Sun-Temple-Baanner

પ્રકાશ, પાણી અને પાથરણું


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


પ્રકાશ, પાણી અને પાથરણું


પ્રકાશ, પાણી અને પાથરણું

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 29 જાન્યુઆરી 2019, બુધવાર

ટેક ઓફ

માણસો શા માટે એકઠા થતા હોય છે? ફક્ત સમૂહમાં જ નહીં, પણ વ્યક્તિગત સ્તરે એક માણસ જ્યારે બીજા માણસને મળે ત્યારે એની પાછળ કયું ચાલકબળ કામ કરતું હોય છે?

* * * * *

અમદાવાદની બી.જે. મેડિકલ કૉલેજના સ્ટુડન્ટ રિ-યુનિયનમાં દુનિયાભરમાંથી ડૉક્ટરો આવ્યા છે. પોતપોતાનાં ક્ષેત્રમાં સ્થાપિત અને સફળ થઈ ચૂકેલા ડૉક્ટરો. ઓગણીસ વર્ષ પછી જૂનાં મિત્રોને મળીને ઇએનટી સર્જન ડો. સતીશ પટેલ પોતાની વ્હાઇટ હોન્ડા સિટીમાં મહેસાણા તરફ રવાના થાય છે. તેમની સાથે અમેરિકાના કેલિફૉર્નિયા સ્ટેટમાં સ્થાયી થયેલા એમના ફિઝિશીયન મિત્ર ડૉ. જિગર પટેલ પણ છે. તેઓ હવે જે ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેને મેડિકલ પ્રોફેશન સાથે કોઈ સંબંધ નથી.

વિપુલ પનારા બિઝનેસમેન છે. તેઓ ક્લાસરૂમ અને હોમ થિયેટર માટે વપરાતાં પ્રોજેક્ટરની એસેસરીઝનું મેન્યુફેક્ચરિંગ કરે છે. દીપક વેદ એક સિનિયર ગર્વમેન્ટ ઑફિસર છે. આ બન્ને વ્યસ્ત સજ્જનો પણ પેલી ઇવેન્ટના હિસ્સેદાર છે. તેમના વ્યવસાયને પણ આ ઇવેન્ટ સાથે કોઈ દેખીતો સંબંધ નથી. શિયાળાની એક ઠંડી સાંજે તેઓ સૌ જે કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છે તે મહેસાણા નજીક ખુલ્લા મેદાનમાં યોજાયો છે. લગભગ ત્રણેક લાખ લોકોની વિરાટ જનમેદની અહીં એકત્રિત થઈ છે, જેમાં બૌદ્ધિકો અને વ્હાઇટ કૉલર પ્રોફેશનલ્સથી લઈને અલ્પશિક્ષિત ગ્રામ્યજનો સુધીનું ભરપૂર વૈવિધ્ય છે.

માણસો શા માટે એકઠા થતા હોય છે? ફક્ત સમૂહમાં જ નહીં, પણ વ્યક્તિગત સ્તરે એક માણસ જ્યારે બીજા માણસને મળે ત્યારે એની પાછળ કયું ચાલકબળ કામ કરતું હોય છે? આ પ્રશ્નના સ્થૂળ ઉત્તરો ઘણા હોઈ શકેઃ સામેની વ્યક્તિ સાથે પારિવારિક-સામાજિક-વ્યાવસાયિક સંધાન હોય, કોઈ તહેવાર કે ઊજવણી હોય, કોઈ નેતા-અભિનેતા આવ્યો હોય, દેશ-દુનિયામાં થઈ રહેલી કોઈ ગતિવિધિનું સમર્થન કે વિરોધ કરવો હોય કે એવું કંઈ પણ. માણસ તદ્દન અજાણી કે અલ્પપરિચિત વ્યક્તિને કશા જ સ્વાર્થ વગર સામેથી મળે, પ્રેમભાવ-ભાતૃભાવનું વાતાવરણ પેદા કરીને એની સાથે આત્મીય સંપર્ક સ્થાપિત કરવાની કોશિશ કરે અને એનું ભલું થાય તેવી કામના જ નહીં, પણ સક્રિય પ્રયત્નો કરે તેવું આજના જમાનામાં સામાન્યપણે બનતું નથી. મહેસાણાના કાર્યક્રમમાં એકઠા થયેલા લાખો લોકોમાં આ એક વાત કૉમન છેઃ તે સૌને જીવનના કોઈક બિંદુએ નિઃસ્વાર્થ પ્રેમભાવનો સ્પર્શ જરૂર થયો છે. પ્રેમભાવ અને ભક્તિભાવ, બન્નેનો સ્પર્શ. તેઓ દાદાજીના હુલામણા નામે ઓળખાતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (જન્મઃ 1920, મૃત્યુઃ 2003)એ સ્થાપેલા સ્વાધ્યાય પરિવારના સદસ્યો છે.

