Sun-Temple-Baanner

રોગચાળો અને દેશપ્રેમઃ એ અંગ્રેજને હું નહીં છોડું!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


રોગચાળો અને દેશપ્રેમઃ એ અંગ્રેજને હું નહીં છોડું!


રોગચાળો અને દેશપ્રેમઃ એ અંગ્રેજને હું નહીં છોડું!

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 25 માર્ચ 2020

ટેક-ઑફ

દેશમાં પ્લૅગની ભયાનક મહામારી ફેલાઈ હતી ત્યારે પૂનાના ચાફેકર બંધુઓએ અત્યાચારી અંગ્રેજ અધિકારીના કેવા હાલ કર્યા હતા?

* * * * *

આજે કોરોના વાઇરસે દેશ અને દુનિયામાં ભયનો માહોલ પેદા કર્યો છે. આવું પહેલું વાર નથી બન્યું. ભૂતકાળમાં પ્લૅગની મહામારી હાહાકાર મચાવી ચૂકી છે. આ સંદર્ભમાં લગભગ સવાસો વર્ષ પહેલાં બનેલો એક ઘટનાક્રમ યાદ આવે છે. તેમાં મહામારીની યાતનાની સાથે દેશપ્રેમની ભાવનાનું અજબ સંયોજન થયું છે.

દામોદર હરિ ચાફેકર (જન્મઃ 1870)ના નામથી આપણે ખાસ પરિચિત નથી. આ પૂણેવાસીને નાનપણથી જ વ્યાયામ અને અસ્ત્રશસ્ત્ર ચલાવવામાં ખૂબ રસ. એમનો ઇરાદો તો ભણતર પૂરું કર્યા બાદ અંગ્રેજોના કબ્જા હેઠળની સેનામાં જોડાઈને સૈનિકોમાં વિદ્રોહ પેદા કરવાનો હતો. એમણે સેનામાં પ્રવેશ કરવા એકાદ-બે વાર પ્રયાસ પણ કરી જોયો, પણ સફળતા ન મળી. દામોદર ચાફેકર(આ અટક ક્યારેક ‘ચાપેકર’ તરીકે પણ લખવામાં આવે છે) નિરાશ ન થયા. એમણે ખુદ પોતાની સેનાનું નિર્માણ કરીને યુવાનોને એમાં જોડ્યા, એમને હથિયારો ચલાવતાં શીખવ્યું. અંગ્રેજો સામે વિદ્રોહ કરવા તેઓ ઉતાવળા થયા હતા. લોકમાન્ય ટિળકની વાતો અને વિચારોથી એમની દેશદાઝ ઑર તીવ્ર બનતી હતી.

1896માં ભારતમાં બ્યુબોનિક પ્લૅગની બીમારી ફાટી નીકળી. 1897ના પ્રારંભમાં પૂના આ મહામારીના ઝપટમાં આવી ગયું. એકલા ફેબ્રુઆરીમાં જ પ્લૅગે પૂનામાં 657 લોકોનો જીવ ખેંચી લીધો. આ ઑફિશિયલ આંકડો હતો. અનઑફિશિયલ આંકડો તો આના કરતાં ક્યાંય મોટો હોવાનો. પૂણેવાસીઓ શહેર છોડી છોડીને ભાગવા માંડ્યા. પ્લૅગનો ફેલાતા અટકાવવા માટે અંગ્રેજ સરકારે માર્ચમાં સ્પેશિયલ પ્લૅગ કમિટી (એસપીસી)ની રચના કરી. આ કમિટીના વડાનું નામ હતું, વૉલ્ટર ચાર્લ્સ રૅન્ડ.

રોગચાળો ફેલાતો અટકાવવા માટે શક્ય હોય તે બધું જ કરવું પડે તે સાચું, પણ ચકાસણી કરવા કે બીજાં પગલાં ભરવા લોકોના ઘરમાં પ્રવેશ કરવામાં આવે ત્યારે પૂરેપૂરી સંવેદનશીલતાથી વર્તવાનું હોય. બીમારી પર રોક લગાડવા માટે કડક કાર્યવાહી કરવી જ પડે, પણ તે પહેલાં લોકોને પ્રેમથી સમજાવવા પડે કે અમે તમને હેરાન કરવા નહીં, બલકે તમારી ભલાઈ માટે આવ્યા છીએ. લોકોની ધાર્મિક કે અન્ય કોઈ લાગણી ન દુભાય તેનો ખાસ ખ્યાલ રાખવાનો હોય.

