Sun-Temple-Baanner

જિંદગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


જિંદગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ


ટેક ઓફ – જિંદગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ

Sandesh – Ardh Saptahik Purty – 13 August 2014

ટેક ઓફ

* * * * *

શું જે દૃશ્યમાન છે તે જ ‘સત્ય’ છે? સ્વપ્નિલ ભાવસ્થિતિમાં નહીં પણ કદાચ ખુલ્લી આંખે દર્શન થઈ જાય તો સત્ય, સૌંદર્ય અને શાંતિનું રહસ્ય ખૂલી જાય છે. જરૂર હોય છે કેવળ આંતરિક ને આધ્યાત્મિક સજ્જતાની. આ સજ્જતા કેળવવામાં આખી જિંદગી નીકળી જાય છે.

કેવી હોઈ શકે ઈશ્વરના સાક્ષાત્કારની ક્ષણ? શું તે પળને અને તે અનુભૂતિને શબ્દોમાં બાંધી શકાય? જો વાત કવિ મકરંદ દવેની થઈ રહી હોય તો હા, આ શક્ય છે. મકરંદ દવે (જન્મઃ ૧૯૨૨, મૃત્યુઃ ૨૦૦૫) કશુંક ‘ભાળી ગયેલો’ કવિ છે. માનવમનની ગૂઢ આધ્યાત્મિક અનુભૂતિની મિમાંસા તેમના વગર શક્ય નથી – ગુજરાતી કાવ્યજગતના સંદર્ભમાં. આંગળી મૂકીને સ્પર્શી ન શકાય એવી છતાંય વજ્ર જેવી નક્કર દૈવી લાગણીઓનું આલેખન મકરંદ દવેએ કર્યું છે તેવું પ્રતીતિપૂર્ણ અને અસરકારક આલેખન અન્ય બહુ ઓછા કવિઓ કરી શક્યા છે. ‘હળવે ટકોરા’ નામની કવિતામાં તેઓ કહે છેઃ

દીવો રે ઓલવાયો અધમધ રાતનો,
થંભી ગઈ ઝૂલણ ખાટ,
બારણે ટકોરા પડયા તે સમે,
કોઈ જાણે જુએ મારી વાટ!
હળવા ટકોરા કોના હેતના?

મધરાત છે. કવિ નિદ્રાધીન થયા નથી, પણ તેઓ કદાચ ઓસરીમાં કે ફળિયામાં હીંચકા પર ઝૂલી રહ્યા છે. મનોમન પ્રભુસ્મરણ થઈ રહ્યું છે અથવા વિચારવલોણું ચાલી રહ્યું છે. અચાનક ઝૂલણ ખાટ થંભી જાય છે. ખાટ અહીં મનનું પ્રતીક છે. મન સ્થિર થતાં અચાનક બારણે ટકોરા પડે છે. આ બારણું બહાર નથી, ભીતર છે. ટકોરાની સાથે જ કશાંક સ્પંદન જાગે છે. આ ટકોરા બીજું કશું નહીં બલકે પરમ પિતાના હેતનો ધ્વનિ છે! ધ્વનિની સાથે કેટલાક પ્રશ્નો પણ રેલાય છે. કોણ ઊભું હશે હ્ય્દય-દ્વારની પેલી તરફ? કેવું હશે એનું રૂપ? કેવી હશે એની વાણી? એ અગમ દેશનો અતિથિ હશે એટલું તો નક્કી. દરવાજો ખોલતાં જ આંતરચક્ષુને પ્રભુનાં દર્શન થાય છે. તે ક્ષણે જે પ્રગટે છે તે છે કેવળ અને કેવળ નિર્ભેળ આનંદ. જુઓઃ

મુખ રે જોયું એક મલકતું
જોઈ એક ઝળઝળ મશાલ,
બીજું તે જોવાની કોને ઝંખના?
મનનો ઊંડે મત્ત ગુલાલ
હૈયે રે હિલોળા એના હેતના.

અંતરનાં દ્વાર ઊઘડતાં જ કવિને મુસ્કુરાતો ચહેરો ને ઝળહળતી મશાલ દેખાય છે અને બસ, જીવન જાણે ધન્ય ધન્ય થઈ જાય છે. બસ, અત્યાર સુધી જે કંઈ જિવાયું છે એની આ જ તો ઈતિ છે. આ જ તો લક્ષ્ય છે. વહાલાનાં દિવ્ય દર્શન થઈ ગયાં. બસ, હવે કોઈ ઝંખના નથી, કોઈ અપેક્ષા નથી.

મકરંદ દવે લિખિત આ કુળની અન્ય કેટલીય કવિતાઓની વાત ને વિવરણ ‘મકરંદ દવેની કવિતામાં રહસ્યવાદ’ પુસ્તકમાં થયાં છે. ડો. રાજેન્દ્રસિંહ રાયજાદાએ આ નાનકડું પણ સુંદર પુસ્તક લખ્યું છે. વાસ્તવમાં તે ‘અર્વાચીન ગુજરાતી કવિતામાં રહસ્યવાદ’વિષય પર લખેલા શોધનિબંધનો એક અંશ છે. મકરંદ દવે સાથે લેખકને સારો પરિચય. વાસ્તવમાં, નાથાલાલ જોશી અને મકરંદ દવેનું સાન્નિધ્ય માણવા માટે જ તેમણે ગોંડલમાં નોકરી સ્વીકારી હતી. એયને રોજ રાતે અગિયાર-બાર વાગ્યા સુધી સાહિત્ય ઉપરાંત અધ્યાત્મ, સાધના અને ચમત્કારી અનુભૂતિઓની અલકમલકની વાતો થયા કરે. આ ગોઠડીઓમાંથી જ આ પુસ્તક જન્મ્યું છે.

