Sun-Temple-Baanner

કવિ કાન્તકથાઃ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરતાં પહેલાં અને પછી


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કવિ કાન્તકથાઃ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરતાં પહેલાં અને પછી


કવિ કાન્તકથાઃ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરતાં પહેલાં અને પછી

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 25 ડિસેમ્બર 2019, બુધવાર

ટેક ઓફ

‘ફરી ફરીને વિચારતાં પણ મારી ધાર્મિક માન્યતા મને ખોટી લાગતી નથી… પણ પત્ની અને બાળકોને પરાણે દાખલ કરવામાં મને કો’ક વાર પાપ જેવું લાગે છે.’

* * * * *

મણિશંકર રત્નજી ભટ્ટને તમે કદાચ ન ઓળખતા હો એવું બને, પણ કવિ કાન્તને તમે બરાબર ઓળખો છો. જો તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હશો તો પાઠ્યપુસ્તકના ભાગરૂપે એમણે લખેલી કવિતા પણ ભણી હશે. કવિ કાન્ત ખાસ કરીને એમના કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’ને કારણે ગુજરાતી સાહિત્યનું એક અમર નામ બની ગયા છે. છેક 1867માં એટલે કે આજથી 152 વર્ષ પહેલાં અમરેલી જિલ્લામાં એમનો જન્મ. નાગર પરિવારમાં જન્મેલા કવિ કાન્તના જીવનમાં એવું તે શું બન્યું કે એમણે ઈશુ ખ્રિસ્તનો ધર્મ અપનાવી લીધો?

વડોદરાની કૉલેજમાં સાહિત્યશાસ્ત્રના પ્રોફેસર બની ગયા પછી, કવિ તરીકે ગુજરાતી સાહિત્યજગતમાં પ્રસ્થાપિત થઈ ગયા પછી એક કરૂણ બનાવ બન્યો જેણે એમના જીવનને મૂળમાંથી હલાવી નાખ્યું. તે હતું એમની પત્ની નર્મદાનું મૃત્યુ. પત્ની પ્રત્યે એમને અનહદ પ્રેમ હતો. ચોવીસ વર્ષની ઉંમરે વિધુર બની ગયેલા કાન્ત પત્નીવિરહને કારણે જ ઇમેન્યુએલ સ્વીડનબોર્ગના વિચારો તરફ ખેંચાયા હતા.

સ્વીડનબોર્ગ એટલે સ્વીડિશ થિયોલોજિસ્ટ અને ગૂઢ તત્ત્વોમાં માનનારા ચિંતક. તેમનો દાવો હતો કે એમનું ‘સ્પિરિચ્યુઅલ અવેકનિંગ’ થઈ ચુક્યું છે એટલે કે આત્મજ્ઞાન લાધી ચુક્યું છે. એમણે ઘોષિત કર્યું હતું કે સ્વયં જિસસ ક્રાઇસ્ટે એમને ખ્રિસ્તી ધર્મમાં સુધારા આણવા માટે ‘ધ હેવનલી ડૉક્ટ્રીન’ (દૈવી સિદ્ધાંત અથવા દૈવી શિક્ષણ) લખવાનો આદેશ આપ્યો છે. સ્વીડનબોર્ગનું એવુંય કહેવું હતું કે ઈશુ ખ્રિસ્તે મારાં દિવ્ય ચક્ષુ ખોલી આપ્યાં છે તેથી હું ઇચ્છું ત્યારે સ્વર્ગ અને નર્કમાં આવ-જા કરી શકું છું અને આત્માઓ, ફરિશ્તાઓ, અસૂરી તત્ત્વો સાથે વાતચીત કરી શકું છું. સ્વીડનબોર્ગે ઘણું લખ્યું છે, જેમાંથી ‘આફ્ટરલાઇફ’ અને ‘હેવન એન્ડ હેલ’ નામનાં પુસ્તકો મુખ્ય છે. સ્વીડનબોર્ગની થિયરી એવી છે કે માણસને દૈહિક અવતાર તો એક જ વાર મળે છે, પણ આધ્યાત્મિક વિશ્વમાં એ કેટલીય વાર જન્મે છે. એમની ઑર એક થિયરી એવી હતી કે મનુષ્ય અવતારમાં જો પતિ-પત્નીનો જીવ મળી ગયો હોય તો સ્વર્ગમાં એમના આત્માનું મિલન જરૂર થાય છે. સ્વીડનબોર્ગ તરફ કવિ કાન્ત આકર્ષાયા તેનું મુખ્ય કારણ આ થિયરી હતી.

