મેરી ઉસ્તાદિની કી ઉમ્મર ખુદા દરાઝ કરે…
દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 17 જૂન 2020, બુધવાર
ટેક ઓફ
‘જ્યારે રેહાના આવ્યાં ત્યારે મેં મજાકમાં કહ્યું, તું આશ્રમવાસીઓને મુસલમાનો બનાવ, હું તને હિંદુ બનાવીશ. અહીં જે શીખે તેમનેય કંઈક આયાતો શીખવતી જા. તેણે શરૂ કર્યું. પછી પૂછવું જ શું? બઘા સાથે તે એકરૂપ થઈ ગયાં હતાં. ભક્તોએ આયાત શીખી લીધી.’
* * * * *
રામકથાકાર મોરારીબાપુ છેલ્લા કેટલાક દિવસોથી અપ્રિય કારણોસર સમાચારમાં છે. અત્યંત ગલીચથી લઈને હળવી ભાષામાં એમની ટીકા કરનારાઓની વાતમાં એક મુદ્દો કૉમન છે કે ઈશ્વર અને અલ્લાહ એક જ છે તેવી ભાવના વ્યક્ત કરતી ચેષ્ટા ફક્ત બાપુ જ કેમ કરે છે? મુસ્લિમ સમાજ કેમ મસ્જિદમાં કે કોઈ જાહેર મંચ પરથી રામનામ કે કૃષ્ણનામના જાપ કરીને વળતો પ્રતિસાદ આપતો નથી? બન્ને ધર્મો પ્રત્યે સમાન દષ્ટિ ધરાવવાની લાગણી એકપક્ષી કેવી રીતે હોઈ શકે? તે પારસ્પરિક હોય તો જ તેનો અર્થ સરે ને!
આ ટીકાકારોના જીવને સહેજ નિરાંત થાય એવું એક અસલી કિરદાર નજીકના ભૂતકાળમાં થઈ ગયું છે. એમનું નામ રેહાના તૈયબજી. તેઓ ગાંધીજીનાં અંતેવાસી હતાં. 1901માં તેમનો જન્મ. જેવી અઠંગ એમની રાષ્ટ્રભક્તિ એટલી જ બળકટ એમની કૃષ્ણભક્તિ. એમને આખી ગીતા કંઠસ્થ હતી. એમણે ‘હાર્ટ ઑફ ગોપી’ નામનું પુસ્તક લખ્યું હતું, જેનું બળવંતરાય ક. ઠાકોરે ‘ગોપીહૃદય’ નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. રેહાના તૈયબજી વિશે વિગતે જાણવા જેવું છે.
રેહાના તૈયબજીનો પરિવાર સુલેમાની વહોરા. મૂળ તેઓ ઇજિપ્તના શિયા મુસલમાન. સુન્ની તુર્કોએ ઇજિપ્ત પર આક્રમણ કર્યું હતું ત્યારે તેઓ સમુદ્ર માર્ગે ગુજરાતના ખંભાત બંદરે પહોંચ્યા હતા અને પછી અહીં જ વસી ગયા. આ પરિવારના બદરૂદ્દીન તૈયબજી ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર બનેલા. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસના સ્થાપકોમાંના તેઓ એક. બદરૂદ્દીનના ભત્રીજા એટલે અબ્બાસ તૈયબજી. તેઓ પણ કાકાની માફક ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર થયા ને ગાંઘીજીના તીવ્ર પ્રભાવ હેઠળ સ્વાતંત્ર્યસેનાની બન્યા. વર્ષો સુધી તેઓ વડોદરા રાજ્યના દીવાન રહ્યા. કૉંગ્રેસના અધિવેશનોમાં તેઓ નિયમિતપણે હાજરી આપતા. તેમની દીકરી એટલે આપણે જેમની વાત કરી રહ્યા છીએ એ, રેહાના તૈયબજી.
વડોદરામાં જન્મેલા રેહાના તૈયબજીમાં સ્વાભાવિક રીતે જ દેશભક્તિના સંસ્કાર ઉતરી આવ્યા હતા. પિતાનાં દેશહિતનાં કાર્યોનાં તેઓ પ્રત્યક્ષ સાક્ષી. તેમને થયું કે જો હું પરણી જઈશ તો આ પ્રકારનું કોઈ કાર્ય નહીં કરી શકું. આથી તેમને આજીવન અપરિણીત રહેવાનો નિર્ણય કયો. અસહકારના આંદોલનમાં ભાગ લઈ વડોદરાના સૂરસાગર તળાવના કાંઠે વિદેશી કપડાંની હોળી કરી. ગાંધીજી સાથે પત્રવ્યવહાર કરીને આશ્રમમાં રહેવાની અનુમતી માગી. ગાંધીજીએ તરત હા પાડી.
