સુપર સીઈઓના સક્સેસ ફન્ડા
દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 20 Nov 2019 બુધવાર
ટેક ઓફ
મેં બહુ જલદી સમજી લીધું હતું કે જ્યાં સુધી હું મારા દેખાવ સાથે, મારી જાત સાથે, મારાં મૂળિયાં સાથે પૂરેપૂરો કમ્ફર્ટેબલ નહીં થાઉં ત્યાં સુધી કરીઅરમાં સફળ થઈ શકવાનો નથી. યાદ રાખો, તમારા બેકગ્રાઉન્ડ વિશે તમે જેટલા વધારે નિખાલસ રહેશો એટલા લોકોને વધારે ગમશો.’
* * * * *
જરા વિચારો. ‘હાર્વર્ડ બિઝનેસ રિવ્યુ’ નામનું પ્રતિષ્ઠિત અમેરિકન મૅગેઝિન પાક્કા સર્વે અને ટકોરાબંધ માપદંડોના આધારે દુનિયાની મોટામાં મોટી કંપનીઓ ચલાવતા એકસો શ્રેષ્ઠતમ ચીફ એક્ઝિક્યુટિવ્ઝ ઓફિસર (સીઈઓ)ની સૂચિ તૈયાર કરે છે. આ લિસ્ટના ટૉપ ટેનમાં ત્રણ ભારતીય નામ ઉપસે છે અને આ ત્રણેય જણા હૈદરાબાદની એક જ સ્કૂલમાં ભણ્યા છે! આ ત્રણ સુપર સીઇઓ એટલે ફોટોશોપ, પીડીએફ જેવાં કેટલાંય કમ્પ્યુટર સોફ્ટવેર તૈયાર કરતી કંપની અડોબીના વડા શાંતનુ નારાયણ (છઠ્ઠા ક્રમે), માસ્ટરકાર્ડના વડા અજય બંગા (સાતમા ક્રમે) અને માઇક્રોસોફ્ટના વડા સત્યા નડેલા (નવમા ક્રમે). આ ત્રણેય જણા હૈદરાબાદ પબ્લિક સ્કૂલ (એચપીએસ)ના વિદ્યાર્થી છે.
અમેરિકાવાસી અજય બંગાના પિતાજી ઇન્ડિયન આર્મીમાં જનરલ હતા. તેઓ પિતાજીની માફક ફૌજી તો ન બન્યા, બલ્કે આઇઆઇએમ-અમદાવાદમાંથી એમબીએ કરીને ક્રમશઃ માસ્ટરકાર્ડના સીઈઓ થયા. માસ્ટરકાર્ડ બ્રાન્ડના ક્રેડિટ કાર્ડ્સ દુનિયાભરના લોકો વાપરે છે. આજની તારીખે માસ્ટરકાર્ડ કંપનીની ટોટલ ઇક્વિટી 497 બિલિયન ડોલર એટલે કે 35,649 અબજ રૂપિયા જેટલી છે. કંપનીના આ ઠાઠમાઠનો જશ યોગ્ય રીતે જ અજય બંગાની ટકોરાબંધ લીડરશિપને અપાય છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાની સલાહકાર સમિતિના સભ્ય રહી ચુકેલા અજય બંગાની સુપર સક્સેસનું રહસ્ય શું છે? તેઓ કેવી રીતે સાડાતેર હજાર જેટલા કર્મચારીઓ ધરાવતી આટલી વિરાટ મલ્ટિનેશનલ કંપનીને સફળતાપૂર્વક સંચાલન કરે છે? મિડીયાને આપેલા કંઈકેટલાય ઇન્ટવ્યુઝ, જાહેર ઇવેન્ટ્સ, કોલેજ-યુનિવર્સિટીઓના પદવીદાન સમારંભમાં આપેલાં પ્રવચન વગેરેમાં તેઓ પોતાની ફિલોસોફી અને કાર્યપદ્ધતિ વિશે અવારનવાર વાત કરતાં રહે છે. એમની વાતો મોટી કંપનીના મોટા સાહેબોને જ નહીં, પણ કોઈ પણ ટીમ લીડરે ધ્યાનપૂર્વક સાંભળવા જેવી છે. કપડાંના શોરૂમમાં પાંચ માણસો કામ કરતા હોય તો શોરૂમનો માલિક આ પાંચ માણસોનો ટીમ લીડર છે.