પત્નીનું નિધન થયું ત્યારે પુત્ર પ્રાણલાલ બહુ નાનો હતો. કવિમિત્ર બળવંતરાય ઠાકોર અને અન્યોની સમજાવટથી કવિ કાન્ત ફરી પરણ્યા. યોગાનુયોગે બીજી પત્નીનું નામ પણ નર્મદા હતું. સ્વીડનબોર્ગના વિચારોનો પ્રભાવ બીજાં લગ્ન પછી ઓસર્યો નહીં. સ્વીડનબોર્ગે ‘ધ ન્યુ ચર્ચ’ નામના પંથની સ્થાપના કરી હતી. વડોદરામાં એ જમાનામાં આ પંથ સક્રિય હતો. કાન્ત ખ્રિસ્તી ધર્મ તરફ આકર્ષાતા ગયા. સંભવતઃ મનોમન તેમણે એ જ વખતે ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો.

જીવન પર એક પછી એક સંઘાત થતાં જ રહે તો કોમળ દિલનો માણસ તે સહન કરી શકતો નથી. કવિ કાન્ત એકત્રીસ વર્ષના થયા ત્યારે પુત્ર પ્રાણલાલનું મોત થયું. જેનામાં માતૃત્વ કે પિતૃત્વનું તત્ત્વ અત્યંત તીવ્ર હોય એવી વ્યક્તિ સંતાનનું મોત થતાં સાવ તૂટી જાય છે, વેરવિખેર થઈ જાય છે. પુત્ર પ્રાણલાલના નિધન પછી કવિ કાન્તે લખ્યું હતુઃ

‘ચિરંજીવી પ્રાણલાલની હયાતી અને સુખ સિવાય મારી બીજી કશી સ્પૃહા નથી, કશું જીવિત પ્રયોજન નથી. દુનિયાના સુખથી હું બેદરકાર છું.’

આ પ્રકારની માનસિક આબોહવામાં માણસને ભાગ્ય, જીવનનો અર્થ, સુખનું સ્વરૂપ, દુખનું સ્વરૂપ, પોતાની અસલી ઓળખ વગરે જેવા અસ્તિત્ત્વાદી પ્રશ્નો થવાના જ… અને આ પ્રશ્નોના ઉત્તર મેળવવા ઘાંઘો બનેલો માણસ આત્યંતિક પગલાં ભરી બેસે, એવું બને. કવિ કાન્ત માટે ધર્માંતર કદાચ આવું જ એક પગલું હતું. એમનામાં જાહેરમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવાની હિંમત આવી. 1900ની સાલમાં ત્રેંત્રીસ વર્ષની વયે એમણે વિધિવત ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો.

કવિ કાન્તના જીવન પર નજર નાખતાં લાગે કે તેઓ સમગ્રપણ ધર્મ તત્ત્વ પ્રત્યે હંમશાં ઉત્સુક રહ્યા છે. શીખ ધર્મનો અભ્યાસ કરવા તેઓ પંજાબ ગયા હતા ને પછી ‘ગુરુ ગોવિંદસિંહ’ નામનું નાટક લખ્યું હતું. એમણે એકલપંડે હિમાલયભ્રમણ પણ ખૂબ કર્યું હતું. આ સઘળું કવિ કાન્તની ધર્મજિજ્ઞાસા સૂચવે છે. ‘વટલાઈ જવું’ એક અપમાનજનક શબ્દપ્રયોગ છે. એમાંથી અજ્ઞાન, લાચારી કે ષડયંત્રની દુર્ગંધ આવે છે. કવિ કાન્ત પર કોઈ પ્રકારની બળજબરી થઈ નહોતી. એમનું ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનું પગલું સંપૂર્ણતઃ સ્વૈચ્છિક હતું.

