એક ડૉક્ટરની કૅન્સરકથા
—— ટેક ઓફ – દિવ્ય ભાસ્કર ——————
‘જે માસૂમ બચ્ચાને તમે ટ્રીટમેન્ટ આપી રહ્યા હો તે તમારી ગોદમાં છેલ્લા શ્વાસ લે છે… અને પછી તમે તમારી ચેમ્બરમાં જઈને ચુપચાપ એકલા એકલા રડી લો છો.’
—————————————————————-
‘મમ્મીની તબિયત કેમ છે?’
હોસ્ટેલમાં રહીને દસમું ભણી રહેલો એક તરૂણ રજાઓમાં ઘરે જાય ત્યારે અચાનક તેના કાને આ સવાલ અથડાય છે. પ્રશ્ન પૂછનાર પરિચિત વ્યક્તિના ચહેરા પર ગંભીરતા હોય, અવાજમાં ચિંતા છલકાતી હોય. તરૂણ સ્થિર થઈ જાય. એને સમજાય નહીં કે મને શા માટે આ સવાલ અવારનવાર પૂછવામાં આવે છે. ‘કેમ? મમ્મીને તો સારું જ છે…’ છોકરો મૂંઝાઈને જવાબ આપે. પૂછનાર વ્યક્તિ અર્થગંભીર ખામોશી ઓઢી લે.
આ ખામોશીનો ભેદ થોડા મહિનાઓ પછી ઉકેલાયો. છોકરાને ખબર પડે છે કે એની મમ્મીને ગર્ભાશયના મુખનું કૅન્સર થયું છે. ‘મારી સિસ્ટમમાં કૅન્સર નામનો શબ્દ આ રીતે ઇન્સ્ટૉલ થયો હતો,’ એક યુવાન કૅન્સર સ્પેશિયલિસ્ટ વાતચીતની શરૂઆત કરે છે, ‘મમ્મીને લઈને ડૉક્ટરો પાસે જવું, હૉસ્પિટલના વેઇટિંગ એરિયામાં ને લૉબીઓમાં કલાકો સુધી રાહ જોતાં બેસી રહેવું, જાતજાતની ટ્રીટમેન્ટ કરાવવી… કૅન્સરને મેં બહુ નિકટથી જોયું છે. કૅન્સર પેશન્ટના પરિવારની વેદનામાંથી હું ખુદ પસાર થઈ ચૂક્યો છું.’
આ કૅન્સર સ્પેશિયલિસ્ટને કૅન્સર જેવી કંઈકેટલીય ગંભીર બીમારીઓને ટ્રીટ કરતા તમામ ડૉક્ટરોના પ્રતિનિધિ સમજો. (એમના વિશે થોડી વિગતો લેખને અંતે આપી છે.) આપણા કાને કૅન્સર પેશન્ટ્સ અને એમના પરિવારજનોની વેદના સતત પડે છે, પણ ડૉક્ટરોની સંવેદનાઓથી આપણે અજાણ રહી જઈએ છીએ. આજનો 24 સપ્ટેમ્બરનો દિવસ વર્લ્ડ કૅન્સર રિસર્ચ ડે તરીકે ઉજવાય છે. આ નિમિત્તે આ કૅન્સર સ્પેશિયલિસ્ટની વાતો ધ્યાનથી સાંભળવા જેવી છે.
એમબીબીએસમાં ગોલ્ડમેડલ મેળવ્યા બાદ તેમણે જનરલ સર્જરીમાં માસ્ટર ડિગ્રી મેળવી અને પછી સ્વયં કૅન્સરના સુપર સ્પેશિયલિસ્ટ બન્યા, પણ તેઓ ઓન્કોલોજી સર્જન બને તેના થોડા મહિના પહેલાં જ નવેસરથી ઉથલો મારેલા કૅન્સરે તેમની માતાનો જીવ લઈ લીધો. જે બીમારીની સારવારની તાલીમ લેવામાં વર્ષો વીતાવ્યાં હોય એ જ બીમારી સગી જનેતાનો જીવ ખેંચી લે ત્યારે સઘળું અર્થહીન લાગવા માંડે, પણ આ યુવા ડૉક્ટરને પોસ્ટ ગ્રેજ્યુએશનનું ભણાવતા એક સિનિયરે મુદ્દાની વાત કરીઃ મમ્મીના મોતને તારી નબળાઈ નહીં, તારી તાકાત બનાવ. તારી પાસે આવતો દરેક કૅન્સર પેશન્ટ તારું સ્વજન હોય તે રીતે ટ્રીટ કર, યુ વિલ ફીલ બેટર. ‘આ સમજાવટ કામ કરી ગઈ,’ તેઓ કહે છે, ‘ધીમે ધીમે મને સમજાતું ગયું કે ડૉક્ટર એ હોય છે, જે દર્દીને જીવન આપવાનું નહીં, પણ જીવનને બહેતર બનાવવાનું કામ કરે છે. મરવાનું તો સૌએ છે, પણ ડૉક્ટર દર્દીને સારું મોત અથવા ઓછું પીડાદાયી મોત આપી શકે છે.’