થયું એનાથી ઊલટું. રૅન્ડે ખરેખર તો ડૉક્ટરોની ભરતી કરવાની હોય. એને બદલે એણે 800 જેટલા સૈનિકો અને અધિકારીઓને કામે લગાડી દીધા. એમનું કામ શું હતું? લોકોના ઘરમાં જરૂર પડ્યે બળજબરી કરીને પણ ઘુસવું, પુરુષો અને સ્ત્રીઓ બન્નેનું ઇન્સપેક્શન કરવું, પ્લૅગ હોવાની આશંકા હોય તેવા લોકોને અલાયદી છાવણીમાં લઈ જવા, રોગગ્રસ્ત લોકો પૂનામાં ન ઘુસે કે પૂનામાંથી બહાર ન જાય તેનો ખ્યાલ રાખવો.

જડભરત જેવા બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓએ ઉપાડો લીધો. પ્લૅગ પર અંકૂશ આણવાના બહાના હેઠળ તેમણે ઘરોમાં તોડફોડ કરવા માંડી. લોકોની અંગત ચીજવસ્તુઓ ખેદાનમેદાન કરી નાખી. ઘરમાં ગોઠવાયેલી ભગવાનની મૂર્તિઓ કે અન્ય ધાર્મિક પ્રતીકોની પણ આમન્યા ન જાળવી. ચેક-અપના નામે પુરુષો જ નહીં, સ્ત્રીઓ અને બાળકોનાં પણ કપડાં ઊતરાવ્યાં. ક્યારેક તો જાહેરમાં લોકોને નિર્વસ્ત્ર કર્યાં. સ્વજનના મૃત્યુની અંતિમ વિધિ વખતે એમના પરિવારજનોને રોકવામાં આવ્યા. જો પેશન્ટનું મૃત્યુ સરકારી ચોપડે નોંધાયેલું હોય તો જ પરિવારના લોકો અંતિમ સંસ્કાર વખતે હાજર રહી શકે એવો નિયમ લાગુ પાડી દેવામાં આવ્યો. જે કોઈ નિયમોનું ઉલ્લંઘન કરે એની સાથે અપરાધી જેવો ક્રૂર વ્યવહાર થતો.

ગોપાલકૃષ્ણ ગોખલે જેવા સન્માનનીય સ્વાતંત્ર્યસૈનિકે નોંધ્યું કે પ્લૅગ અટકાવવાના બહાને અંદર ઘૂસી ગયેલા બ્રિટિશ સૈનિકોએ ઘરમાં હાજર રહેલી મહિલા પર બળાત્કાર કર્યો હોય એવા બે કિસ્સા બન્યા છે. બાળ ગંગાધર ટિળકે ‘કેસરી’ અખબારમાં લખ્યું કે, ‘હર મૅજેસ્ટી ઑફ ક્વીન, ધ સેક્રેટરી ઑફ સ્ટેટ અને એમની કાઉન્સિલે કોઈ કારણ કે દેખીતા ફાયદા વગર ભારતની જનતા પર અત્યાચાર કરવાનો આદેશ આપ્યો છે તે ખોટું છે.’ રૅન્ડે તરત રદીયો આપ્યો કે અમારી વિરુદ્ધ તદ્દન ખોટા આક્ષેપો થઈ રહ્યા છે.

બ્રિટિશ સૈનિકોના નિર્દય વર્તનથી જનતામાં રોષ ફેલાઈ રહ્યો હતો. દશ્ય એવું ઊભું થઈ રહ્યું હતું કે સરકાર પ્રજાની મદદ કરવા નહીં, બલકે અત્યાચાર કરવા પર ઉતરી આવી છે. જનતાનો આક્રોશ ચરમસીમા પર પહોંચી ગયો હતો. દામોદર ચાફેકરે ગાંઠ વાળી કે આ રૅન્ડને એ છોડશે નહીં. એમના બન્ને સગા નાના ભાઈ બાલકૃષ્ણ અને વાસુદેવ પણ તેમની સાથે હતા.

અંગ્રેજોની સંવેદનહીનતા જુઓ. એક તરફ પ્લૅગની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો ને બીજી બાજુ પૂનામાં મહારાણી વિક્ટોરિયાના રાજ્યારોહણના હીરક મહોત્સવની તૈયારી ચાલી રહી હતી. ઉજવણીની તારીખ નક્કી થઈઃ 22 જૂન, 1897. ચાફેકરબંધુઓએ મસલત કરીને નિર્ણય કર્યો કે આ ઉજવણીમાં તમામ બ્રિટીશ ઑફિસરો હાજર હશે જ, રૅન્ડને ખતમ કરવાનો આ ઉત્તમ મોકો છે.