અગમનિગમ અને અધ્યાત્મની વાત આવે ત્યારે સહેજે સવાલ જાગે કે શું ગૂઢ તત્ત્વ અનિવાર્યપણે અદૃશ્ય જ હોય? જરૂરી નથી. કદાચ દૃશ્યમાન પદાર્થોમાં પણ ગૂઢ તત્ત્વો સમાયેલાં હોઈ શકે છે. તેને જોવાની દૃષ્ટિ કેળવવી પડે. પાઠ શીખવા પડે. કેવા પાઠ?

એક પાઠ પઢીને સૌ
ભેદ પામી ગયા અમે
કોયડા ગૂઢ અદૃશ્યે
નથી, દૃશ્યે સદા રમે.
અનંત તરતા રહી,

વાતો જે ગૂંથતા ગેબી
તેની તે ધૂળમાં અહીં
ધરામાં ધબકી રહેલાં
તરણાં મને કહી.

અહીં ‘ભાળી જવાની’ વાત છે. જો આંતરપ્રજ્ઞાા સતેજ હોય તો ગૂઢતાને સંવેદી શકાય છે, સેન્સ કરી શકાય છે. ગરજતું આકાશ,વરસતો વરસાદ, ભીંજાતી ધરતી, બીજમાંથી અંકુર ફૂટવા, વનસ્પતિનું વિકસવું – આ બધું અપાર વિસ્મય પમાડે એવું નથી શું?આ બધું શી રીતે બને છે તેના વૈજ્ઞાાનિક ખુલાસા આપી શકાય છે, પણ છતાંય એક પ્રશ્ન નાગની ફેણની જેમ સતત ડોલતો રહે છેઃ ઘટનાની શૃંખલાઓ તો જાણે બરાબર છે, પણ આ એવું તે શું છે જેના આધારે આ શૃંખલાઓ દિમાગ કામ ન કરે તેટલી ચોકસાઈથી ચાલતી થતી રહે છે? એ કયું ગેબી પ્રેરકબળ છે? કઈ ગૂઢ ચેતના છે? કવિ વાતને ઔર વળ ચડાવે છે-

સત્ય, સૌંદર્ય ને શાંતિ
રહસ્યોના રહસ્યમાં
વાતો બોલે સદા ખુલ્લી
અદૃશ્ય નહીં, દૃશ્યમાં.

તો શું જે દૃશ્યમાન છે તે જ ‘સત્ય’ છે? સ્વપ્નિલ ભાવસ્થિતિમાં નહીં પણ કદાચ ખુલ્લી આંખે દર્શન થઈ જાય તો સત્ય, સૌંદર્ય અને શાંતિનું રહસ્ય ખૂલી જાય છે. જરૂર હોય છે કેવળ આંતરિક ને આધ્યાત્મિક સજ્જતાની. આ સજ્જતા કેળવવામાં આખી જિંદગી નીકળી જાય છે.

જિંદગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ
અને જિંદગી તો સૂરજનું બિંબ,
આંસુના દરિયાની આંખો લૂછે છે અહીં
સોનેરી હ્રાસનો કિનારો.

મકરંદ દવે જિંદગીને ધુમ્મસના ગૂઢ પડદા તરીકે વર્ણવે છે. અંદરથી પ્રકાશ પ્રગટે યા તો ઈશ્વરનો અદીઠ સાથ સાંપડે તો જ આ ધુમ્મસ દૂર થાય. ઉપરવાળા કરતાં મોટો જાદુગર બીજો કયો હોવાનો ? રહસ્ય તત્ત્વની પ્રકૃતિ કરતાં બહેતર અભિવ્યક્તિ બીજી કઈ હોવાની. ડો. રાજેન્દ્રસિંહ રાયજાદા કહે છે તે પ્રમાણે, રહસ્યવાદ અથવા મિસ્ટીસિઝમ શબ્દના કેટલાય અર્થો અને સંદર્ભો છે. કોઈ એને ધર્મ અને અધ્યાત્મ સાથે જોડે છે. કોઈ મંત્ર, તંત્ર, ત્રાટક, ગૂઢવિદ્યા, જાદુ અને હિપ્નોટિઝમ સાથે રહસ્યવાદને જોડે છે. અમુક શબ્દકોશ પ્રમાણે રહસ્ય શબ્દનો અર્થ ખેલ, વિનોદ, મજાક, મશ્કરી, મૈત્રી અને પ્રેમ પણ થાય છે!

છેલ્લે, મકરંદ દવેની આ પંક્તિઓ જુઓઃ

પગલું માંડું હંુ અવકાશમાં
જોઉં નીચે હરિવરનો હાથ,
અજંપાની સદા સૂની શેરીએ
ગાતો આવે અદીઠો સંગાથ
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.

અવકાશ પગલું માંડવું એટલે ઉર્ધ્વગતિ કરવી. ઈશ્વર ભલે અદીઠ હોય, પણ તે સાથે જ છે, એણે મારો હાથ ઝાલ્યો છે તેવી પ્રતીતિ ખૂબ નક્કર હોઈ શકે છે. અંતિમ પંક્તિ ખૂબ સૂચક છે. જાગ્યા પછી એટલે કે ભાવસ્થિતિમાંથી બહાર આવ્યા પછી કવિને લાગે છે કે ફક્ત પોતે જ નહીં, બલકે કોઈ એકલું નથી! એક વાર ઈશ્વરીય તત્ત્વ સાથે સંધાન થઈ જાય પછી માણસને ક્યારેય એકલતા સતાવતી નથી.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2014 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.