હું બહુ ડિપ્રેશનમાં છું…
દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 22 એપ્રિલ 2020, બુધવાર
ટેક ઓફ
‘વિચારવું’ અને ‘અનુભવવું’ આ બન્ને અલગ વસ્તુઓ છે. કોઈ પણ લાગણીને ‘અનુભવતા’ પહેલાં તેને ‘સમજવી’ પડે છે.
* * * * *
કોરોના ક્વોરન્ટાઇનને કારણે આપણે અત્યારે જાતજાતની લાગણીઓમાંથી પસાર થઈ રહ્યા છીએ. ક્યારેક પરિવારજનો સાથે ખૂબ હસીએ-બોલીએ છીએ ને સૉલિડ મોજમાં રહીએ છીએ, તો ક્યારેક એમની એકધારી હાજરીથી અકળાઈ જઈએ છીએ. ક્યારેક પોતાની જાત સાથે એકલા રહેવામાં આનંદ અનુભવાય છે, તો ક્યારેક ઘર છોડીને બહાર ભાગવાનું મન થાય છે. ટૂંકમાં, આપણા મૂડ દિવસમાં કેટલીય વાર બદલાય છે.
આપણી વર્તમાન મનોસ્થિતિના સંદર્ભમાં ડૉ. ડેવિડ બર્ન્સ નામના જાણીતા અમેરિકન સાઇકિએટ્રિસ્ટે લખેલા ‘ફીલિંગ ગુડઃ ધ ન્યુ મૂડ થેરાપી’ નામના પુસ્તકમાંથી પસાર થવા જેવું છે. પુસ્તકના શીર્ષકની ટેગલાઇન ખાસ ધ્યાન ખેંચે છેઃ ‘ધ ક્લિનિકલી પ્રૂવન ડ્રગ-ફ્રી ટ્રીટમેન્ટ ફોર ડિપ્રેશન’.
ડૉ. બર્ન્સ કહે છે કે ડિપ્રેશન એ ઇમોશનલ ડિસઑર્ડર છે જ નહીં. તમે આમ તો સાજાસારા હો, પણ અચાનક તમારો મૂડ ઑફ થઈ જાય તો આ બદલાવનું એટલું જ મહત્ત્વ છે, જેટલું તમે ત્રણ માળ દાદરા ચડીને આવ્યા હો ને હાંફી રહ્યા હો. ડૉક્ટર બર્ન્સ કહે છે કે તમારા મનમાં જે કંઈ ખરાબ લાગણી જાગે છે તે તમારા ડિસ્ટોર્ડેટ (વિકૃત) નેગેટિવ થિંકિંગનું પરિણામ હોઈ શકે છે.
તમે જોજો, આપણે કોઈ નેગેટિવ વિચારે ચડી ગયા હોઈએ ત્યારે અચૂકપણે કોઈક ખરાબ અનુભવને યાદ કરતા હોઈએ છીએ યા તો કોઈ પીડાદાયક લાગણી આ નેગેટિવ વિચારને મમળાવતા હોઈએ છીએ. તમે અપસેટ ન હો ત્યારે તમારા મનમાં જાગતા વિચારો અને અપસેટ હો ત્યારે મનમાં જાગતા વિચારો એકબીજાથી બહુ જ અલગ હોવાના. જો આપણે આ નેગેટિવ વિચારોની પેટર્ન પકડી લઈએ તો ઘણી રાહત મળી શકે છે.
કેવી રીતે આ પેટર્ન પકડવી? ડૉ. બર્ન્સ કહે છે કે જ્યારે પણ તમને લાગે કે હું ડિપ્રેસ્ડ છું ત્યારે આ સમયગાળા દરમિયાન અથવા ડિપ્રેશન જેવું લાગવાનું શરૂ થયું તેની જસ્ટ પહેલાં તમારા મનમાં કયા નેગેટિવ વિચાર ચાલતા હતા તે ઓળખી કાઢવાનો પ્રયાસ કરવો. શક્ય છે કે કોઈ ચોક્કસ ઘટનાને બદલે ભળતા જ વિચારોને કારણે તમારો મૂડ ખરાબ થઈ ગયો હોય. નેગેટિવ થિંકિંગ આપણા માટે લગભગ ઑટોમેટિક બની ગયું છે. નેગેટિવ વિચારવા માટે આપણે કોઈ જ પ્રયત્ન કરવો પડતો નથી. નકામા વિચારો એની મેળે જ દિમાગમાં ઊછળવા માંડતા હોય છે.
