યું ? પણ મધુરાયની એક શ્રેષ્ઠ વાર્તા જે આ સંગ્રહમાં છે નહીં, તે…. સરલ અને શમ્પા, કોઇએ વાંચી…? કંઇ નહીં પેલા કાલસર્પ વાંચી લેજો.
4) અમે મહેફીલ જમાવી છે
શાહબુદ્દીન રાઠોડે જોક્સ કર્યા. તે લખી પણ નાખ્યા. સારુ થયું. તેમના બધા પુસ્તકો આપણી પાસે છે. રોજ માથુ ફાટતુ હોય એટલે આ પુસ્તક લઇ બેસી જઇએ. આમ તો આ એક નહીં શાહબુદ્દીનની આખી શ્રેણી અને જગદીશ પટેલે કરેલું સંપાદન પણ.
~ મથુરને ત્યાં મહેમાન આવ્યા તે એના દિકરા દામોદરને કેય, જા મહેમાન માટે કંઇક લઇ આવ… તો મથુર રીક્ષા લઇ આઇવો.
~ દામોદરને જોવા કોઇ આવે એટલે મને પૂછે, મૂરતિયામાં કોઇ લાયકાત ખરી…? મેં કીધુ ઉંમરલાયક છે.
~ ઉપરથી શાહબુદ્દીનની ફિલોસોફી પણ, હેન્રી કિસિન્જર કહેતા, ઘટનાનું સંચાલન કરવું ઘટનાથી સંચાલિત ન થઇ જવું. તેમના પાત્રો અમર છે, તેમના શબ્દોની જેમ, જે દિવસે ઓડિયન્સ નહીં સાંભળે તે દિવસે માનભેર સ્ટેજ પરથી નીચે ઉતરી જશું, પણ આ મર્યાદાનો સ્તર ઉંચો રાખીને જ હાસ્ય પીરસશું. લવ યુ શાહબુદ્દીન….
3) અડુકિયો દડુકિયો
ક્લાસિક આવી ગઇ, હાસ્ય આવી ગયું, નવલકથા આવી ગઇ કવિત્વ કરતા નથી. હવે રહ્યું બાળ સાહિત્ય. બાળપણમાં સોસાયટીના ઓટે બેસીને આપણા હમઉમ્ર મિત્રોને આ કથા સંભળાવતા. અડુકિયો દડુકિયો જેવા પરાક્રમો જીવરામ જોશી એ લખ્યા છે તે કોઇ હેરી પોટરથી કમ નથી. આ તો આપણી ઓકાત નથી કે તેને પડદે ઉતારી શકીએ. એમા ય અડુકિયો દડુકિયો અને આગિયો ભૂત તો મારી અતિ પ્રિય બાળસાહિત્ય કૃતિ છે.
2) વોટ આઇ ટોક વ્હેન આઇ ટોક અબાઉટ રનીંગ
મોર્ડન ટાઇમમાં વિશ્વભરમાં ટોચ પર બિરાજતો લેખક. તેની કથાઓમાં મેજીક રિયાલીઝમ છે, ઠાંસોઠાંસ એબ્સર્ડ ભરેલું છે. સાહિત્યના જે પ્રકારોથી આપણે અવગત નથી, તે મુરાકામીના સાહિત્યમાં છે. એકવાર બાસ્કેટબોલ કોર્ટમાં મુરાકામી બેઠા હતા. સિગરેટ પીવાના શોખીન હતા. અચાનક એ માણસને બાસ્કેટબોલ કોર્ટમાં શું વિચાર આવે છે કે તે દોડીને ઘેર જાય છે. ત્યાં પ્રથમ નવલકથા લખવા માંડે છે. રોજ સવારે ઉઠીને દોડવું એ તેના જીવનનો ભાગ બની જાય છે. 30 પરની ઉંમરે તે સિગરેટ છોડી દે છે. અને હવે બસ દોડવું અને લખવું, આ સિવાય કંઇ નહીં. મેરેથોન દોડી ચૂક્યો છે. વિશ્વ કક્ષાની દોડની ઇવેન્ટોમાં ભાગ લે છે. અને દોડવું એ તેના માટે શું છે? તે આ બુકમાં લખેલું છે.
1) લ્યુમીનેરીઝ
સૌથી નાની ઉંમરની બુકર પ્રાઇઝ વિનર રાઇટર એલિનોર કેટોન. જેણે બુકર ઇતિહાસની સૌથી મોટી નવલકથા લખી. 848 પેજની. તમે તેને લેડી અશ્વિની ભટ્ટ કહી શકો.
~ મયૂર ખાવડુ
Leave a Reply