રેહાના તૈયબજીના આશ્રમપ્રવેશ વિશે સ્વયં ગાંધીજીએ એક જગ્યાએ લખ્યું છે કે, ‘જ્યારે રેહાના આવ્યાં ત્યારે મેં મજાકમાં કહ્યું, તું આશ્રમવાસીઓને મુસલમાનો બનાવ, હું તને હિંદુ બનાવીશ. એનું સંગીત તો ઉત્કૃષ્ટ છે જ. તેની પાસે સર્વ પ્રકારનાં ભજનોનો ભંડાર છે. તે રોજ સંભળાવતાં. કુરાનમાંથી મીઠી અને ઊંચા અર્થવાળી આયાતો પણ સંભળાવતાં. મેં કહ્યું, અહીં જે શીખે તેમનેય કંઈક આયાતો શીખવતી જા. તેણે શરૂ કર્યું. પછી પૂછવું જ શું? બઘા સાથે તે એકરૂપ થઈ ગયાં હતાં. ભક્તોએ આયાત શીખી લીધી. એમાંની એક પ્રખ્યાત ‘ફત્તેહ’ છે.’
રેહાના તૈયબજીએ ગાંધીજીને પોતાના ગુરૂ બનાવીને અહિંસાના પાઠ શીખ્યા. શીખવાની પ્રક્રિયા દ્વિપક્ષી હતી. ગાંઘીજી રેહાના પાસથી ઉર્દૂ શીખતા! રેહાનાને તેઓ ‘ઉસ્તાદિની’ કહેતા. રેહાનાને લખેલા એક પત્રમાં ગાંધીજીએ કેવું ઉર્દૂ લખ્યું હતું તે જુઓઃ
‘તુમ્હારા ખત પા કર કર બહોત ખુશી હાસિલ હુઈ. મૈં ગલતીયાં તો બહોત કરતા હૂં. ધીરજ રખના. જબ તુમકો થકાન આવે તબ દુરસ્ત કરનેકા છોડ દો. મૈં તો હર હફ્તે મેં લિખને કી કોશિશ કરુંગા. શરૂ કિયા હૈ ઉસે નહીં છોડુંગા. મેરી ઉસ્તાદિની કી ઉમ્મર ખુદા દરાઝ કરે.’
‘જબ તુમકો થકાન આવે’ આ વાક્યમાં ગાંધીજીનું ‘આયે’ને બદલે ‘આવે’ અશુદ્ધ હોવા છતાં કેટલું મીઠું લાગે છે!
રેહાના તૈયાબજી આઝાદીના જંગમાં સક્રિય રહેવા માગતા હતાં, પણ નાનપણથી જ તબિયત સતત નરમગરમ રહ્યા કરતી હોવાથી તેઓ પાછળ પડી જતાં હતાં. ગાંધીજીને કાગળ લખીને એમણે આ વાતનો અફસોસ વ્યક્ત કરેલો. ગાંધીજીએ વળતા પત્રમાં જવાબ આપ્યોઃ
‘નિર્દોષની પ્રાર્થના પણ જાહેર કામ જેટલું જ બલ્કે વધારે કામ આપે છે. એટલે તું શરીર વતી કામ ન આપી શકે તો શું થયું? એનું દુખ ન લગાડતી… ગીતાના શબ્દોમાં કહીએ તો આપણી ફરજ તો કાર્ય કરીને છૂટવામાં અને પરિણામની દરકાર ન કરવામાં રહેલી છે. ઉદ્દેશ અને કાર્યશુદ્ધિ હોય તો તેમાંથી ઊભા થતાં વિવિધ પરિણામો માટે કર્તા જવાબદાર નથી.’