અજય બંગાએ એક જગ્યાએ કહેલું, ‘આર્મીમાં જનરલ જેવા ઊંચા હોદ્દા પર રહી ચુકેલા મારા પપ્પા બધા સાથે એકસરખી સહજતાથી હળીભળી શકતા. એમની સામે કોઈ સિનિયર ફૌજી ઓફિસર હોય કે એમનો ડ્રાઇવર હોય, એમના વર્તાવમાં કશો ફર્ક ન પડતો. નાનામોટાનો ભેદભાવ કર્યા વગર તેઓ સૌને એકસરખું માન આપે. મારી કંપનીમાં મેં આવું જ કલ્ચર વિકસાવ્યું છે. અમારી ન્યુ યોર્ક સ્થિત હેડઑફિસમાં મારા સૌથી પાક્કા દોસ્તાર કોણ છે, ખબર છે? છાપાં નાખવા આવતા છોકરાઓ! હું રોજ સવારે એમની સાથે દુનિયાભરની વાતો કરું છું.’
અજય બંગા દાઢી-પાઘડીધારી શિખ છે. જ્યાં પણ જાય ત્યાં તરત અલગ પડી જાય. ‘ખાસ કરીને અહીં અમેરિકામાં અને પશ્ચિમના બીજા દેશોમાં,’ અજય બંગા કહે છે, ‘મેં બહુ જલદી સમજી લીધું હતું કે જ્યાં સુધી હું મારા દેખાવ સાથે, મારી જાત સાથે, મારાં મૂળિયાં સાથે પૂરેપૂરો કમ્ફર્ટેબલ નહીં થાઉં ત્યાં સુધી કરીઅરમાં સફળ થઈ શકવાનો નથી. જ્યાં સુધી હું ખુદના બેકગ્રાઉન્ડનો પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે સ્વીકાર નહીં કરું ત્યાં સુધી અન્ય માહોલમાં, અન્ય કલ્ચરમાં હું સારી રીતે નહીં જ ગોઠવાઈ શકું. યાદ રાખો, તમારું કામ એ તમારી ઓળખ છે, તમારું બેકગ્રાઉન્ડ એ તમારી ઓળખ નથી. તમારા બેકગ્રાઉન્ડ વિશે તમે જેટલા વધારે નિખાલસ રહેશો એટલા લોકોને વધારે ગમશો. એમને તમારા વર્તન અને આશય સાથે નિસબત છે, તમે કઈ જ્ઞાતિના છો કે કયા ગામ કે શહેરથી આવો છો એવી બધી વાતોમાં નહીં.’
નિષ્ફળતા કોને ગમે? અજય બંગા કહે છે કે સમસ્યાઓ કે મોકાણના સમાચારથી દૂર નહીં ભાગવાનું, એમને આવકારવાના. તમને સમસ્યા વિશે ખબર જ નહીં હોય તો એને નિવેડો કેવી રીતે લાવશો? ક્યારેય ખરાબ સમાચાર લાવનારને શિક્ષા નહીં કરવાની. ડોન્ટ શૂટ ધ મેસેન્જર! અજય બંગાએ પોતાના સ્ટાફને કહી રાખ્યું છે કે તમે મને ગુડ ન્યુઝ આરામથી આપશો તો ચાલશે, પણ બેડ ન્યુઝ ફટાફટ આપી દેવાના!
ટીમ લીડર પાસે દરેક વખતે પોતાના પ્રોજેક્ટ કે કામ વિશેનો બધ્ધેબધ્ધો ડેટા, બધ્ધેબધ્ધી માહિતી ન પણ હોય. આગળ વધવા માટે ડેટા અપૂરતો હોય તો પણ ઘણી વાર કોઠાસૂઝના આધારે નિર્ણયો લેવા પડતા હોય છે, ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવવું પડતું હોય છે. એવુંય બને કે ટીમ લીડરના નિર્ણય ટીમના તમામ સભ્યોને ન પણ ગમે. ટીમ લીડરે ક્યારેક અળખામણા પણ બનવું પડે. ઉત્તમ લીડર સાંભળે બધાનું, પણ કરે એ જ જે ખુદને ઠીક લાગે છે અને જે કંપનીના હિતમાં છે. અજય બંગા કહે છે, ‘અમે માસ્ટરકાર્ડમાં એક નિયમ કર્યો છે. ધારો કે અમારી કંપનીની દુનિયાભરની કોઈ પણ શાખાનો મેનેજર હેડક્વાર્ટરને કશીક રિકવેસ્ટ કે પ્રપોઝલ મોકલે અને જો બે વીકમાં હેડક્વાર્ટર તરફથી કોઈ રિસ્પોન્સ ન મળે તો જે-તે પ્રપોઝલ સ્વીકારાઈ ગઈ છે એવું માનવું!’