કવિ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો એટલે ખળભળી ગયેલા સમાજે એમને ન્યાત બહાર મૂક્યા. કાન્તના ધર્માન્તર વિશે ‘ગુજરાતી’, ‘દેશભક્ત’ જેવાં સામયિકોમાં ખૂબ બધા ચર્ચાપત્રો લખાયા. મિત્ર બળવંતરાય ઠાકોરે સુધ્ધાં મોઢું ફેરવી લીધું. એમણે તો ‘હિન્દુ ધર્મનો તૂટતો ગઢ’ નામનું સોનેટ સુધ્ધાં લખી નાખ્યું હતું. મહારાજા સયાજીરાવ અને પ્રભાશંકર પટ્ટણી જેવા રાજકારભારીઓ કાન્તના વિરોધી બની ગયા. અમુક મિત્રો જોકે એવા હતા, જે કાન્તને ધર્માંતર પછી પણ ચાહતા રહ્યા. કવિ કલાપી એમાંના એક. કાન્ત મિત્રોને પત્રોમાં પોતાના અંગત તેમજ ધર્મજીવનની વાતો નિખાલસપણે લખતા. નવેમ્બર 2017માં સાહિત્ય સામયિક ‘પરબ’એ કવિ કાન્ત પર વિશેષાંક બહાર પાડ્યો હતો, જેમાં કવિના પત્રવ્યવહાર વિશે એક સુંદર લેખ છે. એક કાગળમાં કાન્ત લખે છેઃ

‘…જ્ઞાતિ બહાર થવાનાં દુખોનો મારો અનુભવ હું તમને જણાવીશ… ઓ બન્ધુ, ખાત્રીથી માનજો, અને તમને પૂરતો અનુભવ થશે કે ભાઈઓ, સંબંધીઓ અને સ્નેહીઓ તો શું, પણ પત્ની સુધ્ધાં સત્યની ખાતર બલિદાન થવાનો તમારો વિચાર હશે, તો તમને સમજી શકશે નહીં. તમે જો સ્નેહના ભૂખ્યા હશો, તો તમારા આત્માને અતીશય અને તીવ્ર વેદનાઓ થશે. તમારા ખાનગી જીવનાં વિષપ્રવેશ થશે.’

બીજા એક કાગળમાં કહે છેઃ

‘આ જગતમાં, સ્નેહમાં જ સાચું સુખ છે અને છતાં સ્નેહ, સ્નેહીને સુખી કરતાં દુખી વધારે કરે છે.’

કવિ કાન્ત સત્તર વર્ષ ખ્રિસ્તી રહ્યા. આ સમયગાળા દરમિયાન એક પત્રમાં એમણે લખ્યું છેઃ

‘હું મારા મગજને વ્યાધિગ્રસ્ત માનું છું. તે એક તો આવા પ્રશ્નો માટે અને બીજું એટલા માટે કે મને કશામાં રસ લાગતો નથી, પણ શૂન્યવત્ બેસી રહું છું. વચ્ચે તો આવી સ્થિતિ જારી રહેતા જડતા કે ઉન્માદ સુધી વાત જશે એવી ભીતિ હતી પણ હવે તે દૂર થઈ છે અને હું ધીમે ધીમે પણ સ્પષ્ટ સબળ થતો જાઉં છું.’