જો તમે સ્વાધ્યાય પ્રવૃત્તિથી ખાસ પરિચિત ન હો તો મહેસાણાની ઇવેન્ટ જેવો માહોલ જોઈને કૌતુક જરૂર અનુભવો. મહેસાણા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા વગેરે વિસ્તારોમાંથી આવેલા ચૌધરી પરિવારના લાખો લોકો એકઠા થયા હોય, પણ કશે આંધાધૂંધી નહીં, બલ્કે આશ્ચર્ય થાય એટલી શાંતિ વચ્ચે કાર્યક્રમ ગતિપૂર્વક આગળ વધતો હોય. લાખોની જનમેદની સમાવી લેતા કાર્યક્રમોમાં આવી શિસ્ત અને લય બહુ ઓછી જોવા મળે.

તમે સ્વાધ્યાય પરિવાર અને તેની પ્રવૃત્તિઓ વિશે ખૂબ સાંભળ્યું છે, પાંડુરંગ શાસ્ત્રીના નિધન પછી સ્વાધ્યાય પરિવાર એક તબક્કે વિવાદગ્રસ્ત બન્યો હતો તે પણ તમે જાણો છો, પણ આ ઇવેન્ટ દરમિયાન હવામાં એટલી હકારાત્મક ઉર્જા પ્રસરેલી છે કે બીજું બધું તમને હાલ અપ્રસ્તુત લાગે છે. તમને અત્યારે કેવળ આ સાત્ત્વિક ઉર્જાનાં સ્પંદનોને સમજવામાં રસ છે. આ ત્રણ લાખ લોકોમાં ઑર એક વાત કૉમન છેઃ તેઓ સૌ ત્રિકાળ સંધ્યાના શ્લોક કંઠસ્થ કરીને આવ્યા છે. શ્લોક કે બીજું કશું પણ કંઠસ્થ કરવું તે એક પ્રકારનો સ્થૂળ બૌદ્ધિક વ્યાયામ હોઈ શકે છે, પણ અહીં અપેક્ષા એવી છે કે ત્રિકાળ સંધ્યાના શ્લોક યાદ કરનાર વ્યક્તિએ તેની પાછળનો ભાવ આત્મસાત કર્યો છે, અથવા કમસે કમ, એવી પ્રામાણિક કોશિશ તો જરૂર કરી છે.

શું છે ત્રિકાળ સંધ્યા? ત્રિકાળ સંધ્યા સંભવતઃ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની ફિલોસોફીમાં પ્રવેશવાનું પ્રવેશદ્વાર છે. આ દ્વાર ઓળંગ્યા પછી સ્વાધ્યાય પરિવારની અનેકાનેક પ્રવૃત્તિઓ પાછળની દષ્ટિને વધારે સ્પષ્ટતાપૂર્વક સમજી શકાય છે. ત્રિકાળસંધ્યાનો સીધો સંબંધ કૃતજ્ઞતાના ભાવ સાથે છે. જેણે મારું અને આ સમગ્ર બહ્માંડનું સર્જન કર્યું છે, જે મારામાં ચૈતન્યરૂપે વસે છે એ સર્જનહાર, પરમ શક્તિ અથવા સાદી ભાષામાં કહીએ તો ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ મારામાં હંમેશાં ધબકતો રહેવો જોઈએ. ત્રિકાળ સંધ્યાના શ્લોક (જે ભગવદગીતાના અંશ છે) આ કૃતાર્થતાની લાગણીની અભિવ્યક્તિ છે. કવિ સુરેશ દલાલે 1997માં દાદાજીની પ્રલંબ મુલાકાત લીધી હતી. તેમાં પાંડુરંગ દાદાએ સ્વયં ત્રિકાળ સંધ્યા વિશે સરસ સમજૂતી આપી હતીઃ