ધારો કે તમે જે પ્રોજેક્ટ સાથે જોડાયેલા છો તે સફળ ન થયો તો? તમારી કંપની કોઈ ચોક્કસ પ્રોડક્ટ બનાવતી હોય, પણ નવી ટેકનોલોજીને કારણે કે બીજા કોઈ પણ કારણસર તમારી પ્રોડક્ટની ડિમાન્ડ સાવ ઘટી ગઈ તો? મોબાઇલ આવ્યા એટલે પેજર નકામાં થઈ ગયાં, સીડી આવી એટલે કેસેટ નકામી થઈ ગઈ એવું કંઈક. આવી સ્થિતિમાં શું કરવું? અજય બંગા કહે છે કે ઝપાટાભેર બદલાતા આજના જમાનામાં તમારી પૈસા વૈકલ્પિક પ્લાનિંગ હોવું જ જોઈએ. તમારી પાસે પ્લાન બી જ નહીં, પ્લાન સી અને પ્લાન ડી પણ તૈયાર હોવો જોઈએ.
બાહોશ સીઈઓને સમસ્યાનું પિષ્ટપિંજણ કરવામાં નહીં, બલકે ઉકેલ શોધવામાં રસ હોવાનો. એમને સપાટી ઉપરની છીછરી વિગતોમાં નહીં, પણ મામલામાં ઊંડા ઉતરીને સચ્ચાઈ જાણવામાં રસ હોવાનો. અજય બંગાએ એક સરસ કિસ્સો શૅર કર્યો છે. એક વિદેશી બેન્ક ફડચામાં જવાની તૈયારીમાં હતી. માસ્ટરકાર્ડ કંપનીને આ બેન્ક સાથે ખાસ્સો પનારો પડ્યો હતો. સવાલ એ ઊભો થયો કે બેન્ક ઉઠી જાય ત્યાં સુધી કંપનીમાં કોઈને ખબર જ ન પડી? અજય બંગાને કહેવામાં આવ્યું કે આ ફલાણા મેનેજરની ભુલ છે. એણે જો કામમાં બરાબર ધ્યાન આપ્યું હોત તો આપણે વેળાસર ચેતી ગયા હોત. જો કોઈ સામાન્ય સીઈઓ હોત તો આવું ફીડબેક મળતાંની સાથે જ એણે મેનેજરને નોકરીમાંથી કાઢી મૂક્યો હોત. અજય બંગાએ શું કર્યું? એમણે સમસ્યાને સમજવામાં ચાર-પાંચ દિવસ ફાળવ્યા. તેમને ધીમે ધીમે સમજાતું ગયું કે પેલા મેનેજરની કશી ભુલ નહોતી. એણે કટોકટીને રોકવા માટે પોતાનાથી બનતું શ્રેષ્ઠ કર્યું જ હતું. ઇન ફેક્ટ, એની જગ્યાએ જો ખુદ અજય બંગા હોત તો પણ આ પરિસ્થિતિ પેદા થયા વગર ન રહી હોત. લોકોના આશ્ચર્ય વચ્ચે અજય બંગાએ પેલા મેનેજરને કાઢી તો ન મૂક્યો, બલકે એને સ્પેશિયલ બોનસ આપ્યું!
આ તો થઈ વિશ્વના બેસ્ટ પર્ફોર્મિગ સીઈઓના ટોપ ટેન લિસ્ટમાં સ્થાન પામેલા ત્રણ ભારતીય સીઈઓમાંના એકની વાત. બાકીના બે મહાનુભાવો એટલે કે અડોબીના શાંતનુ નારાયણ અને માઇક્રોસોફ્ટના સત્યા નડેલાના સક્સેસ ફન્ડા વિશેની વાતો હવે પછી.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2019 )
Leave a Reply