જિંદગી ખૂબસૂરત છે, પણ હું તે જીવી શકું તેમ નથી
દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 7 ઓક્ટોબર 2020, બુધવાર
ટેક ઑફ
કન્ફેશનલ પોએટ્રીઃ પોતાની કૃતિમાં કલાકાર ખુદને કેટલો વ્યકત કરતો હોય છે? કરી શકતો હોય છે? કેટલું વ્યક્ત થવું ને કેટલું ઢાંકી રાખવું તે કલાકારે જાતે નક્કી કરવાનું છે.
* * * * *
કવિતાનો ધર્મ શો? ફોર ધેટ મેટર, કોઈ પણ કલાકૃતિનો ધર્મ શો? હસાવીને, રડાવીને, ડરાવીને, ચોંકાવીને, વિચારતા કરી મૂકીને ભાવકનું મનોરંજન કરવાનો? કે પછી, કલાકારના લાગણીઓ અને વિચારોને વ્યક્ત કરવાનો? કદાચ સૌથી અધિકૃત ઉત્તર આ જ છેઃ બન્ને. કલાકૃતિએ કલાકારની લાગણીઓને વાચા પણ આપવાની છે ને સાથે સાથે ભાવકની લાગણીઓને આંદોલિત પણ કરવાની છે. કલાકૃતિ જ્યારે માંહ્યલાના ઊંડાણમાંથી પ્રગટે છે ત્યારે કલાકારનાં સત્યો સપાટી પર આવીને દશ્યમાન થઈ જતાં હોય છે. એક કવિની રચના જ્યારે આ સત્યોને ધારણ કરે ત્યારે તે કન્ફૅશનલ પોએટ્રી બની જાય છે. આ સત્યો કદરૂપાં, ભયાવહ કે આઘાતજનક પણ હોઈ શકે છે.
કન્ફૅશન એટલે પોતાની સચ્ચાઈની કબૂલાત. કન્ફૅશનલ પોએટ્રી એ 1950-60 દરમિયાન અમેરિકામાં જન્મેલો સાહિત્યપ્રકાર છે. જે અડધોક ડઝન સર્જકોએ કન્ફૅશનલ પોએટ્રીને નક્કર ઘાટ આપ્યો એમાંનું એક નામ ઍન સેક્સટન નામની કવયિત્રીનું છે (જન્મઃ 1928, મૃત્યુઃ 1974). ત્રણ દિવસ પહેલાં, ચોથી ઑક્ટોબરે એમનાં મૃત્યુને 46 વર્ષ પૂરાં થયાં. ઍન સેક્સટને આત્મહત્યા કરી ત્યારે એમની ઉંમર પણ 46 વર્ષ હતી. ઍનને એમના ‘લિવ ઓર ડાઇ’ સંગ્રહ માટે પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું હતું. પોતાની કવિતાઓ તેઓ અંગતમાં અંગત, પ્રતિબંધિત કહેવાય એવા વિષયો પર બેધડક લખતાં. તેઓ ડિપ્રેશન અને બાઇપોલર ડિસઑર્ડર જેવી ગંભીર માનસિક બીમારીઓનો ભોગ બન્યાં રહ્યાં. એમની કવિતાઓમાં આ બીમારીઓએ પેદા કરેલી પીડા, પોતાના જાતીય શોષણ, પતિ-પ્રેમીઓ-સંતાનો સાથેના સંબંધો, વ્યભિચાર, ડિવોર્સ, પોતાની આત્મઘાતક વૃત્તિ વગેરેની વાતો તીવ્રતાપૂર્વક વ્યક્ત થતી.
ઍન સેક્સટન પોતાના જીવનકાળ દરમિયાન જ મશહૂર થઈ ચૂક્યાં હતાં. ઇવન આજે પણ સાહિત્યિક વર્તુળોમાં એમની કવિતાઓ વિશે જોરશોરથી ચર્ચા થતી રહે છે. 19 વર્ષની ઉંમરે એમણે લગ્ન કરી લીધાં હતાં. પછી તેઓ ફૅશન મોડલ બન્યાં. પહેલા સંતાનના જન્મ પછી તેઓ ડિપ્રેશન સરી પડેલાં, એટલી હદે કે તેમને ન્યુરોસાઇકિએટ્રિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં. એમણે કેટલીય વાર માનસિક રોગોનો ઇલાજ કરતી હોસ્પિટલોમાં એડમિટ થવું પડ્યું હતું. મૃત્યુ પામ્યાં ત્યાં સુધી તેઓ માનસિક બીમારીઓ સામે ઝૂઝતાં રહ્યાં. ઇન ફૅક્ટ, કવિતાની દુનિયામાં તેમનો પ્રવેશ માનસિક બીમારીઓને કારણે જ થયો હતો. એમના થેરાપિસ્ટે સૂચન કર્યું હતું કે ઍન, તારા મનમાં જે કંઈ વિચારોનો વંટોળિયો ફૂંકાતો હોય, તને જે ફીલ થતું હોય, તને સપનાંમાં જે દેખાતું હોય તે બધું તું કાગળ પર ઉતારતી જા. ઍન સેક્સટને થેરાપીના ભાગ રૂપે આ બધું લખવાનું શરૂ કર્યું. એમનું લખાણ વાંચીને થેરાપિસ્ટ ખૂબ પ્રભાવિત થયા. એમણે કહ્યું, ઍન, તું બહુ સરસ લખે છે, તું હજુ વધારે લખ. આ લખાણોએ ઍન સેક્સટનને સ્થાનિક કવિ-લેખકોના જૂથમાં પ્રવેશ અપાવ્યો. ચિકિત્સાના ભાગ રૂપે લખાયેલાં લખાણોમાંથી એમનું પહેલું પુસ્તક ‘ઇન બેડલમ એન્ડ પાર્ટ વે બૅક’ (1960) પ્રગટ થયું. પછી ક્રમશઃ બીજાં પુસ્તકો આવતાં ગયાં. એક કવિતામાં તેઓ લખે છે –
હું તારા મોઢામાં તેં આપેલાં વચનો
ઠાંસી રહી છું
અને પછી એ બધાની તું મારા મોં પર ઊલટીઓ કરે છે
તે હું જોઈ રહી છું.