‘ત્રિકાળ સંધ્યા મોઢે કરાવવી એટલે ત્રણ-ત્રણ શ્લોકો ઊઠતી વખતે, જમતી વખતે અને સૂતી વખતે બોલવાના. માણસમાં ભગવાન છે તેની આપણને કલ્પના છે, પણ રાતદિવસ જો ‘ભગવાન-ભગવાન’ કરતાં રહીશું તો ભગવાનને પણ નહીં ગમે. ‘મા-મા’ કરતા બેસીએ તો માવડિયા થઈ જવાય અને મા પણ પછી છોકરાને લપડાક મારે! આમ ‘રામ-રામ’ કરતા બેસો તો પછી થઈ રહ્યું. કેમ જીવવું તે તમારે જાણવું જોઈએ. પહેલાં આ વૃત્તિ તમારામાં જાગ્રત થવી જોઈએ અને તે આ ત્રણ ક્રિટિકલ વાતોમાં (એટલે કે દિવસમાં ત્રણ વખત બોલાતા શ્લોકોમાં) થાય છે. આપણે જે ખાઈએ છીએ તેનું લોહી કેવી રીતે બને છે? એમ ને એમ બને છે? કૃતિ આવી એટલે કર્તા આવવો જ જોઈએ. આમ ને આમ લોહી બનતું હોય તો તે ભૌતિક નાદારી છે. આપણા શરીરમાં લોહી કોણ બનાવે છે તે મહત્ત્વની વાત છે. તેવી રીતે હું ઊંઘ્યો એ શું છે? કયું બટન બંધ કર્યું કે જેથી હું ઊંઘી ગયો? ઊંઘ શું છે? હું ડૉક્ટરોને પૂછું છું કે ઊંઘમાં સંવેદના ચાલે કે બંધ? અંદરનું મેટાબોલિઝમ ચાલે છે, હાર્ટ ચાલે છે, ફેંફસા ચાલે છે, રુધિરાભિસરણ ચાલે છે. અરે, મગજ બંધ થાય પછી સંવેદના બંધ થવી જોઈએ કે નહીં? ત્યારે આ લોકો કહે છે કે સંવેદના આંશિક ચાલુ રહે છે. આ વાત જો ફિલસૂફને પૂછીએ તો તેથી પણ ઊંચે જાય છે – પ્રોજેક્શન ઑફ સુપરફિશિયલ એન્ડ અનકોન્શિયસ માઇન્ડ ઇઝ સ્લીપ! પણ એટલે શું? ટૂંકમાં, ઊંઘ શું છે તેની આપણને સમજ નથી. કોઈ અજ્ઞાત શક્તિના જોરે ઊંઘ આવી જાય છે. આવી જ રીતે જાગવું એટલે શું તેની આપણને ખબર નથી. ઊઠ્યા પછી હું પાંડુરંગ છું. ત્યાર પહેલાંનો જે ધક્કો ઊઠવા માટે લાગ્યો તે શું છે તે આપણે જાણતા નથી. આ જે વસ્તુ છે તેનું મહત્ત્વ ધ્યાનમાં રાખવું જોઈએ. તેથી ત્રણ-ત્રણ શ્લોક તૈયાર કર્યા છે. અને તે શ્લોકો મોઢે કરવામાં આવે છે. તેથી અમારે ત્યાં લોકોનો જે સમૂહ આવે છે તે એમ ને એમ નથી આવતો. તૈયાર થઈને આવે છે.’