ઉજવણીના દિવસે દામોદર પહેલાં હથિયાર છૂપાવીને ગર્મેન્ટ હાઉસ પહોંચ્યા (આજે પૂનાસ્થિત આ ગર્મેન્ટ હાઉસ સાવિત્રીબાઈ ફૂલે પૂણે યુનિવર્સિટીનું મુખ્ય બિલ્ડિંગ છે), પણ રૅન્ડ ત્યાં નહોતો. ખબર પડી કે એ સેન્ટ મૅરી ચર્ચમાં છે. દામોદર ત્યાં પહોંચી ગયા. અહીં લોકોની ખૂબ ભીડ હતી. દામોદરને ચિંતા થઈ કે હું રૅન્ડને મારવાની કોશિશ કરીશ તો નાહકના નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મૂકાઈ જશે. મોકો હતો, રૅન્ડને ઉડાવી દેવાની ભયંકર ચટપટી ઉપડી હતી, છતાંય દામોદર પોતાની અધીરાઈ પર કાબૂ રાખ્યો.

દામોદરને આખરે આ તક રાત્રે મળી. રૅન્ડ કાર્યક્રમ પતાવીને પોતાના નિવાસસ્થાને જવા નીકળ્યો હતો. ગણેશ ખિંદ રોડ (આજે તે સેનાપતિ બાપટ રોડ તરીકે ઓળખાય છે) લગભગ નિર્જન હતો. રાત્રીના બાર વાગીને દસ મિનિટ થઈ હતી. અગાઉથી નક્કી થયા મુજબ દામોદરના ભાઈ બાલકૃષ્ણે સંકેત કર્યો. એકદમ જ ઝાડ પાછળ છૂપાયેલા દામોદર દોડીને ઘોડાગાડીની પાછળના પગથિયાં ચડી ગયા. બારીનો પડદો ઊંચો કર્યો અને પૂરી સાવધાનીથી ગોળી છોડી. અંદર બેઠેલો અંગ્રેજ ઢળી પડ્યો. તરત ખબર પડી કે તે રૅન્ડ નહીં, પણ એનો મિલિટરી એસ્કોર્ટ લેફ્ટનન્ટ એર્સ્ટ છે, રૅન્ડ તો બીજી ઘોડાગાડીમાં બેઠો છે. દામોદર અને બાલકૃષ્ણ સહેજ પણ વિચલિત ન થયા. તેમણે જોયું કે ત્રીજો ભાઈ વાસુદેવ રૅન્ડની ઘોડાગાડીની પાછળ ધીમે પગલે દોડી રહ્યો છે. દામોદર તરત આ ઘોડાગાડી પર લપક્યા અને રૅન્ડના રામ રમાડી દીધા. 1857ના બળવા પછી અંગ્રેજ સરકાર સામે હિંસક વિદ્રોહ થયો હોય તેવો આ પહેલો કિસ્સો હતો.

કામ સફળતાપૂર્વક પૂરું કરીને દામોદર પોતાના બન્ને ભાઈઓ સાથે ફરાર થઈ ગયા. આ દેશમાં દેશદ્રોહીઓ અને જયચંદો દરેક સમયે રહ્યા જ છે. દ્રવિડબંધુ તરીકે ઓળખાતા ભાઈઓએ સરકારને બાતમી આપી દીધી કે દામોદર ક્યાં છૂપાયા છે. દામોદરને પકડી લેવામાં આવ્યા, તેમના વિરુદ્ધ મુકદમો ચાલ્યો ને 18 એપ્રિલ 1898ના રોજ તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. વચેટ ભાઈ બાલકૃષ્ણ ઑર એક વર્ષ સુધી લપાતાછૂપાતા રહ્યા. આખરે તેઓ પણ પોલીસની હડફેટે ચડી ગયા. તેમને 12 મે, 1899ના રોજ ફાંસી દેવાઈ. સૌથી નાના વાસુદેવ અને તેમના બે દોસ્તારો ખાંડો વિષ્ણુ સાઠે અને વિનાયક રાનડેએ પોલીસના પેલા ખબરીઓ એવા ડેવિડ બંધુઓની હત્યા કરી. વાસુદેવને 8 મે અને વિનાયક રાનડેને 10 મે 1899ના રોજ ફાંસી અપાઈ. ખાંડો વિષ્ણુ સાઠેએ હજુ અઢાર વર્ષ પૂરાં કર્યા નહોતા. તેથી એને દસ વર્ષ માટે કારાવાસની સજા ફરમાવવામાં આવી.

ચાફેકર બંધુઓ આપણા ભૂલાઈ ગયેલા સ્વાતંત્ર્યસૈનિકો છે. આજે કોરોના વાઇરસે ભયનો માહોલ પેદા કર્યો છે ત્યારે આપણે આ ત્રણેય ભાઈઓનું આદરપૂર્વક સ્મરણ કરીએ.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2020 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.