1926માં એક યુવક સંમેલનમાં રેહાના તૈયબજીએ એટલા મીઠા સૂરે ભજનો સંભળાવ્યાં કે ગાંધીજી ‘વાહ’ પોકારી ઉઠ્યા હતા. રેહાનાનો અવાજ તો રવીન્દ્રનાથ ટાગોરને પણ ખૂબ ગમતો. ગાંધીજીએ એક પત્રમાં રેહાના તૈયબજીને લખ્યું છેઃ ‘તમારો કંઠ એવો મધુર છે કે સાંભળીને લોકો પોતાની ચિંતાઓ ભૂલી જાય છે, તો તમારી પોતાની ચિંતાઓ દૂર કરવા માટે તમે તમારા કંઠની જ આરાધના કરો.’
રેહાના તૈયબજીએ કડી પ્રાંતમાં પ્રમુખ બનીને યુવક સંઘની લગામ પોતાના હાથમાં લીધી હતી. એમનું તન નબળું પણ મન ખૂબ મક્કમ હતું. પાટણની બજારમાં વિદેશી કાપડ વેચતા વેપારીઓ સામે એમણે સત્યાગ્રહ આદર્યો. કેટલાય લોકો એમની સાથે જોડાયા. રેહાના તૈયબજીના પ્રયત્નોને કારણે પાટણમાં વિદેશી કાપડના વેચાણ પર પ્રતિબંધ લાગી ગયો. ‘હિન્દ છોડો’ આંદોલનમાં ભાગ લઈને તેઓ જેલમાં ગયાં ને ત્યાં તેમણે ભરતગૂંથણ કરવા માંડ્યું. પછી તેમને પ્રશ્ન થયો કે આમાં ચીનના રેશમનો ઉપયોગ કરાય કે નહીં? ગાંધીજીએ કહ્યું કે જેમને કળાની નાશ થવાની બીક છે તેઓ ભરતગૂંથણમાં ગમે તેટલું ચીની સૂતર વાપરી શકે. માત્ર જેના પર ભરતગૂંથણ કરવામાં આવે છે તે વસ્ત્ર હાથે કાંતેલા ખાદીનું હોવું જોઈએ!
કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈનાં નિધન પછી રેહાના ગાંધીજીના અંતેવાસી બની ગયાં હતાં. ગાંધીજી મુંબઈમાં હોય ત્યારે રોજ સાંજે મીરાંબાઈનું ‘મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ’ ભજન અચૂકપણે ગાય. ગાંધીજીના અવસાન પછી તેઓ કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યાં. રેહાના તૈયબજીએ આત્મકથાનું શીર્ષક ‘સુનિયે કાકાસાહેબ’ છે. પોતાનું શેષ જીવન એમણે દિલ્હીમાં વિતાવ્યું. 17 મે, 1975ના રોજ દિલ્હીમાં જ તેમણે છેલ્લા શ્વાસ લીધા. ઓખલામાં જામિયા મિલિયા પાસે રેહાના તૈયબજીની કબર તૈયાર કરવામાં આવી.
રેહાના તૈયબજીએ સૌથી પહેલી વાર અંગ્રેજીમાં ગીતાનું ભાષાંતર વાંચ્યું હતું. પછી તો તેઓ પૂરેપૂરા કૃષ્ણમય બની ગયાં હતાં. એમની કૃષ્ણપ્રીતિ એટલી તીવ્ર અને કૃષ્ણગીતો ગાતી વખતે ગાયકી એવી ભાવપૂર્ણ હોય કે લોકોએ તેમને ‘આધુનિક મીરાંબાઈ’ કહેવાનું શરૂ કરી દીધેલું. તેઓ કહેતાં, ‘શ્રીકૃષ્ણ સંપૂર્ણાવતાર છે. જે પુરુષોત્તમ છે એ જ કૃષ્ણ છે.’ રેહાના તૈયબજી સૂફી જીવ હતાં. ગીતા અને કુરાનને તેઓ એકબીજાની છાયા ઝીલતાં પૂરક ગ્રંથો ગણાવતાં. તેઓ કહેતાં, ‘ગીતા એ મુસ્લિમોનું કુરાન છે અને કુરાન એ હિન્દુઓની ગીતા છે.’
રેહાના તૈયબજી જો આજે જીવતાં હોત ને ધારો કે આ પ્રકારનું સ્ટેટમેન્ટ એમણે અત્યારે કર્યું હોત તો લોકોએ સોશિયલ મિડીયા પર કેવો હંગામો કરી નાખ્યો હોત એની કલ્પના કરી જોજો!
– Shishir Ramavat
Leave a Reply