નંબર વન ન્યુઝ ચેનલ કેવી રીતે બનાય?
દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 29 એપ્રિલ 2020
ટેક ઓફ
દેશના વિરાટ મધ્યમવર્ગનો અવાજ બનવું, ચાંપલા લિબરલો અને લેફ્ટિસ્ટોની પરવા કર્યા વગર રાષ્ટ્રવાદ પર ફોકસ કરવું – અમેરિકાની ફૉક્સ ન્યુઝ ચેનલનો આ સક્સેસ મંત્ર છે.
* * * * *
આજકાલ ન્યુઝ એન્કર અર્ણવ ગોસ્વામી ખુદ ન્યુઝમાં છે. જે કારમાં તેઓ પોતાનાં પત્રકારપત્ની સાથે ઘરે જઈ રહ્યા હતા તેના પર હુમલો થયો હતો. અર્ણવ આમ તો એમની અતિ આક્રમક અને લાઉડ શૈલીને કારણે વર્ષોથી ચર્ચામાં છે. તેઓ અગાઉ અંગ્રેજી ન્યુઝ ચેનલ ટાઇમ્સ નાઉના એડિટર-ઇન-ચીફ હતા. હાલ રિપબ્લિક ટીવી (અંગ્રેજી) અને રિપબ્લિક ભારત (હિન્દી) ચેનલના માલિક વત્તા એડિટર-ઇન-ચીફ છે. અર્ણવ આ ત્રણેય ચેનલોને ટોચ પર પહોંચાડી શક્યા. અર્ણવ માટે હંમેશાં કહેવાયું છે કે તેઓ અમેરિકાની ફૉક્સ ન્યુઝ ચેનલથી ખાસ્સા પ્રભાવિત રહ્યા છે અને પોતાની ચેનલોને ચલાવતી વખતે તેઓ ફૉક્સ ન્યુઝ ચેનલના મૉડલને અનુસરે છે. અર્ણવ ખુદ હવે આ વાત સ્વીકારતા નથી તે અલગ વાત થઈ.
સીએનએન, એમએસએનબીસી, એનબીસી, એબીસી, ઓએએન (વન અમેરિકા ન્યુઝ નેટવર્ક), ફૉક્સ વગેરે અમેરિકાની પહેલી હરોળની ન્યુઝ ચેનલો છે. અમેરિકામાં સમાચાર જોતા દર્શકોના બે સ્પષ્ટ ભાગ થઈ ગયા છે. કન્ઝર્વેટિવ, મધ્યમવર્ગીય, રાઇટ-વિંગર અમેરિકનો ફૉક્સ ન્યુઝ જોવાનું પસંદ કરે છે, જ્યારે ડાબેરી વિચારધારા ધરાવતા લિબરલોને બાકીની ન્યુઝ ચેનલો વધારે માફક આવે છે. ફૉક્સ ન્યુઝ ચેનલ વ્યુઅરશિપની દૃષ્ટિએ અમેરિકાની ટોચની ન્યુઝ ચેનલ છે.
આ ચેનલ કેવી રીતે લોન્ચ થઈ ને વિકસી તે વાત ઇન્ટરેસ્ટિંગ છે. રોજર એઇલ્સ નામના એક મહાશય. અમેરિકાના રાજકીય પક્ષ રિપબ્લિકન પાર્ટી વતી પ્રેસિડન્ટ બનેલા રિચર્ડ નિક્સન, રોનાલ્ડ રેગન અને જ્યોર્જ બુશના મિડીયા કન્સલ્ટન્ટ તરીકે કામ કરવાનો તેમને વર્ષોનો અનુભવ. રોજર એઇલ્સ અને મિડીયા મોગલ રુપર્ટ મર્ડોકે એકબીજા સાથે હાથ મિલાવીને 1996માં ફૉક્સ ન્યુઝ નામની ન્યુઝ ચેનલ લૉન્ચ કરી. રોજર શરીરે દુંદાળા, પણ એમનું દિમાગ અતિ શાર્પ. સ્વભાવ તામસી. બીજાઓ પર બિન્દાસ આધિપત્ય જમાવે. ઑફિસની મિટીંગોમાં ગાળાગાળી કરી મૂકે. નવી ન્યુઝ ચેનલમાં પોતાને શું જોઈએ છે એ મામલે તેમના મનમાં કોઈ અવઢવ નહીં. પોતાની ટીમને તેઓ કહેલું કે, અત્યાર સુધી અમેરિકામાં ડાબેરી ઝોક ધરાવતી સીએનએન અને એનબીસી જેવી ચેનલોનું આધિપત્ય રહ્યું છે. પોતાને લિબરલ ગણાવતી આ ચેનલો દેશમાં ચાલતી રાજકીય અને અન્ય ગતિવિધિઓનું નરેટિવ સેટ કરતી આવી છે, પણ હવે આપણે અમેરિકાના મધ્યમ વર્ગના અવાજ બનવાનું છે. આ વર્ગ ખરેખર તો બહુમતીમાં છે. રોજરની સ્પષ્ટ બ્રિફ હતી કે ફૉક્સ ન્યુઝને આપણે એક રાષ્ટ્રવાદી ચેનલ તરીકે એસ્ટાબ્લિશ કરવાની છે.