આ સમૂહને તૈયાર કરવા માટે, આમઆદમીમાં ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વિકસે તે માટે સ્વાધ્યાયના કાર્યકરો આશ્ચર્ય થાય એટલો પરિશ્રમ કરે છે. તેના માટે ભાવફેરી એવો શબ્દપ્રયોગ થાય છે. સ્વાધ્યાયી કાર્યકરો ઘરે-ઘરે ફરીને, અજાણ્યા લોકો સાથે સંધાન કરીને, તેમનો વિશ્વાસ જીતીને તેમને ત્રિકાળ સંધ્યાની ફિલોસોફીથી અવગત કરાવે છે. ઉદાહરણ તરીકે, લેખના પ્રારંભમાં જેનો ઉલ્લેખ થયો છે એ વિપુલ પનારાએ છેક ચીનનાં કેટલાંક ઘરોમાં ત્રિકાળ સંધ્યાની ફિલોસોફી પહોંચાડી છે. પોતાના બિઝનેસના કામે તેમને અવારનવાર ચીનની મુલાકાત લેવાનું થાય છે. સ્થાનિક ચાઇનીઝ વેપારીઓ સાથે તેમણે આત્મીય સંબંધો કેળવ્યા છે. તેઓ જ્યારે ચીનીઓના ઘેર જઈને તેમને સર્જનહાર પ્રત્યેની કૃતાર્થતાનો કોન્સેપ્ટ સમજાવે ત્યારે તેઓ રસપૂર્વક સાંભળે છે. વિપુલ પનારા કહે છે, ‘અમારો નિયમ છે કે ત્રિકાળ સંધ્યાની વાત કરવા અમે કોઈની પણ ઘરે જઈએ આ ત્રણ જ વસ્તુ લેવાની – પ્રકાશ, પાણી અને પાથરણું… અને હા, તેમનો થોડો સમય પણ!’ ડૉ. જિગર પટેલ પોતાના ખર્ચે ફક્ત અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં જ નહીં, બલ્કે છેક ઓસ્ટ્રેલિયા જઈને ભાવફેરી કરી આવ્યા છે. ભાવફેરીને તેઓ પોતાની ભક્તિનું એક્સપ્રેશન ગણે છે.

પાંડુરંગ શાસ્ત્રી પેલા પ્રલંબ ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મૂર્તિને ફૂલ ચડાવીએ એટલે શું ભક્તિ થઈ ગઈ? આરતી બોલો કે હાર પહેરાવો એટલે ભક્તિ થઈ એવું જ્યાં સુધી માનશો ત્યાં સુધી ભક્તિનો સાચો અર્થ ખબર નહીં પડે. ભક્તિ એ તો સામાજિક બળ છે, તત્ત્વજ્ઞાનનો સામાજિક ક્ષેત્રે કરેલો ઉપયોગ છે.’

એક થિયરી પ્રમાણે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ભારતના સૌથી અન્ડર-રેટેડ ફિલોસોફર છે. આ થિયરીમાં તથ્ય પણ છે. સ્વાધ્યાયની સાત્ત્વિક પ્રવૃત્તિઓ ચુપચાપ, સહેજ પર ઢોલનગારાં વગાડ્યાં વગર અવિરત ચાલે છે. અત્યંત લૉ-પ્રોફાઇલ હોવું તે આ પ્રવૃત્તિઓની સ્વભાવિકતા છે. અધ્યાત્મ સદીઓથી ભારતનો સોફ્ટ પાવર રહ્યો છે. આપણું ભારતીયપણું આ સોફ્ટ પાવરની ધરી પર ઊભું છે. જ્યાં સુધી ભારતની આધ્યાત્મિક તાકાત હેમખેમ છે ત્યાં સુધી આપણે બહુ ચિંતા કરવા જેવું નથી!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2020 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.