‘વિચારવું’ અને ‘અનુભવવું’ આ બન્ને અલગ વસ્તુઓ છે, પણ બન્ને વચ્ચે ગાઢ સંબંધ છે. લાગણીઓનો સઘળો આધાર આપણે જે-તે વસ્તુસ્થિતિને કેવી રીતે ‘જોઈએ’ અને ‘મૂલવીએ’ છીએ તેના પર રહેલો છે. આપણે કોઈ ઘટના કે લાગણી અનુભવીએ ત્યારે સૌથી પહેલાં તો મગજમાં તે પ્રોસેસ થાય છે. તેના કારણે તે લાગણી કે ઘટનાને અર્થ મળે છે. સીધી વાત છે કે કોઈ પણ લાગણીને ‘અનુભવતા’ પહેલાં તેને ‘સમજવી’ પડે.
જે કંઈ બની રહ્યું છે તે પૂરેપૂરી સ્પષ્ટતાથી સમજી શકતા હોઈશું તો આપણી લાગણીઓ નોર્મલ રહેશે, પણ જો આપણી સમજણ યા તો દષ્ટિ અપરિપક્વ, વિકૃત કે ખોટી હશે તો આપણો ઇમોશનલ રિસ્પોન્સ એબ્નોર્મલ હશે. ડૉ. બર્ન્સ આપણા મનને રેડિયો સાથે સરખાવે છે. માનો કે રેડિયોમાંથી ચીંઈઈઈ… કરતો અવાજ આવી રહ્યો ને ગીત બરાબર સંભળાતું ન હોય, તો આનો અર્થ એવો નથી કે રેડિયો ખરાબ થઈ ગયો છે. આનો અર્થ એટલો જ થયો કે તમે કાં તો સ્ટેશન બરાબર સેટ કર્યું નથી અથવા ખરાબ હવામાનને કારણે ડિસ્ટર્બન્સ આવે છે. આવી સ્થિતિમાં શું કરવાનું? કળ ઘુમાવીને સ્ટેશન બરાબર સેટ કરવાનું. મેન્ટલ ટ્યુનિંગનું પણ એવું છે. એક વાર નેગેટિવ વિચારોનું વાદળિયું વિખરાઈ જાય છે એટલે ગીત બરાબર સંભળાવા લાગે છે.
કોઈ એમ પણ કહી શકે કે પણ ભાઈસાહેબ, મારો રેડિયો સાચે જ સાવ બગડી ગયો છે, એના પૂરજેપૂરજાનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. ઉપરછલ્લા ટ્યુનિંગથી કશું નહીં થાય, હું ખરેખર બહુ જ ડિપ્રેશનમાં છું. ડૉ. બર્ન્સ કહે છે, ‘આવું હું અસંખ્ય વાર સાંભળું છું. લગભગ દરેક ડિપ્રેસ્ડ વ્યક્તિને એવું જ લાગતું હોય છે કે એનો કેસ સાવ હોપલેસ છે, અસામાન્ય છે. વાસ્તવમાં મોટા ભાગના ડિપ્રેશનના કેસ સાધારણ હોય છે. દર્દીને ‘હું ખૂબ ડિપ્રેશનમાં છું’ એવો ભ્રમ હોય છે ને આ ભ્રમનું કારણ એનું મેન્ટલ પ્રોસેસિંગ હોય છે.’
આપણે ડિસ્ટર્બ્ડ યા તો વિકૃત કહી શકાય એવું નેગેટિવ થિંકિંગ કરીએ છીએ એવી શી રીતે ખબર પડે? તેમાંથી કેવી રીતે બહાર આવી શકાય? વેલ, વાત જરાક લાંબી છે એટલે તેના વિશે ફરી ક્યારેક શૅર કરીશું. આપણે હાલ પૂરતું એક જ વસ્તુ સમજવાની છે કે ‘હું ખૂબ ડિપ્રેશનમાં છું’ એવા નિર્ણય પર કૂદકો મારીને પહોંચી જવાનું નહીં. મોટે ભાગે તો તમારો મૂડ ખરાબ હશે યા તો તમારી વિચારપ્રક્રિયા નેગેટિવ પેટર્નમાં ફસાઈ ગઈ હશે. ડિપ્રેશન એક ભારે શબ્દ છે. એને ગમે તેમ વાપરવાનો નહીં. સો રિલેક્સ, ચિલ… ઑલ ઇઝ વેલ!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2020 )
Leave a Reply