આ યુવા સ્પેશિયલિસ્ટ મહિને કૅન્સરના સરેરાશ 4-થી 45 પેશન્ટ્સ પર સર્જરી કરે છે. કોરોના લૉકડાઉન દરમિયાન જોખમ વચ્ચે પણ તેમણે બસ્સો દર્દીઓની સારવાર કરી હતી. તેઓ કહે છે, ‘નવા દર્દીને ‘તમને કૅન્સર થયું છે’ એવા માઠા સમાચાર આપવાનું કામ હજુય બહુ જ અઘરું લાગે છે. ‘કૅન્સર’ શબ્દ કાને પડતાં જ દર્દી અને એના કુટુંબીઓ સુન્ન થઈ જાય છે. અમારે દર્દી અને તેના પરિવારની સાઇકોલૉજી સમજવી પડે. દર્દી કેટલો મજબૂત કે ઢીલો છે તે ધ્યાનમાં રાખવું પડે. કોઈ દર્દી આ સાંભળતાં જ રડી પડે. કોઈનું બ્લડપ્રેશર લૉ થઈ જાય. ક્યારેક દર્દી એકલો જ આવ્યો હોય, કોઈ દોસ્તારને સાથે લાવ્યો હોય. કોઈ પેશન્ટ તો પરિવારને છેક સુધી જાણ જ થવા ન દે. પોતાના રોગથી પૂરેપૂરા વાકેફ હોવું તે પ્રત્યેક દર્દીનો કાનૂની અધિકાર છે. ડૉક્ટર જો એને પૂરી વાત ન કરે તે એક મેડિકો-લીગલ ઈશ્યુ બની શકે. દર્દીને એના કૅન્સરની ખબર આપતી વખતે અત્યંત સાવધાની રાખવી પડે. ફૂંકી ફૂંકીને પગલાં ભરવા પડે. તલવારની ધાર પર ચાલવા જેવું કપરું આ કામ છે.’
આ કૅન્સર સ્પેશિયલિસ્ટ બડા ઝિંદાદિલ, ખુશમિજાજ અને રમતિયાળ માણસ છે, પણ તેઓ જ્યારે દિલ ખોલીને ડૉક્ટરોની મનઃસ્થિતિ વિશે વાત કરે છે ત્યારે તમે હલી જાઓ છો.
‘તમારી દસમાંથી આઠ સર્જરી સફળ થાય તો પણ મૃત્યુ પામેલા પેલા બે પેશન્ટ્સ વારે વારે યાદ આવ્યા કરે, તમે એનો બોજ અનુભવતા રહો. કલ્પના કરો કે તમારે પંદર વર્ષની તરૂણીને બચાવવા માટે એનું ગર્ભાશય કાઢી લેવાનું છે, એને અને તેના પરિવારને કહેવાનું છે કે આ છોકરી હવે ક્યારેય મા નહીં બની શકે, ધીમે ધીમે એના શરીરમાં હોર્મોન્સ બનવાનું ઓછું થતું જશે, એનું સ્ત્રીત્વ મૂરઝાતું જશે… તમારા ખોળામાં નાનકડો આઠ-દસ વર્ષનો છોકરો હોય ને એ લોહીની એટલી બધી ઉલટીઓ કરતો હોય કે અડધી ડોલ ભરાઈ જાય. જે માસૂમ બચ્ચાને તમે લાંબા સમયથી ટ્રીટમેન્ટ આપી રહ્યા હો તે તમારી ગોદમાં છેલ્લા શ્વાસ લે… અને પછી તમે તમારી ચેમ્બરમાં જઈને ચુપચાપ એકલા એકલા રડી લો છો.’
એક કૅન્સર સ્પેશિયલિસ્ટ રોજેરોજ મોતના ઓછાયા જુએ છે. નેગેટિવિટીનો ચક્રવાત એની આસપાસ એકધારો ફૂંકાતો રહે છે. એણે આ નકારાત્મકતાને ચુપચાપ શોષી લેવાની છે ને સતત પોઝિટિવ બનીને દર્દીને હિંમત આપવાની છે, એને સલામતીનો અહેસાસ કરાવવાનો છે. વર્ષોના અનુભવને કારણે ડૉક્ટરમાં પ્રોફેશનલ સ્વસ્થતા વિકસી જાય, ટેવાઈ જાય, તોય આખરે તો એ માણસ છો, મશીન નથી. જે નેગેટિવિટી વચ્ચે કૅન્સરનો ડૉક્ટર સતત શ્વાસ લેતો હોય તેની એના પર સહેજ પણ અસર ન થાય એવું કેવી રીતે બને?
અતિ વ્યસ્તતાને કારણે પરિવાર માટે સમય ફાળવી ન શકાય, છતાંય સેંકડો પેશન્ટ્સ સાથે બંધાયેલો અંતરંગ સંબંધ જાળવી રાખવાનો છે. હજુય પ્રોઢ વયની સ્ત્રી કૅન્સરની દર્દી બનીને આવે ત્યારે આ યુવા કૅન્સર સ્પેશિયલિસ્ટને એમાં પોતાની મા દેખાય છે. પોતાની માતાને જે સારવાર ન કરી શક્યા તે સારવાર અન્યોને કરતી વખતે એમના માંહ્યલામાં કદાચ કંઈ જુદી જ સંવેદના ઝંકૃત થઈ જતી હશે…
– – –
તાજા કલમઃ કૅન્સરના આ સુપર સ્પેશિયલિસ્ટ ઓન્કોલોજી સર્જન છે. રાજકોટની એક જાણીતી કૅન્સર હોસ્પિટલ સાથે તેઓ સક્રિય છે. એમને પોતાની પર્સનલ પબ્લિસિટીમાં નહીં, પણ કૅન્સર પ્રકારની બીમારીઓ સાથે રાતદિવસ કામ કરતાં ડૉક્ટરોનાં જે માનવીય પાાસાં લોકોના ધ્યાન બહાર રહી જાય છે, તેને ઉજાગર કરવામાં રસ છે. તેથી એમનું નામ અહીં જાહેરમાં લખતો નથી. છતાંય જો તમને એમના વિશે વધારે વિગતો જોઈતી હોય તો મને વ્યક્તિગત રીતે મૅસેજ કરી શકો છો.
– શિશિર રામાવત
#Cancer #DoctorsLife #TakeOff #DivyaBhaskar #ShishirRamavat
Leave a Reply