છ જ મહિનામાં આખું માળખું ઊભું કરીને રોજર ઑક્ટોબર 1996માં ફૉક્સ ન્યુઝ ચેનલ શરૂ કરી દીધી. નાઇન ઇલેવન (11 સપ્ટેમ્બર 2001)ના ટરેરિસ્ટ અટેક વખતે ફૉક્સના કવરેજનો સૂર અન્ય ચેનલો કરતાં અલગ હતો. રોજર ઓડિયન્સને એ આપવા માગતા હતા, જે એમને સાંભળવું હતું, જોવું હતું. જોતજોતામાં અમેરિકાની નંબર વન ન્યુઝ ચેનલ બની ગયેલી ફૉક્સ ન્યુઝ ચેનલ રિપબ્લિકન પાર્ટીના મુખપત્ર જેવી ગણાવા માંડી, પણ રોજરને એની પરવા નહોતી. એમને તો ફૉક્સ ન્યુઝ ચેનલનો રાષ્ટ્રવાદી સૂર તીવ્ર બનાવતા જવામાં રસ હતો. કહે છે કે અમેરિકાના ધ્વજની પ્રિન્ટ ધરાવતા પિનવાળા બેજ પોતાના સ્ટાફમાં વહેંચીને રોજર એઇલ્સે સ્પષ્ટ સૂચના આપી દીધી હતી કે તમારે અમેરિકન ધ્વજવાળો આ બિલ્લો કાયમ છાતી પર પહેરી રાખવાનો. કોઈ સસ્તી મૉટલમાં કૉલગર્લ સાથે સેક્સ માણવા જાઓ ત્યારે પણ આ બિલ્લો દૂર નહીં કરવાનો!
એક થિયરી એવી છે કે લોકો ટીવી પર જ્યારે તેઓ કોઈ રાજકીય કે સામાજિક મુદ્દે રાડારાડી યા તો ઉગ્રતાભેર થતી રજૂઆત થતી જુએ ત્યારે તેઓ બે ઘડી માટે ખુદની તકલીફો ભૂલી જાય છે. તેમને આવેશયુક્ત ચર્ચાની લત લાગી જાય છે. સ્ક્રીન પર નાની લંબચોરસ બારીઓમાં પેનલિસ્ટોને બેસાડીને ઊંચા અવાજે ચર્ચા કરવાનું અર્ણવ ફૉક્સ ન્યુઝ પાસેથી શીખ્યા છે.
રોજર એઇલ્સ પર છ મહિલાઓએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આક્ષેપો કર્યા હતા. 2016માં રોજરે ફૉક્સ ન્યુઝના સીઈઓ તરીકે રાજીનામું આપવું પડ્યું. 2016માં જ તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પેઇનના મિડીયા એડવાઇઝર બનીને તેમને ડિબેટ માટે તૈયારી કરાવતા. 2017માં 77 વર્ષની વયે એમનું મૃત્યુ થયું.
છેલ્લે એક આડવાત. રોજર એઇલ્સના જીવન પરથી ‘ધ લાઉડેસ્ટ વૉઇસ’ નામની સાત એપિસોડની વેબ સિરીઝ બની છે. તેની ટેગલાઇન છે, ‘મીટ રોજર એઇલ્સ, ધ એક્સ-સીઇઓ ઑફ ફૉક્સ ન્યુઝ એન્ડ ધ મેન હુ ચેન્જ્ડ અમેરિકા’. આ જ શોની ઑર એક હૂક-લાઇન છેઃ ‘ધ મેન હુ ક્રિએટેડ ડોનાલ્ડ ટ્રમ્પ’. ટકલા, જાડિયા, માથાફરેલા રોજર એઇલ્સની મુખ્ય ભુમિકા ઑસ્કરવિનિંગ એક્ટર રસલ ક્રૉએ ભજવી છે.
દેશના વિરાટ મધ્યમવર્ગનો અવાજ બનવું, ચાંપલા લિબરલો અને લેફ્ટિસ્ટોની પરવા કર્યા વગર આમજનતાની પીડા અને લાગણીઓ પર ફોકસ કરવું – ફૉક્સ ન્યુઝ ચેનલનો આ સક્સેસ મંત્ર રહ્યો છે. અર્ણવ ગોસ્વામીની ચેનલોનો પણ.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2020 )
Leave a Reply