ખાસ્સી અપ્રિય કે કુત્સિત લાગે એવી આ પંક્તિઓ છે, પણ ઍન સેક્સટને આ પ્રકારની કન્ફૅશનલ કવિતાઓ કેવળ શૉક વેલ્યુ પેદા કરવા માટે લખતાં નહોતાં. એમની કન્ફૅશનલ કવિતાઓમાં સચ્ચાઈનું પોત રહેતું. સર્જનાત્મક કલાકૃતિ તરીકે તેમનાં કાવ્યો સશક્ત પૂરવાર થતાં. એટલેસ્તો આટલા દાયકાઓ પછી ઍન સેક્સટન રિલેવન્ટ લાગે છે.
પોતાની કૃતિમાં કલાકાર પોતાની જાતને કેટલો વ્યકત કરતો હોય છે? કરી શકતો હોય છે? કેટલું વ્યક્ત થવું ને કેટલું ઢાંકી રાખવું તે કલાકારે જાતે નક્કી કરવાનું છે. અભિવ્યક્તિ છેતરામણી પણ હોઈ શકે છે. કલાકાર પોતે જે નથી તે પણ ‘વ્યક્ત’ કરતો હોય, એવું બને. જોકે ખુલ્લા થવાનો દેખાવ કરીને ચતુરાઈપૂર્વક ઢાંકી રાખતો માણસ લહિયો અથવા સ્માર્ટ કારીગર છે, તે કલાકાર બની શકતો નથી.
કન્ફૅશનલ કાવ્યો ગુજરાતીમાં પણ લખાતાં આવ્યાં છે. પન્ના નાયકથી લઈને મનીષા જોશી સુધીની દરજ્જેદાર ગુજરાતી કવયિત્રીઓની કેટલીય રચનાઓને વિવેચકોએ કન્ફૅશનલ પોએટ્રીનું નામ આપ્યું છે. કલાનો ધર્મ જ કલાકારની અંતરતમ લાગણીઓને અભિવ્યક્તિ આપવાનો છે. મન-હૃદયનાં ઊંડાણમાંથી પ્રગટેલી કલાકૃતિ – પછી એ કવિતા, વાર્તા, પેઇન્ટિંગ, સિનેમા – કંઈ પણ હોય, તેની મૂળભૂત પ્રકૃતિ કન્ફૅશનલ જ નથી હોતી શું?
ઍન સેક્સટનનું અપમૃત્યુ એમની કવિતાઓ જેવું જ વિચલિત કરી દેનારું પૂરવાર થયું. તેઓ પોતાના ઘરના ગેરેજમાં પૂરાઈ ગયાં, કારનું ઍન્જિન ચાલુ કરી દીધું. ધીમે ધીમે ગેરેજમાં કાર્બન મોનોક્સાઇડ જમા થવા લાગ્યો. આ વાયુના ઝેરથી એમનો જીવ ગયો. જીવતાં હતાં ત્યારે કેટલીય વાર તેઓ મરવાની વાતો લખી ચૂક્યાં હતાં. જેમ કે પોતાની જાતને ઉદ્દેશીને લખેલું આ લખાણ –
‘ઍન, મારે જીવવું નથી. જો, સાંભળ. જિંદગી ખૂબસૂરત છે, પણ હું તે જીવી શકું તેમ નથી. હું તને સમજાવી શકતી નથી. મને ખબર છે, સાંભળવામાં આ ગાંડુંઘેલું લાગશે… પણ જો તને ખબર હોત કે મને કેવું લાગે છે, તો તું આવું ન વિચારત. જીવવું, હા, જીવતા હોવું, પણ જીવી ન શકવું… હું પેલા ખડક જેવી છું, જે જીવ્યા જ કરે છે, વાસ્તવથી કપાઈને… ઍન, તું કશું જાણે છે, તું સાંભળી શકે છે? હું આશા રાખું છું કે… અથવા મને લાગે છે, મને એવી આશા છે કે, હું કોઈક એવા કારણસર મરું જેના માટે મને પછી ગર્વ થાય, પણ ન મરી શકવું, અને છતાંય… અને છતાંય એક દીવાલની પાછળ ધકેલાઈ જવું ને બધાને એકબીજા સાથે હળતામળતા જોતા રહેવું… હું આ કરી શકતી નથી… એ ધુમ્મસ જેવી દીવાલની પાછળ બોલતા રહેવું, જીવવું પણ કશેય ન પહોંચવું અથવા ખોટી જગ્યાએ પહોંચવું… બધું જ ખોટું કરવું… તું માનીશ? (માની શકીશ?)…. શું ખોટું છે એ? મારે ભળવું છે. હું એવી યહૂદી વ્યક્તિ જેવી છું જેણે ખોટા દેશમાં જન્મ લઈ લીધો છે. હું મારી આસપાસના વાતાવરણનો હિસ્સો નથી. હું મારી આસપાસના સમુદાયની સભ્ય નથી. હું થીજી ગઈ છું.’
આ લખાણ ખરેખર આત્મહત્યા કરી ચૂકેલી વ્યક્તિએ લખ્યું છે તેવી પ્રતીતિ ધ્રૂજાવી મૂકે તેવી છે!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2020 )
Leave a Reply