ધર્માંતરની ઘટના કાન્તના સ્વજનો માટે ખૂબ આકરી પૂરવાર થઈ હતી. બીજી પત્નીથી થયેલા બે પુત્રોને કોઈ દીકરી આપવા તૈયાર નહોતું, એમની દીકરીનો હાથ ઝાલવા કોઈ તૈયાર નહોતું. એમની તકલીફ કાન્તથી જોવાતી નહોતી. એક પત્રમાં એમણે લખ્યું છેઃ

‘મારી માનસિક સ્થિતિ ખરેખર વિષમ થઈ પડી છે. ફરી ફરીને વિચારતાં પણ મારી ધાર્મિક માન્યતા મને ખોટી લાગતી નથી… પણ પત્ની અને બાળકોને પરાણે (ખ્રિસ્તી ધર્મમાં) દાખલ કરવામાં મને કો’ક વાર પાપ જેવું લાગે છે. પત્ની જ્ઞાતિને જ ચાહે છે, તો તેને માટે જે કરવું પડે તે કરવાની મને ફરજ લાગે છે. અત્યાર સુધીમાં તેને ઘણું ખમવું પડ્યું છે, તો હવે તેનું દુખ ખમવું પડ્યું છે, તો હવે તેનું દુખ ઓછું થાય તે જોવાને ઉત્સુક છું.’

કવિ કાન્તે ક-મને ખ્રિસ્તી ધર્મને તિલાંજલિ આપીને પુનઃ હિન્દુ ધર્મમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો. આ પગલું પણ ક્યાં આસાન હતું. તેમને પ્રાયશ્ચિત કરવું હતું, પણ પ્રાયશ્ચિત કરાવવા તૈયાર થતું નહોતું. માંડ માંડ કોઈ મળ્યું ને કાન્ત હિંદુ ધર્મમાં પુનઃ પ્રવેશ કરી શક્યા. મૂળ ધર્મમાં પાછા ફર્યા પછીય ખ્રિસ્તી ધર્મ પ્રત્યેનું આકર્ષણ ઓછું ન થયું. એમણે આ ગાળામાં જ સ્વીડનબોર્ગનાં પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યાં (‘સ્વર્ગ અને નર્ક’, ‘નવું યારૂશાલેમ અને તેના સ્વર્ગીય સિદ્ધાંતો’ અને ‘સેન્ટ જ્હોનનું ભાગવત’). તેઓ મિત્રોને સ્વીડનબોર્ગનું સાહિત્ય વાંચવાની ભલામણ કરતા. સ્વીડનબોર્ગના વિચારોનો પ્રસાર કરવા માટે તેમણે ‘હિન્દી સ્વીડનબોર્ગ સોસાયટી’ની સ્થાપના પણ કરી હતી.

કાન્તે સમગ્ર સર્જકજીવન દરમિયાન ગીત, સોનેટ, મુક્તક વગેરે પદ્યપ્રકારોમાં સર્જન કર્યું છે, પણ તેમનું અવિસ્મરણીય પ્રદાન ખંડકાવ્યોમાં છે. ‘અતિજ્ઞાન’, ‘ચક્રવાક મિથુન’, ‘વસંતવિજય’, ‘મૃગતૃષ્ણા’, ‘રમા’ વગેરે તેમના પ્રસિદ્ધ ખંડકાવ્યો છે. કવિ કાન્તના અંગત જીવન પર પ્રહારો સતત થતા રહ્યા. બીજી પત્ની અને પુત્રી હૃદયલક્ષ્મીનું મોત જોવાનું પણ એમના નસીબમાં લખાયું હતું. અંતિમ વર્ષોમાં તેઓ ઋષિકેશમાં ગીતા પર પ્રવચનો કરતા. 1923માં કાશ્મીરથી પાછા ફરતી વખતે ટ્રેનમાં તેમનું નિધન થયું.

ધર્મ આખરે તો માનવસર્જિત વ્યવસ્થા છે, પ્રકૃતિસર્જિત વ્યવસ્થા નહીં. માણસનું આંતરિક બંધારણ એને અન્ય ધર્મમાં સક્રિય રસ લેતાં પ્રેરે, તેવું બને. કવિ કાન્તનું જીવન આ હકીકતનું બોલકું ઉદાહરણ છે.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2019 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.